બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ જાન્યુઆરી ૨૦૨૩
(૫૦૪ શબ્દો)
વીતેલા મહિનામાં ઠંડીનો આહલાદક અનુભવ કર્યા પછી શનિવાર
તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ બાલભારતી કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ ખાતે વાર્તાપઠનમાં
બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયેલાં શ્રોતામિત્રોને જોઈ આયોજકોને ગરમાટો આવી ગયો. સૂત્રધાર
હેમંતભાઈ કારિયાએ કાર્યક્રમની પ્રસ્તાવના કરતાં જાણકારી આપી કે વાર્તાવંતનો આ સત્તરમો કાર્યક્રમ છે અને આજ સુધીમાં આપણે સહુએ આ
ઉપક્રમમાં પચાસથી વધુ વાર્તાઓ સાંભળી છે.
કાર્યક્રમનું સંચાલન વિકાસ ઘનશ્યામ નાયકે સાંભળ્યું. સભાગૃહમાં
બાળકોની હાજરી જોઇને વિકાસભાઈએ આનંદની લાગણી વ્યક્ત કરી. એમણે કહ્યું કે આજે ભલે
આપણાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, એમના વાલીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે
એમને આપણી માતૃભાષા ગુજરાતીથી પરિચિત કરાવીએ. વિકાસ નાયક IT ક્ષેત્રમાં સેવારત છે
અને મુંબઈના અગ્રણી વર્તમાનપત્ર જન્મભૂમિના જાણીતા કટારલેખક છે.
આ વાર્તાપઠનમાં એક નવો પ્રયોગ થયો. નિકિતા પોરિયા અને વિકાસ
નાયક એમ બે રજૂઆતકર્તાઓએ અન્ય પ્રતિષ્ઠિત વાર્તાકારોની ચૂંટેલી વાર્તાઓ રજૂ કરી
જયારે મીતા મેવાડા અને નીલેશ રૂપાપરા એમ બે
વાર્તાકારોએ સ્વરચિત વાર્તાઓ રજૂ કરી.
દસમાંથી દસ (મીતા મેવાડા):
વાર્તાનો નાયક કોલેજમાં અધ્યાપક છે. પત્ની અલ્પશિક્ષિત
હોવાથી વિષે એના વિષે નાયકનો અભિપ્રાય બહુ સારો નથી. એમના એક મિત્ર અધ્યાપકને જયારે
નાયકની પત્નીનો પરિચય થાય છે ત્યારે એ નાયકને જણાવે છે કે તમારી પત્ની તો મારી
ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે અને એમનામાં સાહિત્યની ઊંડી સમજ છે. પત્નીનું આ રહસ્ય જાણ્યા પછી પત્ની પ્રત્યેનું નાયકનું
વલણ બદલાય છે. ફિલગુડ વાર્તા.
નિકિતા પોરિયા: બાપાની પિંપર (કિરીટ દૂધાત)
નિશાળે ભણતા કાળુના પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે.
કાળુ અને એના મિત્ર જેંતી વચ્ચેની વાતચીતમાં વાર્તા આકાર લે છે. કથક ઓછી ઉંમરનો
વિદ્યાર્થી હોવાથી વાર્તાની સૂક્ષ્મ કારીગરી સંકેતો અને પ્રતિકો દ્વારા કહેવાઈ છે.
જેંતી ગામનો એક માત્ર બ્રાહ્મણ છે, નાનાંમોટાં પ્રસંગે વિધિવિધાન
કરીને એ આજીવિકા રળી ખાય છે. ગામમાં નવા આવેલા પરભુ ગોરે જેંતીની રોજીરોટીમાં ભાગ
પડાવ્યો છે એટલે જેંતીને સ્વાભાવિકપણે એની પર ખુન્નસ છે. મોટી ઉંમરે નાગજીબાપા એક
જુવાન સ્ત્રીને પરણીને ઘેર લાવ્યા છે. પરભુ ગોરની મેલી નજર નાગજીબાપાની જુવાન
પરણેતર પર પડી છે.
ઘરની બહાર આંગણામાં છાંયડો રહે એવા વિચારે નાગજીબાપા પિંપરનું
વૃક્ષ વાવે છે. વૃક્ષની સલામતી માટે એની આસપાસ બાવળના ઝાંખરાની વાડ બનાવે છે પણ
ભારે વરસાદમાં પિંપરનું વૃક્ષ ધરાશાયી થઈ જાય છે.
અહીં પિંપરનું વૃક્ષ નાયકની જીવનસાથીનું પ્રતિક બન્યું છે. ભારે
વરસાદમાં પિંપરનું પડી જવું એટલે પરભુ ગોરનું નાગજી બાપાની ઈજ્જત પર હાથ નાખવો.
“બાપાની પિંપર” શીર્ષકથી જ પ્રગટ થયેલા વાર્તાસંગ્રહની વાર્તાઓ
દ્વારા કિરીટ દૂધાત અનુઆધુનિક ટૂંકી વાર્તાઓમાં પોતાની અનન્ય છાપ ઉપસાવવામાં સફળ
રહે છે.
કોફીબ્રેક પછીની વાર્તાઓ:
વિકાસ નાયક: ભેજ (નસીર ઈસમાઈલી)
બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં વાર્તાઓનું સર્જન કરવા માટે
જાણીતા બનેલા આ વાર્તાકારની પ્રસ્તુત વાર્તા જો કે અપવાદાત્મ્ક રીતે ત્રીજા
પુરુષમાં લખાયેલી છે. બે કોમ વચ્ચેના લોહિયાળ સંઘર્ષના ભોગ બનેલા એક પરિવારની આ
કરુણ કથા છે.
કપટકથા (નીલેશ રૂપાપરા):
આ વાર્તામાં એક માણસની અંદર રહેલા ગુણ-અવગુણની વાત હતી. આ
વાર્તામાં લેખકે સ્વરૂપ સાથે આકર્ષક પ્રયોગ કર્યો છે. જાણે કોઈ ફિલ્મની પટકથા હોય
એ રીતની રજૂઆત હતી. દરેક દ્રશ્યની રચના પ્રભાવી હતી, પાત્રોની વેશભૂષા અને
સાજસજ્જા વિષે વિગતવાર વર્ણન હતું તેથી ભાવકો દરેક દ્રશ્યને જાણે સાક્ષાત જોતાં હોય
એવી લાગણી થઇ હતી. સરસ, અસરદાર રજૂઆત.
સંચાલન દરમિયાન વિકાસ નાયકે ટૂંકી વાર્તાની પ્રતિષ્ઠિત
લેખકો દ્વારા કરાયેલી વ્યાખ્યાઓ રજૂ કરી.
વૈવિધ્યપૂર્ણ વિષયોની વાર્તાઓની પ્રસ્તુતિથી મુંબઈ શહેરની
એક સાંજ યાદગાર બની રહી.
--કિશોર પટેલ, 30-01-23; 09:21
###
No comments:
Post a Comment