બાલભારતીમાં નાટ્યપ્રયોગ
(૪૧૮ શબ્દો)
હંસના જરૂરી હૈ.
કોરોના મહામારીના પૂર ઓસરવા માંડ્યા એ પછી સપ્ટેમ્બર
મહિનાના અંતમાં બાલભારતીમાં જેમ સાહિત્યપ્રવૃત્તિ શરુ થઇ એમ નાટ્યપ્રવૃત્તિ પણ શરુ
થઇ હતી. જો કે એ પછી એક તરફ વાર્તાપઠનના ત્રણેક કાર્યક્રમ થઇ ગયાં પણ
નાટ્યક્ષેત્રે પ્રવૃતિને સપ્ટેમ્બર મહિનાના પહેલા પ્રયોગ પછી ધાર્યો વેગ મળ્યો
નહીં. નાટ્યપ્રવૃત્તિ પુન:પ્રારંભ થઇ રવિવાર તારીખ પાંચ ડિસેમ્બર ૨૦૨૧ની સાંજે હિન્દી
નાટક “હંસના જરૂરી હૈ” ના પ્રયોગથી.
નાટકના લેખક-દિગ્દર્શક છે હુસૈની દવાવાલા.
બાલભારતીમાં પરદાની પરંપરા પહેલેથી જ નથી. મંચ પર પ્રકાશ
થતાં જ સૂત્રધારના પ્રવેશથી પ્રયોગની શરૂઆત થાય છે. પ્રેક્ષકોના અભિવાદન સાથે
સૂત્રધાર નાટકની ભૂમિકા રજૂ કરે છે. ક્ષમાયાચના સાથે સૂત્રધાર કહે છે કે સમય થઇ
ગયો છે, આપ સહુ સમયસર આવી ગયા છો પરંતુ મારા કલાકારો હજી આવ્યા નથી. લેખક અને
દિગ્દર્શક પણ આવ્યા નથી. કોણ જાણે ક્યાં અટવાઇ ગયાં સહુ?
એટલામાં એક પછી એક યુવાનો દોડતાં પ્રવેશે છે અને સૂત્રધારને
કહે છે કે અમે આવી ગયાં છીએ. સૂત્રધાર એમને ઠપકો આપીને નાટક શરુ કરવાનો આદેશ આપે
છે.
શરુ થાય છે એક પછી એક નાનકડી સ્કીટની હારમાળા.
ચાના બાંકડે ભેગાં થતાં બેકાર યુવાનો ચાવાળાને ઉલ્લુ બનાવી ઉધાર
ચા પીને ચાલતાં થઇ જાય છે, મનપસંદ કન્યાને રીઝવવા એક યુવાન અવનવા પ્રયાસ કરે છે, નવોદિત
શાયર અને પ્રકાશકની હસાહસભરી મુલાકાત થાય છે,
એક બગીચામાં પ્રેમી યુગલ અને પ્રેમિકાના પિતા એમ ત્રણ પાત્રો વચ્ચે ગેરસમજ અને
ગરબડગોટાળા થાય છે, અંધારી આલમના ગુંડાટોળકીની કોમેડી, હમશકલ યુવતીઓનું પ્રહસન,
હિન્દી ફિલ્મી ગીતો પર યુવાનોનું નૃત્ય વગેરે વૈવિધ્યપૂર્ણ પ્રસ્તુતિ થાય છે અને
પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન થાય છે. થોડામાં ઘણું સમજજો.
રવિવારની સાંજને રંગીન બનાવી દેનારા કલાકારોની સૂચિ:
પ્રકૃતિ, સૃષ્ટિ, દેવેનસિંઘ, સુમિત ગોયેલ, અર્પિત શેઠ,
દિશાંત ધામેચા, જતીન વાજા, કિશન પંચાલ, રિષભ અને પરવેઝ ખાન.
ઊડીને આંખે વળગે એવી વાત હતી: પ્રેક્ષકોમાં યુવાનોની
ઉપસ્થિતિ. સાહિત્યના કાર્યક્રમમાં શ્રોતાઓ અને નાટકના પ્રેક્ષકોમાં ઉંમરનો તફાવત
હંમેશા વ્યસ્ત પ્રમાણમાં જોવા મળ્યો છે. સાહિત્યના કાર્યક્રમમાં શ્રોતાઓ પચાસથી
વધુ વયના હોય છે જયારે નાટકના પ્રેક્ષકો હંમેશા વીસથી ત્રીસની અંદર જ હોય છે. નાટકના
આ પ્રયોગમાં આ લખનાર ઉપરાંત વાર્તાવંતના કવિ-લેખક હેમંત કારિયા અને યજમાન હેમાંગ યુવાનો
જોડે યુવાન થઇ ગયાં હતાં. પ્રેક્ષાગૃહમાં નવયુવાનોની હાજરી જબરી ઉર્જા પેદા કરતી
હોય છે.
હવે આપણી સામે પડકાર છે યુવાનોને સાહિત્ય તરફ વાળવાનો અને
વડીલોને નાટક તરફ.
એટલું નક્કી કે કોઇ ઓનલાઈન કાર્યક્રમ ઓફલાઈન કાર્યક્રમની
બરોબરી કરી શકે નહીં, નહીં, ક્યારેય નહીં. નાટ્યગૃહમાં જીવંત નાટ્યપ્રયોગની વાત
કંઇક જુદી જ છે, એનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ જ નહીં અસંભવ છે.
પંચલાઈન: યજમાન હેમાંગ તન્ના (ટ્રસ્ટી, બાલભારતી) માટે
શું કહેવું? કાર્યક્રમ સાહિત્યનો હોય કે નાટકનો, he is always ready to welcome you with a broad smile on his
face as well as lovely coffee in the interval.
--કિશોર પટેલ, મંગળવાર, 07 ડિસેમ્બર 2021,06:46.
###
No comments:
Post a Comment