Tuesday, 14 December 2021

મુંબઈ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ


 

મુંબઈ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ

 

(૨૦૦૨ શબ્દો)

પરંપરા પ્રમાણે આ વર્તમાનપત્રે આ વર્ષે પણ મોટી સંખ્યામાં (૩૯) વાર્તાઓનો રસથાળ રજૂ કર્યો છે.

કુંપણનું આકાશ (અજય સોની): જે રસ્તે એક વાર ઠોકર ખાઈ ચૂકી છે એ રસ્તે નાયિકાને ફરીથી જવું નથી, આભાસી પ્રેમસંબંધમાં એ ફરી પડવા માંગતી નથી. વાર્તામાં એક સ્ત્રીની મક્કમતાનું આલેખન થયું છે. 

ઋણ (હરીશ થાનકી): ઋણસ્વીકાર.  એક નવપરિણીતા દાંપત્યજીવનની શરૂઆત કરતાં પહેલાં કોઈકનું ઋણ ફેડવા ઈચ્છે છે. એના શિયળની રક્ષા કાજે જેણે પોતાનું બલિદાન આપ્યું હતું તેનો પાળિયો પૂજવા એ જાય છે. આ રહસ્યથી છેક જ અજાણ એવા પતિના દ્રષ્ટિબિંદુથી રસ પડે એવી રજૂઆત.  

આખો રૂપિયો (રજનીકુમાર પંડ્યા): આ વરિષ્ઠ લેખકની પ્રો.આત્મારામ શ્રેણીની વાર્તા. એક આદમી પોતાનામાં રહેલી નબળાઈઓનો ઈલાજ કરવાને બદલે પત્નીને સુધારવા નીકળે છે. હળવી શૈલીમાં સરસ રજૂઆત. 

રિટાયરમેન્ટ (માવજી મહેશ્વરી):`આપણી કુટુંબવ્યવસ્થામાં સ્ત્રીઓના એક મોટા વર્ગને ઘરનું કામ કરવામાં જ સાર્થકતા અનુભવાય છે. જાણે ફક્ત એટલું એક કામ કરવા જ ધરતી પર જન્મ લીધો હોય. વાર્તામાંના બંને સ્ત્રીપાત્રો આ જ વર્ગની છે. ઘરમાં નવી નવી આવેલી પુત્રવધુએ ઝડપથી ઘરની જવાબદારીઓ સંભાળી લઈને સાસુ નીતાબેનને નિવૃત્ત કરી દીધાં એટલું જ નહીં, જે અડિયલ પુત્રને સાસુએ લાડ કરીને બગાડ્યો હતો એને પણ સીધી લાઈન પર લાવી દીધો. જેમનું એકચક્રી શાસન ઘર પર ચાલતું હતું એવા નીતાબેન આ બધું જોઇને જાણે જીવનયુધ્ધમાં પરાસ્ત થયાં હોય એવી લાગણી અનુભવવા લાગે છે. પાત્રો જીવંત અને વાસ્તવિક લાગે એવું પાત્રાલેખન થયું છે.  

સ્યુસાઈડ બોમ્બર (સરદારખાન મલેક): ગરીબી અને બેકારીથી કંટાળીને નાયક આત્મઘાતી હુમલાખોર બને તો છે પણ એનો માંહ્યલો પૂરો વટલાયો નથી. એક માર્ગઅકસ્માતમાં ઘાયલ થયેલા બાળકને હોસ્પિટલ પહોંચાડીને એ આતંકવાદીઓની પરીક્ષામાં નાપાસ થાય છે પણ માનવતાની પરીક્ષામાં પાસ થાય છે. વાર્તા ઝડપથી આટોપાઈ ગઈ છે. નાયકના માનસિક સંઘર્ષનું વિગતે આલેખન કરવાની સુવર્ણતક લેખક ચૂકી ગયા છે.

અંધારી (રમણ નડિયાદી): સીમમાં આંબાનું રખોપું કરતા પરભાને ભૂખ લાગી છે પણ ઘેરથી ભાથું લઈને આવવામાં પત્નીને મોડું થયું છે. પેટમાં લાગેલી આગથી પરભો હેરાન છે. પરભાની મન:સ્થિતિનું આલેખન સરસ થયું છે. ગ્રામ્ય પરિવેશમાં સંસ્કૃતની છાંટવાળા શુદ્ધ ગુજરાતી શબ્દોના બદલે સરળ ભાષાનો પ્રયોગ વધુ ઉચિત લાગ્યો હોત.         

ખાલીપો (હસમુખ અબોટી ‘ચંદન’): સાગરકથાઓ લખવા માટે જાણીતા લેખકની આ વાર્તામાં વહાણના માલિક દ્વારા વહાણના કર્માચારીની સ્ત્રીના થતાં શારીરિક શોષણની વાર્તા રજૂ થઇ છે. ઘેર બેઠાં જશી ખાલીપો અનુભવે છે. એનો સમય જતો ન હતો એટલે એ સાસુ ભેગી શેઠની હવેલીએ કામ પર જવા માંડી. માલિક હરિદાસની મેલી નજર જશી પર પડે છે. જશીના  ધણી હંસરાજને  દરિયો ખેડવાનું કામ ગમતું નથી. એ મકાનોનું રંગકામ કરે છે. હંસરાજને સારા પગારની લાલચ આપી શેઠ હરિદાસ માલમની નોકરીએ રાખી લે છે. હંસરાજને વહાણ જોડે દરિયો ખેડવા મોકલી આપીને શેઠ પોતાનો બદઈરાદો પાર પાડે છે. હંમેશની જેમ આ લેખકની વાર્તામાંથી દરિયાખેડૂઓના વ્યવસાયની પરિભાષાનો પરિચય મળે છે.            

સવા અગિયારથી ...(નીતિન ત્રિવેદી): ક્થકને અગોચર તત્વનો અનુભવ થાય છે. એક મિત્ર એને મળીને જાય પછી એને જાણ થાય છે કે મુલાકાતી મિત્ર તો એક માર્ગઅકસ્માતમાં  દોઢ-બે કલાક પહેલાં જ મૃત્યુ પામ્યો છે. અંત અણધાર્યો નથી. આવી અઢળક વાર્તાઓ આવી ગઈ છે.

ત્રિકોણનો ત્રીજો ખૂણો (ડો. રમણ માધવ): જેની જાતીય ઓળખ સ્પષ્ટ નથી એવા એક પાત્રની દુઃખભરી કથા. વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિનો ઉપયોગ થયો છે. એક વાર્તાકાર વાર્તાના વિષયની શોધમાં છે અને બારીમાંથી રસ્તે જતાં એક જણની પીઠ જોતાં જ જૂની સ્મૃતિ જીવંત થાય છે. એ પાત્ર લેખકની સામે આવી જાય છે અને પોતાની કથા સંભળાવે છે. ઘડીકમાં એ પોતાને સ્ત્રી તરીકે ઓળખાવે છે તો ઘડીકમાં પુરુષ તરીકે. જો કે એ જ એની મૂંઝવણ છે કે પોતે કોણ છે. મૂળ વાત તો સારી છે, અનોખી છે પણ રજૂઆતમાં મેદ ઘણો છે. કેટલીક જગ્યાએ પ્રલાપ જેવું લાગે ત્યાં રસભંગ થાય છે. કાપકૂપ કરીને વ્યવસ્થિત કરી શકાય એવી સારી વાર્તા છે.     

નિયંત્રણ (રાજેશ અંતાણી): નોકરીમાં ઊંચા પદ પર કામ કરતાં સત્તાનો સ્વાદ ચાખી ગયેલાં માણસો નિવૃત્ત થયાં પછી સત્તાહીન સ્થિતિ જોડે અનુકૂલન સાધી શકતાં નથી. એવા એક પાત્રની કહાણી. સીધી સાદી સરળ રજૂઆત. વાર્તા ટૂંકાવીને ચુસ્ત કરી શકાય એવી છે.

કાચો બરફ (અનિલ રાવલ): દીકરીના લગ્નટાણે જાનને કંઇક નવું જ જમાડવું છે એવું વિચારતાં કન્યાના પિતા ગામડામાં અશક્ય લાગે એવી આઇટમની ઈચ્છા રાખે છે. એમની એ મહેચ્છા પૂરી કરવા ઘરનાં છોકરાં, જમાઇ અને રસોઈયો વગેરે સહુ મચી પડે છે. સરપ્રાઈઝ આઈટમનું મિશન કેવી રીતે પાર પડે છે એનું નાટ્યપૂર્ણ આલેખન. જે ગામમાં બરફનું કારખાનું નથી, બરફ સાચવવાની સગવડ નથી એવા ગામડામાં સમય પર ઠંડો શ્રીખંડ કેવી રીતે હાજર થયો એની આ મઝાની વાર્તા છે. લાંબી વાર્તાની લંબાઈ કઠે નહીં એવી રસપૂર્ણ રજૂઆત. ડઝનબંધ પાત્રો છે પણ ક્યાંય નામના કે સગપણનાં ગોટાળા ના થાય એવી સફાઈભરી રજૂઆત.      

મસીહા (મનહર રવૈયા): અગોચર તત્વની વધુ એક વાર્તા. આ જ અંકમાં નીતિન ત્રિવેદીની વાર્તા “સવા અગિયારથી...”માં મૃત મિત્ર નાયકને મળવા આવે છે એમ આ વાર્તામાં મૃત પ્રેમી મુશ્કેલીમાં મૂકાયેલી નાયિકાને અણીના સમયે બચાવવા આવી પહોંચે છે. આ વાર્તામાં મુખ્ય ઘટના પર આવતાં વાર્તાકાર ઘણું ફૂટેજ ખાય છે. વાર્તાની લંબાણપૂર્વક માંડણી કરવાને બદલે કટોકટીભરી મુખ્ય સ્થિતિથી શરુ કરીને અનુષાંગિક વાતો ઘટનાની વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે કહી શક્યા હોત. જૂનો વિષય, સામાન્ય રજૂઆત.    

ચાવી (જ્યોતીન્દ્ર પંચોલી): સંસ્કારહીન માણસો કઇ રીતે સમાજ માટે ઘાતક બનતા હોય છે એની વાત. આશ્રમમાં રોજેરોજ કબાટોની ચાવીઓ ગુમાવા માંડે છે. જાણ થાય છે કે ચાવીઓની આ ચોરી પાછળ આશ્રમમાં નવો દાખલ થયેલો એક છોકરો જવાબદાર છે. આ છોકરાના ખુલાસાથી જાણવા મળે છે કે એના એવા વર્તાવ માટે એના વ્યસની પિતા દ્વારા આચરાયેલો એક ગંભીર ગુનો છે. સામાન્ય રજૂઆત.     

કાગવાસ (ઇસુ ડભાણિયા): એક સામાન્ય બુદ્ધિની કન્યાની સામાન્ય પ્રેમકથા.  

આશાનો આખરી તંતુ (કિરણ વી. મહેતા): સ્વજનોથી વિખૂટા પડ્યાની વેદના.  ઉગ્ર સ્વભાવના પિતાના ઠપકાથી ઘર છોડી ગયેલો યુવાન વર્ષો બાદ પરિવારની યાદ આવતાં ઘેર જાય છે. એ ઘરના નવા માલિક પાસેથી જાણવા મળે છે કે વરસો પહેલાં એના પિતાના મૃત્યુ પછી એની મા અને બહેન ઘર વેચી બીજે ક્યાંક રહેવા જતાં રહ્યાં હતાં. આશાનો આખરી તંતુ તૂટી જાય છે. કરુણાંત વાર્તા.

આંતરધ્વન્ધ્વ (હિતા મહેતા): પિતા અને મોટાભાઈની સતત અવગણનાથી ત્રાસેલો ભગો પોતાની ઓળખ બનાવવા ઈચ્છે છે. જયારે એવી એક તક એને મળે છે ત્યારે હિંમતના અભાવે કંઇ જ કરતો નથી. છેવટે એ સ્વીકારી લે છે કે પોતાનામાં કંઇ માલ નથી. ભગાના માનસિક ધ્વન્ધ્વનું સરસ આલેખન. પ્રવાહી અને મુદ્દાસર રજૂઆત. સારી વાર્તા. 

પરીક્ષા (રાઘવજી માધડ): પરીક્ષકની જ પરીક્ષા થઇ જાય છે એની વાત. એક વિધવા પોતાના પુત્રના માર્ગદર્શક તરફથી મળેલા લગ્નના પ્રસ્તાવ પછી મનોમંથનમાં પડી છે. પુત્રનું ભણતર હજી અધૂરું હોવાથી એ ઈચ્છે છે કે પુત્ર સહિત એને આવકાર મળે. એની એવી ઈચ્છા જાણ્યા પછી સામે પક્ષેથી કોઇ પ્રતિભાવ મળતો નથી. પરીક્ષક પોતે પરીક્ષામાં નાપાસ થયો. સારી વાર્તા.  

સંધ્યાના રંગો (અવિનાશ પરીખ): એક મોટા ગણાતા ફિલ્મદિગ્દર્શકના ઘેર જઇને એક સ્ત્રી માંગણી કરે કે મારી દીકરીને તમારી ફિલ્મમાં હિરોઈન બનાવો. એક નજર પેલી કન્યા પર નાખીને દિગ્દર્શક એની વાત માની લે. આ રીતે ફિલ્મ બનતી હોય છે?  દિગ્દર્શક અને પેલી સ્ત્રી વચ્ચે જૂનાં સંબંધ પુનર્જીવિત થાય! ફિલ્મોધ્યોગમાં જેનું મોટું નામ કહેવાય એના તરફથી કોઇ સંઘર્ષ નહીં!  અતાર્કિક વાર્તા.

તેં પહેલાં મને કહ્યું કેમ નહીં? (કિશોર અંધારિયા): પ્રેમકથા. જેને ચાહે છે એને કોઇ છોકરા જોડે જોઇને નાહિંમત થઇને પ્રસ્તાવ આપતો નથી. પછી જાણ થાય કે એ તો એનો ભાઈ છે. માતાને ભાગેડુ બતાવવાની જરૂર ન હતી. એનો આઘાત લાગ્યો હોય એની વાર્તા આવી ના હોય, એ જુદો જ વિષય છે. માતાનો ઉલ્લેખ જ સમૂળગો રદ કરવાથી વાર્તામાંથી મેદ પણ ઘટી જશે. જૂનો વિષય, સામાન્ય રજૂઆત.   

વાહ બુટિયા (સદાશિવ વ્યાસ): ગામડાના એક વાળંદનું રેખાચિત્ર અને એ નિમિત્તે ગામમાં ચાલતાં રાજકારણનું શબ્દચિત્ર. બુટિયાનું પાત્ર રસપૂર્ણ ચિતરાયું  છે. જેમાં એની ચાલાકી ક્રિયાન્વિત થઇ હોય એવા એકાદ પ્રસંગનું આલેખન થયું હોત તો કંઇક વાર્તા જેવું બન્યું હોત. જે પ્રસ્તુત થાય છે એ તો અવાર્તા છે.

દત્તક (ડો. મનીષા પટેલ): પતિ-પત્ની વચ્ચેના વિચારભેદના પરિણામે સર્જાયેલી કરુણાંતિકા. પ્રેમમાં પડીને એકબીજાના વિચાર જાણ્યા સિવાય ઉતાવળે પરણી જવાથી પાછળથી સમસ્યા ઊભી થતી હોય છે.

વિષય-વસ્તુ સારો છે પરંતુ માવજત છેક જ પ્રાથમિક કક્ષાની છે. રાહુલ કારકિર્દીલક્ષી હતો. એને બાળક જોઇતું ન હતું, પ્રિયાએ  નભાવી લીધું, પણ એ મૃત્યુ ક્યારે પામી? યુવાનીમાં કે વૃદ્ધ થયાં પછી?  રાહુલ યુવાનમાંથી વૃદ્ધ થઇ ગયો એ વચ્ચેનો પચીસ-ત્રીસ વર્ષનો ગાળો ક્યાં ગયો? શું આ સમય દરમિયાન રાહુલમાં કંઇ જ પરિવર્તન આવ્યું નહીં? ગળે ના ઊતરે એવી વાત છે. અચ્છા, વૃધ્ધાશ્રમમાં વિદેશી મુલાકાતી અને રાહુલ વચ્ચે શું વાતો થઇ? ક્થકે કહ્યા પ્રમાણે રાહુલને જો પોતાના વીતેલા ભૂતકાળનો પસ્તાવો થતો હોય તો એની વાતોમાં એ દેખાવો જોઈએ. મુલાકાતીને લાગવું જોઈએ કે આ એકલવાયો વૃદ્ધ તો પરિવારના પ્રેમને ઝંખે છે. જો એ મુલાકાતી એમ કહેતો હોય કે આ માણસ અમારા બાળકો જોડે હળીભળી નહીં શકે તો એનો અર્થ એવો થયો કે કથક ખોટો છે અથવા રાહુલ ખોટો છે અથવા મુલાકાતી પોતે ખોટું બોલે છે. રાહુલ વિષે આશ્રમના અધિકારીએ નકારાત્મક અભિપ્રાય આપ્યો હોત તો એ હજી સમજાય કે રાહુલ વિશે એનું એવું નિરીક્ષણ હશે. માનવીય સ્વભાવ વિષે ઝાઝો વિચાર ન કરતાં લખાયેલી રચના.     

હું અને હિમજા (લીના વચ્છરાજાની): પૂર્વ અને પશ્ચિમના બે દેશો વચ્ચે સંસ્કૃતિભેદની વાત. અમેરિકાની પાશ્ચાત્ય જીવનશૈલી માફક ના આવતાં નાયક સ્વદેશ પાછો ફરે છે.  

એ જમાના ગયા (નીલમ દોશી): ઉતાવળી ધારણાઓ.  રજા પર અમેરિકાથી ફરવા આવતા પુત્રને જૂનું નહીં ગમે એવું વિચારી માતાપિતાએ જૂની ચીજવસ્તુઓ કાઢી નાખી ઘરની સજાવટ નવી કરાવી. બીજી તરફ પુત્રને જૂનાં ઘરની સ્મૃતિઓ જોડે ફરી સાક્ષાત્કાર થશે એવો રોમાંચ છે.  બંને પક્ષે આઘાતજનક પરિસ્થિતિ ઊભી થવાની છે. સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિના સંકેત. સારી વાર્તા.

સથવારો (યોગેશ પંડ્યા): વાર્તાની શરૂઆત કરી નવપરિણીત દંપતી વચ્ચેનાં પ્રેમથી અને અંત કર્યો એક ક્રૂર માતાનું અસલી રૂપ ઓળખી ગયેલા પુત્રના અફસોસથી. વિષય વિનાની વાર્તા એટલે સઢ વિનાની હોડી. 

ધરાર દીકરો (દક્ષા ઝાલાવાડિયા ‘લાગણી’): કુછંદે ચડેલા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું. વિધવા બનેલી યુવાન પુત્રવધુને પિતાએ પોતાની દીકરી ગણીને એના પુન:લગ્ન કરાવ્યાં, એને નવા સાસરે વળાવવાના બદલે તેના નવા પતિને પોતાને ત્યાં ઘરજમાઈ રાખ્યો. જમાઈ ડાહ્યો નીકળ્યો એટલે પિતા એને ધરાર દીકરા તરીકે ઓળખાવવા લાગ્યા.       

પ્રતીક્ષા (કેશુભાઈ દેસાઈ): વરિષ્ઠ લેખક તરફથી મળેલી વિધર્મી નિવૃત્ત સરકારી અધિકારી અને હિંદુ વિધવાની સંઘર્ષપૂર્ણ પ્રેમકથા. પરિસ્થતિ એવી ગૂંચવાડાભરી છે કે આ બે પ્રેમીઓ ક્યારેય એક થઇ શકશે કે કેમ એ એક પ્રશ્ન છે. 

દાવ જીવતરનો (રાજેશ ચૌહાણ): એક કોડભરી કન્યાના લગ્ન છેતરપીંડીથી અશિક્ષિત અને મોટી ઉંમરના પુરુષ જોડે થાય છે. પિતાની નબળી આર્થિક સ્થિતિ તેને પડ્યું પાનું નિભાવી લેવા મજબૂર કરે છે. નાયિકાની પીડાનું આલેખન સારું, વિષય જૂનો, માવજત સામાન્ય.  

નિર્ણય (જયેશ સુથાર): અધૂરી પ્રેમકથા. સામાન્ય સ્થિતિની કન્યા અને શ્રીમંત કુટુંબના યુવકની પ્રેમકથા. યુવકના પિતા માંડ માંડ આ લગ્ન માટે રાજી થાય છે ત્યાં નવું વિઘ્ન ઊભું થાય છે. નાયિકાના શરીરે ત્વચાના અસાધ્ય રોગના લક્ષણો દેખાયાં છે. હવે શું થશે જેવા પ્રશ્ન સાથે વાર્તાનો અંત આવે છે.   

પેઈંગ ગેસ્ટ (ડો.મનહર ઠાકર): નિવૃત્તિ પછી નાયક દીકરા-વહુ તરફથી અવગણના અનુભવે છે. પૌત્ર અને દાદાના સંવાદોથી દીકરા-વહુની આંખો ખૂલે છે. માવજત બોધકથા જેવી. રજૂઆત સામાન્ય.  

ભાવવિશ્વ (પ્રફુલ કાનાબાર): ગલગલિયાં કરાવતું લેખન કરીને આજીવિકા રળતા લેખકને પત્નીએ સુમાર્ગે વાળ્યો. બોધકથા.   

હસતું હસાવતું ફૂલ (દુર્ગેશ ઓઝા): સામાન્ય સ્થિતિની પણ ખુમારીવાળી ફૂલવાળી છોકરીનું રેખાચિત્ર. વાર્તામાં તાંત્રિક દોષ છે. પહેલા પુરુષ એકવચનમાં કહેવાતી વાર્તામાં એક અગત્યનો પ્રસંગ ત્રીજા પુરુષમાં કહેવાય છે! જે સ્થળે કથક ગેરહાજર છે ત્યાં થતી વાતચીત એ કેવી રીતે સાંભળે શકે? કથક બદલવાનો પ્રયોગ નથી પણ ગોસમોટાળો છે. ત્રીજા પુરુષમાં વ્યવસ્થિત વાર્તા લખી શકાઇ હોત.      

આરજુ (હર્ષદ રાઠોડ): પ્રેમકથા. બે પ્રેમીઓનું પુનર્મિલન. સુખદ અંત. રજૂઆત સામાન્ય.

પાણીદાર (નટવર ગોહેલ): કોઇ લગ્નોત્સુક કન્યા કેવો વર પસંદ કરે? બીકણ કે બહાદુર?  પિતાને દીકરાની ખોટ ના સાલવા દે એવી કન્યા બહાદુર યુવકને લગ્ન કરવા માટે પસંદ કરે છે. સુખાંત વાર્તા.  

ચુંબન (ગિરિમા ઘારેખાન): આઠ સરખેસરખાં યુવક-યુવતીઓ કોંકણ રેલ્વેની યાત્રામાં એક લાંબી ટનલ પસાર થાય તે છવાયેલાં અંધકારમાં એક જોડકું ચુંબન ચોરી લે છે. કોણે કોનું ચુંબન લીધું એ રહસ્ય ખુલ્લું થતું નથી. મેઘા અને સ્મિતા બંને સખીઓ અનેક શક્યતાઓ વિચારે છે. બેમાંથી એક કન્યા કદાચ ખોટું બોલે છે પણ કોણ? યૌવનસહજ સાહસનું રસપ્રદ આલેખન. નોખો વિષય, નોખી રજૂઆત. સરસ વાર્તા. 

ઓથાર (ચંડીદાન ગઢવી): લગ્નબાહ્ય સંબંધની પત્નીને જાણ થઇ ગઈ છે એવા ડરથી વાર્તાનો નાયક ભયભીત છે. પોતાનો અપરાધ કબૂલ કરીને પત્નીની માફી માંગી લેવા એ તત્પર થયો છે ત્યાં કોથળામાંથી નવું જ બિલાડું નીકળે છે. અંતની ચમત્કૃતિ સરસ. નાનકડી રસપ્રદ વાર્તા.    

શ્યામા (નીલા સંઘવી): આંધળે બહેરું. ગેરસમજની ગમ્મત. રસપ્રદ રચના.    

વિકલ્પ (પૂજન જાની): જ્યાં આત્મસન્માનની વાત આવે ત્યાં સમજૂતી શા માટે કરવી? વિપરીત પરિસ્થિતિમાં પણ નાયક હિંમતભર્યો નિર્ણય લે છે. નાયકના મનોભાવોનું આલેખન સરસ. રસપ્રદ રચના.  

સિકસ્થ સેન્સ (અજય ઓઝા): નાયિકા ચતુર અને ચાલાક છે. એક તરફ ઓફિસના એક જુનિયર પુરુષ જોડે એના લગ્નબાહ્ય સંબંધ વિકસી રહ્યાં છે અને બીજી તરફ ફોન પર પતિ જોડે સતત સપર્કમાં રહીને એ પતિને ભરોસો અપાવે છે કે એ તો એની જ છે, શંકા-કુશંકા ના કરે. વાર્તામાં સ્વરૂપ જોડે પ્રયોગ થયો છે. સંપૂર્ણ વાર્તા ટેલિફોન પર એકોક્તિ સ્વરૂપે છે. સરસ પ્રયાસ! 

મયૂરપીંછ (રામ જાસપુરા): કરુણરસથી છલોછલ વાર્તા. નાયકે નાનપણમાં જેમ માતા ગુમાવી તેમ એના દીકરાએ પણ માતા ગુમાવી. પોતાનું દુઃખ યાદ કરીને નાયક પુત્રના દુઃખ જોડે સમરસ થાય છે.

--કિશોર પટેલ, 15-12-21;10:44

###                 

No comments: