Friday, 17 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધામાં રજૂ થયેલાં નાટકો વિષે નોંધ ભાગ ૧

 










ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધામાં રજૂ થયેલાં નાટકો વિષે નોંધ ભાગ ૧   

(૪૩૫ શબ્દો)

શ્રુજ્ન એલએલડીસી પ્રાયોજિત ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી આયોજિત એલએલડીસી નાટય સ્પર્ધા ૨૦૨૩ (વર્ષ ૧૫મું) નિમિત્તે ગુજરાતના ચાર કેન્દ્રો પર ભજવાયેલાં કુલ ૨૩ નાટકોમાંથી ત્રેવીસ નાટકો બીજા રાઉન્ડમાં ગયાં અને એમાંથી બાર નાટકો ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ પામ્યાં.

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી આયોજિત પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધાનું અંતિમ ચરણ ગુરુવાર તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયું. ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે રવિવાર ૫ ફેબ્રુઆરીથી રોજે રોજ એક પ્રયોગ એ પ્રમાણે બાર દિવસમાં બાર નાટકો રજૂ થયાં. નિર્ણાયકો તરીકે જાણીતા નાટયનિર્માતા શ્રી રાજેન્દ્ર બુટાલા, યશસ્વી નાટયલેખક શ્રી વિહંગ મહેતા અને ઓછાં પણ અર્થસભર નાટકોના લેખક શ્રી મિહિર ભૂતાએ કામગીરી બજાવી. અંતિમ દિવસે એટલે કે ૧૬ મી ફેબ્રુઆરીના દિવસે સ્પર્ધાના અંતિમ નાટકની રજૂઆત પછી નિર્ણાયકોએ નોમીનેશન જાહેર કર્યાં.  બુધવાર તા ૧ માર્ચના રોજ એક રંગારંગ કાર્યક્રમમાં ગુજરાતી રંગભૂમિના who’s who ની ઉપસ્થિતિમાં ઇનામવિતરણની વિધિ પાર પડશે.

સ્પર્ધામાં રજૂ થયેલાં નાટકો વિષે એક નોંધ લખવાનો ઉપક્રમ વિચાર્યો છે. શરૂઆતનાં ત્રણ નાટકોની રજૂઆત આ લખનાર સંજોગવશાત જોઈ શક્યા નથી. બાકીના નવ નાટકો વિષેની નોંધ અહીં હપ્તે હપ્તે રજૂ થશે.

આજે આ ભાગ ૧ માં રજૂ થાય છે બુધવાર તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે રજૂ થયેલા નાટક વિષે નોંધ:

ધ કેપીઈએસ કોલેજ ભાવનગર પ્રસ્તુત નાટક:

આંસુડે આથમ્યો અષાઢ

ઝવેરચંદ મેઘાણી લિખિત લોકકથા “સોહિની મેહર” પરથી પ્રેરિત આ નાટકના લેખક-દિગ્દર્શક છે કપિલ સોલંકી.

એક એવો મત છે કે મેઘાણીએ મૂળે પંજાબની લોકકથા “સોહની મહિવાલ” પરથી પ્રેરણા મેળવીને આ કથા લખી હતી. જે હોય તે, એક કરુણાંત પ્રેમકથાનું આલેખન આ નાટકમાં થયું છે.   

નાટકની રજૂઆતમાં ઊડીને આંખે વળગે છે: ઉચ્ચ કક્ષાનું નિર્માણ. કલામય સુશોભિત ચોસલાંથી થયેલી મંચસજ્જા, સર્જનાત્મક પ્રકાશરચના, અર્થસભર સંગીતનિયોજન, ભાતીગળ પ્રાદેશિક વસ્ત્રસજ્જા અને અઢારથી વીસ જેટલાં નવલોહિયા યુવાન કલાકારોનો અભિનય.

પ્રકાશયોજનાથી મંચ પર સાકાર થયેલું નદીના વહેણમાં તરતાં મેહરનું દ્રશ્ય પ્રેક્ષકોની દાદ મેળવી ગયું. પંચના ફેંસલાને પરિણામે પિતા પોતાની પુત્રી જીવીના હાથ પર લોખંડના તપાવેલા સળિયાથી ડામ આપે છે એ દ્રશ્ય પ્રેક્ષકોમાં અરેરાટી જન્માવે છે. નદીમાં મગર જોડે બાથંબાથી કરીને લોહીલુહાણ થયેલા મેહરના હાથનું દ્રશ્ય પણ એટલું જ પ્રભાવક બન્યું છે.  

જીવીની ભૂમિકામાં ભૂમિ મકવાણા અને મેહેરની ભૂમિકામાં શુભમ પટેલ બંને ધ્યાનાકર્ષક અભિનય કરે છે. ભગતનું પાત્ર ડો.નિશીથ ચુડાસમાએ અસરકારક અભિનય દ્વારા જીવંત બનાવી દીધું. લગ્ન માટે જીવીને જોવા આવનાર બોબડું બોલતાં રૂખડની ભૂમિકામાં ધૈર્ય વ્યાસે નોંધનીય અભિનય કર્યો. અન્ય પૂરક ભૂમિકાઓમાં પ્રિયાંશી પટેલ, ધ્વનિ શાહ, શ્રુતિ શાહ, અશ્વિની જોશી, વિધી પીઠવા, મનીષ બારૈયા, રાહુલ ગોહિલ, સંદીપ ધોળકિયા, હર્ષ જાની, આર્મી માંગુકિયા, રાજ કનાડા, પ્રિયાંક ભટ્ટ, રફીક ઘોઘારી અને મધુ મહેતા સરસ સાથ આપ્યો.

નેપથ્ય નિર્માણ: જગત ભટ્ટ અને ગૌતમ પરીખ. સંગીત સંચાલન: નિશીથ ચુડાસમા અને સંદીપ ધોળકિયા, પ્રકાશ સંચાલન: કપિલ સોલંકી અને કુલદીપ સચાલિયા. મેકઅપ અને કોરિયોગ્રાફી: પ્રિયાંશી પટેલ અને ભૂમિ મકવાણા.        

કિશોર પટેલ, 18-02-23; 10:27

###

No comments: