Sunday, 19 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે (ભાગ ૫)






















 

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે (ભાગ ૫)

(૪૦૨ શબ્દો)

રવિવાર ૧૨  ફેબ્રુઆરી ૨૦૨૩ ની બપોરે વંશાલી ગ્રુપ, સુરત પ્રસ્તુત નાટક

દિગ્દર્શક

નિર્માતા: સેજલ પટેલ, લેખક: પ્રિયમ જાની, દિગ્દર્શક: ચેતન પટેલ     

એક નાટયદિગ્દર્શકની કહાણી.

રંગભૂમિને સર્વસ્વ સમજતા આદર્શ ગાંધીના મહત્વાકાંક્ષી નાટકની રજૂઆત ટાણે જ એનો ખાસ શિષ્ય પારસ બારોટ દગો કરે છે. નાટકની ભજવણી કરવાનો એ ઇનકાર કરે છે. આદર્શની પડતી શરુ થાય છે. પારસ ફિલ્મોમાં સફળ કારકિર્દી બનાવીને ભારતકુમાર તરીકે જાણીતો થાય છે.

વર્ષો પછી એક દિવસ પારસ પોતાના ગુરુને મળવા આવે છે. ગુરુશિષ્ય બંનેની પાસે એકબીજા માટે અનેક પ્રશ્નો છે. ગુરુનો પ્રશ્ન છે: શા માટે પારસ એને દગો કરે છે? પારસનો પ્રશ્ન છે, શા માટે એના ગુરુ રંગભૂમિ પ્રતિ હઠાગ્રહી છે? શા માટે તેઓ  ફિલ્મોની ઘૃણા કરે છે? 

રંગભૂમિ પ્રતિ પોતાની લગનીના કારણે ગુરુએ પોતાના પરિવાર પ્રતિ દુર્લક્ષ કર્યું છે. પરિણામે એની પત્ની એનો ત્યાગ કરી ગઈ, બોલવામાં તોતડાતો પુત્ર એની જોડે વળગી રહ્યો છે પરંતુ પિતા તરીકે એના પ્રતિ આપવું જોઈએ તેવું ધ્યાન આદર્શ આપતો નથી.

ગુરુ અને શિષ્ય બંને પાસે એકબીજા માટે અનેક પ્રશ્નો છે. પ્રેક્ષકોના મનમાં પણ અનેક પ્રશ્નો છે જેમ કે ગુરુની કારકિર્દીના મહત્વના નાટક ટાણે જ શિષ્યએ શા માટે ગુરુને દગો આપ્યો? પ્રેક્ષકો પાસે ગુરુ માટે પણ એક પ્રશ્ન છે કે શા માટે એણે જે તે સમયે પોતાના પરિવાર સાથે બેજવાબદાર વર્તાવ કર્યો?

સંઘર્ષ અને રહસ્ય નાટકના પ્રાણ છે અને આ પાસાં નાટકમાં સરસ જળવાયાં છે જેને પરિણામે પ્રેક્ષકોનો રસ સાદ્યંત જળવાઈ રહે છે.         

ગામડિયા શિષ્ય પારસને ને જે રીતે આદર્શ પલોટે છે, જે રીતે કથીરમાંથી તેનું કંચનમાં રૂપાંતર કરે છે તે પ્રક્રિયા દર્શાવતું દ્રશ્ય નાટકની એક હાઈલાઈટ બની રહે છે. એ જ રીતે અન્ય એક દ્રશ્ય પણ નાટકની બીજી હાઈલાઈટ બની રહે છે જેમાં દિગ્દર્શક એક પછી એક એમ અનેક ફિલ્મ નિર્માતાઓને મળવા જાય છે, બધેથી એને જાકારો મળે છે, એ દરેક નિર્માતાઓની ભૂમિકા શિષ્ય ભજવે છે, દરેક નિર્માતાની ભૂમિકામાં આંગિક અને વાચિક બંને પ્રકારનું અપાર વૈવિધ્ય એ દાખવે છે, એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં વીજળીવેગે કાયાપ્રવેશ કરીને આ અભિનેતા પ્રેક્ષકોની દાદ મેળવી જાય છે. 

દિગ્દર્શક ગુરુ આદર્શ ગાંધીની ભૂમિકામાં પ્રિયમ જાની અને શિષ્ય પારસ બારોટની ભૂમિકામાં ચિરાગ ત્રિવેણી બંને પોતપોતાનાં પાત્રો જીવી ગયા. બંનેની જુગલબંધી આ નાટકનું આકર્ષક પાસું રહ્યું. આદર્શ ગાંધીના તોતડાતા પુત્ર તરુણની ભૂમિકામાં વિશ્વદીપ ઠાકોરે અભિનેતાએ ઉલ્લેખનીય અભિનય કર્યો. નાના તરુણની ભૂમિકામાં વંશાલી પટેલ અને પૂતળાની ભૂમિકામાં જિગ્નેશ પરમાર બંનેએ  પાત્રોચિત અભિનય કર્યો.  

તાંત્રિક વિભાગોમાં સંગીત: વૈભવ દેસાઈ, પ્રકાશ: મિત્તલ લુહાર, સંગીત સંચાલન: ઉત્સવ ભટ્ટ, દૃશય પરિકલ્પના: સેતુ ઉપાધ્યાય, રંગભુષા: રશ્મિ મોરાવાલા, વેશભૂષા: પ્રણવ વૈધ.

--કિશોર પટેલ, 20-02-23; 09:19

###         

તા.ક. આ લખનારે જોયેલાં નવેનવ નાટક વિષેની નોંધ અહીં મૂકાઈ જાય એ પછી અને ઇનામો જાહેર થાય એ પહેલાં આ સ્પર્ધા વિષે, સ્પર્ધામાં ભજવાયેલાં નાટકોનાં એકંદર ધોરણ વિષે, મુંબઈ શહેરમાં ગુજરાતી રંગભૂમિની હાલની સ્થિતિ વિષે ઇન જનરલ નુક્તેચીની કરતી એક પોસ્ટ અહીં મૂકીશ.

No comments: