Friday, 17 December 2021

ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ





 


ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ

(૨૧૨૬ શબ્દો)

ગુજરાત સરકારના માહિતી વિભાગ તરફથી પ્રસિદ્ધ થતાં આ દળદાર વાર્ષિક અંકમાં આ વર્ષે કુલ ૩૨ વાર્તાઓ છે.

જીવવું (મોહમ્મદ માંકડ): પુત્રવિયોગની પીડા. એપેન્ડીક્સના સામાન્ય ઓપરેશન વખતે અચાનક જુવાન દીકરાનું હ્રદય અટકી પડ્યું. જીવનમાં દરેક ક્ષેત્રે સફળ થયેલા મંગળદાસ માટે એ કારમો ઘા હતો. એ પછી એ જીવવા ખાતર જીવતા હતા. વાર્તામાં સમાંતરે નેપોલિયન જે વોટરલૂના યુધ્ધમાં હાર્યો હતો એની વાત એક રૂપક તરીકે આવે છે. સારી વાર્તા.     

રાત પૂરી થઇ (ડો.દિનકર જોશી): સ્ત્રી-પુરુષ સંબંધ. એકમેકથી પરિચિત એવાં પિતા-પુત્રી સમાન પુરુષ અને સ્ત્રીને એકાંતમાં મૂકાયા છે. આખા દિવસના કામથી થાકેલા હસમુખકાકાને છ વર્ષ પૂર્વે મૃત્યુ પામેલી પત્નીની યાદ સતાવે છે. મિત્રની દીકરી ચંપાને તેઓ પૂછે છે કે એનો લગ્નવિચ્છેદ થયે કેટલો સમય વીતી ગયો? “સત્તર વર્ષ” એવો જવાબ આપ્યા પછી ચંપાનું મન પણ વિચારે ચડે છે. બંનેની માનસિક સ્થિતિ એવી છે કે કંઇ પણ થઇ શકે છે. આમ ભાવકના મનમાં વાર્તા આગળ વધે છે. સરસ વાર્તા.  

પેટ્રોલનો કૂવો (રજનીકુમાર પંડ્યા): ગેરસમજનો ગોટાળો. અપેક્ષિત અંત. હળવી શૈલીમાં પ્રવાહી રજૂઆત.

કહાં જાના હૈ (વર્ષા અડાલજા): પિતા-પુત્ર સંબંધની વાત. પુત્રની ફરિયાદ છે કે નોકરી છૂટી જતાં પિતા ઘેર બેકાર બેઠા રહ્યા એટલે માતાએ નોકરી કરવી પડી. પ્રવાહી રજૂઆત.  

એક્સ્ટ્રા (ડો. કેશુભાઈ દેસાઈ): એક વરિષ્ઠ નાગરિકની સમસ્યા. શરીરથી વૃદ્ધ પણ મનથી જુવાન રહેલા નિવૃત્ત પોલીસ અધિકારીની વિધુર થયા પછી કથળેલી માનસિક સ્થિતિની વાત.  દીકરીના ઘેર રહેવા જતાં એમની સ્થિતિ વધુ બગડે છે. પાડોશના યુવાનના બદલે દીકરીના ઘરના એકાદ સભ્યને કથક બનાવીને વાર્તા કહેવાઇ હોત તો વધુ યોગ્ય રહેત.

ગુલમહોર (ડો. ચંદ્રકાંત મહેતા): બોધપ્રધાન વાર્તા. સિધ્ધાંતવાદી પિતાનો પુત્ર અંશુલ પિતાના મિત્રની મદદથી એક શ્રીમંત શેઠના જમાઇ બનીને રાતોરાત શ્રીમંત બનવાના સ્વપ્નાં જુએ છે. પણ પેલા શ્રીમંત શેઠ પણ સિધ્ધાંતવાદી છે. અંશુલ નિરાશ થાય છે. વાર્તામાં તાંત્રિક દોષ છે. વાર્તા વારંવાર પ્રથમ પુરુષ એકવચન અને ત્રીજા પુરુષ એકવચન કથનશૈલીમાં ઝોલાં ખાય છે. આ વરિષ્ઠ લેખકની વાર્તાઓનો મુખ્ય સૂર સમાજપ્રબોધન હોય છે, આ વાર્તા એમાં અપવાદ નથી.       

પ્લીઝ...મારા પપ્પા પાછા આપો! (રમેશ ર. દવે): પિતાના લગ્નબાહ્ય સંબંધના કારણે માતાની પીડા જોઇ ન શકતી દીકરી પિતાની પ્રેમિકાને મળવા જાય છે.  પિતાના જીવનમાંથી હઠી જવા એ સ્ત્રીને એ મનાવી લે છે. અપરાધભાવના કારણે પિતા આત્મહત્યા કરી લે છે. વાર્તાની રજૂઆતમાં પ્રયોગ થયો છે.  ત્રણ મુખ્ય પાત્રોની રોજનીશીના વેરવિખેર પાનાં દ્વારા સંપૂર્ણ વાર્તાની રજૂઆત થાય છે. દીકરી, પિતા અને પિતાની પ્રેમિકા એમ ત્રણે મુખ્ય પાત્રોના મનોભાવો ભાવકને જાણવા મળે છે. સારી વાર્તા.     

ખેલ (રાઘવજી માધડ): એકાદ વાર્તા લખવાનો વિષય મળી જાય એવા હેતુથી નાયક ભવાઈનો ખેલ જોવા રોકાઇ જાય છે. ભવાઈમાં રાજા ભરથરી અને પિંગળાનો વેશ જોઇને તેને પોતાના જ ઘરની ઘટના યાદ આવે છે. ભરથરીએ પોતાને મળેલું અમરફળ રાણી પિંગળાને આપ્યું અને પછી તે ફરતું ફરતું રાજા પાસે પાછું આવ્યું હતું. કંઇક એ જ રીતે નાયકે કોરોનાનો રામબાણ ઉપાય થઇ શકે એવી દવા પત્નીએ સાચવવા આપી હતી. ખરે ટાણે એ દવા એની પત્ની હાજર કરી શકતી નથી.  અહીં વાર્તાનો અંત આવે છે. ભાવકના મનમાં વાર્તા વિકાસ પામે છે, ખરેખર શું થયું હશે? સારી વાર્તા.

શેફાલી ફૂલનું નામ છે (રમેશ ત્રિવેદી): મૃત દીકરીની સ્મૃતિ. નિશાળે ભણતી કન્યાના મુખે વાર્તા કહેવાઇ છે. વાર્તામાં બે મુખ્ય પાત્રો છે, ગંભીર રોગથી પીડાતી શેફાલી નામની કથકની એક બહેનપણીને જોઇને દાદાને નાની ઉંમરમાં મૃત્યુ પામેલી પોતાની દીકરીની યાદ આવે છે. અહીં ફૂલ એક ટૂંકી આવરદાનું પ્રતિક બન્યું છે.

લાપશી (ભી.ન.વણકર): હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજની વાત. દલિત કોમની બાળકીને લાપશી જેવી વસ્તુ પણ આકાશકુસુમવત છે. પાણીના ઘડાને અભડાવ્યો એમાં રોકડા વીસ રૂપિયા દંડ! દંડ ના ભરાય ત્યાં સુધી એમનાં ઢોરનું છાણ-વાસીંદુ કરવાનું! રોજ કમાઈને રોજ ખાતાં શ્રમજીવીઓ દંડની રકમ રોકડમાં ક્યાંથી ભરે? દલિતો પાસે મફતમાં મજૂરી કરાવી લેવાની સવર્ણોની આ લુચ્ચાઈ વાર્તાકારે અધોરેખિત કરી છે. ગુજરાત રાજ્યમાં આજની તારીખે પણ આવો અન્યાય એક ગંભીર વાસ્તવિકતા છે. આપણા દલિત સાહિત્યમાં જો કે આ પ્રકારની ઘણી વાર્તાઓ આવી ગઈ છે.      

એ કોરેન્ટાઈન લવ સ્ટોરી (નીતિન ત્રિવેદી): પ્રયોગાત્મક વાર્તા. જય નામનો એક યુવાન કોરોના પોઝીટીવ જાહેર થયો છે, એ ચૌદ દિવસ એકાંતવાસમાં રહે છે. આ ચૌદ દિવસ દરમિયાન રોની નામની એક યુવતી એનું નિરીક્ષણ કર્યા કરે છે. આ રોની બીજું કોઇ નહીં પણ કોરોના નામની માંદગી સ્વયં છે. એકાંતવાસમાં જય હકારાત્મક પધ્ધતિએ માંદગીનો સામનો કરે છે તે જોઇને રોની એટલે કે કોરોના નામની માંદગી પારોઠના પગલાં ભરે છે. રજૂઆતમાં ચબરાકિયા સંવાદો ધ્યાનાકર્ષક બન્યાં છે. સારી વાર્તા.     

રિહર્સલ વિનાનું નાટક (નટવર પટેલ): દહેજભૂખ્યાં માતાપિતાએ જે વહુને મારી નાખવાનો પ્લાન બનાવ્યો એ જ વહુએ સસરાનો જીવ હ્રદયરોગના હુમલા ટાણે બચાવ્યો. જૂનો વિષય, નાટ્યાત્મક રજૂઆત, બોધપ્રધાન વાર્તા. 

ઓરતા (દશરથ પરમાર): આપણા સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ કરવામાં આવે છે. એ જ પ્રમાણે ગામડાંમાં ભેંસ વીયાય ત્યારે પાડી અને પાડા વચ્ચે પણ ભેદ કરવામાં આવે છે. નાયિકા જશી પિયરથી ભેટમાં મળેલી ભેંસ ભૂરી જોડે હમદર્દી અનુભવે છે કારણ કે એણે પોતે બે દીકરીઓને જન્મ આપ્યો છે અને ભેંસે પણ પહેલાં એક પાડો જાણ્યો હતો અને હવે પાછો એને બીજો પાડો અવતર્યો છે. જશીના સાસરિયાં જેમ જશીથી ખફા છે એમ ભૂરી ભેંસથી પણ નારાજ છે. ગામડાંનાં લોકોની માનસિકતાનું આબાદ આલેખન. નાયિકાની પીડાનું આલેખન હ્રદયસ્પર્શી છે. પાળેલા પ્રાણીનું તાદશ ચિત્રણ. ગ્રામ્ય બોલીનો સરસ પ્રયોગ. સરસ વાર્તા.      

નરગીસ (અલ્તાફ પટેલ): એક જબરદસ્તીની પ્રેમકથા. એક શ્રીમંત યુવકને એક વિધર્મી પરિણીત સ્ત્રી જોડે પ્રેમ થઇ જાય છે. આ બંનેને એક કરવા લેખકે મહેનત કરીને અગણિત ઘટનાઓની પરંપરા રચી છે. ટૂંકમાં, આ રચના વાર્તા નહીં, એક દીર્ઘ નવલકથાનો કાચો મુસદ્દો છે.

પાપમાં નથી પડવું (નીલમ દોશી): દાંપત્યજીવનમાં સ્ત્રીઓ પર આધિપત્ય જમાવી રાખવાની પુરુષોની માનસિકતા પર એક વિધાન. સુનિતા વિધવા બની એ પછી લહેરથી પોતાનું સ્વાતંત્ર્ય માણે છે એ જોઇને શ્યામાનો જીવ ખૂબ કોચવાય છે. એને થાય છે, મને પણ આવી છૂટ મળે તો? પછી એને થાય બધાંનું ક્યાં એવું નસીબ હોય છે? વિચાર કરો કે આપણા સમાજમાં પરિણીત સ્ત્રીઓ કેટલી હદે ગૂંગળામણ અનુભવતી હશે? સારી વાર્તા.

અહીં યાદ આવે છે મમતા ના ડિસે.’૨૦-જાન્યુ.’૨૧ અંકમાં પ્રસિદ્ધ થયેલી શ્રી.રામ જાસપુરા લિખિત  વાર્તા “સુખ.” એ વાર્તામાં વ્યસની અને બેકાર પતિનું માર્ગઅકસ્માતમાં મૃત્યુ થઇ જતાં એની પત્નીને નુકસાનભરપાઈ તરીકે મોટી રકમ મળે છે. એ શ્રમજીવી મહિલાને આર્થિક લાભ તો થાય છે ઉપરાંત ધણીની ગુલામીમાંથી પણ આઝાદી મળે છે.

આ બંને વાર્તાનો સૂર એક છે. આ કેવી વક્રતા છે કે સ્ત્રીને સાચું સુખ મેળવવા પતિના મૃત્યુની કામના કરવી પડે! આપણી સમાજવ્યવસ્થા અને પુરુષોની માનસિકતા વિષે કેટલો મોટો વ્યંગ!       

છેદ (નટવર ગોહેલ): પુરુષનો પત્ની પર માલિકીભાવ. પોતાના મિત્ર સમાન નોકર જોડે પત્નીના હસીમજાકના સંબંધ જોઇને પતિ બળી મરે છે. જૂનો વિષય, પ્રવાહી રજૂઆત.

પિયરયાત્રા (અવિનાશ પરીખ): એક મિથ્યાભિમાની સ્ત્રી ડાહ્યા સ્વભાવની પુત્રવધુ માટે ઇર્ષાભાવ રાખે છે. એની પરિણીત દીકરીને  પણ ભાભી માટે એવો જ શત્રુભાવ છે. પરિણીત દીકરી એક અઠવાડિયું પિયરમાં રહેવા આવે તે દરમિયાન દીકરીનો ભાભી માટે અને સાસુનો વહુ માટે અભિપ્રાય બદલાઇ જાય છે. સામાન્ય કૌટુંબિક વાત, સાધારણ રજૂઆત. લેખક બધું સમજાવીને કહે ત્યારે વાચકને શું રસ પડે? ત્રણ ત્રણ વર્ષ સુધી વહુ સારી છે એ ના સમજાયું તે એક અઠવાડિયામાં કેવળ નિરીક્ષણ કરવાથી સમજાઇ ગયું? અતાર્કિક વાર્તા. 

કપાઈ ગયેલો ચંપો (માવજી મહેશ્વરી): અહીં કપાઈ ગયેલો ચંપો એટલે દાંપત્યજીવનમાંથી એક પક્ષ તરફથી થઇ ગયેલી સ્નેહની, સમજણની, આદરની બાદબાકી.  પત્નીએ લગ્નગાંઠને ઉજવવાના મનોરથ કર્યા છે પણ યાદ અપાવ્યા પછી પણ પત્નીની ઈચ્છા પતિને સમજાતી નથી. પતિ જ્યારે પત્નીને ગૃહિત ગણવા માંડે છે ત્યારે  કોઈના સંવેદનશીલ હ્રદયમાં પીડાની આવી ક્ષણો ઉદ્ભવતી હોય છે. સરસ વાર્તા.      

પરી (ડો. સુરમ્યા જોશી): એક માણસને લાલ રંગ માટે અણગમો છે. વાર્તામાં ખામી એ છે કે દેખીતા કોઇ કારણ વિના એ અણગમાનું રહસ્ય પત્ની સમક્ષ ઉઘાડું કરે છે. મનમાંથી વાત બહાર આવી જાય એટલે એનો અણગમો દૂર થઇ જાય છે. વિષય સારો, માવજત સાધારણ.  

જસમા (પ્રવીણ ગઢવી): આ લેખક આપણા પુરાણો અને ઈતિહાસમાંથી પ્રેરણા મેળવી જાણીતા-અજાણ્યા પાત્રોની આસપાસ રસપ્રદ કથા રચીને રજૂ કરતા આવ્યા છે. પ્રસ્તુત વાર્તા ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહને એક શ્રમજીવી મહિલા જસમા ઓડણની મોહિની લાગી એ પછી સર્જાયેલી કરુણાંતિકાના આધારે રચાઇ છે. સરસ રજૂઆત.    

સારાંશ (સ્વાતિ નાયક): એક ફિલ્મઅભિનેતાની ચડતી પછી પડતીની કરુણાંત વાર્તા. રૂપેરી દુનિયામાં સફળતાની પાછળ પાછળ દૂષણો પણ આવતાં હોય છે. રૂપાળી નટીઓ, શરાબ, સિગારેટ, નશીલા પદાર્થો વગેરે. સિદ્ધાર્થ એટલે કે સીડ સફળતાના નશામાં ધ્યેય ભૂલ્યો. ટોચ પર પહોંચી ગયા પછી વધુ મુશ્કેલ છે ટોચ પર ટકી રહેવાનું. સીડને ટકી રહેતાં આવડ્યું નહીં. એણે ક્ષેત્રસંન્યાસ લઇ લીધો. વાર્તાનો વિષય સારો પણ પ્લોટ અધકચરો છે. અભિનયની તક ના મળી તો લેખન કરવા વળ્યો? એને અભિનયમાં જ નિષ્ફળ જતો બતાવવો જોઈતો હતો. શિસ્તનો અભાવ, સેટ પર મોડા પડવું, નિર્માતાના નાણાનો વ્યય થતો હોય, પીધેલી હાલતમાં સેટ પર ભગા કરતો હોય વગેરે લક્ષણો બતાવ્યાં હોત તો કંઇક ઠીક રહેત. આલેખનમાં ફિલ્મઉદ્યોગ વિષેનાં નિરીક્ષણો ઉપરછલ્લાં જણાય છે.     

“નિયતિનો ન્યાય” (રેખાબા સરવૈયા): બળાત્કારની સમસ્યા વિષે એક ભાવુક વાર્તા. અદાલતમાં કોઇ પણ કેસનો ફેંસલો અદાલત સમક્ષ રજૂ થતાં સાક્ષીઓ પુરાવાઓથી થતો હોય છે. કોઇ વકીલ નાટ્યાત્મક ભાષણ કરે એના આધારે ફિલ્મો-નાટકોમાં નિર્ણય અપાતાં હશે, વાસ્તવિકતામાં એવું થતું નથી. હકીકતમાં બળાત્કારના આ કેસ જોડે ન્યાયાધીશને પોતાની સાથે બનેલી એક દુર્ઘટના યાદ આવે છે. બચપણમાં થયેલા એ અન્યાયનો બદલો લીધાનો સંતોષ ન્યાયાધીશ માણે છે. અંતમાં “સત્યઘટનાના આધારે” એવી નોંધ મૂકવાની જરૂર ન હતી.  

વન રેઈની નાઈટ (દર્શના ભગલાણી):  ત્રીસ વર્ષ પહેલાં એક વરસાદી રાત્રે પંદર વર્ષનો છોકરો અને અઢાર વર્ષની છોકરી સ્ટેટ હાઈવે અને અંતરિયાળ ગામમાં લગભગ અઢાર કિલોમીટર જેટલું અંતર ચાલીને ઘેર પહોંચે છે. અંધારી રાતે વરસતા વરસાદમાં માણસના કે જાનવરના જેવા બાહ્ય પરિબળોના ભય હેઠળ અટક્યા વિના તેઓ ચાલતાં રહે છે. એકબીજાનાં મામા-ફોઇયા ભાઈ-બહેન પોતપોતાનાં દસમાં-બારમા ધોરણની અંતિમ પરીક્ષાના પરિણામપત્ર લેવા અઢીસો કિલોમીટર દૂરનો પ્રવાસ કરીને પાછાં આવ્યાં હતાં. વાર્તામાં આજના અને ત્રીસ વર્ષ પહેલાંના સમયની સતત સરખામણી થઇ છે તેટલો ભાગ કાઢી નખાય તો મેદ ઓછો થાય. એક પુખ્ત કન્યા અને એક તરુણ વચ્ચેના આદિમ વૃતિસહજ સંઘર્ષને ચીતરવાની જે તક હતી લેખક ચૂકી ગયા છે.

આનલ (પિનાકિન દવે): સ્વતંત્ર વિચારની અને બેજવાબદાર જુવાન દીકરી એક આખી રાત ઘેરથી ગાયબ રહે ત્યારે માતાપિતાની શું સ્થિતિ થાય એની વાત. વિષય સારો પણ માવજત સરેરાશ.   

અંતિમ સત્ય (પફુલ્લ કાનાબાર): એક નવલકથાનો વિષય-વસ્તુ ધરાવતી અપરિણીત યુવાન અને વિધવા યુવતીની પ્રેમકથા. સત્ય છુપાવવાની નાયકની દોષભાવના અને નાયક તરફથી સ્વીકૃતિ માટેના નાયિકાના અહોભાવની એમ બે જુદી જુદી ટૂંકી વાર્તાઓ પણ બની શકી હોત. રજૂઆતમાં ઉધાર પક્ષે બોલકાં સંવાદો અને બધું સમજાવીને કહેવાની રીત.      

નયનને બંધ રાખીને (સંજય થોરાત ‘સ્વજન’): એક તદ્દન નવા પરિવેશની વાત. પત્નીના જન્મદિવસની ઉજવણી માટે પતિ એને એવી એક હોટલમાં લઇ જાય છે જ્યાં ભોજન સંપૂર્ણ અંધકારમાં લેવાનું હોય છે. પ્રારંભમાં અચકાટ અનુભવ્યા પછી નાયિકા અંધકારથી ટેવાઈને ભોજનનો આનંદ સારી રીતે માણી શકે છે. ચમત્કૃતિ એ છે કે હોટલમાં એમને ઉમદા સર્વિસ આપનાર વેઈટર તો પ્રજ્ઞાચક્ષુ છે!  વળી એ વેઈટર અસહાય કે દુઃખી નથી પણ ઉત્સાહી અને આત્મનિર્ભર પણ છે! આજે ચક્ષુહીન વ્યક્તિ ધારે તો અવનવા સાહસ કરી દેખાડે છે એ વાત અધોરેખિત થઇ છે.    

ગૃહપ્રવેશ (ગિરીશ ભટ્ટ):  પતિના પૂર્વપ્રેમિકાના વળગણને લીધે સ્વતંત્ર ઓળખ ઊભી કરી ન શકતી નાયિકાની પીડા. 

લગ્ન પછી સોનલને સત્ય જાણવા મળે છે કે સુકેતુની પ્રેમિકા આયેશા જેવી એ દેખાય છે એટલે એની પસંદગી થઇ છે! સોનલ જોડે પરણ્યા પછી પણ સુકેતુ એની ભૂતપૂર્વ પ્રેમિકાને ભૂલી શકતો નથી. એ સોનલમાં આયેશાને જુએ છે, સોનલને આયેશા કહીને સંબોધે છે, સતત એની સ્મૃતિમાં રહે છે! પતિને લાગેલું આયેશાનું વળગણ સોનલ માટે ગંભીર સમસ્યા બને છે.

રજૂઆત પ્રવાહી અને પ્રભાવી. એક પણ શબ્દ બિનજરૂરી નથી. જે કંઇ કહેવાનું છે તે ખૂબ ઓછા શબ્દોમાં કહેવાયું છે. ગૌણ પાત્રો આયેશા અને નીરવસર અંગે વિગતવાર ના કહેતાં કેવળ જરૂર પૂરતો ઉલ્લેખ થયો છે. ટૂંકી વાર્તાનો ઉત્તમ નમૂનો.

આ જ શીર્ષકની સુરેશ જોશીની જાણીતી વાર્તા જોડે આ વાર્તાના છેડા મળે છે. પત્નીનું સત્ય જાણ્યા પછી સુ.જો.ની વાર્તાના નાયકને લાગે છે કે ઘરમાં એનો પડછાયો પ્રવેશ્યો છે અને પોતે તો બહાર રહી ગયો છે. આ વાર્તામાં પતિનું સત્ય જાણ્યા પછી નાયિકાને લાગે છે કે અંદર ગઈ તે બીજી જ સ્ત્રી હતી, પોતે તો બહાર જ ઊભી રહી ગઈ છે.               

દિવાળીની ખરીદી (રાજ ભાસ્કર): ભાવનાપ્રધાન લઘુકથા.

વર્ષાછાયા (પરીક્ષિત જોશી): એક આદમીની કરુણ રામકહાણી. માનું મૃત્યુ, પત્ની વર્ષાનું મૃત્યુ, વીજળીના આંચકાના લીધે એને પોતાને લકવો થયો, બીજી પત્નીએ એની નોકરી છીનવી લીધી, અક્ષમ બનેલા નાયક પર ભરણપોષણનો દાવો માંડ્યો...શું બાકી રહ્યું? જૂની રંગભૂમિ પરનાં કોઇ કરુણાંત નાટકમાં પણ આટલાં દુઃખો કોઇ નાયક પર પડ્યાં નથી! અચ્છા, પહેલી પત્ની વર્ષાથી એક બાળક થયું હતું, એનું શું થયું? લેખક એ બાળકની ટ્રેજેડી કહેવાનું ભૂલી ગયા, ના, એ બાળકને સમૂળગા ભૂલી ગયા! એ છોકરો હતો કે છોકરી એ પણ નક્કી કહ્યું નથી! લગે હાથ એને પણ એકાદી જીવલેણ બીમારીમાં મારી નાખ્યું હોત તો? પ્રારંભમાં સિંઘ નામનો એક મિત્ર નાયકની ખબર કાઢવા આવે છે એવો ઉલ્લેખ થયો છે, એને પણ લેખક ભૂલી ગયા? એને પણ એકાદ અકસ્માતમાં મારી નાખવો જોઈતો હતો! નાયકના પક્ષે એક જ સાથીએ જીવનભર સાથ નિભાવ્યો છે, ઘરના આંગણામાંની  ખજૂરીએ. ઇસ દર્દભરી કહાનીમેં ઉસ સચ્ચી દોસ્ત ખજૂરી કે લિયે ફાઈવ સ્ટાર તો બનતા હી હૈ!    

આફ્ટર શોક (અન્નપૂર્ણા મેકવાન): જૂનવાણી માનસનાં અને અસ્પૃશ્યતાનું કડક પાલન કરતાં સંતોકબાને કોરોના થતાં પોતે જ સ્વજનો પાસેથી અસ્પૃશ્યતાનો અનુભવ કર્યો જેના પરિણામે એમનું હ્રદયપરિવર્તન થઇ ગયું. વિચાર સારો પણ બધું સમજાવીને કહેવાની લાહ્યમાં વાર્તા ખૂબ લાંબી થઇ ગઈ છે. પચાસ ટકા મેદ ઉડાવી દઈ શકાય.         

આમંત્રણ (આશિષ અજીતરાય આચાર્ય): વર્ગભેદની વાર્તા. વિષય જૂનો, પ્લોટ સારો, એક જ પ્રસંગ રજૂ કર્યો જેમાં આખી વાત કહેવાઇ ગઈ. પણ આલેખન શિખાઉ કક્ષાનું. એક જ વાત અહીં નોંધુ છું:

// “તમે સમજાતા કેમ નથી?” સુધાબહેન અકળાયાં. // અહીં “તમે સમજતા કેમ નથી?” એવું કહ્યું એમાં જ સુધાબહેનની અકળામણ પ્રગટ થઇ ગઈ. પછી પાછું // સુધાબહેન અકળાયાં. // એવું લખવાની શી જરૂર છે? આવું આખી વાર્તામાં ઠેર ઠેર છે.  

રામ જાણે (ડો. અનિલ ચૌહાણ): ગાંડાઓનો અભ્યાસ કરતાં નાયકની એકોક્તિ. અંતની ચમત્કૃતિ અપેક્ષિત છતાં સરસ. રસપ્રદ રજૂઆત.   

 -કિશોર પટેલ, 18-12-21; 09:58

###

No comments: