Saturday, 4 December 2021

વર્ષ ૨૦૧૯ ની કક્કાવારી (ભાગ ૪ અને અંતિમ)

વર્ષ ૨૦૧૯ ની કક્કાવારી (ભાગ અને અંતિમ)

 

આ યાદીમાં નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ, પરબ, મમતા વાર્તામાસિક અને જલારામદીપ સામયિકોનાં આખા વર્ષના તમામ અંકોમાં ૨૦૬ લેખકોની પ્રસિદ્ધ થયેલી કુલ ૩૨૩ વાર્તાઓ સમાવી છે. 

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/પ્રકાશન મહિનો /વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ન.સ.=નવનીત સમર્પણ, જ.દીપ= જલારામદીપ.

ભૂલચૂક લેવીદેવી.

###

કક્કાવારી ૨૦૧૯ ભાગ-૪ અને અંતિમ જેમાં  લ, વ, શ, સ અને હ  થી શરુ થતાં નામધારી લેખકોની વાર્તાઓની યાદી છે.   

લતા કાનુગા: દીકરીની નજરે જોતી મા (મમતા, સપ્ટેમ્બર): વિજ્ઞાનની મદદથી પુરુષના સહભાગ વિના પણ માતૃત્વ ધારણ કરી શકાય છે.

લીના વચ્છરાજાની: યક્ષગાન (જ.દી.જૂન): સામાન્ય આર્થિક સ્થિતિના યુવક અને શ્રીમંત કન્યાની સફળ પ્રેમકથા. 

લ: લેખકો:૨, વાર્તાઓ: ૨

વસંતભાઇ રાજ્યગુરુ: ખંડેર (મમતા, એપ્રિલ): સાવકા પુત્રે પ્રેમપ્રસ્તાવ ઠુકરાવ્યો એટલે એના પર બળાત્કારનો આરોપ મૂક્યો. સંપૂર્ણ કુટુંબની ખાનાખરાબી.

વર્ષા અડાલજા: ૧. અમૃતસર મેઈલ (ન.સ.જૂન): એક યુવાનના બે અનુભવ: વેશ્યાવાડે લૂંટાય અને ગરીબ માણસ દ્વારા મદદ મળે. ૨. મમ્મીનો આંબો: (ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): દીકરીથી વંશવેલો ના ટકે? 

વલ્લભ નાંઢા: ૧. બોડી લેન્ગવેજ (ન.સ.જાન્યુ): દેશકાળના સીમાડાની બહાર પણ સ્ત્રીની પુરુષ ઉપર માલિકીભાવના. ૨. આયેશા (ન.સ.સપ્ટેમ્બર): સ્ત્રી-પુરુષના એકમેકને જોવાના ભિન્ન દ્રષ્ટિકોણ. ૩. હેલોવિનનો હાથ (મમતા, ડિસેમ્બર): હોરરકથા. કાળીચૌદશની રાતે કબ્રસ્તાનમાં ભૂતનો અનુભવ. 

વંદના શાંતુઇન્દુ: ૧. પાણીની દીવાલ (પરબ, ઓગસ્ટ): ફેન્ટેસી વાર્તા. પ્રલય આવે પછી ફક્ત એક નાયિકા બચે જેને સૃષ્ટિનું નવસર્જન કરવાની તક મળે છે. ૨. રેલો (શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી): એક અધૂરી પ્રેમકથા.

વાચા દવે: ને એટલે જ આદ્યા પઝેસીવ ના થઇ શકી (મમતા, નવેમ્બર): શૃંગારકથા. સેક્સ માટે પ્રેમ કે પ્રેમ માટે સેક્સ?

વિજય શાસ્ત્રી: ૧. પકડદાવ (ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): વરિષ્ઠ નાગરિકોની અવહેલના.  ૨. ગંગા નાહ્યા (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક):  અર્ધબેભાનાવસ્થામાં નાયકે જાણ્યું કે કોઈને પડી નથી એ સાચું નથી. ૩. સેકન્ડ હેન્ડ (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): જૂની વસ્તુઓના આશિકની વાત હળવી શૈલીમાં.

વિપુલ વ્યાસ: હું આવું છું (જ.દી.મે): પિતા વિનાના કુટુંબમાં મોટા થયેલા પુત્રનું “જૂઠાબોલી” માતા જોડે સમાધાન.

ડો.વિરંચિ ત્રિવેદી: એ તો સ્મશાનનો સંત્રી (જ.દી.ડિસેમ્બર): હોરરકથા.

વિરાફ કાપડિયા: ૧. નવરંગપુરાનો વાસી સન  ૨૧૮૪ (ન.સ.માર્ચ): ફેન્ટેસી, રસ્તા પર ચાલે છે? ગાંડો! ૨. ભાવપલટો (મમતા, ઓક્ટોબર): ચિંતનાત્મક વાર્તા. હરમન હેસની કૃતિ ‘અંદર-બહાર’ પર આધારિત.

વિષ્ણુભાઇ ત્રિવેદી: સેવાની સૌરભ (મમતા, નવેમ્બર): પરાયા ગામમાં લોકસેવાનું કામ કરતા એક શિક્ષકની વાત.

વિશાલ ભાદાણી: ૧. મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ (ન.સ.જૂન): ભોળી વસ્તુનું મ્યુઝિયમ. ૨. મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ-૨(ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): વિશ્વશાંતિ.    

વીનેશ અંતાણી: ૧. દેખાવું (ન.સ.માર્ચ): નારીચેતનાની વાત, પતિની ઉપરવટ જઇને દીકરીને પિકનિક જવા  માટેનો ચેક આપે. ૨. આરપાર (ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): નિષિદ્ધ પ્રેમસંબંધની વાત.      

વીરેન્દ્ર બુધેલિયા: એક ચિત્રના કારણે (મમતા, એપ્રિલ): મોડેલને નિર્વસ્ત્ર સ્થિતિમાં લાંબો સમય બેસાડીને ચિત્ર બનાવ્યું. ઠંડીના કારણે મોડેલ મૃત્યુ પામી. ચિત્રકારને લાગેલો આઘાત.   

વ: લેખકો: ૧૩, વાર્તાઓ: ૨૨

શક્તિસિંહ પરમાર: ઓઘરાળા (પરબ, જાન્યુ): અપંગ દીકરીનું મૃત્યુ, અકસ્માત, હત્યા કે આત્મહત્યા? પાંચ દીકરીઓ...હજી માને અડધી રાત્રે ‘પિતાના પગ દબાવવા’ જવું પડે છે.  

શ: લેખક: ૧, વાર્તા: ૧.

સતીશ વૈષ્ણવ: ૧. વિસ્થાપિત (ન.સ.એપ્રિલ): બે મિત્રોની વાત. એક કરતાં વધુ પાત્રો વિસ્થાપિત થાય છે. ૨. સ્વયંદૂતિકા (પરબ, ઓક્ટોબર): પ્રેમકથા.  ૩. ચાલકબળ (જ.દી.મે): જીવન-મૃત્યુનું ચક્ર સતત ચાલતું રહે છે. ૪. વહાલનું વ્યાજ (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨):  એક લેખકના અનુભવ. પૂર્વધારણા અસ્પષ્ટ.

સપન પાઠક: લીલો ગુલાબ (મમતા, ફેબ્રુઆરી): ભલાઈના કામ માટે રોજો તોડી નાખતો મુસ્લિમ યુવક.

સમીરા પાત્રાવાલા: ૧. સુમી તને નહીં સમજાય (ન.સ.ઓગસ્ટ): મનોરુગ્ણ યુવકની વાત. ૨. સિલવટ (મમતા, મે): સ્ત્રીના જાતીય આવેગનું આલેખન.

સરલા સુતારિયા: યશોદા (મમતા, નવેમ્બર): નાયિકાને નૈતિક જીવન આપવું કે વેશ્યાવ્યવસાય તરફ વાળવી એવો પ્રશ્ન લેખિકાને થાય છે.

સંજય છેલ: બહુ એકલું એકલું લાગે (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક): નણંદ-ભાભી નજરકેદ જેવી સ્થિતિમાં.

સંદીપ ભાટિયા: વીંછી (મમતા, ફેબ્રુઆરી): કલાકાર માટે ન્યૂડ મોડેલિંગ કરતી સ્ત્રીની વાત.

સંધ્યા ભટ્ટ: ૧. અદલાબદલી (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): નાની બેન બનેવી પ્રત્યે આકર્ષણ અનુભવે. ૨. ત્રણ કુટુંબ (મમતા, જૂન): એક ડઝન પાત્રોની જીવનકથાનો સારાંશ.

સાગર શાહ: પતંગિયા અને ફૂલો (શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર): હોરર વાર્તા.

સુધીર ખત્રી: જન્મદિવસની સાંજે (મમતા, એપ્રિલ): દુઃખદ ભૂતકાળ સાથે જીવતો આદમી વર્તમાનનું સુખ નકારે છે.

સુનીલ અંજારિયા: ટકલો ઢીંગલો (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક): રમકડાંનો ઢીંગલો હોય એવા લક્ષણ દેખાય છે.   

સુમંત રાવલ: ૧. પશ્યંતિ (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): આંખો નબળી પડતી જાય એવો વારસાગત રોગ નાયકને મળ્યો છે. ૨. રેકર્ડરૂમ (મમતા, ઓક્ટોબર): રેકોર્ડકીપર જાનીસાહેબ પોતે જ એક દિવસ રેકોર્ડ બની જાય છે.

સુરેશ કટકિયા: ૧. મનઘાત (મમતા, ફેબ્રુઆરી): રીસાઈને અન્નજળનો ત્યાગ કરવાનું નક્કી કરી બેઠેલા વૃદ્ધની વાત. ૨. પડળ (મમતા, ઓક્ટોબર): સ્વજનનું બદલાયેલું સ્વરૂપ અસ્વીકાર્ય છે. કરુણાંત વાર્તા.

સુરેશ દેસાઇ: હું આવું છું...! (જ.દી.ડિસેમ્બર): વરિષ્ઠોના મેરેજબ્યુરોમાં મળી જાય છે પૂર્વપરિચિત સહકર્મચારીણી.   

સુષ્મા કે.શેઠ: ૧. લાચાર (જ.દી.ઓગસ્ટ): સંકટ સમયે ગરીબ મિત્રએ જ સહાયતા કરી. ૨.પૃથ્વીલોક (જ.દી.સપ્ટેમ્બર): ફેન્ટસી વાર્તા.  પર્યાવરણ અંગે જાગૃતિ. ૩. અભરખા (મમતા, ઓગસ્ટ): ઘરકામ કરતી છોકરી પૈસા બચાવી વિમાન-પ્રવાસ કરી આવી.

સોલી ફીટર: વીર (મમતા, મે): બાળકોના અપહરણ કરીને ભીખના ધંધામાં જોતરતાં અસામાજિક તત્વોની વાત.

સોનલ માધવકુમાર પારેખ: ગર્વનો અવસર (મમતા, મે): બાળવાર્તા. 

સ્વાતિ મેઢ: ૧. ભાઇ (જ.દી. ફેબ્રુઆરી): સગા ભાઈએ મોં ફેરવી લીધું; જેને ગુંડો સમજી હતી એણે ભાઇની ફરજ નિભાવી. ૨. આ ભૂંગળાનું શું કરીશું? (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક):નકામી વસ્તુઓમાંથી કલાકૃતિ બનાવવાની માથાકૂટ.  

સૃજન ગૌરાંગ: સહદેવ (મમતા, સપ્ટેમ્બર): સહદેવની વ્યથાનું આલેખન.

સ્પર્શ હાર્દિક: જાહ્નવ સુક્તા, તું જાગે છે ને? (મમતા, ડિસેમ્બર): ફેન્ટેસી. સાયફાય. ભવિષ્યમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સની બોલબાલા હશે.  

સ: લેખકો: ૧૯, વાર્તાઓ: ૩૦

હરિદાન જોશી: ડમરાની પાંખડી (જ.દી. જાન્યુઆરી): અધૂરી પ્રેમકથા.

હરીશ ખત્રી: નિરાવરણ લોક (મમતા, ઓક્ટોબર): ફેન્ટેસી. નિર્વસ્ત્ર રહેતાં અને ફક્ત ઋતુમાં જ કામક્રીડા કરતાં માણસો.

હરીશ પંડ્યા: જીવન એક સંગ્રામ (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): હાસ્યલેખ લખવા પ્રયાસ કરતા લેખક પોતે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાય.

હર્ષદ ત્રિવેદી: વાત જાણે એમ સે ને (પરબ, ડિસેમ્બર): એક પુરુષના જાતીય શોષણની વાત.

હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’: મારા સ્મિતના પ્રયોગો (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): જાણ્યા-અજાણ્યા લોકો સામે સ્મિત ફરકાવવાનો પ્રયોગ મોંઘો પડે છે. 

હસમુખ અબોટી ‘ચંદન’: ૧. ફેંસલો (ન.સ.જૂન): જૂની-જાણીતી કથા, એકના પુણ્યપ્રતાપે સહુના જીવ બચ્યાં હોય. ૨. ઘામટી વહાણ (શબ્દસૃષ્ટિ, જુલાઇ): દરિયાઇ કથા. 

હસમુખ કે. રાવલ: ૧. કાગડાનો ઈન્ટરવ્યુ ૨૦૧૮ (ન.સ.માર્ચ): માણસની ચતુરાઇ. ૨. મરણોત્તર (શબ્દસૃષ્ટિ, માર્ચ): કોઈના મૃત્યુ પછી તેની વાહવાહી કરીને લાભ લેવાની અમુક લોકોની સ્વાર્થી માનસિકતા પર કટાક્ષ.  ૩. પૂંગી (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): રાતના સમયે એકલદોકલ વટેમાર્ગુને ચિત્રવિચિત્ર અનુભવ થતાં રહે છે.

હરિભાઉ મહાજન: દાદા-દાદી (ન.સ.જૂન): વરિષ્ઠ નાગરિકોને દત્તક લેવાય.  

ડો. હાસ્યદા પંડ્યા: ઉજાસબંધ મુઠ્ઠી (જ.દી.ડિસેમ્બર): પ્રેમ સંબંધમાં છેતરાયેલી સ્ત્રી.

હિમાંશી શેલત: ૧. જોગણી (ન.સ.ફેબ્રુ): લગ્નબાહ્ય સંબંધની વાત. ૨. વીરપૂજા (ન.સ.ઓગસ્ટ): ગોડસેભક્તોએ ગાંધીના અનુયાયીની સતામણી કરી. ૩. અમૃતપુત્ર (ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): હિંસક ટોળાનો સામનો. ૪. સંધ્યાપૂજા (પરબ, નવેમ્બર) જયાનંદ રોજ સાંજે પોતાની માતાની વયની એક વૃધ્ધાની જોડે થોડોક સમય વીતાવે છે. શા માટે જયાનંદ ઘરમાં સાચી વાત કહી શકતો નથી?

હેમંત કારિયા: કિસ્સા જેઠ-જેઠાણી કા (મમતા, જાન્યુઆરી): હાસ્યવાર્તા.

હ: લેખકો:૧૧, વાર્તાઓ: ૧૭

###

યાદી સમાપ્ત.

પૂરક માહિતી:

વર્ષ ૨૦૧૯ દરમિયાન વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલી વાર્તાઓની સંખ્યા:

નવનીત સમર્પણ: ૫૧, પરબ: ૧૫, શબ્દસૃષ્ટિ: ૨૬, જલારામદીપ: ૧૩૬, મમતા વાર્તામાસિક: ૯૫=કુલ વાર્તાઓ: ૩૨૩

કુલ લેખકો: ૨૦૬, કુલ વાર્તાઓ:૩૨૩

--કિશોર પટેલ, 05-12-21 09:35 

###

 

No comments: