બાલભારતીમાં વાર્તાવંતનું વાર્તાપઠન ૨૭ નવેમ્બર ૨૦૨૧
(૪૫૦ શબ્દો)
વર્ષ ૨૦૨૧ ના વાર્તાપઠનનાં આ ત્રીજા કાર્યક્રમમાં આ વખતે
નવીનતા એ હતી કે જાહેર આમંત્રણથી નવોદિતો પાસે વાર્તાઓ મંગાવાઇ હતી. સંસ્થાના આહ્વાનને માન આપીને આવેલી લગભગ દસેક
જેટલી વાર્તાઓમાંથી પસંદગી પામેલી બે વાર્તાઓ રજૂ થઇ. આ બંને વાર્તાઓના લેખકોમાંથી
એક છે વર્ષા તન્ના. તેઓ નિયમિતપણે ગદ્યલેખન કરતાં આવેલાં અને લેખિની સંસ્થા સાથે
સંકળાયેલા છે. બીજા લેખક છે પ્રતિભાશાળી યુવાલેખક બાદલ પંચાલ. એમની વાર્તાઓ આજકાલ પ્રતિષ્ઠિત
સામયિકોમાં પ્રસિદ્ધ થઇ રહી છે. આ બંને લેખકોની વાર્તાઓ વિષે આમંત્રિત વિવેચકે
વિશેષ ટિપ્પણીઓ રજૂ કરી એ કાર્યક્રમની બીજી નવીનતા.
બે જાણીતા વાર્તાકારોમાં એક હતાં મર્ડરમિસ્ટ્રી વાર્તાઓ પર હથોટી
ધરાવતાં નાટ્યકાર યામિની પટેલ અને બીજા હતા વ્યંગકાર અને ચિત્રલેખાના કટારલેખક રાજુ
પટેલ. યામિનીબેનની એક નવલકથા “આલંભ” હાલમાં જ પ્રકાશિત થઇ છે. રાજુ પટેલ વારતા રે
વારતા ફેસબુક ગ્રુપના સંસ્થાપક છે હાલમાં શરુ થયેલા નવા વારેવા સામયિકના સૂત્રધાર છે.
યામિની પટેલની વાર્તા “ભૂત” માં ફાંસીની સજા પામેલા એક
ખૂનીની વાત હતી. મોતની સજામાંથી ઊગરી જવા છેલ્લી ઘડીએ કેટલાંક ગુનેગારો અવનવી
તરકીબ અજમાવતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આ વાર્તામાંથી મળ્યું. રજૂઆતની વિશેષતા
હતી યામિની પટેલનું નાટ્યાત્મક પઠન. શ્રોતાઓને લાગ્યું કે જાણે ઘટનાસ્થળે પોતે
હાજર છે.
રાજુ પટેલની વાર્તા “એક રમ્ય મુલાકાત” વાર્તાના નાયકને
મૃત્યુની ક્ષણો પહેલાં એક કન્યા જોડે પ્રેમ થઇ જાય છે. આ વાર્તાની વિશેષતા હતી પાત્રોના
અજબગજબ સંવાદો. એક નમૂનો:
યુવતી: કેમ છો?
યુવક: કેમ ના હોઉં?
ચયન પામેલી પહેલી વાર્તા હતી બાદલ પંચાલની “બેડ નંબર ૧૫”. આ વાર્તામાં હોસ્પિટલનો પરિવેશ
તાદશ થયો. બેડ નંબર ૧૫ પર આવતો દરેક દર્દી મોડોવહેલો મરણ પામે છે એવી કરુણાંત
વાર્તા.
ચયન પામેલી બીજી વાર્તા હતી વર્ષા તન્નાની “જેલ”. વાર્તામાં
ગામડાંમાં એક અપંગ સ્ત્રી જોડે પરિવાર દ્વારા થતાં દુર્વ્યવહારની વાત હતી. ઘરની
જેલમાં ફસાયેલી નાયિકા સરકારી જેલમાં સબડતા એક ગુનેગારને જેલ તોડીને ભાગી જવામાં
મદદ કરે છે. વિષાદપૂર્ણ વાર્તા.
અંતમાં “બેડ નંબર ૧૫” અને “જેલ” એમ બે વાર્તાઓ વિષે લિખિતંગ
આપના સેવકે પોતાનાં નિરીક્ષણ રજૂ કર્યા.
યામિની પટેલના સંચાલનમાં કાર્યક્રમ સુંદર રીતે પાર પડ્યો.
કાર્યક્રમનો આભારવિધિ કરતાં બાલભારતીના ટ્રસ્ટી શ્રી
હેમાંગભાઈએ ડિસેમ્બર મહિનામાં રજૂ થનારાં નાટ્યપ્રયોગો વિષે જાણકારી આપી. ડિસેમ્બર મહિનામાં લગભગ દરેક રવિવારે
બાલભારતીમાં નાટકોની રજૂઆત થશે એની રસિકોએ નોંધ લેવી.
આ વખતે પઠનનો કાર્યક્રમ સમયસર શરુ થઇ શક્યો એનું કારણ હતું સમયપૂર્વે
જ શ્રોતાઓની સંતોષકારક સંખ્યા. એનું રહસ્ય પછીથી સમજાયું: કાર્યક્રમની બંને મહિલા
વાર્તાકારોનું લેખિની સંસ્થાનાં સક્રિય રીતે સંકળાયેલાં હોવું. શ્રોતાઓમાં લેખિની
સંસ્થાની મહિલા સભ્યોની સંખ્યા ઊડીને આંખે વળગે એવી હતી.
કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયાં આ મહાનુભવોની ઉપસ્થિતિથી: વરિષ્ઠ
લેખક સુશ્રી મીનાક્ષીબહેન દીક્ષિત, રંગભૂમિના પ્રતિભાશાળી અભિનેત્રી સુશ્રી મીનળ
પટેલ, જાણીતા નવલકથાકાર સુશ્રી દેવાંગી ભટ્ટ, યુવાવાર્તાકાર અને ચિત્રકાર સમીરા
પત્રાવાલા, નાટ્યકાર અને ટેલીવિઝન સિરીયલોના લેખક શ્રી નીલેશ રૂપાપરા અને લેખક,
સંપાદક અને પ્રકાશક શ્રી સતીશ વ્યાસ.
મુંબઈ શહેરમાં કળાક્ષેત્રે અનન્ય યોગદાન આપવાની આગેવાની
લેવા માટે કવિ-વાર્તાકારશ્રી હેમંત કારિયા અને બાલભારતી સંસ્થાના ટ્રસ્ટીશ્રી
હેમાંગ તન્ના આભાર અને અભિનંદનના અધિકારી છે.
--કિશોર પટેલ, 29-11-21;11:41
###
No comments:
Post a Comment