નવનીત સમર્પણ મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૩૭૫ શબ્દો)
અનુમાન (બાદલ પંચાલ):
એક અધૂરી પ્રેમકથા. અસામાન્ય સ્વભાવની નાયિકા અને સામાન્ય
સ્વભાવનો નાયક. સ્વભાવભેદના પરિણામે બંને વચ્ચે નીપજતો સંઘર્ષ. અસામાન્ય પ્રેમસંબંધનું
આલેખન.
નૌકા અને કિનારો (કિરણ વી. મહેતા):
સંતાનો પ્રતિ માતાના પ્રેમની વાત. કુમળી વયે પોતાને તરછોડીને
અન્ય કોઈ પુરુષ જોડે જતી રહેલી માતા પ્રતિ નાયક ધિક્કારની લાગણી સેવે છે. એની
પ્રેમિકા જ્યારે સ્વાનુભવે કહે છે કે “કોઈનીય મમ્મી કદી મરતી નથી...” ત્યારે નાયકના
મનનું સમાધાન થઈ જાય છે. એ પોતાની માતાને મળવા દોડી જાય છે જેની જોડે વર્ષો બાદ
પહેલી વાર મળવા છતાં પણ ધિક્કારવશ પોતે શુષ્ક વ્યવહાર કર્યો હતો.
મને મારી દીકરીઓ પાછી આપો (નયના પટેલ):
સંસ્કૃતિભેદની વાત. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં
જમીન-આસમાનનો તફાવત છે. ભારતનું એક કુટુંબ વ્યવસાયાર્થે ઈંગ્લેન્ડમાં સ્થાયી થાય
છે. અપંગ દીકરીઓને સ્નાનાદી કાર્યમાં પિતા મદદરૂપ થાય છે પણ ગુડ ટચ-બેડ ટચની એ દેશની
વ્યાખ્યાઓમાં આ વાત વિવાદાસ્પદ ઠરે છે. કાયદા પ્રમાણે તરુણ અપંગ દીકરીઓને ઉછેર
માટે અન્ય બ્રિટીશ કુટુંબમાં દત્તક અપાય છે. દોઢ વર્ષમાં આ છોકરીઓ બ્રિટીશ
સંસ્કૃતિમાં છોકરીઓને મળતાં સ્વાતંત્ર્યથી
માહિતગાર થાય છે અને હવે માતા-પિતા પાસે પાછી ફરવાનો ઇનકાર કરે છે! એક તરફ
માની મમતાનો પ્રશ્ન છે બીજી તરફ કન્યાઓની સ્વતંત્રતાનો પ્રશ્ન છે! સરસ પેચીદો
પ્રશ્ન!
વિરલની વહુ (રાધિકા પટેલ):
પુત્રપ્રેમની વાત.
નીલિમા અને વિરલ પ્રેમસંબંધમાં હતાં. વિરલની માતાને નીલિમા પસંદ હતી. કોઈક
કારણથી નીલિમાએ વિરલ જોડેનો સંબંધ સમાપ્ત કર્યો અને અન્ય ઠેકાણે લગ્ન કર્યા. આઘાત
પામેલો વિરલ રાહ ભટકી ગયો છે. કોઈક રંજન નામના યુવક જોડે એના શંકાસ્પદ સંબંધ છે.
પોતાનો પુત્ર એ રંજન જોડેના સંબંધમાંથી બહાર આવે એવી ઈચ્છાથી વિરલની માતા નીલિમાને
આજીજી કરે છે કે એ એની મદદ કરે.
નીલિમાને ભયાનક સ્વપ્નાં આવે છે તેનું કારણ અસ્પષ્ટ રહે છે.
કદાચ નીલિમા વિરલ વિષે એવું કશુંક જાણે છે જે કદાચ સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી. એવું
હોય તો ફેસબુક પર એક વાર બ્લોક કરેલા વિરલને એ ફરીથી મૈત્રીવિનંતી શા માટે મોકલે
છે? વિરલની માતા જાણે છે કે નીલિમા અન્ય ઠેકાણે પરણી ગઈ છે, હવે એ નીલિમા પાસેથી
ક્યા પ્રકારની મદદ ઈચ્છે છે? વિરલ અને રંજન વચ્ચે ચોક્કસ કેવો સંબંધ હતો? આમ અમુક
વાતો વાર્તામાં અસ્પષ્ટ રહી જાય છે.
--કિશોર પટેલ; 03-06-22; 09:40
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment