અભિયાન દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ
(૬૩૪ શબ્દો)
પોલીસ સ્ટેશનની એક યાદગાર મુલાકાત (રતિલાલ
બોરીસાગર):
ચોરાયેલી સાયકલ પાછી મળે પણ એનો
આનંદ માણી શકાય એ પહેલાં સ્કુટર ચોરાઇ જાય! મજેદાર હાસ્યવાર્તા.
ઘર તો બાઇમાણહનું (દેવાંગી ભટ્ટ):
આપણી પિતૃસત્તાક વ્યવસ્થામાં સ્ત્રી કેવળ ઘર સંભાળે એવી
પરંપરા રૂઢ થયેલી છે. આજની યુવાન સ્ત્રીઓ આ પરંપરાથી ઊફરી ચાલી રહી છે અને
પુરુષોની માનસિકતામાં પણ થોડુંઘણું પરિવર્તન આવતું જણાય છે. આમ છતાં જૂની પેઢીની
મોટા ભાગની સ્ત્રીઓ માનતી આવી છે કે સ્ત્રીઓએ તો ઘર સંભાળવું જ જોઈએ. આ વાર્તાની
નાયિકા હરબાળા એક એવી જ સ્ત્રી છે જેનો તકિયાકલામ જ થઇ ગયો છે: “ઘર તો બાઈમાણહનું.”
દીકરાની વહુ ભણેલી હોય, નોકરી કરતી હોય, અરે, એરહોસ્ટેસ જેવું કામ કરતી હોય તો પણ
એમને વાંધો નથી. પણ ઘરમાં એક બાજુ શોક-પ્રસંગ હોય, સહુ સ્ત્રીઓ શણગાર વિના સાદાં
વસ્ત્રોમાં હોય ત્યારે ઘરનાં અને મહેમાનોની સામેથી વહુ સ્કર્ટ અને સેન્ડલ પહેરીને
નોકરીએ જવા નીકળશે? આવી ધારણામાત્રથી તેમનો જીવ કોચવાઇ રહ્યો છે.
તેરમાની વિધિ કરતી વેળા મહારાજે વડસાસુનું નામ પૂછ્યું અને
ઘરમાં હરબાળાબેન સહિત કોઈને એ નામ યાદ આવ્યું નહીં. આજ સુધી ઘરનો એકેએક પ્રસંગ
જેમણે કોઇ ક્ષતિ વિના સંભાળ્યો હોય એમને સમય પર વડસાસુનું નામ યાદ ના આવે? જે કામમાં એની કોઇ ભૂલ નથી એના માટે હરબાળાબેનને
દોષભાવના થાય છે. આપણી સ્ત્રીઓની માનસિકતા પર એક વ્યંગ. જૂની પેઢીની સાસુની સામે
નવી પેઢીની ભણેલી અને નોકરી કરતી વહુને મૂકી આપીને લેખકે તુલનાત્મક ચિત્ર દોર્યું છે.
સારી વાર્તા.
ગ્રહણમોક્ષ (હરીશ થાનકી):
કેટલાંક માણસો ભાવુક હોય છે. રવિરાજ-માનસી-માનવ પ્રેમત્રિકોણમાંના
ત્રણેત્રણ પાત્રો ભાવુક છે. માનસીનો પતિ માનવ ઉદારહ્રદયી સજ્જન માણસ છે. લગ્ન પછી
પત્નીના પૂર્વપ્રેમી રવિરાજ જોડે પત્નીનો એક વાર મેળાપ કરાવવા એ ખાસો પ્રયત્ન કરે
છે. પણ રવિરાજ ઓછો ભાવુક અને વધુ ડાહ્યો સાબિત થાય છે. એક સમયના રંગભૂમિનો કલાકાર પોતાનું બનાવટી
મૃત્યુ નીપજાવીને તખ્તા પરથી એક્ઝીટ લઇ લે છે. આમ વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે.
માનવના સંસારને લાગેલા ગ્રહણનો મોક્ષ થાય છે.
ત્રાટક (પ્રફુલ કાનાબાર):
એક અજાણ્યો યુવાન પોતાને પસંદ કરે છે એવા વહેમમાં એક પરિણીત
સ્ત્રી મનોમન એને ચાહવા લાગે છે. અંતમાં અનપેક્ષિત ચમત્કૃતિ છે. પ્રવાહી અને
પ્રભાવી રજૂઆત.
એક એવો માણસ (ડો.હિતા મહેતા):
આખું વિશ્વ જયારે ભૌતિકવાદી બની ગયું છે ત્યારે લાખોની
આવકની નોકરી છોડીને એક માણસ પ્રાકૃતિક સ્થળોએ જઇને ફરવાની વાત કરે છે. પત્ની અને માતાપિતા કોઇને એનું આધ્યાત્મિક ચિંતન ગળે
ઉતરતું નથી. સ્વજનોને લાગે છે કે એનું ખસી ગયું છે. કરુણાંત વાર્તા.
રોબીન શર્માની બેસ્ટસેલર નવલકથા “ધ મોન્ક હુ સોલ્ડ હિસ ફેરારી” ના નાયકને પણ આ જ લાગણી થતી હતી. વકીલ તરીકે
ધમધોકાર ચાલતો વ્યવસાય છોડીને એ જીવનમાં એને મૂંઝવતા પ્રશ્નોનાં ઉત્તરો શોધવા એ
હિમાલયના પ્રવાસે ગયો હતો. એનો અભિગમ સ્પષ્ટ હતો અને એની દ્રષ્ટિ વિશાળ હતી એટલે એ
એનાં પ્રશ્નોનો ઉત્તર મેળવી શક્યો. અહીં આ વાર્તામાં નાયક રોબીન શર્માની નવલકથાના
નાયક જેટલો સ્પષ્ટ અને મક્કમ નથી એટલે એના પ્રવાસનો અંત માનસિક રુગ્ણાલયમાં આવ્યો.
રઈશ મણિયારની એક ટૂંકી વાર્તા “એક અરસા પછી” માં શ્રીમંતીમાં
આળોટતો નાયક ફકીર જેવું જીવન જીવતા એક મિત્રને જોઇને પોતે પણ સંપત્તિનો ત્યાગ કરીને
ફકીરી સ્વીકારી સામાજિક કાર્યકર્તા બની જાય છે.
ખેર, એનો અંત વળી જુદો જ નાટ્યાત્મક આવે છે. આ વાર્તાના વિષય
પરથી યાદ આવેલાં બે ઉદાહરણ, જસ્ટ, એમ જ.
હુંફ (કેશુભાઈ દેસાઈ):
એક રૂપજીવિની પોતાનો એક ગ્રાહક કોરોના પોઝીટીવ જાહેર થાય
ત્યારે ચેપ લાગવાના જોખમને અવગણીને પણ એની સેવામાં એની જોડે રહે છે. આત્મબલિદાનની
વાત.
ડુ નોટ ડિસ્ટર્બ (પ્રિયંકા જોશી):
આ વાર્તા horror+
unsolved mystery પ્રકારની છે. આપણા ગુજરાતી સાહિત્યમાં હોરર બિલકુલ લખાતું નથી. એમાંય વળી unsolved mystery તો કોઇ જ લખતું નથી. આ સ્થિતિમાં આવા વિષયની વાર્તાનું
સ્વાગત છે. શીર્ષક સૂચક છે. “ડુ નોટ ડિસ્ટર્બ” કહ્યા પછી નાયક અને એની પાછળ એની
પત્ની બંને ડિસ્ટર્બ થઇ જાય છે! સ્તુત્ય પ્રયાસ.
ઓછાયો (ડો.સ્વાતિ નાયક):
હંમેશા શાંત રહેતો માણસ અચાનક ગુસ્સે થવા માંડે તો?
જોરશોરથી ઘાંટાઘાટ કરવા માંડે તો? આભાસને પોતાને પણ એવું લાગવા માંડે છે કે
પોતાનામાં જ કંઇક સમસ્યા ઊભી થઇ છે. ને એટલે એ ભૂવા પાસે જવા તૈયાર થાય છે. સરસ
રજૂઆત. રહસ્ય સારું જળવાયું છે. વાચકને સાદ્યંત જકડી રાખે એવી રસપૂર્ણ વાર્તા.
--કિશોર પટેલ, 09-12-21;10:24
###
No comments:
Post a Comment