નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૪૮૮ શબ્દો)
સમાહ (છાયા ઉપાધ્યાય):
ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન શહેરથી ઊડેલા એક વિમાન પર અફઘાની આતંકવાદીઓએ
કબજો કરી લીધો. એ વિમાન વેલિંગ્ટનના આકાશમાં જ ચકરાવા મારતું રહ્યું. પ્રવાસીઓનો
જીવ પડીકે બંધાઈ ગયો. એવી સ્થિતિમાં પ્રવાસીઓમાંની એક યુવતી અંગ્રેજી ભાષામાં
ફારસી કવિ રૂમીનું ગીત ગણગણવા લાગી. આતંકવાદીઓનામાંના એકને રૂમીના ગીતમાં રસ પડે
છે. કદાચ એ પૂર્ણપણે વટલાયેલો ન હતો. એ પેલી યુવતીને ગીત મોટેથી ગાવાનો હુકમ કરે
છે. સ્વાભાવિકપણે આવો વળાંક આતંકવાદીઓના મુખિયાને મંજૂર ના જ હોય. એમણે જે પગલાં
લીધાં તેના પરિણામે ગાયિકા અને શ્રોતા બંને કાયમ માટે શાંત થઈ ગયાં.
ક્રૂર આતંકવાદીઓ પોતે એક કવિથી કેટલાં આતંકિત છે એનો પુરાવો
આ વાર્તામાંથી મળે છે. વિમાનની અંદર ફેલાયેલી દહેશતનું સરસ ચિત્રણ.
સાવ પાસે, કેટલું દૂર! (ગિરિમા ઘારેખાન):
એક જ વાતને જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જોઈ શકાતી હોય છે.
જીવનની સફરમાં વિઘ્ન નડી જાય ત્યારે એમાં કોઈને સમસ્યા દેખાય તો કોઈને નવી તક
દેખાય. રૂપેશને ભાડાનું ઘર ખાલી કરવાનું હોવાથી એ બીજું ભાડાનું ઘર શોધવાને બદલે
ઘર ખરીદવા ઈચ્છે છે. જે ઘર પસંદ કરીને બાનું આપ્યું હોય તે ઘરનાં માલિક કાર્તિકની
નોકરી છૂટી જતાં એ ઘર વેચવાનું રદ્દ કરે છે. રૂપેશને ચિંતા થાય છે કે બાનાંના દસ
લાખ પાછા મળશે કે અહીં. અફસોસ વ્યક્ત કરવાનાં બહાને ખરેખર તો એ પોતાનાં નાણાની
ઉઘરાણી કરવા કાર્તિક પાસે જાય છે. પણ કાર્તિકને ત્યાં પરિસ્થિતિ રૂપેશની ધારણાથી
વિરુદ્ધ તદ્દન વિપરીત છે. કાર્તિક હવે નવી નોકરીને બદલે સ્વતંત્ર વ્યવસાય કરવાની
યોજના બનાવી રહ્યો છે. એ રૂપેશને દસ લાખનો ચેક આપી દે છે ત્યારે રૂપેશ પોતાની જ નજરમાં
ક્ષુદ્ર બની ગયો હોવાની લાગણી અનુભવે છે. એ એટલું નથી વિચારી શકતો કે જેમ પોતે
ભાડાનું ઘર જતું રહેવાની સ્થિતિમાં નવું ઘર ખરીદવા ઈચ્છે છે તેમ કાર્તિક પણ નોકરી
ગુમાવી બેસતાં સ્વતંત્ર વ્યવસાય શરુ કરવાનું વિચારતો હોઈ શકે.
રૂપેશ અને એની પત્ની બંનેની માનસિક સ્થિતિનું સરસ આલેખન.
વિનસનું ઓગણીસમું વર્ષ (ગિરીશ ભટ્ટ):
પતિ-પત્ની વચ્ચે સંબંધવિચ્છેદ થાય ત્યારે સંતાન વિના વાંકે
સજા ભોગવતું હોય છે. હરિહર અને કેતકીની દીકરી વીનસ ઉંમરના અઢાર વર્ષ પૂરાં કરીને
ઓગણીસમા વર્ષમાં પ્રવેશે છે. ઉંમરના આવા નાજુક
તબક્કે એ એકલી પડી જાય છે. તમામ પાત્રોનાં સરસ પાત્રાલેખન.
મેઘધનુષનો આઠમો રંગ (રામ જાસપુરા):
પોતાની શારીરિક અક્ષમતાનો સ્વીકાર કર્યા પછી જ નાયકને
માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. યયાતિની પુરાણકથાનો વાર્તામાં સરસ ઉપયોગ થયો
છે.
રેતીની ઢીંગલી (અલકા ત્રિવેદી):
જાહનવી અને સમીરના પુત્ર રુચિતને જાતીય ઓળખની સમસ્યા છે.
રુચિતમાં છોકરીના લક્ષણો જણાયા છે. રુચિતની સમસ્યા પ્રત્યે એની નિશાળનો અભિગમ
આઘાતજનક છે. રુચિતના પિતા સમજશક્તિના અભાવે પુત્રની સમસ્યાનો અસ્વીકાર કરે છે પણ રુચિતની
માતા જાહનવી સમસ્યાને સ્વીકારી લઈને હિંમતપૂર્વક સામનો કરે છે.
રજૂઆતમાં જોવામાં આવ્યું છે કે આપણી ભાષામાં રૂઢ થઈ ગયેલાં કેટલાંક
અંગ્રેજી શબ્દોને બદલે એનાં ગુજરાતી પર્યાયો વાર્તાકારે ઉપયોગમાં લીધાં છે. જેમ
કે: ૧. ઓફિસ માટે કાર્યાલય, ૨. એરકંડીશન મશીન માટે વાતાનુફૂલન યંત્ર, ૩. સ્કુલ
માટે શાળા, ૪. પ્રિન્સીપાલ માટે આચાર્ય ઈત્યાદી. સાંપ્રત હિન્દી વાર્તાઓમાં વાર્તાકારો
છૂટથી અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતાં જણાય છે જયારે મરાઠી ભાષામાં વાર્તાકારો કોઈ
પણ અંગ્રેજી શબ્દ માટે મરાઠી પર્યાય શોધી કાઢે છે, યોગ્ય શબ્દ ઉપલબ્ધ ના હોય તો
તાત્કાલિક નવા શબ્દો બનાવી પણ કાઢે છે.
--કિશોર પટેલ, 02-02-23; 09:13
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment