બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જાન્યુઆરી ૨૦૨૨
શનિવાર તા ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ની સાંજે આહ્લાદક ઠંડી વચ્ચે બાલભારતી
કાંદીવલી, મુંબઈ ખાતે ટૂંકી વાર્તાઓનું ઉષ્માસભર પઠન યોજાઈ ગયું. કુલ ચાર
વાર્તાઓનું પઠન થયું. બે નવા અને બે પ્રતિષ્ઠિત એમ ચાર વાર્તાકારોએ પોતાની
વાર્તાઓનું પઠન કર્યું. કાર્યક્રમનું સંચાલન કર્યું ડો. પ્રીતિ જરીવાલાએ.
સંચાલનના પ્રારંભમાં ભૂમિકા માંડતાં પ્રીતિબેને એક સરસ વાત
કરી. એમણે કહ્યું કે નવલકથા એટલે સૂર્યનો પ્રકાશ અને ટૂંકી વાર્તા એટલે આગિયાનું
અજવાળું.
ચૂંટાયેલી બે નવી વાર્તાઓમાં પહેલી વાર્તા રજૂ થઇ “ધુમ્મસ.”
લેખક: પ્રફુલ આર શાહ. વાર્તામાં ગેરસમજના કારણે માનવસંબંધોમાં ઊભી થતી ગૂંચવણની
વાત હતી. બીજી વાર્તા રજૂ થઇ “ઉછીનું
માતૃત્વ.” લેખક: આરતી મર્ચન્ટ. આ વાર્તામાં સરોગેસીનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો.
આમંત્રિત પ્રસ્થાપિત વાર્તાકારોમાં જાણીતા પત્રકાર અને
લોકપ્રિય કટારલેખક હેન્રી શાસ્ત્રીએ રજૂ કરી વાર્તા “ચમત્કાર.” સત્કર્મનું ફળ
માણસને મોડુંવહેલું મળે છે એવો બોધ આ વાર્તામાંથી ફલિત થયો. લેખિની સંસ્થાના
અગ્રણી સક્રિય સભ્ય ડો. પ્રીતિ જરીવાલાની વાર્તા “સ્વરૂપા શું કરે?” માં એમ આર્થિક
સંકડામણમાં ફસાયેલી મધ્યમવર્ગીય સ્ત્રીની દ્વિધાનું સરસ આલેખન થયું હતું.
નવોદિત વાર્તાકારોને માર્ગદર્શન મળી રહે એવા શુભાશયથી જાહેર
મંચ પરથી એમની વાર્તાઓનું વિવેચન રજૂ કરવાનો નવતર ઉપક્રમ બાલભારતીએ હમણાંથી શરુ
કર્યો છે. આ પરંપરામાં આ મહિને નવી વાર્તાઓનું વિવેચન કરવા ઉપસ્થિત હતા જાણીતા
લેખક-કવિ-નાટ્યકાર-સંપાદક-પ્રકાશક શ્રી. સતીશ વ્યાસ.
Premise (પૂર્વધારણા), characterization (પાત્રાલેખન), અને conflict (સંઘર્ષ) એમ ટૂંકી વાર્તાનાં ત્રણ મૂળભૂત પાસાંને ધ્યાનમાં રાખીને સતીશભાઈએ બંને
નવોદિત વાર્તાકારોની “ધુમ્મસ” અને “ઉછીનું માતૃત્વ” વાર્તાઓની સઘન અને તલસ્પર્શી
છણાવટ કરી. લગે હાથ સતીશભાઈએ પોતાના વિશદ જ્ઞાન અને સમજણનો લાભ બંને પ્રસ્થાપિત
વાર્તાકારોની વાર્તાઓ “ચમત્કાર” અને “સ્વરૂપા શું કરે?” ને પણ આપ્યો. ઉપસ્થિત સહુ
વાર્તાપ્રેમીઓને સતીશભાઈએ મોજ કરાવી દીધી.
શ્રોતામંડળમાં મુંબઈના પશ્ચિમ પરાંના એક એકથી ચડિયાતાં
સાહિત્યતારલાઓની ઉપસ્થિતિથી સભાગૃહ ઝગમગી ઊઠ્યું હતું.
કાર્યક્રમના સમાપન પછી બાલભારતીની બહાર ફૂટપાથ પર વાર્તારસિક
મિત્રોની રસભરી ગોષ્ટિમાં રસભંગ કર્યો મુંબઈ શહેરના એક ફરજપરસ્ત યુવાન પ્રહરીએ.
એણે કહ્યું કે ભાઈઓ, ઓમિક્રોન નામનો એક દુષ્ટ વિજાણું રાક્ષસ અદ્રશ્ય વેશે આપણી
આસપાસ મંડરાઈ રહ્યો છે માટે તમે સહુ વિખેરાઈ જાઓ એમાં જ સલામતી છે. “ફરી મળીશું”
કે “શુભ રાત્રિ”ની ઔપચારિકતા સિવાય સહુ છૂટાં પડી ગયાં.
--કિશોર પટેલ, સોમવાર, 24 જાન્યુઆરી 2022; 11:41.
###
No comments:
Post a Comment