Saturday, 25 June 2022

ના પાડતા શીખો


 

ના પાડતા શીખો

સબ-ટાઇટલ: તેરી નાની મરી તો મૈ ક્યા કરું?  

છાપાં /સામયિકોનું આર્થિક ગણિત શું હોય છે?

આઠ/દસ/બાર પાનાંનું છાપું અને ચાલીસ/ચુમ્માલીસ પાનાના સામયિકના દરેક પાનાનું એક મૂલ્ય હોય છે. એમાં પ્રગટ થતી જાહેરખબરનું વ્યાવસાયિક મૂલ્ય હોય છે જે વિજ્ઞાપન કર્તા તરફથી વસૂલ કરવામાં આવે છે. કારણ કે છાપું/ સામયિક પ્રકાશિત કરવામાં ખર્ચ થયો હોય છે. છાપખાનાનો ખર્ચ મુખ્ય છે. એ પછી છાપું/સામયિક ગ્રાહક/વાચક સુધી પહોંચાડનાર ટપાલ/કુરિયરનો ખર્ચ.

પરંતુ આ પહેલાં છાપામાં/સામયિકમાં જે સામગ્રી પૂરી પાડે છે એ પત્રકાર/લેખકના મહેનતાણાનું શું? છાપામાં નોકરી કરતા પત્રકારોને બાંધેલો પગાર મળતો હોય છે પણ છૂટક લેખો/ કવિતા/વાર્તાઓ લખી આપનારા લેખકોનું શું? એમને પુરસ્કાર મળે છે ખરો?   

“તમારી કૃતિ પ્રગટ કરી એને જ અમારા તરફથી પુરસ્કાર સમજો.” એવું કેટલાંક છાપાંઓ / સામયિકો કહે છે.

કેટલાંક છાપાં / સામયિક કહે છે કે અમારું નામ જુઓ, અમારો ઈતિહાસ જુઓ. અમારી પરંપરા જુઓ. તમારી કૃતિ અમે પ્રગટ કરી એ શું નાની વાત છે? 

મિત્રો, એટલું સમજો કે ઈતિહાસ, પરંપરા, પ્રતિષ્ઠા અને સાંસ્કૃતિક વારસાના નામે તમારું શોષણ થઈ રહ્યું છે. આ લોકોને ના પાડતાં શીખો. એવા ઐતિહાસિક કે ભવ્ય પરંપરા ધરાવતાં છાપાં / સામયિકમાં તમારી કૃતિ પ્રગટ ના થાય તો તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે તમારું ભોળપણ. 

કેટલાંક સામયિકો આર્થિક સંકડામણનું કારણ આપીને કવિ/લેખકના પુરસ્કાર આપતાં નથી. આ મને સમજાતું નથી. લેખક પાસે દાનધર્મની અપેક્ષા કોઈએ શા માટે રાખવી જોઈએ?

દાનધર્મની વિચારધારા જ મૂળમાં શંકાસ્પદ છે. કોઈએ સ્વનિર્ભર બનતાં શીખવવાને બદલે આશ્રિત બનાવી રાખવાની પેરવી છે. સમાજના એક વર્ગને કાયમ ભિક્ષુક બનાવી રાખવાનું ષડ્યંત્ર છે.

દાનધર્મથી દૂર રહો. એવું સામયિક જીવે કે મરે, કોઈને ફરક પડવાનો નથી. દુનિયામાં નથી ધરતીકંપ આવવાનો કે નથી કે નથી દાવાનળ સળગી ઊઠવાનો. 

જે લોકો એક સામયિક શરુ કરે છે અથવા બંધ પડેલું સામયિક પુનર્જીવિત કરે છે  તેમણે સૌપ્રથમ ખર્ચનું અંદાજપત્ર બનાવવું જોઈએ. અંદાજપત્રમાં કવિ/વાર્તાકારના પુરસ્કાર ને એ લોકો અવગણે છે એનો અર્થ એવો જ થાય છે કે એ લોકો કવિ/વાર્તાકારને તુચ્છ, નિર્બળ, લાચાર, ક્ષુદ્ર સમજે છે, એને જંતુ સમજે છે. જે કવિ/લેખક રાતના ઉજાગરા કરીને, લોહી-પાણી એક કરીને સર્જન કરે છે એને એ લોકો ગરીબની જોરુ સમજે છે.

વારુ, ગુજરાતી છાપાં/સામયિકોમાં પુરસ્કાર કેટલોક અપાય છે? વાર્તાઓનો પુરસ્કાર શું હોય છે? આજે સ્થિતિ એવી છે કે એ પુરસ્કારમાંથી વાર્તાકાર પોતાની ફેમિલીને સારી હોટલમાં ડીનર માટે પણ લઇ જઈ શકતો નથી!

માન્યું કે પુરસ્કારમાંથી કોઈ પોતાનું ઘર ચલાવવાની અપેક્ષા રાખી ના શકે. પણ કંઇક વ્યાજબી રકમ તો મળવી જોઈએ કે નહીં?

છાપાંઓ સારો પુરસ્કાર આપી શકે છે પણ તેઓ એવો પુરસ્કાર આપતાં નથી. એમની દાનત ખોરી હોય છે. પુસ્તક છાપ્યાં ને વેચ્યાં પછી કોઈ પ્રકાશક પણ ક્યારેય હિસાબ આપતો નથી.  કવિ/વાર્તાકારોને અપાતો પુરસ્કાર જે તે સામયિક કેવો વ્યવસાય કરે છે, કેટલી કમાણી કરે છે એની પર આધાર રાખે છે. ચિત્રલેખા કે અભિયાન જેવા ન્યુઝમેગેઝિનમાં વાર્તા પ્રગટ થાય તો “સારો” પુરસ્કાર મળે છે. સાહિત્યિક સામયિકો “સામાન્ય”  પુરસ્કાર આપે છે. ભલે ચણા-મમરા જેવો કહેવાય, પણ આપે છે ખરા. એનું કારણ એ છે કે આ સાહિત્યિક સામયિકો ધંધાની રીતરસમથી સામયિક ચાલતાં નથી. એક સામાન્ય નિયમ એવો છે કે કોઈ છાપું કે સામયિક ગ્રાહકોના લવાજમની આવકથી ચાલતું નથી, છાપું/સામયિક ચાલે છે જાહેરખબરોની આવકથી.

છાપાંમાં જાહેરખબરો પુષ્કળ મળતી હોય છે પણ એમાં સાહિત્યને એટલું સ્થાન જ મળતું નથી. જે કંઈ સાહિત્ય છપાય એને પુરસ્કાર ભાગ્યે જ અપાય છે. “છાપ્યું એ જ મોટી વાત છે!” એવો એમનો રુવાબ હોય છે. મોટાં નામોની વાત જુદી છે, આપણે સામાન્ય લેખકોની વાત કરીએ છીએ.

સાહિત્યિક સામયિકો વ્યવસાયિકો અને જાહેરખબરદાતાઓને આકર્ષી શકતાં નથી કારણ કે એમના સર્ક્યુલેશનના આંકડા કહેવા જેવા હોતાં નથી. આપણે ત્યાં કેટલાંક સામયિકોને સરકારી ગ્રાન્ટ મળે છે, એમને જાહેરખબર છાપવાની જરૂર નથી. જે સામયિકો ટ્રસ્ટના છે તેઓ પણ જાહેરખબરો અંગે ઉદાસીન જણાય છે.

આવક-જાવકના છેડા મળતાં ના હોય તો પહેલો કાપ પુરસ્કાર પર પડે છે.

આ અટકવું જોઈએ. કવિ/વાર્તાકારને પુરસ્કાર મળવો જોઈએ. જે સામયિકના અંદાજપત્રમાં સર્જકોના પુરસ્કારનો પ્રબંધ નથી તે સામયિક કાલે બંધ પડવાનું હોય તો ભલે આજે જ બંધ પડી જાય.

સર્જકને પુરસ્કાર મળવો જ જોઈએ. એમાં બાંધછોડને અવકાશ નથી.

કોઈ લેખક ચેક પાછો વાળે કે સ્વેચ્છાએ પુરસ્કાર સ્વીકારવાની ના પાડે ત્યારે એક સામયિકના તંત્રી/સંપાદક મહાશય તો તંત્રીલેખમાં પેલા લેખકનું ગૌરવ કરે છે. એ તંત્રીશ્રીને ખબર નથી પડતી કે પેલો લેખકડો એમનું અપમાન કરે છે, ‘મને પુરસ્કાર આપવાની તમારામાં ઔકાત નથી.” એવું કહીને એ તંત્રીને ઉતારી પાડે છે.

આ વિષચક્રનો ઉપાય શું છે?

કળાને ઉત્તેજન અને પ્રોત્સાહન આપવાની જવાબદારી રાજ્યની છે. પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ કલાકારોને પોષતાં, આજે આ જવાબદારી શ્રેષ્ઠીઓની છે, મોટા બિઝનેસ હાઉસની છે, કોર્પોરેટ કંપનીઓની છે. સાહિત્યિક સામયિકોએ એમની પાસે જવું જોઈએ, એમની સામે ખોળો પાથરવો જોઈએ.   

કવિ / વાર્તાકાર મિત્રો,

જાગૃત થાઓ, લેખનકળામાં જેટલી બુદ્ધિ વાપરો છો એટલી જ બુદ્ધિ વ્યવહારમાં પણ વાપરો. વ્યવહારમાં ભાવનાબેન કે  લાગણીકુમારીને કોરાણે મૂકો.

કવિ/વાર્તાકાર મિત્રોને મારી વિનંતી છે કે જે છાપું/સામયિક પુરસ્કાર આપવાની ના પાડે છે એમને કોઈએ પોતાની કૃતિ આપવી નહીં.

વાર્તાના સ્વીકાર-અસ્વીકારનો ઉત્તર આપતાં પહેલાં જ પુરસ્કાર આપવાની અસમર્થતા સખેદ જાહેર કરનાર એક સામયિકને ગઈ કાલે જ મેં મારી વાર્તા પ્રસિદ્ધ કરવાની સવિનય ના પાડી છે.

સિમ્પલ, તેરી નાની મરી તો મૈ ક્યા કરું?

કિશોર પટેલ, શનિવાર, 25 જૂન 2022; 10:53

###

(છબી સૌજન્ય: ગુગલ ઈમેજીસ)

No comments: