બાલભારતી નાટ્યશાળા પ્રસ્તુત નાટક “એક રમત”ની ભજવણી
(૩૩૦ શબ્દો)
રવિવાર તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ ની સાંજે બાલભારતી ખાતે
ગુજરાતી નાટક “એક રમત” ના પ્રયોગની પાવરપેક્ડ ભજવણી જોઇ.
બ્રિટીશ વાર્તાકાર રોઆલ્ડ ડાહની એક વાર્તા પર આધારિત આ
નાટકમાં પરિસ્થિતિ ભારે નાટ્યપૂર્ણ છે. બગીચામાં બેઠેલાં એક પ્રેમીયુગલની
પ્રેમગોષ્ઠીમાં ખલેલ પહોંચાડે છે એક શ્રીમંત નબીરો. યુગલમાંના યુવકને એ ઉશ્કેરે છે
કે મારી સાથે શરત લગાડ. શરત એ છે કે યુવકે પોતાની પાસેનું સિગારેટ લાઈટર દસ વખત એક
જ ઝટકામાં સળગાવવાનું. જો એ જીતી જાય તો સામે ઊભેલી શ્રીમંત નબીરાની શાનદાર જગુઆર
યુવકની. પણ એ હારી જાય તો? શરત હારી જાય તો એની ટચલી આંગળી વાઢી લઈને પેલો નબીરો પોતાના
અમૂલ્ય સંગ્રહમાં વધુ એક આંગળીનો ઉમેરો કરશે!
શરત સાંભળીને યુવક અને એની પ્રેમિકા ચોંકી ઊઠે છે. પ્રેમિકા
પ્રેમીને આવું સાહસ કરવાની ના પાડે છે. પણ યુવકને એક તો પોતાના લાઈટર પર વિશ્વાસ
છે અને બીજું, પેલી શાનદાર જગુઆર એને લલચાવી રહી છે.
એ હા પાડે છે ત્યાં પહેલો અંકનો ડ્રોપ છે.
શું થાય છે બીજા અંકમાં? યુવાન શરત જીતે છે કે હારે છે? એ જગુઆર મેળવે છે કે ટચલી આંગળી ગુમાવી દે છે?
નાટકમાં રહસ્ય સરસ જળવાયું છે, અંતમાં જબરો વળાંક છે.
નાટકનું પ્રોડક્શન આલા દરજ્જાનું. પહેલા અંકમાં બગીચાનું
દ્રશ્ય અને બીજા અંકમાં હોટલના આલીશાન ઓરડાનું દ્રશ્ય. આ બંને માટે શક્ય એટલી
ઉપલબ્ધ સામગ્રી ભેગી કરીને પ્રસ્તુતકર્તાએ નાટકની પ્રોડક્શનવેલ્યુ ઘણી વધારી દીધી
છે. જરૂર પડ્યે ટચલી આંગળી કાપવા માટે આવેલો કસાઈનો છરો જોઇને પ્રેક્ષકગૃહમાં
સન્નાટો ફેલાઈ ગયો હતો.
પાત્રોની વેશભૂષા આબાદ. દરેક પાત્ર માટે વિચારપૂર્વકની
વસ્ત્રપરિકલ્પના થઇ છે. પ્રેમી યુવકયુવતી,
શ્રીમંત નબીરો જેવા મુખ્ય પાત્રોની ઉપરાંત અંતમાં પ્રગટ થતી એની પત્ની, એક
ત્રાહિત આદમી જે રેફરી બને છે એની અને હોટલના વેઈટર જેવા ગૌણ પાત્રોની વસ્ત્રપસંદગી
પણ કાળજીપૂર્વક થઇ છે.
અંતની ચમત્કૃતિ માટે શ્રીમંત નબીરાની પત્નીનો એક હાથ જે
સ્થિતિમાં રજૂ થયો એની તૈયારી માટે પ્રોસ્થેટીક્સ જોડે કલાકારે બે કલાક વીતાવવા
પડ્યા હતા! વાહ! આને કહેવાય, કળા માટેની લગન.
નાટકમાં ભાગ લેનારા કલાકારોની યાદી આ પ્રમાણે: અર્પિત શેઠ,
પૂજા રાજા, આયુષ ભીમજિયાણી, ચિરાગ વિનોદ કોટડિયા, સાહિલ મહેતા અને દ્રષ્ટિ
વઢેલ. લેખન-દિગ્દર્શન હેમાંગ તન્ના.
એકંદરે, સરસ નાટયાનુભવ.
--કિશોર પટેલ, 28-12-21; 11:20
###
No comments:
Post a Comment