Thursday, 23 February 2023

જિસ લાહોર નઈ દેખ્યા વો જમ્યાઈ નઈ




 

જિસ લાહોર નઈ દેખ્યા વો જમ્યાઈ નઈ

(૫૯૭ શબ્દો)

દિલ્હીસ્થિત નાટયકાર શ્રી અસગર વજાહત લિખિત આ બહુખ્યાત નાટકનો પ્રયોગ જોયો ભારતીય વિદ્યાભવન આયોજિત નવ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ  Unity in Diversity ના પહેલા દિવસે એટલે કે શનિવાર તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સાંજે ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે.

વિભાજન પછી એક કુટુંબ લખનૌથી લાહોર જાય છે. મધ્યમ વયનાં પતિ-પત્ની અને એક તરુણ વયના પુત્ર-પુત્રી. ઇસ્લામ ધર્મ પાળતું ચાર જણાનું આ કુટુંબ થોડાંક દિવસ શરણાર્થી શિબિરમાં રહે છે પછી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એમને એક મોટી હવેલી ફાળવવામાં આવે છે. ત્યાં જઈને હજી ઠરીઠામ થાય ત્યાં એમને ખ્યાલ આવે છે કે હવેલી ખાલી નથી, એમાં તો કોઈ હિંદુ વૃધ્ધા રહે છે!

નવા માલિક વૃદ્ધાને સમજાવે છે કે એ હવેલી સરકારે એમને ફાળવી છે માટે વૃધ્ધાએ ત્યાંથી નીકળી જવું જોઈએ. પણ વૃધ્ધા એમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એ કહે છે કે હું જીવતી છું, મારો દીકરો રતનલાલ કોઈ પણ ઘડીએ પાછો આવશે, આ મારું ઘર છે, હું ખાલી નહીં કરું!

પોલીસ તો નહીં પણ સ્થાનિક ગુંડાઓ આ મામલામાં રસ લે છે પણ કોઈનું કંઈ ઉપજતું નથી. વૃધ્ધા પોતાના ઘરનો કબજો જાળવી રાખવા બદલ કૃતનિશ્ચયી છે. દરમિયાન લાહોરસ્થિત હિંદુ વૃધ્ધા અને લખનૌથી આવેલ મુસ્લિમ કુટુંબ વચ્ચે એક લાગણીસભર સંબંધ આકાર લે છે. કટ્ટરવાદી ગુંડાઓ વૃદ્ધાને ધમકાવવા અને ઘર ખાલી કરાવવા આવે છે ત્યારે મુસ્લિમધર્મીય કુટુંબ એ વૃદ્ધાને છુપાવે છે, એનો બચાવ કરે છે.

રજૂઆતની વાત કરીએ તો સરસ નાટ્યાનુભાવ થયો. હવેલીના પ્રાંગણનો સેટ અસરકારક. માતૃભૂમિ સાથે વળગી રહેવાની વૃધ્ધાની જીદ કરુણરસ ઉપજાવે છે. લખનૌથી આવેલું કુટુંબ કેવી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાય તેનો વાસ્તવિક અભિનય આખી મંડળીએ કર્યો. કુટુંબની દીકરી વૃદ્ધાને “દાદી” કહીને સંબોધે એટલી વાતમાં હિંદુ દાદી અને મુસ્લિમ કન્યા વચ્ચે અનોખો સ્નેહસંબંધ આકાર લે છે.  એક શાયરનું પાત્ર છે જે હિંમતભેર આ કટ્ટરવાદીઓને એમની અસલિયત દાખવે છે. કુટુંબનો મોભી દ્વિધાભરી સ્થિતિમાં મૂકાય છે. કટ્ટરવાદી ગુંડાનું પાત્ર ભજવતો અભિનેતા  દહેશત જન્માવવામાં સફળ રહે છે. એક મૌલવીનું પાત્ર છે જે વિવિધ ધર્મોમાં રહેલી માનવતાનો ઉપદેશ કરે છે.      

અંતે આ વૃધ્ધા જયારે મૃત્યુ પામે છે ત્યારે એના મૃતદેહનો અંતિમવિધિ ત્યાંનો મુસ્લિમ સમાજ હિંદુ શાસ્ત્રોક્ત પદ્ધતિએ કરે છે.

નાટકનો ધ્વનિ એ છે કે અંતિમ વિજય માનવતાનો થાય છે. દરેક ધર્મમાં સમભાવની વાત થઈ છે, ભેદભાવની નહીં.

#

પચીસ–ત્રીસ વર્ષ પહેલાં આ નાટકનો સૌ પ્રથમ પ્રયોગ ભોપાલસ્થિત જાણીતા નાટયકર્મી  હબીબ તનવરે કર્યો હતો. એ પછી આ નાટકના સેંકડો પ્રયોગો થયાં છે. આ નાટકનાં અનેક ઠેકાણે પ્રયોગો થયાં છે. પાકિસ્તાનસ્થિત નાટયકર્મી ખાલીદ એહમદે આ નાટકનાં પ્રયોગો કરાચી શહેરમાં કર્યા છે. હાલમાં પાકિસ્તાનમાં આ નાટક પર પ્રતિબંધ છે. 

નાટકની પ્રસ્તુતિના વીસ વર્ષ પૂરાં થયાં ત્યારે લંડનના નેહરુ સેન્ટર ખાતે નાટયલેખક અસગર વજાહતની ઉપસ્થિતિમાં એક પ્રયોગ થયો હતો. ભવનના Unity in Diversity  કાર્યક્રમમાં શુભારંભના દિવસે પણ આ નાટકના પ્રયોગમાં લેખક અસગર વજાહત હાજર રહ્યા હતા. એમણે કહ્યું કે નાટકમાં સંદેશ એ છે કે અંતિમ વિજય માનવતાનો છે.

અંકના મુખિયા દિનેશ ઠાકુરે આ નાટકનાં અનેક પ્રયોગો કર્યા છે, ઘણી જલ્દી આ નાટકનો ૪૦૦ મો પ્રયોગ થવાનો છે. આજની તારીખમાં એમના જીવનસંગીની પ્રીતા માથુર એમનું કામ આગળ ધપાવી રહ્યાં છે. નાટકમાં હિંદુ વૃધ્ધાની ભૂમિકા પ્રીતા માથુરે પોતે નિભાવી છે. 

--કિશોર પટેલ, 23-02-23; 14:06

### 

તા.ક. થોડી વધુ દસ્તાવેજી માહિતી મળી છે. ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ નાટયકર્મી શ્રી નિરંજનભાઈ મહેતાએ આપેલી માહિતી મુજબ મૂળ હિન્દી ભાષામાં લખાયેલા આ નાટકનો સર્વપ્રથમ પ્રયોગ હિન્દીમાં નહીં પણ મરાઠી ભાષામાં થયો હતો.  મરાઠી રંગભૂમિના જાણીતા નાટયદિગ્દર્શક વામન કેન્દ્રેને જયારે ખબર પડી કે વિભાજનના વિષય પર અસગર વજાહતે નાટક લખ્યું છે ત્યારે એમણે એ નાટકનું મરાઠી ભાષામાં રૂપાંતર કરાવીને મુંબઈમાં સચિવાલય નજીક ચવાણ ઓડીટોરીયમ ખાતે મરાઠી કલાકારો સાથે પહેલો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગમાં વામન કેન્દ્રેના આમંત્રણથી નિરંજનભાઈ પોતે હાજર રહ્યા હતા. આ વાત આજથી પચીસેક વર્ષ પહેલાંની છે. હિન્દી રંગભૂમિ ઉપર તો છેક પાંચ-સાત વર્ષ પછી એની ભજવણી થઈ હતી. આભાર, નિરંજનભાઈ! (23-02-23; 21:53)

###

 

No comments: