Monday, 20 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૭)














 

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૭) 

(૬૧૦ શબ્દો)

મંગળવાર ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે વિક્રમ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદ પ્રસ્તુત

મન મગન હુવા

લેખક: ડો. સતીશ વ્યાસ, દિગ્દર્શક ડો. વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ

ગ્રીષ્મા પોતાની માતાના એમના ગુરુ જોડેના સંબંધોની તપાસ કરવા નીકળે છે.

રીમા અને ગ્રીષ્મા બંને મા-દીકરી પ્રાધ્યાપક અનુપમના હાથ નીચે ભણી છે. કાળક્રમે બંને અધ્યાપન ક્ષેત્રે જોડાઈ છે. સમજણી થયા પછી ગ્રીષ્માના ધ્યાનમાં આવ્યું છે કે એની માતા રીમા અને પ્રા.અનુપમ વચ્ચે ગુરુ-શિષ્યા કરતાં પણ કંઇક વિશેષ સંબંધ છે. આ સંબંધોમાં એક પ્રકારની શાલીનતા અને મર્યાદા છે કે ગ્રીષ્મા ક્યાંય આંગળી મૂકી શકતી નથી, એમના સંબંધમાં રહેલી વિશિષ્ઠતાની વ્યાખ્યા એ કરી શકતી નથી. મનનો મૂંઝારો વધી જતાં એક દિવસ એ નીકળી પડે છે પ્રા.અનુપમને મળીને એમની પાસેથી ખુલાસાઓ માંગવા. આ મુલાકાતમાં આગળપાછળની ઘણી વાતો થાય છે, વચ્ચે વચ્ચે ફ્લેશબેક પધ્ધતિએ ભૂતકાળનાં કેટલાંક મહત્વના પ્રસંગોનું પણ આલેખન થયું છે.

ગ્રીષ્મા, એની માતા રીમા અને એમના ગુરુ પ્રા. અનુપમ એમ ફક્ત ત્રણ પાત્રોનું આ નાટક સ્પર્ધાના અન્ય નાટકોથી જૂદું પડે છે એના સંવાદોના લીધે. ત્રણે પાત્રો ઉચ્ચશિક્ષિત છે, ત્રણે જણાં મહાવિદ્યાલયમાં અધ્યાપન જોડે સંકળાયેલા હોવાના લીધે એમની ભાષા ઉચ્ચ સ્તરની શુદ્ધ ગુજરાતી છે. એમાંય ગુરુ અનુપમની ભાષામાં તો હાલતાંચાલતાં ગુજરાતી ભાષાનું સૌંદર્ય છલકાય છે.

રીમાને ખ્યાલ હતો કે એક દિવસ એની પાસે ખુલાસાઓ માંગવામાં આવશે. ગ્રીષ્માનો પિતા કોણ છે એની સાબિતી આપતો ડીએનએ રિપોર્ટ એણે સાચવી રાખ્યો છે જે એના પતિએ એની જાણ બહાર કરાવ્યો હતો. ગ્રીષ્માના પિતાની આ હરકત દ્વારા નાટકમાં સરેરાશ ભારતીય પુરુષોની માનસિકતા અંગે એક વિધાન થયું છે. નાટકમાં આવશ્યક એવો સંઘર્ષ અને પરિણામે બે પાત્રો વચ્ચેનો તણાવ આ દ્રશ્યમાં સરસ રીતે સર્જાય છે. આવો જ તણાવ એક અન્ય દ્રશ્યમાં પણ સર્જાય છે,  રીમાની ડાયરી ગ્રીષ્માના હાથમાં આવી જાય છે ત્યારે. 

ભજિયાં જેવી લોકપ્રિય વાનગી આરોગવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન દ્રષ્ટિ, સ્પર્શ, ગંધ, શ્રવણ અને સ્વાદ એમ પાંચે ઇન્દ્રિય સક્રિય થવાથી ખાનારને કેવો આનંદ મળે છે એનું પૃથક્કરણ સરસ રીતે અનુપમે એક દ્રશ્યમાં કર્યું અને પ્રેક્ષકોની દાદ મેળવી.

પોતાનાં શિષ્યો માટે અનુપમને કેવળ વ્હાલની લાગણી છે. એ કહે છે કે પ્રેમ અને વહાલ વચ્ચે તફાવત છે. પ્રેમ માટે અંગ્રેજી ભાષામાં લવ જેવો શબ્દ છે પણ વ્હાલ માટે એ ભાષામાં કોઈ શબ્દ નથી. વ્હાલ એવી અદભુત લાગણી છે જે શબ્દોથી સમજાવી શકાય એવી નથી. આ સાથે નાટયકારે અંગ્રેજી ભાષાની મર્યાદાને પણ અધોરેખિત કરી છે. આ વાત તાર્કિક લાગે એ માટે પ્રા.અનુપમના પાત્રાલેખન માટે એવો ઉલ્લેખ થયો છે કે કોઈ પણ વાત માટે અનુપમને એવી ટેવ છે કે પહેલાં એ શુદ્ધ ગુજરાતી શબ્દ બોલે અને પછી એનો અંગ્રેજી પર્યાય પણ કહે. 

એક રીતે જોઈએ તો નાટક કલાકારોના કેવળ વાચિક અભિનય પર સક્ષમપણે ઊભું રહે છે. જો કે સંવાદોની એકવિધતા ટાળવા અહીં દિગ્દર્શકે સરસ પ્રયુક્તિ કરી છે: અન્ય પાત્રો જોડે વાતચીત દરમિયાન પ્રા.અનુપમને સતત રસોઈકામમાં વ્યસ્ત રહેતો બતાવ્યો છે. અહીં એકથી વધુ હેતુ સિદ્ધ થાય છે. મંચસજ્જામાં ઘરમાં રસોડું ઊભું કર્યું છે, એટલું જ નહીં આ જુદી પડતી મંચસજ્જાનો વ્યવસ્થિત ઉપયોગ કરીને એની સાર્થકતા પણ સાબિત કરી છે. ગુજરાતી ભાષાના શુદ્ધ અર્થપૂર્ણ શબ્દો ઉચ્ચારવાની સાથે સાથે રસોઈકામનો અભિનય પણ કરતાં રહેવું કોઈ અભિનેતા માટે સહેલું તો નથી જ. શૌનક વ્યાસ આ કસોટીમાંથી with flying colors પાર ઊતરે છે.    

રીમાની ભૂમિકામાં તારીકા ત્રિપાઠી અને ગ્રીષ્માની ભૂમિકામાં હિમાદ્રી જોષી બંને ભાવપૂર્ણ અને ઉલ્લેખનીય અભિનય કરે છે. પ્રાધ્યાપક અનુપમની ભૂમિકામાં શૌનક વ્યાસનો  અભિનય કાબિલેદાદ છે.

નાટકના અન્ય યશાધિકારીઓ આ પ્રમાણે:

ગીત: શૌનક વ્યાસ, સંગીત: પ્રથમેષ ભટ્ટ અને ધૈર્ય વ્યાસ, સંગીત સંચાલન: જય મહેતા, પ્રકાશ: હરીશ ઉપાધ્યાય અને રાજેશ મહીડા, નિર્માણ નિયામક અને નેપથ્ય: આર્યન પંચાલ.

આ નાટક જોતાં અનન્ય નાટયાનૂભુતિનો અનુભવ થાય છે. નાટકમાં પ્રયોજાયેલી ભાષા માટે નાટ્યકાર ડો. સતીશ વ્યાસની લેખનકળાનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. પ્રવાહી અને પ્રભાવી આલેખન માટે દિગ્દર્શક ડો.વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસની જોડી અને નાટકનાં નિર્માણ માટે વિક્રમ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદ અભિનંદનના અધિકારી છે.  

--કિશોર પટેલ, 21-02-23; 09:26

###

No comments: