કક્કાવારી ૨૦૧૯ (ભાગ ૧)
એતદ માટે વર્ષ ૨૦૨૦ ની ટૂંકી વાર્તાઓ વિષે લેખ તૈયાર કર્યો
તેની સાથે સાથે લેખકના નામ વર્ણમાળાના ક્રમમાં ગોઠવીને વર્ષની બધી જ વાર્તાઓની સંપૂર્ણ
યાદી બનાવી હતી જે પછીથી ફેસબુક પર મૂકી. એ જ વખતે ખ્યાલ આવ્યો હતો કે ૨૦૧૯ નાં
સર્વ સામયિકો હાથવગાં છે, એની પણ યાદી બનાવી શકાય, કોઇ અભ્યાસીને ઉપયોગી થઇ
પડે. આ રહી એ યાદી. મોડું થયું છે પણ કહે
છે ને કે better late than never.
ઇ.સ. ૨૦૧૯ માં વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી ટૂંકી
વાર્તાઓની આ યાદી લેખકના નામ પ્રમાણે વર્ણમાળાના ક્રમાનુસાર બનાવી છે. અગ્રણી પાંચ
સામયિકોમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન કુલ ૨૦૬ લેખકોની ૩૨૩ વાર્તાઓ પ્રગટ થઇ છે. સંપૂર્ણ યાદી લાંબી થાય છે
માટે કુલ ચાર ભાગોમાં રજૂ થશે.
આ યાદીમાં નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ, પરબ, મમતા વાર્તામાસિક
અને જલારામદીપ સામયિકોનાં આખા વર્ષના તમામ અંકોમાં પ્રસિદ્ધ થયેલી કુલ ૩૨૩ વાર્તાઓ
સમાવી છે.
વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/પ્રકાશન
મહિનો /વાર્તાનો વિષય એમ રહેશે.
સંક્ષિપ્ત રૂપોની સમજણ:
ન.સ.=નવનીત સમર્પણ, જ.દીપ= જલારામદીપ.
ભૂલચૂક લેવીદેવી.
ભાગ ૧ માં અ અને ક, ગ, ચ, છ અને જ થી શરુ થતાં લેખકોનાં
નામો પ્રમાણે યાદી રજૂ થઇ છે.
અ
અકીલ કાગડા: દલાલ (મમતા, એપ્રિલ): વેશ્યાવ્યવસાયમાં એક
અનિવાર્ય ઘટક જેવા દલાલની વાત.
અજય સોની: ૧. ડે નાઇટ ગ્લાસીસ (ન.સ.જૂન): દીકરી પર આશ્રિત
આદમી મોં સંતાડતો ફરે છે. ૨. સરકતી દીવાલ (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): જે
કાકીને પત્નીને નાપસંદ હોવાના કારણે
જાકારો આપેલો એ જ કાકી હવે ટેકો આપે છે.
અજયકુમાર પુરોહિત: સામર્થ્ય (મમતા, ઓક્ટોબર): દીકરાને
પોલિયો થતાં એને દોડવીર બનાવવાનું નાયકનું સ્વપ્નું ચકનાચૂર.
અતુલકુમાર વ્યાસ: ૧. ફજેતી (જ.દી. ફેબ્રુઆરી): નાયકને જેલ
થાય; પ્રેમિકા બીજે ઠેકાણે પરણી જાય ૨. અરધો ભાયડો (જ.દી.ઓગસ્ટ): કાર્યાલયની
શિસ્તમાં ના રહેતી સ્ત્રીકર્મચારીને અંકુશમાં લાવવાની કાર્યવાહી. ૩. એક નવો દિવસ
(જ.દી.ડિસેમ્બર): વર્ગભેદની વાર્તા.
અનિલ વાઘેલા: ૧. કાંટાની જાળ (જ.દી. ફેબ્રુઆરી): જાહેર
સ્થળે વાતચીત કરતાં સાવધાન રહેવું જોઈએ, સંદેશપ્રધાન વાર્તા ૨. ફરજ (જ.દી.જૂન):
ચર્ચના કારભારમાં ગેરરીતિ.
અનિલ વ્યાસ: ૧. સાવ અચાનક (ન.સ.જુલાઇ): નિષિદ્ધ સંબંધની
પ્રેમકથા. ૨. આ પાર પેલે પાર (પરબ, જૂન) વાગ્દત્તા
કોઇ અન્ય જોડે ભાગી જતાં પ્રેમભંગ. એની સ્મૃતિ નાયકને નવા સંબંધમાં સ્થિર થવા દેતી
નથી.
અમૃત બારોટ: ઊભરો (ન.સ.સપ્ટેમ્બર): બે ભાઈઓના પરિવાર વચ્ચે
મનદુઃખ/ પ્રેમનો ઊભરો.
અરવિંદ રાય: નિયતિ (મમતા, નવેમ્બર): લૂંટેરી ગેંગની સભ્ય
બનીને નાયિકાએ બનાવટી લગ્ન કર્યા, પછી માણસો સારાં હતાં એટલે સત્યની કબૂલાત કરીને
સાસરું અપનાવી લીધું.
અરુણા ઠક્કર: એ પણ (મમતા, સપ્ટેમ્બર): શાકવાળીની યુવાન
હૈયાંઓ પર નજર.
અર્જુનસિંહ રાઉલજી: ૧.વાઈફ સ્વેપિંગ (શબ્દસૃષ્ટિ, જુલાઇ):
યુવાન પેઢીમાં પેઠેલું સામાજિક દૂષણ. ૨. માનો દીકરો (જ.દી. જાન્યુઆરી): સમાજના
નીચલા વર્ગની આર્થિક મુશ્કેલીઓ પર પ્રકાશ. ૩. કતરણ (જ.દી.જૂન): બીજા પુરુષ
એકવચનમાં શત્રુપક્ષના કબજામાં આવી ગયેલા
એક યુધ્ધકેદીની વાત. ૪. હવે તો આવી જા
પ્રિયે! (જ.દી.ડિસેમ્બર): મૃત પતિને પત્ર.
અશ્વિનકુમાર પાટણવાડિયા: ત્રિકોણીય પ્રેમ (મમતા, ઓગસ્ટ):
પિતાના પૈસે લીલાલહેર કરતા પુત્રનું હ્રદયપરિવર્તન.
અંજલિ પ્રદીપ ખાંડવાલા: ૧. માનો ભાર (ન.સ.જાન્યુ): કૌટુંબિક
વ્યવસ્થામાં માતાના યોગદાનની અવગણના. ૨. ઓપન ટિકિટ (પરબ, એપ્રિલ): પિતૃસત્તાક
વ્યવસ્થામાં સ્ત્રીનું દુય્યમ સ્થાન.
આનંદ ઠાકર: ૧. જ્યારે તમે ને હું (ન.સ.ઓગસ્ટ): સ્વજનોની
અવહેલનાથી દુઃખી સ્ત્રી. ૨. અઢાર અક્ષૌહિણી (જ.દી.મે):
માતા-પિતા-પત્ની-દીકરીઓ-નોકરી-બોસ-પ્રમોશન-અનેક મોરચે લડતાં સામાન્ય માણસની વાત.
૩. આના કરતાં તો (જ.દી.ઓગસ્ટ): આર્થિક ભીંસમાં આવેલો
મધ્યમવર્ગીય નાયક ગામનું ઘર વેચીને પૈસા ઊભા કરવાનું વિચારે છે.
આરતીબા ગોહિલ ‘શ્રી’: બાહુબલિ (જ.દી.સપ્ટેમ્બર): દેશની
સુરક્ષા કાજે સર્વસ્વ હોડમાં મૂકીને લડતા એક શૂરવીરની શબ્દકથા
એકતા નીરવ દોશી: રૂબરૂ (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક):
અવાવરુ સ્થળે ડરામણો અનુભવ.
ઇશા કુન્દનિકા: ૧.
પ્રેમ જ સર્વ કાંઇ (ન.સ.જાન્યુ): ઓલિયા આદમીની વાત ૨. દ્રૌપદી (ન.સ.એપ્રિલ):
અન્યાયી સમાજ વ્યવસ્થા સામે વિદ્રોહ કરતી નારીની વાત. ૩. ધર્મક્ષેત્રે
કુરુક્ષેત્રે (શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ): ફેન્ટેસી.
યુદ્ધ પહેલાં અર્જુનને વિષાદ થાય છે: યુદ્ધ શા માટે? એ દુર્યોધનને ભેટી પડે
છે. યુદ્ધ થંભી જાય છે!
અ થી ઈ: લેખકો: ૧૬ વાર્તાઓ: ૨૯
ક
કલ્પના અજય નાયક: ૧. તમાચો (મમતા, ફેબ્રુઆરી): પશ્ચાતાપની
અગ્નિમાં ભૂંજાતા બે મિત્રોની નાટ્યાત્મક મુલાકાત. ૨. અંતિમ સ્વર (મમતા, ઓક્ટોબર):
નાયિકા મૃત્યુ પહેલાં એક ઓડિયોટેપ બનાવી જાય જેમાં પતિના ગુનાઓ વિષે માહિતી
હોય.
કલ્પેશ પટેલ: ૧. મૂંઝવણના પહાડ પર (જ.દી.નવેમ્બર દીપોત્સવી
વિશેષાંક-૨): ફિલ્મસ્ટાર દંપતીનું બાળક માતા વિષે ગોસિપ સાંભળીને મારામારી કરે. ૨.
બુંદી અને ગાંઠિયા (મમતા, જૂન): ચૂંટણીપ્રચાર વેળાએ મતદારોને રીઝવવાનો પેંતરો.
કનુ આચાર્ય: ૧. હું એ હવે વઢકણી થતી જાઉં છું, બાપ! (જ.દી.
ફેબ્રુઆરી): પતિ-દીકરો બંને ગરમ મિજાજના. પત્નીને થાય છે કે હવે એ પોતે પણ એવી થઇ
રહી છે. હળવી શૈલીમાં રજૂઆત. ૨. આદર્શવાદી ઇન્સ્પેક્ટરની શાળા મુલાકાત
(જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): હળવી શૈલીમાં એક ઇન્સ્પેકટરનો અહેવાલ. ૩. જા
ભગવાન, તારા કિટ્ટા! (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): છેવાડાના સમાજના એક
બાળકની વાત. પ્રસાદમાં ભાતભાતની મીઠાઈઓ મળશે એવું સ્વપ્નું જોતાં બાળકને મફતમાં તો
કેવળ ચપટીક પ્રસાદ મળે છે.
કંદર્પ ર. દેસાઇ: ૧. દીકરા/રી ની મા (ન.સ.ડિસેમ્બર):
દીકરાના મૃત્યુ પછી તેની પ્રેમિકા જોડે નાયિકાનું મિલન. ૨. કઇ હશે એ ક્ષણ? (શબ્દસૃષ્ટિ,
એપ્રિલ): ફક્ત ‘સોરી’ એવી એક શબ્દની ચિઠ્ઠી લખી આત્મહત્યા કરતા કોલેજિયન યુવાનની
વાત.
કિરણ વી.મહેતા: ૧. ડુંડાંથી ભરેલો મકાઈનો છોડ (જ.દી.મે): એક
કાલ્પનિક અને યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભાગી નીકળેલા બાપ-દીકરાની વાત ૨.વરસાદ અને
વિમાન (જ.દી.ઓગસ્ટ): પત્નીની સ્મૃતિમાં એફિલ ટાવરની પ્રતિકૃતિનું નિર્માણ. ૩. અપૂર્વ
ચમક (મમતા, ફેબ્રુઆરી): સતત પિતાનું ચિંતન કરતો નાયક છેવટે પિતાનું રૂપ ધારણ કરે
છે. ૪. ભારે ડગલે (મમતા, ડિસેમ્બર): નાયકના જીવનમાં બાળકને પ્રેમ કરવાનો કે તેનો
પ્રેમ પામવાનો યોગ આવતો નથી.
કિશનસિંહ પરમાર: જનાવર (શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી):
ગામડાંગામમાં ઘસરતાં જતાં નૈતિક મૂલ્યોની વાત.
કિશોર અંધારિયા: ૧. જેકપોટ (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક):
ઘરમાલિકને ગેરસમજ થઇ અને છોટુ-મોટુને જેકપોટ લાગ્યો ૨.હરણ-અપહરણ (જ.દી.ઓક્ટો;
દીપોત્સવી વિશેષાંક-૧): મિસ્ટેકન આઇડેન્ટિટીની કોમેડી. એકના બદલે બીજાનું અપહરણ
થાય.
કિશોર પટેલ: સ્વજન (જ.દી.સપ્ટેમ્બર): એક નવયુવાન ભૂલભૂલમાં
વેશ્યાવાડે પહોંચી જાય છે.
ડો. કિશોર પંડ્યા: ૧. પ્રેમબાણ વાગ્યા હોય એ જાણે
(જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): પહેલા નિષ્ફળ પ્રેમની કહાણી ૨. અ..વિનાશ
(જ.દી.ઓગસ્ટ): પરફેક્ટ ક્રાઈમ સ્ટોરી. ૩. ગધેડાને શીંગડા ઉગ્યા (જ.દી.ડિસેમ્બર):
કથકની એક પણ વાર્તા જેણે પ્રગટ કરી નથી એવા તંત્રીને પત્ર.
કીર્તિકાન્ત પુરોહિત: ૧. સ્ખલન (જ.દી.મે): લગ્નપૂર્વેના
સ્ખલન વિષે નાયિકાની માફી માંગતો પત્ર નાયકના મૃત્યુ પછી મળે. ૨. જમાનાનું ચકડોળ
(જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): જૂનાં જમાનાનાં ગાયિકા અને સંગીતકાર ભવ્ય
ભૂતકાળ વાગોળે છે.
ડો. કુમાર જૈમિની શાસ્ત્રી: ટાઇમ ક્યુબ (જ.દી.નવેમ્બર
દીપોત્સવી વિશેષાંક-૨): બોસની પીએના એકતરફી પ્રેમમાં આસક્ત નાયકની પીડા.
કુસુમ પટેલ: પ્રેમી પાત્રો (મમતા, સપ્ટેમ્બર): ફેન્ટેસી. હીર-રાંઝા, લયલા-મજનુ, રોમિયો
જુલિયેટ વર્તમાનમાં.
કુંજલ પ્રદીપ છાયા: માથાબોળ (મમતા, એપ્રિલ): સ્ત્રીઓના
માસિકચક્ર પ્રતિ નવી પેઢીના અભિગમની વાત.
કુંતલ નિમાવત: ગુમાવ્યાનો અફસોસ (મમતા, ફેબ્રુઆરી): એક
યુવતી અને મોટી વયના પુરુષ વચ્ચેના અનોખા સંબંધની વાત.
કેતન એ. કારિયા: દત્તક (મમતા, મે): એક કન્યાની
કૌમાર્યાવસ્થામાં ગર્ભધારણાની વાત.
કેશુભાઇ દેસાઇ: ૧. નીડ કા નિર્માણ ફિર (પરબ, સપ્ટેમ્બર):
એકલતા અનુભવતા વરિષ્ઠ નાગરિકો. ૨. પાપ (શબ્દસૃષ્ટિ, માર્ચ): કોઈના જીવનની કરુણતા
બાહ્ય ચિહ્નોથી કળાતી નથી. ૩. ફોબિયા (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧):
ડિવોર્સી શિક્ષિકા વંદના અને વિધુર જુવાનસિંહનો છાનો સંબંધ. વંદનાને સમાજનો ડર છે.
જુવાનસિંહ હિંમતપૂર્વક વંદનાને પોતાને ઘેર લઇ જાય.
ક : લેખકો ૧૬, વાર્તાઓ: ૩૦
ગ
ગિરિમા ઘારેખાન: મૂંઝવણ (જ.દી. જાન્યુઆરી): મોટી ઉંમરે
નૈસર્ગિક ક્રિયાઓ પર સંયમ ના રહે એવું બની શકે છે. પ્રવાસે જતાં મૂંઝાતી એક મોટી
વયની સ્ત્રીની વાત.
ગિરીશ ભટ્ટ: ૧. રક્ત (ન.સ.ફેબ્રુ): અવિવાહિત નાયિકા એક દાવ
હારી જાય. ૨. શિષ્યા (ન.સ.ઓગસ્ટ): શિષ્યા આવી છે ગુરુ જોડેની છબી છાપામાં છપાવવા!
૩. અંત વિનાની ગલી (પરબ, મે) કથકની દીકરીની એક સહેલી બનારસની ગલીમાં મળી જાય, એ
અહીં વેશ્યાવ્યવસાયમાં પ્રવૃત્ત છે! ૪.
કોઇ જાનકી આવી હતી (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): ફિલ્મ “પતિ, પત્ની ઔર વોહ”
ની જેમ અનિકેત પીએને કહે કે પત્ની બીમાર છે.
ગુણવંત વ્યાસ: ૧. સાંકડી શેરીના નાકે (જ.દી.ઓક્ટો;
દીપોત્સવી વિશેષાંક-૧): અપંગ દીકરા માટે ‘સુખ’ ખરીદતી માતા. ૨. ચમત્કાર (મમતા,
જૂન): પિતા-પુત્રની ભૂમિકાઓની અદલાબદલી.
ગોરધન ભેસાણિયા: ૧. ઘરઘરણું (જ.દી. ફેબ્રુઆરી): વરિષ્ઠ
નાગરિક ફરીથી લગ્ન કરે તો? ૨. જીદ (જ.દી.સપ્ટેમ્બર): રંગેચંગે પરણાવેલી દીકરી છ
મહિનામાં પાછી આવી છે
ગ: લેખકો:૪, વાર્તાઓ: ૯
ચ
ચતુર પટેલ: કઠપૂતળીનું પ્યાદું (જ.દી. જાન્યુઆરી):
કૌભાંડમાં ભાગીદાર-સજા અને અપજશ.
ચેતના ઠાકોર: આગંતુક (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક): અગોચર
અનુભવ. શહીદ થયેલાં સૈનિકનો મૃતદેહ ગામમાં આવે છે. તેની વિધવા કહે છે કે એ તો
રાત્રે જીવતો આવ્યો હતો!
ચ: લેખકો:૨ વાર્તાઓ: ૨
છ
છાયા ઉપાધ્યાય: અહલ્યાના રામ (ન.સ.જુલાઇ): દોષભાવનાથી
પીડાતી યુવતી કઇ રીતે સામાન્ય બને છે.
છ: લેખક:૧, વાર્તા: ૧
જ
જગદીશ: કૂથલી (શબ્દસૃષ્ટિ, મે): સ્ત્રીઓનો કૂથલીપ્રેમ.
જગદીપ ઉપાધ્યાય: ૧. મારા વરની જાનમાં (મમતા, જાન્યુઆરી):
સમાજમાં સ્ત્રીઓની દયનીય સ્થિતિ. ૨. અજવાળું, બસ અજવાળું (મમતા, નવેમ્બર): નાયકે
પત્ની ગુમાવી, મિત્ર કેન્સરમાં ગયો, તેની વિધવાને પરણ્યો, તેનો પડ્યો બોલ ઉપાડ્યો,
એ બધું કેવળ મૈત્રી ખાતર!
ડો.જગદીશ ત્રિવેદી: ઝેરોક્ષવાળો યુવાન (જ.દી.જુલાઇ-હાસ્યકથા
વિશેષાંક): લેખકની આત્મકથાનો અંશ.
જયશ્રી ચૌધરી: મી ટુ (ન.સ.મે): એક ફિલ્મસ્ટાર નિર્દોષ ઠરે.
જયંત રાઠોડ: ૧. સર્જકનું મૃત્યુ (ન.સ.એપ્રિલ): વિષય મૃત્યુ.
દરિયાઈ સફર. કલાકાર-કેપ્ટન સંવાદ. ૨. ટાવર
ઓફ સાયલન્સ (ન.સ.નવેમ્બર): વિષય મૃત્યુ. ઊંચા ટાવરમાં રહેતા વૃદ્ધની વાત. ૩.
દટાયેલું નગર (પરબ, સપ્ટેમ્બર): ઉત્ખનનની સાઈટ પરથી માનવ હાડપિંજર મળી આવે. નગરનો
વર્તમાન અને ભૂતકાળ સમાંતરે ચાલે. ૪. નૌતમલાલની નિવૃત્તિ (શબ્દસૃષ્ટિ, માર્ચ):
નિવૃત્તિ પછીની શૂન્યતા.
જયેન્દ્ર ગુલાબભાઇ ભટ્ટ: ભોંવરા (મમતા, મે): કરુણાંત
પ્રેમકથા.
જ્યોતિ પરમાર: હેન્ડરાઈટિંગ (મમતા, જૂન): પિતાના મિત્ર
દ્વારા થતાં દુષ્કર્મની ફરિયાદ નાયિકા પિતા સુધી પહોંચાડે છે.
જાગ્રત જિતેન્દ્રભાઇ વ્યાસ: મુકાબલો (મમતા, મે): માનવ અને
મશીન વચ્ચે સ્પર્ધાની વાત.
જાનકી શાહ ‘ડોલ્ફિન’: આઘાત (મમતા, સપ્ટેમ્બર અને ઓક્ટોબર):
ડો.ગુપ્તા મૂંઝાઈને ડો.વર્મા પાસે દર્દી તરીકે આવ્યા છે.
જાહ્નવી ગોર: ચમત્કૃતિ (મમતા, સપ્ટેમ્બર): ફેન્ટેસી. જાદુઈ
પેનથી લેખક જે લખે તે જ વાસ્તવમાં ઘટે.
જિગર રાણા: વાટકી વહેવાર (મમતા, સપ્ટેમ્બર): દીકરા-વહુએ પિતાને સરપ્રાઇઝ ભેટ આપી.
જિતેન્દ્ર પટેલ: ભેટ (જ.દી. જાન્યુઆરી): દાંપત્યજીવનમાં
વિચારભેદ.
જીતેશ દોંગા: ૨૦૫૬ (મમતા, ફેબ્રુઆરી): સાય-ફાય. માનવીય લાગણીઓનો
પ્રતિસાદ આપતી ટેકનોલોજીનો વિકાસ.
જૂથિકા મેહન: સપનું (મમતા, નવેમ્બર): એક સ્ત્રીને કોઇ
ગરમાગરમ રોટલી ખવડાવે એ તો સ્વપ્ના જેવી વાત કહેવાય.
જોરાવરસિંહ જાદવ: અવનિ પર ઊંટવૈદ્ય ક્યારથી જન્મ્યા?
(જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): ‘ઊંટવૈદ્ય’ શબ્દ કઇ રીતે પ્રચલિત બન્યો એની
રસપૂર્ણ કથા.
જ: લેખકો: ૧૫, વાર્તાઓ: ૧૯
###
(યાદી અપૂર્ણ)
No comments:
Post a Comment