Tuesday, 7 December 2021

ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૩૧ શબ્દો)

આ પૂર્તિમાં ફક્ત બે વાર્તાઓ છે, બંને પૈસાવસૂલ વાર્તાઓ છે.

ફાંસ (માવજી મહેશ્વરી):

સ્વજનોથી કપાઈ ગયાંની વિરહવેદના. માલાના પતિની સમાજમાં મોટી પ્રતિષ્ઠા છે એટલે દીકરીના લગ્નપ્રસંગે આખો સમાજ ઉમટી પડ્યો છે, એક ફક્ત માલાના પિયરીયાં સિવાય. પોતાના વિરોધને અવગણીને માલાએ કિરીટ જોડે કરેલા પ્રેમલગ્નના કારણે પિયરીયાંએ માલા જોડેનો સંબંધ કાપી નાખ્યો હતો.  આજે બાવીસ વર્ષે દીકરીના લગ્ન નિમિત્તે માલાને પિયરીયાંની ખોટ સાલે છે. પતિની અનિચ્છા છતાં પિયરમાં કંકોત્રી આપવા ગયેલી માલા ભાઈને મોઢે થવાની હિંમતના અભાવે બારણાંની તિરાડમાંથી કંકોત્રી સરકાવીને પાછી વળી ગયેલી.  દીકરી અવનિ ભાવિ લગ્નજીવન અંગે રોમાંચિત છે અને કિરીટ યજમાનના નાતે આંગણે ઊમટી પડેલાં મહેમાનોની હસતા મોંએ સરભરા કરે છે. આવા શુભ પ્રસંગે ભાઈની ગેરહાજરી માલાને તીવ્રપણે સાલે છે પણ એ જાહેરમાં રડી પણ શકતી નથી.  નાયિકાની પીડાનું આલેખન સરસ થયું છે. અંતની ચમત્કૃતિ મીઠો આંચકો આપે છે. પઠનીય વાર્તા.    

દિવાસ્વપ્ન (જયશ્રી ચૌધરી):

વ્યક્તિસ્વાતંત્ર્યની વાત. દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો હક છે. કોઈના કહેવાથી કોઇ વિદ્રોહી કે શરણાગત બની જતું નથી.

પતિના મૃત્યુ પછી પોતાની દુનિયા પરિવારજનો માટે સીમિત કરી લેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીમાં ક્રાંતિની ચિનગારી પ્રગટાવવામાં શિક્ષિકા નિષ્ફળ જાય છે. જીવનનો એક મહત્વનો પાઠ એક વિદ્યાર્થીની પોતાની શિક્ષિકાને શીખવી જાય છે.

ફક્ત બે પાત્રો, એક બ્યુટી પાર્લરની મુલાકાત, એક નાનકડો ફ્લેશબેક, ગણતરીના સંવાદો. બેઉ પાત્રો વચ્ચે પર્યાપ્ત માત્રામાં સંઘર્ષ છે. ક્થકને receiving end પર રાખીને વાર્તા કહેવાની જૂની અને જાણીતી પ્રયુક્તિ અહીં સફળ થાય છે. સરસ વાચનક્ષમ વાર્તા.

--કિશોર પટેલ, 08-12-21; 08:51

###

 

No comments: