Thursday, 30 December 2021

કનૈયાલાલ માણેકલાલ મુનશીના જન્મદિવસ નિમિતે


 

કનૈયાલાલ માણેકલાલ મુનશીના જન્મદિવસ નિમિતે

 

(૫૩૧ શબ્દો)

મુનશીજીનાં પંચોતેરમા જન્મદિન નિમિત્તે એમનાં લખેલાં નાટકો ભજવવાની વાતનું મુહુર્ત છેક ૧૯૭૦-૭૧ માં નીકળ્યું હતું. એ દિવસોમાં ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રની નાટ્યશાખાની બાગડોર ચંદ્રકાંત દલાલ નામના એક સાહસિક  નાટ્યનિર્માતાના હાથમાં હતી. સાહસિક એટલા માટે કે હિન્દી ભાષાના  જાણીતા લેખક  મોહન રાકેશના એક હિન્દી નાટક “આધેઅધૂરે” નું ગુજરાતી રૂપાંતર એમણે ગુજરાતી રંગભૂમિ પર સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. એવા જ બીજાં ઓફબીટ નાટકો કરવા માટે તેઓ હંમેશા આતુર રહેતા.

ચંદ્રકાંત દલાલે મુનશીજીનાં કુલ  ત્રણ નાટકો ભજવવાનું બીડું ઉપાડ્યું.

૧. પાટણની પ્રભુતા:

દિગ્દર્શક: ચંદ્રકાંત સાંગાણી, મુખ્ય કલાકારો: પ્રતાપ ઓઝા, તરલા જોશી અને કિશોર ભટ્ટ.

આ ઐતિહાસિક નાટક રિવોલ્વિંગ સ્ટેજ પર ત્રણ અંકોમાં ભજવાતું. એક દ્રશ્ય ચાલુ હોય ત્યારે રિવોલ્વિંગ સ્ટેજના  પાછળના બીજા હિસ્સામાં નવા દ્રશ્યના સેટિંગની તૈયારી ચાલતી. એક દ્રશ્ય પૂરું થાય અને ઘડી બે ઘડીનો અંધકાર થાય એ દરમિયાન સ્ટેજ રિવોલ્વ થતું. નવા સેટ પર નવું દ્રશ્ય! આ નાટકના પછીથી સારાં એવાં પ્રયોગો થયેલાં. કલકત્તા અને અમદાવાદ ટુર પણ કરેલી. કોસ્ચ્યુમમાં સહુનાં રંગબેરંગી વાઘા! પ્રોપર્ટીમાં તલવાર, ગદા!  ગજબનું નાટક હતું.

કિશોર ભટ્ટની સ્મૃતિ ઘણી સરસ હતી. લાંબા લાંબા સંવાદો ભૂલ કર્યા વિના બોલતાં. પ્રતાપ ઓઝાની અભિનયશૈલી સહુથી જુદી પડતી. એમની સંવાદફેંક ગજબની શક્તિશાળી રહેતી. તરલા જોશી સંવેદનશીલ દ્રશ્યો સરસ ભજવતાં.    

૨. બ્રહ્મચર્યાશ્રમ: દિગ્દર્શક: એ સમયના ઉભરતાં પ્રતિભાશાળી દિગ્દર્શક લક્ષ્મીકાંત કર્પે. (પ્રેમથી સહુ એમને “અન્ના” કહેતાં) આ નાટકમાં તમામ કલાકારો ઇન્ટરકોલેજીયેટ એકાંકી સ્પર્ધાઓમાંથી પસંદ કરાયેલાં આશાસ્પદ યુવાન હતાં: ગૌરાંગીની સોની, પ્રદીપ મર્ચન્ટ, જાવેદ ખાન અને અન્યો. આ નાટકના માંડ બે શો થયેલાં. શુભારંભ પ્રયોગ  જે રવિવારે  ભવન, ચોપાટી ખાતે હતો એ જ દિવસે, એ જ સમયે ચોપાટી પર ઇન્દિરા ગાંધીની જાહેર સભા હતી.  પ્રેક્ષકગણની સંખ્યા પર આ ઘટનાની કારમી  અસર પડી હતી.    

પછી લક્ષ્મીકાંત કર્પે હિન્દી ફિલ્મનિર્માતા મનમોહન દેસાઈ જોડે સહાયક દિગ્દર્શક તરીકે જોડાયેલા. દસેક વર્ષે સ્વગૃહે પાછા આવેલા. ત્યાર બાદ  એમણે ગુજરાતી અને મરાઠી એમ બંને રંગભૂમિ પર સમાંતરે કારકિર્દી બનાવેલી.  ગૌરાંગીની સોની ભવન્સ કોલેજની વિદ્યાર્થીની હતી, સરસ અભિનય કરતી, અભિનયના ઘણાં ઇનામો જીતેલાં,  વ્યવસાયી નાટકોમાં કામ કરવાના એને સતત પ્રસ્તાવ મળતાં પણ એનો અગ્રતાક્રમ કંઇક બીજો હતો.  પ્રદીપ મર્ચન્ટ ખૂબ પ્રતિભાશાળી અભિનેતા હતો, પછીથી INT ના નાટક “કુમારની અગાશી” માં પ્રવીણ જોશીએ એને મુખ્ય ભૂમિકામાં લોન્ચ કરેલો. પ્રદીપે પછી માંડ એકાદ-બે નાટક કરેલાં, એને વિદેશ જવું હતું, એ વિદેશ જતો રહેલો. જાવેદખાન ઇપ્ટામાં જોડાયેલો, પછી એણે હિન્દી રંગભૂમિ યાદગાર નાટકો કર્યા. એણે સમાંતરે હિન્દી ફિલ્મો-સિરીયલોમાં કારકિર્દી બનાવેલી.    

૩. પૃથ્વીવલ્લભ: દિગ્દર્શક તરીકે સોહરાબ મોદીની વરણી થયેલી. (મુનશીની આ નવલકથા પરથી એમણે એક હિન્દી ફિલ્મ બનાવેલી એટલે.) મુખ્ય અભિનેતા તરીકે મરાઠી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર નટવર્ય દાજી ભાટવાડેકરની વરણી થયેલી. પણ બેચાર રીડીંગ પછી આ પ્રોજેક્ટ સંકેલી લેવામાં આવ્યો હતો. કારણ: ખ્યાલ નથી.

દાજી ભાટવાડેકર ત્યારે ACC કંપનીમાં મોટે હોદ્દે હતા. સાથે સાથે મરાઠી રંગભૂમિ પર નાટકો પણ કરતા. સારા અભિનેતા અને ગાયક હતા. સોહરાબ મોદી એમની કાર (લગભગ ઓસ્ટીન) જાતે ચલાવીને ભવન પર આવતા. એમની ઓફિસ ન્યુ એક્સેલસિયર સિનેમાની સામેના મકાનમાં હતી. એમનું શરીર એટલું હેવી હતું કે કારમાં બેસવા અને બહાર નીકળવા માટે  બે માણસોની જરૂર પડતી.       

મુનશીજી એ દિવસોમાં પથારીવશ રહેતા હતા. નાટકના શુભારંભ પ્રયોગ પહેલાં એમના આશીર્વાદ લેવા આખી ટીમ ભવનના ચોથે માળે એમના ઘેર ગયેલી. એમણે હાથ ઊંચો કરીને આશીર્વાદ આપેલાં. બે મિનિટમાં અમે બહાર નીકળી આવેલા. લીલાવતીબેન મુનશી પ્રથમ પ્રયોગમાં થોડીક મિનિટો માટે હાજર રહેલાં એટલું યાદ છે.  (ક.મા મુનશી: જન્મ: ૩૦/૧૨/૧૮૮૭, અવસાન: ૮/૨/૧૯૭૧)

--કિશોર પટેલ, 30-12-21; 22:58

###

(મુનશીજીની સંલગ્ન છબી વીકીપીડીયાની વેબસાઈટ પરથી લીધી છે.)     

Monday, 27 December 2021

બાલભારતી નાટ્યશાળા પ્રસ્તુત નાટક “એક રમત”ની ભજવણી



 

બાલભારતી નાટ્યશાળા પ્રસ્તુત નાટક એક રમત”ની ભજવણી

(૩૩૦ શબ્દો)

રવિવાર તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ ની સાંજે બાલભારતી ખાતે ગુજરાતી નાટક “એક રમત” ના પ્રયોગની પાવરપેક્ડ ભજવણી જોઇ. 

બ્રિટીશ વાર્તાકાર રોઆલ્ડ ડાહની એક વાર્તા પર આધારિત આ નાટકમાં પરિસ્થિતિ ભારે નાટ્યપૂર્ણ છે. બગીચામાં બેઠેલાં એક પ્રેમીયુગલની પ્રેમગોષ્ઠીમાં ખલેલ પહોંચાડે છે એક શ્રીમંત નબીરો. યુગલમાંના યુવકને એ ઉશ્કેરે છે કે મારી સાથે શરત લગાડ. શરત એ છે કે યુવકે પોતાની પાસેનું સિગારેટ લાઈટર દસ વખત એક જ ઝટકામાં સળગાવવાનું. જો એ જીતી જાય તો સામે ઊભેલી શ્રીમંત નબીરાની શાનદાર જગુઆર યુવકની. પણ એ હારી જાય તો? શરત હારી જાય તો એની ટચલી આંગળી વાઢી લઈને પેલો નબીરો પોતાના અમૂલ્ય સંગ્રહમાં વધુ એક આંગળીનો ઉમેરો કરશે!

શરત સાંભળીને યુવક અને એની પ્રેમિકા ચોંકી ઊઠે છે. પ્રેમિકા પ્રેમીને આવું સાહસ કરવાની ના પાડે છે. પણ યુવકને એક તો પોતાના લાઈટર પર વિશ્વાસ છે અને બીજું, પેલી શાનદાર જગુઆર એને લલચાવી રહી છે.

એ હા પાડે છે ત્યાં પહેલો અંકનો ડ્રોપ છે.

શું થાય છે બીજા અંકમાં? યુવાન શરત જીતે છે કે હારે છે?  એ જગુઆર મેળવે છે કે ટચલી આંગળી ગુમાવી દે છે?      

નાટકમાં રહસ્ય સરસ જળવાયું છે, અંતમાં જબરો વળાંક છે.

નાટકનું પ્રોડક્શન આલા દરજ્જાનું. પહેલા અંકમાં બગીચાનું દ્રશ્ય અને બીજા અંકમાં હોટલના આલીશાન ઓરડાનું દ્રશ્ય. આ બંને માટે શક્ય એટલી ઉપલબ્ધ સામગ્રી ભેગી કરીને પ્રસ્તુતકર્તાએ નાટકની પ્રોડક્શનવેલ્યુ ઘણી વધારી દીધી છે. જરૂર પડ્યે ટચલી આંગળી કાપવા માટે આવેલો કસાઈનો છરો જોઇને પ્રેક્ષકગૃહમાં સન્નાટો ફેલાઈ ગયો હતો.   

પાત્રોની વેશભૂષા આબાદ. દરેક પાત્ર માટે વિચારપૂર્વકની વસ્ત્રપરિકલ્પના થઇ છે. પ્રેમી યુવકયુવતી,  શ્રીમંત નબીરો જેવા મુખ્ય પાત્રોની ઉપરાંત અંતમાં પ્રગટ થતી એની પત્ની, એક ત્રાહિત આદમી જે રેફરી બને છે એની અને હોટલના વેઈટર જેવા ગૌણ પાત્રોની વસ્ત્રપસંદગી પણ કાળજીપૂર્વક થઇ છે.  

અંતની ચમત્કૃતિ માટે શ્રીમંત નબીરાની પત્નીનો એક હાથ જે સ્થિતિમાં રજૂ થયો એની તૈયારી માટે પ્રોસ્થેટીક્સ જોડે કલાકારે બે કલાક વીતાવવા પડ્યા હતા! વાહ! આને કહેવાય, કળા માટેની લગન.

નાટકમાં ભાગ લેનારા કલાકારોની યાદી આ પ્રમાણે: અર્પિત શેઠ, પૂજા રાજા, આયુષ ભીમજિયાણી, ચિરાગ વિનોદ કોટડિયા, સાહિલ મહેતા અને દ્રષ્ટિ વઢેલ.   લેખન-દિગ્દર્શન હેમાંગ તન્ના.

એકંદરે, સરસ નાટયાનુભવ. 

--કિશોર પટેલ, 28-12-21; 11:20

###

Sunday, 26 December 2021

બાલભારતીમાં વાર્તાવંતનું વાર્તાપઠન ૨૫ ડિસેમ્બર ૨૦૨૧


 

બાલભારતીમાં વાર્તાવંતનું વાર્તાપઠન ૨૫ ડિસેમ્બર ૨૦૨૧

 

પેટાશીર્ષક: શક્તિશાળી કોણ? ઈશ્વર કે લેખક?

(૩૩૬ શબ્દો)

ઓમિક્રોનનાં વાગતાં ઢોલનગારાં અને શહેરમાં ચાલતી નાતાલની ઉજવણીનાં મિશ્ર માહોલમાં શનિવાર ૨૫ ડિસેમ્બરની સાંજે બાલભારતીમાં રસિક શ્રોતાઓની હાજરીમાં વાર્તાપઠનનો કાર્યક્રમ સુખરૂપ પાર પડ્યો.

વાર્તાવંતને અજાણ્યા લેખકોની મેઈલ પર મળેલી થોડીક વાર્તાઓમાંથી પસંદ થયેલી પહેલી વાર્તા હતી, બાલભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને લેખિનીના લેખક સુશ્રી ગીતા ત્રિવેદીની “મણિ.” પુરુષપ્રધાન સંસ્કૃતિમાં આજે લગભગ દરેક મોરચે સ્ત્રીઓ પુરુષોને પડકારી રહી છે. પુરુષોનો ઈજારો ગણાય એવું એક કામ છે સ્મશાનમાં મડદાંને બાળવાનું. ગામડાગામની મણિ કપરાં સંજોગોમાં આ કામ કરવાનો પડકાર ઝીલી લે છે.

બીજી વાર્તા હતી કવિ અને વાર્તાવંતના આયોજકશ્રી હેમંત કારિયાની “ઢગલાંબાજી.” બેમાંથી એક થઇ ના શકેલાં પ્રેમીયુગલની વ્યથાકથા. વાર્તાનો પ્રારંભ પદ્યમાં થયો એ એક નવીનતા હતી.   

કોફીબ્રેક પછી રજૂ થઇ જાણીતા પત્રકાર-વાર્તાકાર નીલેશ રૂપાપરાની વાર્તા “કાલત્રયી.” પ્રેમત્રિકોણની વાર્તામાં રજૂઆતની દ્રષ્ટિએ પ્રયોગ થયો હતો. ગત, અનાગત અને સાંપ્રત એમ ત્રણ કાળમાં આ પાત્રોની સંવેદનાઓને તપાસવામાં આવી.

ચોથી અને છેલ્લી વાર્તા રજૂ થઇ કાર્યક્રમના સંચાલક અને “કપોળદર્શન” સામયિકના જાણીતા સંપાદક અને લેખક સુશ્રી નીલા સંઘવીની “માઈ.”  જેનો માનસિક વિકાસ ઉંમર પ્રમાણે થયો નથી એવા પુત્રના મોંએ “માઈ” શબ્દ સાંભળવા કાયમ તરસતી રહેલી માતા એવા વિપરીત સંજોગોમાં પહેલી વાર પુત્રના મોંએ “માઈ” સાંભળે છે કે એનો આનંદ ઉઠાવી શકતી નથી.        

બાલભારતી વાર્તાવંત વતી એક નવી પહેલ ગયા મહિનેથી થઇ છે, વાર્તાવિવેચનની. આ મહિનાના વિવેચક શ્રી રાજુ પટેલે ગીતા ત્રિવેદીની “મણિ”  અને હેમંત કારિયાની “ઢગલાંબાજી” નું અભ્યાસપૂર્ણ વિવેચન રજૂ કર્યું.

કાર્યક્રમના પ્રારંભમાં આયોજક શ્રી હેમંત કારિયાએ ભૂમિકા રજૂ કરતાં કહ્યું હતું કે વાર્તાપઠનના આ કાર્યક્રમમાં વાર્તાઓના વિવેચનની પહેલ કરવા અંગે અમને મિશ્ર પ્રતિભાવ મળ્યાં છે. આમ છતાં વિવેચનની પરંપરા આગળ ધપાવવા અમે કૃતનિશ્ચયી છીએ. આ નિવેદનના ઉત્તરરૂપે શ્રી રાજુ પટેલે વાર્તાઓનું વિવેચન શા માટે જરૂરી છે એ વાત સરસ દ્રષ્ટાંતો આપીને સમજાવી હતી.

શ્રી રાજુ પટેલે કહ્યું કે ઈશ્વરે સૃષ્ટિના સર્જનમાં કેટલાં બધાં ભગા કર્યા છે! પણ એને સુધારવા એ પાછો આવતો નથી. જયારે એક વાર શ્રોતા કે વાચક સમક્ષ રજૂઆત પામેલી વાર્તા અંગે ટિપ્પણીઓ મળ્યાં પછી લેખક એમાં સુધારો કરી શકે છે. આમ લેખક તો ઈશ્વર કરતાં પણ વધુ શક્તિશાળી છે અને આપણે લેખકોએ આ વાતનો લાભ લેવો જોઈએ.     

--કિશોર પટેલ, 27-12-21; 09:31 

###   

          

  

Friday, 17 December 2021

ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ





 


ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ

(૨૧૨૬ શબ્દો)

ગુજરાત સરકારના માહિતી વિભાગ તરફથી પ્રસિદ્ધ થતાં આ દળદાર વાર્ષિક અંકમાં આ વર્ષે કુલ ૩૨ વાર્તાઓ છે.

જીવવું (મોહમ્મદ માંકડ): પુત્રવિયોગની પીડા. એપેન્ડીક્સના સામાન્ય ઓપરેશન વખતે અચાનક જુવાન દીકરાનું હ્રદય અટકી પડ્યું. જીવનમાં દરેક ક્ષેત્રે સફળ થયેલા મંગળદાસ માટે એ કારમો ઘા હતો. એ પછી એ જીવવા ખાતર જીવતા હતા. વાર્તામાં સમાંતરે નેપોલિયન જે વોટરલૂના યુધ્ધમાં હાર્યો હતો એની વાત એક રૂપક તરીકે આવે છે. સારી વાર્તા.     

રાત પૂરી થઇ (ડો.દિનકર જોશી): સ્ત્રી-પુરુષ સંબંધ. એકમેકથી પરિચિત એવાં પિતા-પુત્રી સમાન પુરુષ અને સ્ત્રીને એકાંતમાં મૂકાયા છે. આખા દિવસના કામથી થાકેલા હસમુખકાકાને છ વર્ષ પૂર્વે મૃત્યુ પામેલી પત્નીની યાદ સતાવે છે. મિત્રની દીકરી ચંપાને તેઓ પૂછે છે કે એનો લગ્નવિચ્છેદ થયે કેટલો સમય વીતી ગયો? “સત્તર વર્ષ” એવો જવાબ આપ્યા પછી ચંપાનું મન પણ વિચારે ચડે છે. બંનેની માનસિક સ્થિતિ એવી છે કે કંઇ પણ થઇ શકે છે. આમ ભાવકના મનમાં વાર્તા આગળ વધે છે. સરસ વાર્તા.  

પેટ્રોલનો કૂવો (રજનીકુમાર પંડ્યા): ગેરસમજનો ગોટાળો. અપેક્ષિત અંત. હળવી શૈલીમાં પ્રવાહી રજૂઆત.

કહાં જાના હૈ (વર્ષા અડાલજા): પિતા-પુત્ર સંબંધની વાત. પુત્રની ફરિયાદ છે કે નોકરી છૂટી જતાં પિતા ઘેર બેકાર બેઠા રહ્યા એટલે માતાએ નોકરી કરવી પડી. પ્રવાહી રજૂઆત.  

એક્સ્ટ્રા (ડો. કેશુભાઈ દેસાઈ): એક વરિષ્ઠ નાગરિકની સમસ્યા. શરીરથી વૃદ્ધ પણ મનથી જુવાન રહેલા નિવૃત્ત પોલીસ અધિકારીની વિધુર થયા પછી કથળેલી માનસિક સ્થિતિની વાત.  દીકરીના ઘેર રહેવા જતાં એમની સ્થિતિ વધુ બગડે છે. પાડોશના યુવાનના બદલે દીકરીના ઘરના એકાદ સભ્યને કથક બનાવીને વાર્તા કહેવાઇ હોત તો વધુ યોગ્ય રહેત.

ગુલમહોર (ડો. ચંદ્રકાંત મહેતા): બોધપ્રધાન વાર્તા. સિધ્ધાંતવાદી પિતાનો પુત્ર અંશુલ પિતાના મિત્રની મદદથી એક શ્રીમંત શેઠના જમાઇ બનીને રાતોરાત શ્રીમંત બનવાના સ્વપ્નાં જુએ છે. પણ પેલા શ્રીમંત શેઠ પણ સિધ્ધાંતવાદી છે. અંશુલ નિરાશ થાય છે. વાર્તામાં તાંત્રિક દોષ છે. વાર્તા વારંવાર પ્રથમ પુરુષ એકવચન અને ત્રીજા પુરુષ એકવચન કથનશૈલીમાં ઝોલાં ખાય છે. આ વરિષ્ઠ લેખકની વાર્તાઓનો મુખ્ય સૂર સમાજપ્રબોધન હોય છે, આ વાર્તા એમાં અપવાદ નથી.       

પ્લીઝ...મારા પપ્પા પાછા આપો! (રમેશ ર. દવે): પિતાના લગ્નબાહ્ય સંબંધના કારણે માતાની પીડા જોઇ ન શકતી દીકરી પિતાની પ્રેમિકાને મળવા જાય છે.  પિતાના જીવનમાંથી હઠી જવા એ સ્ત્રીને એ મનાવી લે છે. અપરાધભાવના કારણે પિતા આત્મહત્યા કરી લે છે. વાર્તાની રજૂઆતમાં પ્રયોગ થયો છે.  ત્રણ મુખ્ય પાત્રોની રોજનીશીના વેરવિખેર પાનાં દ્વારા સંપૂર્ણ વાર્તાની રજૂઆત થાય છે. દીકરી, પિતા અને પિતાની પ્રેમિકા એમ ત્રણે મુખ્ય પાત્રોના મનોભાવો ભાવકને જાણવા મળે છે. સારી વાર્તા.     

ખેલ (રાઘવજી માધડ): એકાદ વાર્તા લખવાનો વિષય મળી જાય એવા હેતુથી નાયક ભવાઈનો ખેલ જોવા રોકાઇ જાય છે. ભવાઈમાં રાજા ભરથરી અને પિંગળાનો વેશ જોઇને તેને પોતાના જ ઘરની ઘટના યાદ આવે છે. ભરથરીએ પોતાને મળેલું અમરફળ રાણી પિંગળાને આપ્યું અને પછી તે ફરતું ફરતું રાજા પાસે પાછું આવ્યું હતું. કંઇક એ જ રીતે નાયકે કોરોનાનો રામબાણ ઉપાય થઇ શકે એવી દવા પત્નીએ સાચવવા આપી હતી. ખરે ટાણે એ દવા એની પત્ની હાજર કરી શકતી નથી.  અહીં વાર્તાનો અંત આવે છે. ભાવકના મનમાં વાર્તા વિકાસ પામે છે, ખરેખર શું થયું હશે? સારી વાર્તા.

શેફાલી ફૂલનું નામ છે (રમેશ ત્રિવેદી): મૃત દીકરીની સ્મૃતિ. નિશાળે ભણતી કન્યાના મુખે વાર્તા કહેવાઇ છે. વાર્તામાં બે મુખ્ય પાત્રો છે, ગંભીર રોગથી પીડાતી શેફાલી નામની કથકની એક બહેનપણીને જોઇને દાદાને નાની ઉંમરમાં મૃત્યુ પામેલી પોતાની દીકરીની યાદ આવે છે. અહીં ફૂલ એક ટૂંકી આવરદાનું પ્રતિક બન્યું છે.

લાપશી (ભી.ન.વણકર): હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજની વાત. દલિત કોમની બાળકીને લાપશી જેવી વસ્તુ પણ આકાશકુસુમવત છે. પાણીના ઘડાને અભડાવ્યો એમાં રોકડા વીસ રૂપિયા દંડ! દંડ ના ભરાય ત્યાં સુધી એમનાં ઢોરનું છાણ-વાસીંદુ કરવાનું! રોજ કમાઈને રોજ ખાતાં શ્રમજીવીઓ દંડની રકમ રોકડમાં ક્યાંથી ભરે? દલિતો પાસે મફતમાં મજૂરી કરાવી લેવાની સવર્ણોની આ લુચ્ચાઈ વાર્તાકારે અધોરેખિત કરી છે. ગુજરાત રાજ્યમાં આજની તારીખે પણ આવો અન્યાય એક ગંભીર વાસ્તવિકતા છે. આપણા દલિત સાહિત્યમાં જો કે આ પ્રકારની ઘણી વાર્તાઓ આવી ગઈ છે.      

એ કોરેન્ટાઈન લવ સ્ટોરી (નીતિન ત્રિવેદી): પ્રયોગાત્મક વાર્તા. જય નામનો એક યુવાન કોરોના પોઝીટીવ જાહેર થયો છે, એ ચૌદ દિવસ એકાંતવાસમાં રહે છે. આ ચૌદ દિવસ દરમિયાન રોની નામની એક યુવતી એનું નિરીક્ષણ કર્યા કરે છે. આ રોની બીજું કોઇ નહીં પણ કોરોના નામની માંદગી સ્વયં છે. એકાંતવાસમાં જય હકારાત્મક પધ્ધતિએ માંદગીનો સામનો કરે છે તે જોઇને રોની એટલે કે કોરોના નામની માંદગી પારોઠના પગલાં ભરે છે. રજૂઆતમાં ચબરાકિયા સંવાદો ધ્યાનાકર્ષક બન્યાં છે. સારી વાર્તા.     

રિહર્સલ વિનાનું નાટક (નટવર પટેલ): દહેજભૂખ્યાં માતાપિતાએ જે વહુને મારી નાખવાનો પ્લાન બનાવ્યો એ જ વહુએ સસરાનો જીવ હ્રદયરોગના હુમલા ટાણે બચાવ્યો. જૂનો વિષય, નાટ્યાત્મક રજૂઆત, બોધપ્રધાન વાર્તા. 

ઓરતા (દશરથ પરમાર): આપણા સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ કરવામાં આવે છે. એ જ પ્રમાણે ગામડાંમાં ભેંસ વીયાય ત્યારે પાડી અને પાડા વચ્ચે પણ ભેદ કરવામાં આવે છે. નાયિકા જશી પિયરથી ભેટમાં મળેલી ભેંસ ભૂરી જોડે હમદર્દી અનુભવે છે કારણ કે એણે પોતે બે દીકરીઓને જન્મ આપ્યો છે અને ભેંસે પણ પહેલાં એક પાડો જાણ્યો હતો અને હવે પાછો એને બીજો પાડો અવતર્યો છે. જશીના સાસરિયાં જેમ જશીથી ખફા છે એમ ભૂરી ભેંસથી પણ નારાજ છે. ગામડાંનાં લોકોની માનસિકતાનું આબાદ આલેખન. નાયિકાની પીડાનું આલેખન હ્રદયસ્પર્શી છે. પાળેલા પ્રાણીનું તાદશ ચિત્રણ. ગ્રામ્ય બોલીનો સરસ પ્રયોગ. સરસ વાર્તા.      

નરગીસ (અલ્તાફ પટેલ): એક જબરદસ્તીની પ્રેમકથા. એક શ્રીમંત યુવકને એક વિધર્મી પરિણીત સ્ત્રી જોડે પ્રેમ થઇ જાય છે. આ બંનેને એક કરવા લેખકે મહેનત કરીને અગણિત ઘટનાઓની પરંપરા રચી છે. ટૂંકમાં, આ રચના વાર્તા નહીં, એક દીર્ઘ નવલકથાનો કાચો મુસદ્દો છે.

પાપમાં નથી પડવું (નીલમ દોશી): દાંપત્યજીવનમાં સ્ત્રીઓ પર આધિપત્ય જમાવી રાખવાની પુરુષોની માનસિકતા પર એક વિધાન. સુનિતા વિધવા બની એ પછી લહેરથી પોતાનું સ્વાતંત્ર્ય માણે છે એ જોઇને શ્યામાનો જીવ ખૂબ કોચવાય છે. એને થાય છે, મને પણ આવી છૂટ મળે તો? પછી એને થાય બધાંનું ક્યાં એવું નસીબ હોય છે? વિચાર કરો કે આપણા સમાજમાં પરિણીત સ્ત્રીઓ કેટલી હદે ગૂંગળામણ અનુભવતી હશે? સારી વાર્તા.

અહીં યાદ આવે છે મમતા ના ડિસે.’૨૦-જાન્યુ.’૨૧ અંકમાં પ્રસિદ્ધ થયેલી શ્રી.રામ જાસપુરા લિખિત  વાર્તા “સુખ.” એ વાર્તામાં વ્યસની અને બેકાર પતિનું માર્ગઅકસ્માતમાં મૃત્યુ થઇ જતાં એની પત્નીને નુકસાનભરપાઈ તરીકે મોટી રકમ મળે છે. એ શ્રમજીવી મહિલાને આર્થિક લાભ તો થાય છે ઉપરાંત ધણીની ગુલામીમાંથી પણ આઝાદી મળે છે.

આ બંને વાર્તાનો સૂર એક છે. આ કેવી વક્રતા છે કે સ્ત્રીને સાચું સુખ મેળવવા પતિના મૃત્યુની કામના કરવી પડે! આપણી સમાજવ્યવસ્થા અને પુરુષોની માનસિકતા વિષે કેટલો મોટો વ્યંગ!       

છેદ (નટવર ગોહેલ): પુરુષનો પત્ની પર માલિકીભાવ. પોતાના મિત્ર સમાન નોકર જોડે પત્નીના હસીમજાકના સંબંધ જોઇને પતિ બળી મરે છે. જૂનો વિષય, પ્રવાહી રજૂઆત.

પિયરયાત્રા (અવિનાશ પરીખ): એક મિથ્યાભિમાની સ્ત્રી ડાહ્યા સ્વભાવની પુત્રવધુ માટે ઇર્ષાભાવ રાખે છે. એની પરિણીત દીકરીને  પણ ભાભી માટે એવો જ શત્રુભાવ છે. પરિણીત દીકરી એક અઠવાડિયું પિયરમાં રહેવા આવે તે દરમિયાન દીકરીનો ભાભી માટે અને સાસુનો વહુ માટે અભિપ્રાય બદલાઇ જાય છે. સામાન્ય કૌટુંબિક વાત, સાધારણ રજૂઆત. લેખક બધું સમજાવીને કહે ત્યારે વાચકને શું રસ પડે? ત્રણ ત્રણ વર્ષ સુધી વહુ સારી છે એ ના સમજાયું તે એક અઠવાડિયામાં કેવળ નિરીક્ષણ કરવાથી સમજાઇ ગયું? અતાર્કિક વાર્તા. 

કપાઈ ગયેલો ચંપો (માવજી મહેશ્વરી): અહીં કપાઈ ગયેલો ચંપો એટલે દાંપત્યજીવનમાંથી એક પક્ષ તરફથી થઇ ગયેલી સ્નેહની, સમજણની, આદરની બાદબાકી.  પત્નીએ લગ્નગાંઠને ઉજવવાના મનોરથ કર્યા છે પણ યાદ અપાવ્યા પછી પણ પત્નીની ઈચ્છા પતિને સમજાતી નથી. પતિ જ્યારે પત્નીને ગૃહિત ગણવા માંડે છે ત્યારે  કોઈના સંવેદનશીલ હ્રદયમાં પીડાની આવી ક્ષણો ઉદ્ભવતી હોય છે. સરસ વાર્તા.      

પરી (ડો. સુરમ્યા જોશી): એક માણસને લાલ રંગ માટે અણગમો છે. વાર્તામાં ખામી એ છે કે દેખીતા કોઇ કારણ વિના એ અણગમાનું રહસ્ય પત્ની સમક્ષ ઉઘાડું કરે છે. મનમાંથી વાત બહાર આવી જાય એટલે એનો અણગમો દૂર થઇ જાય છે. વિષય સારો, માવજત સાધારણ.  

જસમા (પ્રવીણ ગઢવી): આ લેખક આપણા પુરાણો અને ઈતિહાસમાંથી પ્રેરણા મેળવી જાણીતા-અજાણ્યા પાત્રોની આસપાસ રસપ્રદ કથા રચીને રજૂ કરતા આવ્યા છે. પ્રસ્તુત વાર્તા ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહને એક શ્રમજીવી મહિલા જસમા ઓડણની મોહિની લાગી એ પછી સર્જાયેલી કરુણાંતિકાના આધારે રચાઇ છે. સરસ રજૂઆત.    

સારાંશ (સ્વાતિ નાયક): એક ફિલ્મઅભિનેતાની ચડતી પછી પડતીની કરુણાંત વાર્તા. રૂપેરી દુનિયામાં સફળતાની પાછળ પાછળ દૂષણો પણ આવતાં હોય છે. રૂપાળી નટીઓ, શરાબ, સિગારેટ, નશીલા પદાર્થો વગેરે. સિદ્ધાર્થ એટલે કે સીડ સફળતાના નશામાં ધ્યેય ભૂલ્યો. ટોચ પર પહોંચી ગયા પછી વધુ મુશ્કેલ છે ટોચ પર ટકી રહેવાનું. સીડને ટકી રહેતાં આવડ્યું નહીં. એણે ક્ષેત્રસંન્યાસ લઇ લીધો. વાર્તાનો વિષય સારો પણ પ્લોટ અધકચરો છે. અભિનયની તક ના મળી તો લેખન કરવા વળ્યો? એને અભિનયમાં જ નિષ્ફળ જતો બતાવવો જોઈતો હતો. શિસ્તનો અભાવ, સેટ પર મોડા પડવું, નિર્માતાના નાણાનો વ્યય થતો હોય, પીધેલી હાલતમાં સેટ પર ભગા કરતો હોય વગેરે લક્ષણો બતાવ્યાં હોત તો કંઇક ઠીક રહેત. આલેખનમાં ફિલ્મઉદ્યોગ વિષેનાં નિરીક્ષણો ઉપરછલ્લાં જણાય છે.     

“નિયતિનો ન્યાય” (રેખાબા સરવૈયા): બળાત્કારની સમસ્યા વિષે એક ભાવુક વાર્તા. અદાલતમાં કોઇ પણ કેસનો ફેંસલો અદાલત સમક્ષ રજૂ થતાં સાક્ષીઓ પુરાવાઓથી થતો હોય છે. કોઇ વકીલ નાટ્યાત્મક ભાષણ કરે એના આધારે ફિલ્મો-નાટકોમાં નિર્ણય અપાતાં હશે, વાસ્તવિકતામાં એવું થતું નથી. હકીકતમાં બળાત્કારના આ કેસ જોડે ન્યાયાધીશને પોતાની સાથે બનેલી એક દુર્ઘટના યાદ આવે છે. બચપણમાં થયેલા એ અન્યાયનો બદલો લીધાનો સંતોષ ન્યાયાધીશ માણે છે. અંતમાં “સત્યઘટનાના આધારે” એવી નોંધ મૂકવાની જરૂર ન હતી.  

વન રેઈની નાઈટ (દર્શના ભગલાણી):  ત્રીસ વર્ષ પહેલાં એક વરસાદી રાત્રે પંદર વર્ષનો છોકરો અને અઢાર વર્ષની છોકરી સ્ટેટ હાઈવે અને અંતરિયાળ ગામમાં લગભગ અઢાર કિલોમીટર જેટલું અંતર ચાલીને ઘેર પહોંચે છે. અંધારી રાતે વરસતા વરસાદમાં માણસના કે જાનવરના જેવા બાહ્ય પરિબળોના ભય હેઠળ અટક્યા વિના તેઓ ચાલતાં રહે છે. એકબીજાનાં મામા-ફોઇયા ભાઈ-બહેન પોતપોતાનાં દસમાં-બારમા ધોરણની અંતિમ પરીક્ષાના પરિણામપત્ર લેવા અઢીસો કિલોમીટર દૂરનો પ્રવાસ કરીને પાછાં આવ્યાં હતાં. વાર્તામાં આજના અને ત્રીસ વર્ષ પહેલાંના સમયની સતત સરખામણી થઇ છે તેટલો ભાગ કાઢી નખાય તો મેદ ઓછો થાય. એક પુખ્ત કન્યા અને એક તરુણ વચ્ચેના આદિમ વૃતિસહજ સંઘર્ષને ચીતરવાની જે તક હતી લેખક ચૂકી ગયા છે.

આનલ (પિનાકિન દવે): સ્વતંત્ર વિચારની અને બેજવાબદાર જુવાન દીકરી એક આખી રાત ઘેરથી ગાયબ રહે ત્યારે માતાપિતાની શું સ્થિતિ થાય એની વાત. વિષય સારો પણ માવજત સરેરાશ.   

અંતિમ સત્ય (પફુલ્લ કાનાબાર): એક નવલકથાનો વિષય-વસ્તુ ધરાવતી અપરિણીત યુવાન અને વિધવા યુવતીની પ્રેમકથા. સત્ય છુપાવવાની નાયકની દોષભાવના અને નાયક તરફથી સ્વીકૃતિ માટેના નાયિકાના અહોભાવની એમ બે જુદી જુદી ટૂંકી વાર્તાઓ પણ બની શકી હોત. રજૂઆતમાં ઉધાર પક્ષે બોલકાં સંવાદો અને બધું સમજાવીને કહેવાની રીત.      

નયનને બંધ રાખીને (સંજય થોરાત ‘સ્વજન’): એક તદ્દન નવા પરિવેશની વાત. પત્નીના જન્મદિવસની ઉજવણી માટે પતિ એને એવી એક હોટલમાં લઇ જાય છે જ્યાં ભોજન સંપૂર્ણ અંધકારમાં લેવાનું હોય છે. પ્રારંભમાં અચકાટ અનુભવ્યા પછી નાયિકા અંધકારથી ટેવાઈને ભોજનનો આનંદ સારી રીતે માણી શકે છે. ચમત્કૃતિ એ છે કે હોટલમાં એમને ઉમદા સર્વિસ આપનાર વેઈટર તો પ્રજ્ઞાચક્ષુ છે!  વળી એ વેઈટર અસહાય કે દુઃખી નથી પણ ઉત્સાહી અને આત્મનિર્ભર પણ છે! આજે ચક્ષુહીન વ્યક્તિ ધારે તો અવનવા સાહસ કરી દેખાડે છે એ વાત અધોરેખિત થઇ છે.    

ગૃહપ્રવેશ (ગિરીશ ભટ્ટ):  પતિના પૂર્વપ્રેમિકાના વળગણને લીધે સ્વતંત્ર ઓળખ ઊભી કરી ન શકતી નાયિકાની પીડા. 

લગ્ન પછી સોનલને સત્ય જાણવા મળે છે કે સુકેતુની પ્રેમિકા આયેશા જેવી એ દેખાય છે એટલે એની પસંદગી થઇ છે! સોનલ જોડે પરણ્યા પછી પણ સુકેતુ એની ભૂતપૂર્વ પ્રેમિકાને ભૂલી શકતો નથી. એ સોનલમાં આયેશાને જુએ છે, સોનલને આયેશા કહીને સંબોધે છે, સતત એની સ્મૃતિમાં રહે છે! પતિને લાગેલું આયેશાનું વળગણ સોનલ માટે ગંભીર સમસ્યા બને છે.

રજૂઆત પ્રવાહી અને પ્રભાવી. એક પણ શબ્દ બિનજરૂરી નથી. જે કંઇ કહેવાનું છે તે ખૂબ ઓછા શબ્દોમાં કહેવાયું છે. ગૌણ પાત્રો આયેશા અને નીરવસર અંગે વિગતવાર ના કહેતાં કેવળ જરૂર પૂરતો ઉલ્લેખ થયો છે. ટૂંકી વાર્તાનો ઉત્તમ નમૂનો.

આ જ શીર્ષકની સુરેશ જોશીની જાણીતી વાર્તા જોડે આ વાર્તાના છેડા મળે છે. પત્નીનું સત્ય જાણ્યા પછી સુ.જો.ની વાર્તાના નાયકને લાગે છે કે ઘરમાં એનો પડછાયો પ્રવેશ્યો છે અને પોતે તો બહાર રહી ગયો છે. આ વાર્તામાં પતિનું સત્ય જાણ્યા પછી નાયિકાને લાગે છે કે અંદર ગઈ તે બીજી જ સ્ત્રી હતી, પોતે તો બહાર જ ઊભી રહી ગઈ છે.               

દિવાળીની ખરીદી (રાજ ભાસ્કર): ભાવનાપ્રધાન લઘુકથા.

વર્ષાછાયા (પરીક્ષિત જોશી): એક આદમીની કરુણ રામકહાણી. માનું મૃત્યુ, પત્ની વર્ષાનું મૃત્યુ, વીજળીના આંચકાના લીધે એને પોતાને લકવો થયો, બીજી પત્નીએ એની નોકરી છીનવી લીધી, અક્ષમ બનેલા નાયક પર ભરણપોષણનો દાવો માંડ્યો...શું બાકી રહ્યું? જૂની રંગભૂમિ પરનાં કોઇ કરુણાંત નાટકમાં પણ આટલાં દુઃખો કોઇ નાયક પર પડ્યાં નથી! અચ્છા, પહેલી પત્ની વર્ષાથી એક બાળક થયું હતું, એનું શું થયું? લેખક એ બાળકની ટ્રેજેડી કહેવાનું ભૂલી ગયા, ના, એ બાળકને સમૂળગા ભૂલી ગયા! એ છોકરો હતો કે છોકરી એ પણ નક્કી કહ્યું નથી! લગે હાથ એને પણ એકાદી જીવલેણ બીમારીમાં મારી નાખ્યું હોત તો? પ્રારંભમાં સિંઘ નામનો એક મિત્ર નાયકની ખબર કાઢવા આવે છે એવો ઉલ્લેખ થયો છે, એને પણ લેખક ભૂલી ગયા? એને પણ એકાદ અકસ્માતમાં મારી નાખવો જોઈતો હતો! નાયકના પક્ષે એક જ સાથીએ જીવનભર સાથ નિભાવ્યો છે, ઘરના આંગણામાંની  ખજૂરીએ. ઇસ દર્દભરી કહાનીમેં ઉસ સચ્ચી દોસ્ત ખજૂરી કે લિયે ફાઈવ સ્ટાર તો બનતા હી હૈ!    

આફ્ટર શોક (અન્નપૂર્ણા મેકવાન): જૂનવાણી માનસનાં અને અસ્પૃશ્યતાનું કડક પાલન કરતાં સંતોકબાને કોરોના થતાં પોતે જ સ્વજનો પાસેથી અસ્પૃશ્યતાનો અનુભવ કર્યો જેના પરિણામે એમનું હ્રદયપરિવર્તન થઇ ગયું. વિચાર સારો પણ બધું સમજાવીને કહેવાની લાહ્યમાં વાર્તા ખૂબ લાંબી થઇ ગઈ છે. પચાસ ટકા મેદ ઉડાવી દઈ શકાય.         

આમંત્રણ (આશિષ અજીતરાય આચાર્ય): વર્ગભેદની વાર્તા. વિષય જૂનો, પ્લોટ સારો, એક જ પ્રસંગ રજૂ કર્યો જેમાં આખી વાત કહેવાઇ ગઈ. પણ આલેખન શિખાઉ કક્ષાનું. એક જ વાત અહીં નોંધુ છું:

// “તમે સમજાતા કેમ નથી?” સુધાબહેન અકળાયાં. // અહીં “તમે સમજતા કેમ નથી?” એવું કહ્યું એમાં જ સુધાબહેનની અકળામણ પ્રગટ થઇ ગઈ. પછી પાછું // સુધાબહેન અકળાયાં. // એવું લખવાની શી જરૂર છે? આવું આખી વાર્તામાં ઠેર ઠેર છે.  

રામ જાણે (ડો. અનિલ ચૌહાણ): ગાંડાઓનો અભ્યાસ કરતાં નાયકની એકોક્તિ. અંતની ચમત્કૃતિ અપેક્ષિત છતાં સરસ. રસપ્રદ રજૂઆત.   

 -કિશોર પટેલ, 18-12-21; 09:58

###

Tuesday, 14 December 2021

મુંબઈ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ


 

મુંબઈ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ

 

(૨૦૦૨ શબ્દો)

પરંપરા પ્રમાણે આ વર્તમાનપત્રે આ વર્ષે પણ મોટી સંખ્યામાં (૩૯) વાર્તાઓનો રસથાળ રજૂ કર્યો છે.

કુંપણનું આકાશ (અજય સોની): જે રસ્તે એક વાર ઠોકર ખાઈ ચૂકી છે એ રસ્તે નાયિકાને ફરીથી જવું નથી, આભાસી પ્રેમસંબંધમાં એ ફરી પડવા માંગતી નથી. વાર્તામાં એક સ્ત્રીની મક્કમતાનું આલેખન થયું છે. 

ઋણ (હરીશ થાનકી): ઋણસ્વીકાર.  એક નવપરિણીતા દાંપત્યજીવનની શરૂઆત કરતાં પહેલાં કોઈકનું ઋણ ફેડવા ઈચ્છે છે. એના શિયળની રક્ષા કાજે જેણે પોતાનું બલિદાન આપ્યું હતું તેનો પાળિયો પૂજવા એ જાય છે. આ રહસ્યથી છેક જ અજાણ એવા પતિના દ્રષ્ટિબિંદુથી રસ પડે એવી રજૂઆત.  

આખો રૂપિયો (રજનીકુમાર પંડ્યા): આ વરિષ્ઠ લેખકની પ્રો.આત્મારામ શ્રેણીની વાર્તા. એક આદમી પોતાનામાં રહેલી નબળાઈઓનો ઈલાજ કરવાને બદલે પત્નીને સુધારવા નીકળે છે. હળવી શૈલીમાં સરસ રજૂઆત. 

રિટાયરમેન્ટ (માવજી મહેશ્વરી):`આપણી કુટુંબવ્યવસ્થામાં સ્ત્રીઓના એક મોટા વર્ગને ઘરનું કામ કરવામાં જ સાર્થકતા અનુભવાય છે. જાણે ફક્ત એટલું એક કામ કરવા જ ધરતી પર જન્મ લીધો હોય. વાર્તામાંના બંને સ્ત્રીપાત્રો આ જ વર્ગની છે. ઘરમાં નવી નવી આવેલી પુત્રવધુએ ઝડપથી ઘરની જવાબદારીઓ સંભાળી લઈને સાસુ નીતાબેનને નિવૃત્ત કરી દીધાં એટલું જ નહીં, જે અડિયલ પુત્રને સાસુએ લાડ કરીને બગાડ્યો હતો એને પણ સીધી લાઈન પર લાવી દીધો. જેમનું એકચક્રી શાસન ઘર પર ચાલતું હતું એવા નીતાબેન આ બધું જોઇને જાણે જીવનયુધ્ધમાં પરાસ્ત થયાં હોય એવી લાગણી અનુભવવા લાગે છે. પાત્રો જીવંત અને વાસ્તવિક લાગે એવું પાત્રાલેખન થયું છે.  

સ્યુસાઈડ બોમ્બર (સરદારખાન મલેક): ગરીબી અને બેકારીથી કંટાળીને નાયક આત્મઘાતી હુમલાખોર બને તો છે પણ એનો માંહ્યલો પૂરો વટલાયો નથી. એક માર્ગઅકસ્માતમાં ઘાયલ થયેલા બાળકને હોસ્પિટલ પહોંચાડીને એ આતંકવાદીઓની પરીક્ષામાં નાપાસ થાય છે પણ માનવતાની પરીક્ષામાં પાસ થાય છે. વાર્તા ઝડપથી આટોપાઈ ગઈ છે. નાયકના માનસિક સંઘર્ષનું વિગતે આલેખન કરવાની સુવર્ણતક લેખક ચૂકી ગયા છે.

અંધારી (રમણ નડિયાદી): સીમમાં આંબાનું રખોપું કરતા પરભાને ભૂખ લાગી છે પણ ઘેરથી ભાથું લઈને આવવામાં પત્નીને મોડું થયું છે. પેટમાં લાગેલી આગથી પરભો હેરાન છે. પરભાની મન:સ્થિતિનું આલેખન સરસ થયું છે. ગ્રામ્ય પરિવેશમાં સંસ્કૃતની છાંટવાળા શુદ્ધ ગુજરાતી શબ્દોના બદલે સરળ ભાષાનો પ્રયોગ વધુ ઉચિત લાગ્યો હોત.         

ખાલીપો (હસમુખ અબોટી ‘ચંદન’): સાગરકથાઓ લખવા માટે જાણીતા લેખકની આ વાર્તામાં વહાણના માલિક દ્વારા વહાણના કર્માચારીની સ્ત્રીના થતાં શારીરિક શોષણની વાર્તા રજૂ થઇ છે. ઘેર બેઠાં જશી ખાલીપો અનુભવે છે. એનો સમય જતો ન હતો એટલે એ સાસુ ભેગી શેઠની હવેલીએ કામ પર જવા માંડી. માલિક હરિદાસની મેલી નજર જશી પર પડે છે. જશીના  ધણી હંસરાજને  દરિયો ખેડવાનું કામ ગમતું નથી. એ મકાનોનું રંગકામ કરે છે. હંસરાજને સારા પગારની લાલચ આપી શેઠ હરિદાસ માલમની નોકરીએ રાખી લે છે. હંસરાજને વહાણ જોડે દરિયો ખેડવા મોકલી આપીને શેઠ પોતાનો બદઈરાદો પાર પાડે છે. હંમેશની જેમ આ લેખકની વાર્તામાંથી દરિયાખેડૂઓના વ્યવસાયની પરિભાષાનો પરિચય મળે છે.            

સવા અગિયારથી ...(નીતિન ત્રિવેદી): ક્થકને અગોચર તત્વનો અનુભવ થાય છે. એક મિત્ર એને મળીને જાય પછી એને જાણ થાય છે કે મુલાકાતી મિત્ર તો એક માર્ગઅકસ્માતમાં  દોઢ-બે કલાક પહેલાં જ મૃત્યુ પામ્યો છે. અંત અણધાર્યો નથી. આવી અઢળક વાર્તાઓ આવી ગઈ છે.

ત્રિકોણનો ત્રીજો ખૂણો (ડો. રમણ માધવ): જેની જાતીય ઓળખ સ્પષ્ટ નથી એવા એક પાત્રની દુઃખભરી કથા. વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિનો ઉપયોગ થયો છે. એક વાર્તાકાર વાર્તાના વિષયની શોધમાં છે અને બારીમાંથી રસ્તે જતાં એક જણની પીઠ જોતાં જ જૂની સ્મૃતિ જીવંત થાય છે. એ પાત્ર લેખકની સામે આવી જાય છે અને પોતાની કથા સંભળાવે છે. ઘડીકમાં એ પોતાને સ્ત્રી તરીકે ઓળખાવે છે તો ઘડીકમાં પુરુષ તરીકે. જો કે એ જ એની મૂંઝવણ છે કે પોતે કોણ છે. મૂળ વાત તો સારી છે, અનોખી છે પણ રજૂઆતમાં મેદ ઘણો છે. કેટલીક જગ્યાએ પ્રલાપ જેવું લાગે ત્યાં રસભંગ થાય છે. કાપકૂપ કરીને વ્યવસ્થિત કરી શકાય એવી સારી વાર્તા છે.     

નિયંત્રણ (રાજેશ અંતાણી): નોકરીમાં ઊંચા પદ પર કામ કરતાં સત્તાનો સ્વાદ ચાખી ગયેલાં માણસો નિવૃત્ત થયાં પછી સત્તાહીન સ્થિતિ જોડે અનુકૂલન સાધી શકતાં નથી. એવા એક પાત્રની કહાણી. સીધી સાદી સરળ રજૂઆત. વાર્તા ટૂંકાવીને ચુસ્ત કરી શકાય એવી છે.

કાચો બરફ (અનિલ રાવલ): દીકરીના લગ્નટાણે જાનને કંઇક નવું જ જમાડવું છે એવું વિચારતાં કન્યાના પિતા ગામડામાં અશક્ય લાગે એવી આઇટમની ઈચ્છા રાખે છે. એમની એ મહેચ્છા પૂરી કરવા ઘરનાં છોકરાં, જમાઇ અને રસોઈયો વગેરે સહુ મચી પડે છે. સરપ્રાઈઝ આઈટમનું મિશન કેવી રીતે પાર પડે છે એનું નાટ્યપૂર્ણ આલેખન. જે ગામમાં બરફનું કારખાનું નથી, બરફ સાચવવાની સગવડ નથી એવા ગામડામાં સમય પર ઠંડો શ્રીખંડ કેવી રીતે હાજર થયો એની આ મઝાની વાર્તા છે. લાંબી વાર્તાની લંબાઈ કઠે નહીં એવી રસપૂર્ણ રજૂઆત. ડઝનબંધ પાત્રો છે પણ ક્યાંય નામના કે સગપણનાં ગોટાળા ના થાય એવી સફાઈભરી રજૂઆત.      

મસીહા (મનહર રવૈયા): અગોચર તત્વની વધુ એક વાર્તા. આ જ અંકમાં નીતિન ત્રિવેદીની વાર્તા “સવા અગિયારથી...”માં મૃત મિત્ર નાયકને મળવા આવે છે એમ આ વાર્તામાં મૃત પ્રેમી મુશ્કેલીમાં મૂકાયેલી નાયિકાને અણીના સમયે બચાવવા આવી પહોંચે છે. આ વાર્તામાં મુખ્ય ઘટના પર આવતાં વાર્તાકાર ઘણું ફૂટેજ ખાય છે. વાર્તાની લંબાણપૂર્વક માંડણી કરવાને બદલે કટોકટીભરી મુખ્ય સ્થિતિથી શરુ કરીને અનુષાંગિક વાતો ઘટનાની વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે કહી શક્યા હોત. જૂનો વિષય, સામાન્ય રજૂઆત.    

ચાવી (જ્યોતીન્દ્ર પંચોલી): સંસ્કારહીન માણસો કઇ રીતે સમાજ માટે ઘાતક બનતા હોય છે એની વાત. આશ્રમમાં રોજેરોજ કબાટોની ચાવીઓ ગુમાવા માંડે છે. જાણ થાય છે કે ચાવીઓની આ ચોરી પાછળ આશ્રમમાં નવો દાખલ થયેલો એક છોકરો જવાબદાર છે. આ છોકરાના ખુલાસાથી જાણવા મળે છે કે એના એવા વર્તાવ માટે એના વ્યસની પિતા દ્વારા આચરાયેલો એક ગંભીર ગુનો છે. સામાન્ય રજૂઆત.     

કાગવાસ (ઇસુ ડભાણિયા): એક સામાન્ય બુદ્ધિની કન્યાની સામાન્ય પ્રેમકથા.  

આશાનો આખરી તંતુ (કિરણ વી. મહેતા): સ્વજનોથી વિખૂટા પડ્યાની વેદના.  ઉગ્ર સ્વભાવના પિતાના ઠપકાથી ઘર છોડી ગયેલો યુવાન વર્ષો બાદ પરિવારની યાદ આવતાં ઘેર જાય છે. એ ઘરના નવા માલિક પાસેથી જાણવા મળે છે કે વરસો પહેલાં એના પિતાના મૃત્યુ પછી એની મા અને બહેન ઘર વેચી બીજે ક્યાંક રહેવા જતાં રહ્યાં હતાં. આશાનો આખરી તંતુ તૂટી જાય છે. કરુણાંત વાર્તા.

આંતરધ્વન્ધ્વ (હિતા મહેતા): પિતા અને મોટાભાઈની સતત અવગણનાથી ત્રાસેલો ભગો પોતાની ઓળખ બનાવવા ઈચ્છે છે. જયારે એવી એક તક એને મળે છે ત્યારે હિંમતના અભાવે કંઇ જ કરતો નથી. છેવટે એ સ્વીકારી લે છે કે પોતાનામાં કંઇ માલ નથી. ભગાના માનસિક ધ્વન્ધ્વનું સરસ આલેખન. પ્રવાહી અને મુદ્દાસર રજૂઆત. સારી વાર્તા. 

પરીક્ષા (રાઘવજી માધડ): પરીક્ષકની જ પરીક્ષા થઇ જાય છે એની વાત. એક વિધવા પોતાના પુત્રના માર્ગદર્શક તરફથી મળેલા લગ્નના પ્રસ્તાવ પછી મનોમંથનમાં પડી છે. પુત્રનું ભણતર હજી અધૂરું હોવાથી એ ઈચ્છે છે કે પુત્ર સહિત એને આવકાર મળે. એની એવી ઈચ્છા જાણ્યા પછી સામે પક્ષેથી કોઇ પ્રતિભાવ મળતો નથી. પરીક્ષક પોતે પરીક્ષામાં નાપાસ થયો. સારી વાર્તા.  

સંધ્યાના રંગો (અવિનાશ પરીખ): એક મોટા ગણાતા ફિલ્મદિગ્દર્શકના ઘેર જઇને એક સ્ત્રી માંગણી કરે કે મારી દીકરીને તમારી ફિલ્મમાં હિરોઈન બનાવો. એક નજર પેલી કન્યા પર નાખીને દિગ્દર્શક એની વાત માની લે. આ રીતે ફિલ્મ બનતી હોય છે?  દિગ્દર્શક અને પેલી સ્ત્રી વચ્ચે જૂનાં સંબંધ પુનર્જીવિત થાય! ફિલ્મોધ્યોગમાં જેનું મોટું નામ કહેવાય એના તરફથી કોઇ સંઘર્ષ નહીં!  અતાર્કિક વાર્તા.

તેં પહેલાં મને કહ્યું કેમ નહીં? (કિશોર અંધારિયા): પ્રેમકથા. જેને ચાહે છે એને કોઇ છોકરા જોડે જોઇને નાહિંમત થઇને પ્રસ્તાવ આપતો નથી. પછી જાણ થાય કે એ તો એનો ભાઈ છે. માતાને ભાગેડુ બતાવવાની જરૂર ન હતી. એનો આઘાત લાગ્યો હોય એની વાર્તા આવી ના હોય, એ જુદો જ વિષય છે. માતાનો ઉલ્લેખ જ સમૂળગો રદ કરવાથી વાર્તામાંથી મેદ પણ ઘટી જશે. જૂનો વિષય, સામાન્ય રજૂઆત.   

વાહ બુટિયા (સદાશિવ વ્યાસ): ગામડાના એક વાળંદનું રેખાચિત્ર અને એ નિમિત્તે ગામમાં ચાલતાં રાજકારણનું શબ્દચિત્ર. બુટિયાનું પાત્ર રસપૂર્ણ ચિતરાયું  છે. જેમાં એની ચાલાકી ક્રિયાન્વિત થઇ હોય એવા એકાદ પ્રસંગનું આલેખન થયું હોત તો કંઇક વાર્તા જેવું બન્યું હોત. જે પ્રસ્તુત થાય છે એ તો અવાર્તા છે.

દત્તક (ડો. મનીષા પટેલ): પતિ-પત્ની વચ્ચેના વિચારભેદના પરિણામે સર્જાયેલી કરુણાંતિકા. પ્રેમમાં પડીને એકબીજાના વિચાર જાણ્યા સિવાય ઉતાવળે પરણી જવાથી પાછળથી સમસ્યા ઊભી થતી હોય છે.

વિષય-વસ્તુ સારો છે પરંતુ માવજત છેક જ પ્રાથમિક કક્ષાની છે. રાહુલ કારકિર્દીલક્ષી હતો. એને બાળક જોઇતું ન હતું, પ્રિયાએ  નભાવી લીધું, પણ એ મૃત્યુ ક્યારે પામી? યુવાનીમાં કે વૃદ્ધ થયાં પછી?  રાહુલ યુવાનમાંથી વૃદ્ધ થઇ ગયો એ વચ્ચેનો પચીસ-ત્રીસ વર્ષનો ગાળો ક્યાં ગયો? શું આ સમય દરમિયાન રાહુલમાં કંઇ જ પરિવર્તન આવ્યું નહીં? ગળે ના ઊતરે એવી વાત છે. અચ્છા, વૃધ્ધાશ્રમમાં વિદેશી મુલાકાતી અને રાહુલ વચ્ચે શું વાતો થઇ? ક્થકે કહ્યા પ્રમાણે રાહુલને જો પોતાના વીતેલા ભૂતકાળનો પસ્તાવો થતો હોય તો એની વાતોમાં એ દેખાવો જોઈએ. મુલાકાતીને લાગવું જોઈએ કે આ એકલવાયો વૃદ્ધ તો પરિવારના પ્રેમને ઝંખે છે. જો એ મુલાકાતી એમ કહેતો હોય કે આ માણસ અમારા બાળકો જોડે હળીભળી નહીં શકે તો એનો અર્થ એવો થયો કે કથક ખોટો છે અથવા રાહુલ ખોટો છે અથવા મુલાકાતી પોતે ખોટું બોલે છે. રાહુલ વિષે આશ્રમના અધિકારીએ નકારાત્મક અભિપ્રાય આપ્યો હોત તો એ હજી સમજાય કે રાહુલ વિશે એનું એવું નિરીક્ષણ હશે. માનવીય સ્વભાવ વિષે ઝાઝો વિચાર ન કરતાં લખાયેલી રચના.     

હું અને હિમજા (લીના વચ્છરાજાની): પૂર્વ અને પશ્ચિમના બે દેશો વચ્ચે સંસ્કૃતિભેદની વાત. અમેરિકાની પાશ્ચાત્ય જીવનશૈલી માફક ના આવતાં નાયક સ્વદેશ પાછો ફરે છે.  

એ જમાના ગયા (નીલમ દોશી): ઉતાવળી ધારણાઓ.  રજા પર અમેરિકાથી ફરવા આવતા પુત્રને જૂનું નહીં ગમે એવું વિચારી માતાપિતાએ જૂની ચીજવસ્તુઓ કાઢી નાખી ઘરની સજાવટ નવી કરાવી. બીજી તરફ પુત્રને જૂનાં ઘરની સ્મૃતિઓ જોડે ફરી સાક્ષાત્કાર થશે એવો રોમાંચ છે.  બંને પક્ષે આઘાતજનક પરિસ્થિતિ ઊભી થવાની છે. સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિના સંકેત. સારી વાર્તા.

સથવારો (યોગેશ પંડ્યા): વાર્તાની શરૂઆત કરી નવપરિણીત દંપતી વચ્ચેનાં પ્રેમથી અને અંત કર્યો એક ક્રૂર માતાનું અસલી રૂપ ઓળખી ગયેલા પુત્રના અફસોસથી. વિષય વિનાની વાર્તા એટલે સઢ વિનાની હોડી. 

ધરાર દીકરો (દક્ષા ઝાલાવાડિયા ‘લાગણી’): કુછંદે ચડેલા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું. વિધવા બનેલી યુવાન પુત્રવધુને પિતાએ પોતાની દીકરી ગણીને એના પુન:લગ્ન કરાવ્યાં, એને નવા સાસરે વળાવવાના બદલે તેના નવા પતિને પોતાને ત્યાં ઘરજમાઈ રાખ્યો. જમાઈ ડાહ્યો નીકળ્યો એટલે પિતા એને ધરાર દીકરા તરીકે ઓળખાવવા લાગ્યા.       

પ્રતીક્ષા (કેશુભાઈ દેસાઈ): વરિષ્ઠ લેખક તરફથી મળેલી વિધર્મી નિવૃત્ત સરકારી અધિકારી અને હિંદુ વિધવાની સંઘર્ષપૂર્ણ પ્રેમકથા. પરિસ્થતિ એવી ગૂંચવાડાભરી છે કે આ બે પ્રેમીઓ ક્યારેય એક થઇ શકશે કે કેમ એ એક પ્રશ્ન છે. 

દાવ જીવતરનો (રાજેશ ચૌહાણ): એક કોડભરી કન્યાના લગ્ન છેતરપીંડીથી અશિક્ષિત અને મોટી ઉંમરના પુરુષ જોડે થાય છે. પિતાની નબળી આર્થિક સ્થિતિ તેને પડ્યું પાનું નિભાવી લેવા મજબૂર કરે છે. નાયિકાની પીડાનું આલેખન સારું, વિષય જૂનો, માવજત સામાન્ય.  

નિર્ણય (જયેશ સુથાર): અધૂરી પ્રેમકથા. સામાન્ય સ્થિતિની કન્યા અને શ્રીમંત કુટુંબના યુવકની પ્રેમકથા. યુવકના પિતા માંડ માંડ આ લગ્ન માટે રાજી થાય છે ત્યાં નવું વિઘ્ન ઊભું થાય છે. નાયિકાના શરીરે ત્વચાના અસાધ્ય રોગના લક્ષણો દેખાયાં છે. હવે શું થશે જેવા પ્રશ્ન સાથે વાર્તાનો અંત આવે છે.   

પેઈંગ ગેસ્ટ (ડો.મનહર ઠાકર): નિવૃત્તિ પછી નાયક દીકરા-વહુ તરફથી અવગણના અનુભવે છે. પૌત્ર અને દાદાના સંવાદોથી દીકરા-વહુની આંખો ખૂલે છે. માવજત બોધકથા જેવી. રજૂઆત સામાન્ય.  

ભાવવિશ્વ (પ્રફુલ કાનાબાર): ગલગલિયાં કરાવતું લેખન કરીને આજીવિકા રળતા લેખકને પત્નીએ સુમાર્ગે વાળ્યો. બોધકથા.   

હસતું હસાવતું ફૂલ (દુર્ગેશ ઓઝા): સામાન્ય સ્થિતિની પણ ખુમારીવાળી ફૂલવાળી છોકરીનું રેખાચિત્ર. વાર્તામાં તાંત્રિક દોષ છે. પહેલા પુરુષ એકવચનમાં કહેવાતી વાર્તામાં એક અગત્યનો પ્રસંગ ત્રીજા પુરુષમાં કહેવાય છે! જે સ્થળે કથક ગેરહાજર છે ત્યાં થતી વાતચીત એ કેવી રીતે સાંભળે શકે? કથક બદલવાનો પ્રયોગ નથી પણ ગોસમોટાળો છે. ત્રીજા પુરુષમાં વ્યવસ્થિત વાર્તા લખી શકાઇ હોત.      

આરજુ (હર્ષદ રાઠોડ): પ્રેમકથા. બે પ્રેમીઓનું પુનર્મિલન. સુખદ અંત. રજૂઆત સામાન્ય.

પાણીદાર (નટવર ગોહેલ): કોઇ લગ્નોત્સુક કન્યા કેવો વર પસંદ કરે? બીકણ કે બહાદુર?  પિતાને દીકરાની ખોટ ના સાલવા દે એવી કન્યા બહાદુર યુવકને લગ્ન કરવા માટે પસંદ કરે છે. સુખાંત વાર્તા.  

ચુંબન (ગિરિમા ઘારેખાન): આઠ સરખેસરખાં યુવક-યુવતીઓ કોંકણ રેલ્વેની યાત્રામાં એક લાંબી ટનલ પસાર થાય તે છવાયેલાં અંધકારમાં એક જોડકું ચુંબન ચોરી લે છે. કોણે કોનું ચુંબન લીધું એ રહસ્ય ખુલ્લું થતું નથી. મેઘા અને સ્મિતા બંને સખીઓ અનેક શક્યતાઓ વિચારે છે. બેમાંથી એક કન્યા કદાચ ખોટું બોલે છે પણ કોણ? યૌવનસહજ સાહસનું રસપ્રદ આલેખન. નોખો વિષય, નોખી રજૂઆત. સરસ વાર્તા. 

ઓથાર (ચંડીદાન ગઢવી): લગ્નબાહ્ય સંબંધની પત્નીને જાણ થઇ ગઈ છે એવા ડરથી વાર્તાનો નાયક ભયભીત છે. પોતાનો અપરાધ કબૂલ કરીને પત્નીની માફી માંગી લેવા એ તત્પર થયો છે ત્યાં કોથળામાંથી નવું જ બિલાડું નીકળે છે. અંતની ચમત્કૃતિ સરસ. નાનકડી રસપ્રદ વાર્તા.    

શ્યામા (નીલા સંઘવી): આંધળે બહેરું. ગેરસમજની ગમ્મત. રસપ્રદ રચના.    

વિકલ્પ (પૂજન જાની): જ્યાં આત્મસન્માનની વાત આવે ત્યાં સમજૂતી શા માટે કરવી? વિપરીત પરિસ્થિતિમાં પણ નાયક હિંમતભર્યો નિર્ણય લે છે. નાયકના મનોભાવોનું આલેખન સરસ. રસપ્રદ રચના.  

સિકસ્થ સેન્સ (અજય ઓઝા): નાયિકા ચતુર અને ચાલાક છે. એક તરફ ઓફિસના એક જુનિયર પુરુષ જોડે એના લગ્નબાહ્ય સંબંધ વિકસી રહ્યાં છે અને બીજી તરફ ફોન પર પતિ જોડે સતત સપર્કમાં રહીને એ પતિને ભરોસો અપાવે છે કે એ તો એની જ છે, શંકા-કુશંકા ના કરે. વાર્તામાં સ્વરૂપ જોડે પ્રયોગ થયો છે. સંપૂર્ણ વાર્તા ટેલિફોન પર એકોક્તિ સ્વરૂપે છે. સરસ પ્રયાસ! 

મયૂરપીંછ (રામ જાસપુરા): કરુણરસથી છલોછલ વાર્તા. નાયકે નાનપણમાં જેમ માતા ગુમાવી તેમ એના દીકરાએ પણ માતા ગુમાવી. પોતાનું દુઃખ યાદ કરીને નાયક પુત્રના દુઃખ જોડે સમરસ થાય છે.

--કિશોર પટેલ, 15-12-21;10:44

###