Monday, 6 March 2023

મોક કોર્ટ નિમિત્તે યાદોનાં ઉપવનમાં.


 

મોક કોર્ટ નિમિત્તે યાદોનાં ઉપવનમાં.

હોળી નિમિત્તે રવિવાર તા.૫ માર્ચ ૨૦૨૩ ના રોજ સુરતમાં મોક કોર્ટમાં સાહિત્યકાર રવીન્દ્ર પારેખ ઉપર ઠઠ્ઠામશ્કરીભર્યો મુકદ્દમો ચાલી ગયો.

ફેસબુક મિત્ર ભાઈ જ્વલંત આર.નાઈકની એક પોસ્ટ પરથી આ ખબર મળ્યા. મને યાદ આવી ગયું કે એંસીના દાયકાની શરૂઆતમાં મુંબઈમાં ગુજરાતી રંગભૂમિના અગ્રણી કલાકારો વિરુદ્ધ આવા અનેક મુકદ્દમાઓ ચાલ્યાં હતાં અને કલાકારો/પ્રેક્ષકોએ એનો ભરપૂર આનંદ માણ્યો હતો. મારી ભૂલ ના થતી હોય તો એવા મુકદ્દમાના જાહેર પ્રયોગો પણ યોજાયાં હતા, પ્રેક્ષકો ટિકિટ ખરીદીને એવા પ્રયોગો જોવા આવતાં હતાં, એવા પ્રયોગોને મળેલી સફળતાના પગલે એક પછી એક ઘણાં કલાકારો વિરુદ્ધ આવા નકલી કોર્ટ કેસ થયાં હતાં અને સહુને જલસો થઈ ગયો હતો.

સક્રિય રીતે એવા એક પણ કેસમાં હું કોઈ રીતે સંકળાયેલો ન હતો એટલે મારી પાસે એવા કોઈ કેસની ખાસ સ્મૃતિ નથી. એ પણ યાદ નથી કે કોની કોની વિરુદ્ધ કેસ થયાં હતાં. હા, આવા કિસ્સાઓમાં જલસો કરાવી દેનારા કલાકારોના નામ યાદ છે:

તારક મહેતા, દિનુ ત્રિવેદી, જયંત વ્યાસ જેવા કલાકારોને તો મોકળું મેદાન મળી ગયું હતું. આ ત્રણે extempore ના માસ્ટરો હતા એટલે એમને ખાસ જવાબદારીઓ સોંપાતી. કોઈને આરોપીનો વકીલ તો કોઈને સરકારી વકીલ બનાવાતો. (ગુજરાતી લેક્સિકોન આ extempore શબ્દનો અર્થ આપે છે: પૂર્વતૈયારી વિનાનું, તત્કાળ કરેલું) નિયમિત નાટકોમાં પણ આ ત્રણે  એવા નટખટ હતાં કે તત્ક્ષણ બનાવેલો કોમિક ડાયલોગ ફટકારી દેતા. સામે રીઢો કલાકાર હોય તો ઠીક, બાકી કાચા-પોચાની તો હાલત ખરાબ થઈ જતી. એ જે હોય તે પણ પ્રેક્ષકોને મજો પડી જતો. (આ ત્રણ સિવાય અન્યો પણ એવાં હાજરજવાબી કલાકારો હશે જ.)

મોક કોર્ટમાં ઘણું કરીને કાચો પાકો ડ્રાફ્ટ તૈયાર થતો, આખું નાટક જેવું કદી લખાતું નહીં. થોડાંક નામ પૂરતાં રિહર્સલો થતાં અને લગભગ તો ફાઈનલ શોમાં પહેલી વાર સરખું ભજવાતું.

#

કોઈ એક કેસમાં બહુરૂપી સંસ્થાના નિર્માતા લાલુ શાહ સાક્ષી તરીકે જુબાની આપવા હાજર થયા. તેઓ સાક્ષીના પિંજરામાં માઈક સામે ગોઠવાય એ પહેલાં રેકોર્ડ રાખતા કલાર્કની ભૂમિકા કરતા દિનુ ત્રિવેદીએ એમને અટકાવ્યા અને  સાક્ષીના માઈક પર છાપાંનું એક આખું પાનું વીંટાળીને માઈક ઢાંકી દીધું.

સહુ આશ્ચર્યથી જોઈ રહ્યાં. ન્યાયાધીશે (ઘણું કરીને દીન્યાર કોન્ટ્રાક્ટર) પૂછયું, “મિસ્તર, આંય સું કરો ચ? માઈક સાને વાસ્તે કવર કીધું?”

દિનુ ત્રિવેદીએ કહ્યું, “આ સાક્ષી (લાલુ શાહ તરફ આંગળી) બોલવા કરતાં થૂંકશે વધારે.”

વાત જાણે એમ હતી કે લાલુ શાહને એવી ટેવ હતી, થુ થુ કરવાની. થુંક કદી ઉડતું નહીં, બસ, એમ જ, જાણે દાંતમાં કે મોંમાં કચરો આવી ગયો હોય એમ તેઓ સતત થુ થુ કરતા રહેતા.

પ્રેક્ષકોમાં હસાહસ. લાલુ શાહે આખી જુબાની મોં પર હાથરૂમાલ ઢાંકીને આપી!

--કિશોર પટેલ, 07-03-23; 11:27

###

(સંલગ્ન છબીસૌજન્ય: google images)         



 

No comments: