એપ્રિલ ફુલ બનાયા
(૭૧૦ શબ્દો)
મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક કાર્ય સંચાલનાલય આયોજિત ૬૧
મી મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી નાટયસ્પર્ધા ૨૦૨૨-૨૩ ના અંતિમ ચરણના અંતિમ દિવસે શુક્રવાર
તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે સાહિત્ય સંઘ નાટ્યગૃહ, ગિરગાંવ, મુંબઈ ખાતે સ્પર્ધાનાં
અંતિમ નાટક “એપ્રિલ ફૂલ બનાયા” નો પ્રયોગ જોયો.
ભારતી આર્ટ અકાદમી પ્રસ્તુત હિન્દી નાટક:
એપ્રિલ ફુલ બનાયા
લેખક-દિગ્દર્શક: પ્રદીપ કબરે.
પ્રદીપ કબરે મરાઠી રંગભૂમિના જાણીતા કલાકાર છે, અનેક
નાટકોમાં એમણે અભિનય કર્યો છે અને કંઈકેટલાં નાટકોનું દિગ્દર્શન પણ એમણે કર્યું
છે.
અજય, વિજય, મોન્ટુ અને પીન્ટુ એમ ચાર કોલેજિયન મિત્રો
હોસ્ટેલમાં રહીને કોલેજમાં અભ્યાસ કરે છે. એક સવારે અજય નહાવા માટે બાથરૂમમાં ગયો
હોય ત્યારે બાકીના ત્રણે મિત્રો સંતલસ કરીને અજયને એપ્રિલ ફુલ બનાવવાની યોજના ઘડી
કાઢે છે.
અજય બાથરૂમમાં નહાતો હોય ત્યારે બહાર ઊભા રહેલા આ ત્રણે
મિત્રોનું નાટક શરુ થઈ જાય છે. જાણે ગામડેથી અજયના પિતા (અણણા) અજયને મળવા આવ્યા હોય
એમને આવકાર આપ્યા બાદ એમની જોડે વાતચીત કરતા હોય એવો ઢોંગ આ ત્રણે શરુ કરી દે છે.
અજય સ્નાન પતાવીને બહાર આવે એ પછી પણ આ ત્રણે અદ્રશ્ય અણણા જોડે સંવાદ ચાલુ રાખે
છે. અણણા ઓરડામાં હરફર કરતા હોય એ પ્રમાણે આ ત્રણે પણ એમની તરફ મોઢું ફેરવીને વાતો
કરવાનું નાટક ચાલુ રાખે છે.
હવે નાટકમાં વળાંક એ આવે છે કે સ્નાન કરીને બહાર આવેલો અજય મિત્રોનો
વર્તાવ જોયા પછી પોતે પણ જાણે પોતાના પિતા સાચેસાચ આવ્યા હોય એવું વર્તન શરુ કરી
દે છે. જો કે એ પોતાના પિતાની સમક્ષ હાજર થતો નથી. એ મિત્રો સમક્ષ પોતાના પિતાની
વિરુદ્ધ ફરિયાદ કરવા લાગે છે. ભૂતકાળના પ્રસંગો યાદ કરીને કેવી રીતે એને, એની
માતાને અને બહેનને એના પિતા ત્રાસ આપતા હતા એની કરુણ ઘટનાઓ એ રજૂ કરે છે. આ બધાં
દ્રશ્યો ફ્લેશબેક પધ્ધતિએ દ્રશ્યો રજૂ થાય છે.
પ્રેક્ષકોને એટલી ખબર પડે છે કે અજયના પિતા એક હ્રદયહીન અને
નિષ્ઠુર આદમી હતા અને બાળકોના નિર્દોષ મસ્તીતોફાન માટે પણ આકરી સજા કરતા હતા,
નાનીનાની વાતોમાં બાળકોની માતાને હડધૂત કરીને માર મારતા હતા. ટૂંકમાં, અજયનું
બાળપણ ભારે દુઃખી હતું, એ અને એની બહેન અને માતા સહુ એના પિતાના કારણે અત્યંત
દુઃખી હતાં એટલો ખ્યાલ આવે છે.
અજયના પિતાના ખરેખર પ્રવેશ સાથે નાટકનો મધ્યાંતર થાય છે.
મધ્યાંતર પછી—
અજયના પિતા હકીકતમાં આવી ગયા બાદ સહુ છોકરાઓ સાવધ થઈ જાય
છે. અજય અને એના પિતા વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી ના થાય તેનું ધ્યાન સહુ રાખે છે.
મોન્ટુ અને પીન્ટુ સતત અણણાની જોડે રહે છે અને વિજય સતત અજયની જોડે રહીને એનું
ધ્યાન રાખે છે. અજય કે વિજય ક્યારેય અણણાની સામે આવતાં નથી.
અંતમાં રહસ્યસ્ફોટ એવો થાય છે કે અણણા અજયના નહીં પણ વિજયના
પિતા હતા!
આવો વળાંક અનપેક્ષિત હતો. આવેલ વડીલ અજયના નહીં પણ વિજયના
પિતા હોઈ શકે એવું એક પણ ઈંગિત નાટકમાં અપાયું નથી. હકીકતમાં નાટકમાં ક્યારેય વિજય
પણ ફોકસ રહ્યું જ નથી. એક પણ સંકેત આપ્યા વિના ભળતી જ રીતે આ રીતે રહસ્યસ્ફોટ કરવો
પ્રેક્ષકો જોડે એક રીતે છેતરપીંડી થયેલી કહેવાય. પ્રથમ અંકનાં અંતમાં જે અપેક્ષાઓ
ઊભી થઈ તેની સરખામણીએ બીજો અંક છેક જ નિરાશ કરે છે. એવું લાગતું હતું કે અજય અને
તેના પિતા વચ્ચેના સંબંધોની આંટીઘૂંટીનું વિશ્લેષણ થશે અથવા એ બે વચ્ચેના બગડેલા
સંબંધનું કંઇક નિરાકરણ આવશે. અણણા અજયના નહીં પણ વિજયના પિતા હોવાનો જે વળાંક
આવ્યો એનાથી તો એવી લાગણી થઈ કે જાણે લેખક-દિગ્દર્શકે કોથળામાંથી બિલાડું કાઢ્યું!
પ્રેક્ષક તરીકે પોતે જ એપ્રિલ ફુલ બન્યા હોવાની લાગણી થઈ.
અજય માટે કહેવાય છે કે એ નાનપણમાં જ બગડી ગયો હતો. એના બગડી
ગયાનું લક્ષણ તરીકે કહેવાય છે કે એ બીડી-સિગારેટ ફૂંકતો થઈ ગયો હતો. બીડી-સિગારેટ
ફૂંકવી એટલે છોકરો બગડી ગયો એવું કહેવું જરા વધુ પડતું કહેવાય. હા, છોકરો ઉદ્ધત બની
ગયો હોય, ગમે તેની જોડે ગાળાગાળી કે મારામારી કરતો હોય, ચોરી-લૂંટફાટ કરતો હોય એને
બગડી ગયેલો કહી શકાય. કોઈ છોકરો કેવળ બીડી-સિગારેટ ફૂંકે એટલે એને બગડી ગયેલો
કહેવો અયોગ્ય છે.
સંનિવેશની વાત કરીએ તો હોસ્ટેલનો સેટ સરસ. એક ભાગમાં ઓરડો
અને બીજા ભાગમાં કોમન વરંડો એવી રચના થઈ છે જે નાટક માટે ઉપર્યુક્ત છે.
પ્રકાશરચનાની સહાયથી ફ્લેશબેકના દ્રશ્યોનું આલેખન થયું છે. અજયના ભૂતકાળના દ્રશ્યો
નાટકમાં કરુણ રસ ઉત્પન્ન કરવામાં સફળ રહે છે. અજયની ભૂમિકા કરતા અભિનેતાનો અવાજ
પ્રભાવી. દુઃખી બાળપણના પરિણામે એ જે વ્યથામાંથી પસાર થયો હશે તે એના અભિનયમાં સરસ
પ્રગટ થાય છે. મોન્ટુ અને પીન્ટુ બંનેની દેહભાષા પાત્રોને અનુરૂપ. અજયના પિતાની
ભૂમિકા ભજવતા અભિનેતા તેમ જ તેની માતા અને બહેનની ભૂમિકા ભજવતી સ્ત્રીકલાકારો
ત્રણે કલાકારો પાત્રોચિત અભિનય કરે છે.
સારાંશ: પ્રથમ અંક અદભુત. કેવળ પ્રથમ અંક સ્વયંસંપૂર્ણ એકાંકી
નાટક છે. બીજો અંક તદ્દન મામૂલી અને અર્થહીન. ઇતિ વાર્તા:
--કિશોર પટેલ, 28-02-23; 09:12
###
No comments:
Post a Comment