વિદેશી ફિલ્મો/નાટકોનું ભારતીયકરણ
(૪૪૮ શબ્દો)
વિદેશી ફિલ્મ/નાટક/ટૂંકી વાર્તા પરથી ફિલ્મો/નાટકો તો ઘણાં ભારતીય નિર્માતા/દિગ્દર્શકો બનાવે છે, ખરી કારીગીરી એ ફિલ્મોના વિષય-વસ્તુ/ કલ્પનાબીજનું
ભારતીયકરણ કરવામાં છે. ઉત્તમ ઉદાહરણ રમેશ સિપ્પીની ફિલ્મ “શોલે” નું આપી શકાય. એકથી વધુ વિદેશી
ફિલ્મોની વાર્તાઓ ભેળવીને “શોલે” ફિલ્મની ઉત્તમ કહી શકાય એવી સ્ક્રીપ્ટ
સલીમ-જાવેદની જોડીએ લખી હતી.
હું એક નાટકનું ઉદાહરણ
આપીશ. ગુજરાતી રંગભૂમિના આશાસ્પદ અભિનેતા પ્રવીણ જોશીને વિદેશમાં જઈ નાટયશાસ્ત્રનો
અભ્યાસ કરવાની શિષ્યવૃત્તિ (કદાચ INT એ આપેલી) મળી. ત્યાં (ઘણું કરીને ઇંગ્લેન્ડ) એમણે એક વિદેશી ફિલ્મ જોઈ. એની
કથાવસ્તુ એમને ઘણી ગમી ગઈ. નાટયશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરીને સ્વદેશ આવ્યા પછી એમણે નાટ્યલેખક તારક મહેતાને પેલી ફિલ્મ વિષે વાત કરીને
પૂછયું કે આના પરથી આપણે ગુજરાતીમાં નાટક બનાવીએ તો કેવું? તારકભાઈએ કહ્યું કે થોડાંક ફેરફાર કરીને બનાવી
શકીએ. ફિલ્મની સ્ક્રીપ્ટ મને આપો. પ્રવીણ જોશીએ કહ્યું, સ્ક્રીપ્ટ નથી. તારકભાઈએ પૂછયું, લેખક કોણ છે?
પ્રવીણ જોશીએ કહ્યું, લેખકનું નામઠામ કંઈ યાદ નથી. મેં જે કહ્યું એટલી વાર્તા છે. તમને
ફાવતું હોય, તમારાથી લખાતું હોય તો લખી જુઓ.
તારક મહેતાએ ફિલ્મ જોઈ નથી, વાર્તા વાંચી નથી, સ્ક્રીપ્ટ વાંચી નથી, લેખક કોણ છે એ ખબર નથી છતાં એમણે આહ્વાન સ્વીકાર્યું. ફક્ત પ્રવીણ જોશીએ કરેલાં ફિલ્મના વર્ણન પરથી તારકભાઈએ નાટક
લખ્યું: "સપ્તપદી." પ્રવીણ જોશી અને સરિતા જોશી; ફક્ત બે જ પાત્રો, અઢાર વર્ષની ઉંમરથી એંસી વર્ષની ઉંમર સુધીની એક
દંપતીની રોમાંચક જીવનસફરનું અદભુત સુપરહીટ નાટક. નાટકની સફળતા માટે અલબત્ત પ્રવીણ જોશીના દિગ્દર્શન અને એમની તથા સરિતાબેનની
અભિનયકળાનું યોગદાન પણ એટલું જ મહત્વનું. એંસીના દાયકામાં મુંબઈ-ગુજરાતમાં આ નાટકે ધૂમ મચાવી
હતી.
લગભગ સ્વતંત્ર કહેવાય એવા આ નાટકની લેખક તરીકે તારક મહેતાએ
ક્રેડિટ લીધી ન હતી, નાટકના રૂપાંતરકાર તરીકે જ યશ લીધો હતો. સરખામણીએ મરાઠી નાટયલેખકો
વિદેશી કૃતિઓનું ઘણી વાર બેઠું ભાષાંતર કર્યા પછી પણ સ્વતંત્ર લેખક તરીકે યશ લીધે
રાખે છે. આપણા ગુજરાતી નાટયલેખકોએ એવી બદમાશી ક્યારેય કરી નથી. આનું પણ એક ઉદાહરણ
છે. બ્રોડવે પર ભજવાયેલા બર્નાડ શો લિખિત નાટક પિગ્મેલિયન (જેની પરથી ફિલ્મ પણ બનેલી
“માય ફેર લેડી”) નું પ્રવીણ જોશીની વિનંતીને
માન આપીને મધુ રાયે “સંતુ રંગીલી” નાટક
લખ્યું. ગુજરાતી રંગભૂમિ પર આ નાટકે
ઈતિહાસ રચ્યો. ફક્ત સંતુના નામના સિક્કા જ પાડવાના બાકી રહી ગયેલાં. એવું કહેવાય
છે કે આ નાટકનાં દોઢસો+ પ્રયોગો થઈ ગયાં પછી જાણીતા હાસ્યકાર/નાટ્યલેખક પુ.લ.દેશપાંડેએ
ગુજરાતી નાટક “સંતુ રંગીલી” નો પ્રયોગ જોયો અને એનું મરાઠી રૂપાંતર કર્યું “તી ફુલરાણી”.
એ નાટકમાં સરિતા જોશીવાળી મુખ્ય ભૂમિકા
ભક્તિ બર્વેએ કરેલી. નાટક મરાઠી રંગભૂમિ ઉપર સુપરડુપર હીટ થયું. એવું કહેવાય છે કે
એ નાટકનાં લેખક તરીકે પુ.લ. દેશપાંડેએ સ્વતંત્ર લેખક તરીકે યશ લીધેલો, બર્નાડ શો
કે મધુ રાય કોઈને યશ અપાયો ન હતો. મરાઠી રંગભૂમિ પર આવા તો અનેક કિસ્સાઓ બનેલા છે.
આજ વિચારવસ્તુ પરથી પછીથી દેવઆનંદે ફિલ્મ
બનાવેલી “મનપસંદ” જેમાં રીતા ભાદુડી, દેવ આંનદ અને ગિરીશ કરનાડ મુખ્ય ભૂમિકાઓમાં
હતાં.
# ભાઈ હકીમ રંગવાલાની એક ફેસબુક પોસ્ટ પર કરેલી ટિપ્પણીનું
વિસ્તૃત સ્વરૂપ.
--કિશોર પટેલ, 06-02-23; 21:07
No comments:
Post a Comment