બાલભારતીમાં વાર્તાવંતનું વાર્તાપઠન ૨૫ ડિસેમ્બર ૨૦૨૧
પેટાશીર્ષક: શક્તિશાળી કોણ? ઈશ્વર કે લેખક?
(૩૩૬ શબ્દો)
ઓમિક્રોનનાં વાગતાં ઢોલનગારાં અને શહેરમાં ચાલતી નાતાલની
ઉજવણીનાં મિશ્ર માહોલમાં શનિવાર ૨૫ ડિસેમ્બરની સાંજે બાલભારતીમાં રસિક શ્રોતાઓની
હાજરીમાં વાર્તાપઠનનો કાર્યક્રમ સુખરૂપ પાર પડ્યો.
વાર્તાવંતને અજાણ્યા લેખકોની મેઈલ પર મળેલી થોડીક વાર્તાઓમાંથી
પસંદ થયેલી પહેલી વાર્તા હતી, બાલભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને લેખિનીના લેખક
સુશ્રી ગીતા ત્રિવેદીની “મણિ.” પુરુષપ્રધાન સંસ્કૃતિમાં આજે લગભગ દરેક મોરચે
સ્ત્રીઓ પુરુષોને પડકારી રહી છે. પુરુષોનો ઈજારો ગણાય એવું એક કામ છે સ્મશાનમાં
મડદાંને બાળવાનું. ગામડાગામની મણિ કપરાં સંજોગોમાં આ કામ કરવાનો પડકાર ઝીલી લે છે.
બીજી વાર્તા હતી કવિ અને વાર્તાવંતના આયોજકશ્રી હેમંત
કારિયાની “ઢગલાંબાજી.” બેમાંથી એક થઇ ના શકેલાં પ્રેમીયુગલની વ્યથાકથા. વાર્તાનો
પ્રારંભ પદ્યમાં થયો એ એક નવીનતા હતી.
કોફીબ્રેક પછી રજૂ થઇ જાણીતા પત્રકાર-વાર્તાકાર નીલેશ
રૂપાપરાની વાર્તા “કાલત્રયી.” પ્રેમત્રિકોણની વાર્તામાં રજૂઆતની દ્રષ્ટિએ પ્રયોગ
થયો હતો. ગત, અનાગત અને સાંપ્રત એમ ત્રણ કાળમાં આ પાત્રોની સંવેદનાઓને તપાસવામાં
આવી.
ચોથી અને છેલ્લી વાર્તા રજૂ થઇ કાર્યક્રમના સંચાલક અને “કપોળદર્શન”
સામયિકના જાણીતા સંપાદક અને લેખક સુશ્રી નીલા સંઘવીની “માઈ.” જેનો માનસિક વિકાસ ઉંમર પ્રમાણે થયો નથી એવા
પુત્રના મોંએ “માઈ” શબ્દ સાંભળવા કાયમ તરસતી રહેલી માતા એવા વિપરીત સંજોગોમાં
પહેલી વાર પુત્રના મોંએ “માઈ” સાંભળે છે કે એનો આનંદ ઉઠાવી શકતી નથી.
બાલભારતી વાર્તાવંત વતી એક નવી પહેલ ગયા મહિનેથી થઇ છે,
વાર્તાવિવેચનની. આ મહિનાના વિવેચક શ્રી રાજુ પટેલે ગીતા ત્રિવેદીની “મણિ” અને હેમંત કારિયાની “ઢગલાંબાજી” નું
અભ્યાસપૂર્ણ વિવેચન રજૂ કર્યું.
કાર્યક્રમના પ્રારંભમાં આયોજક શ્રી હેમંત કારિયાએ ભૂમિકા
રજૂ કરતાં કહ્યું હતું કે વાર્તાપઠનના આ કાર્યક્રમમાં વાર્તાઓના વિવેચનની પહેલ
કરવા અંગે અમને મિશ્ર પ્રતિભાવ મળ્યાં છે. આમ છતાં વિવેચનની પરંપરા આગળ ધપાવવા અમે
કૃતનિશ્ચયી છીએ. આ નિવેદનના ઉત્તરરૂપે શ્રી રાજુ પટેલે વાર્તાઓનું વિવેચન શા માટે
જરૂરી છે એ વાત સરસ દ્રષ્ટાંતો આપીને સમજાવી હતી.
શ્રી રાજુ પટેલે કહ્યું કે ઈશ્વરે સૃષ્ટિના સર્જનમાં કેટલાં
બધાં ભગા કર્યા છે! પણ એને સુધારવા એ પાછો આવતો નથી. જયારે એક વાર શ્રોતા કે વાચક
સમક્ષ રજૂઆત પામેલી વાર્તા અંગે ટિપ્પણીઓ મળ્યાં પછી લેખક એમાં સુધારો કરી શકે છે.
આમ લેખક તો ઈશ્વર કરતાં પણ વધુ શક્તિશાળી છે અને આપણે લેખકોએ આ વાતનો લાભ લેવો જોઈએ.
--કિશોર પટેલ, 27-12-21; 09:31
###
No comments:
Post a Comment