Sunday, 19 June 2022

વારેવા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૩૬ શબ્દો)

મીન્ની (જયંત રાઠોડ):

સંબંધોમાં મહત્તા ઘટી જાય ત્યારે જે તે વ્યક્તિને આઘાત લાગતો હોય છે. પ્રથમ સ્ત્રી એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં નાયિકા બબ્બે મોરચે આઘાત અનુભવે છે. ઘેર માતા જોડેના સંબંધમાં એની જગ્યા બિલાડીના એક બચ્ચાએ લઈ લીધી છે. આ ઉપરાંત અંગત મિત્રવર્તુળમાં ફેની, અગ્નેશ અને ફિરદોશ એમ ત્રણમાંથી પણ એણે કોઈ એક જણના હાથે એણે પરાજયનો સ્વાદ ચાખ્યો છે. વધારામાં દુઃખની વાત એ છે કે આના પ્રતિભાવમાં નાયિકા કશું કરી શકતી નથી. ઘરના મોરચે એ બિલાડીના બચ્ચાને ઘરમાંથી બહાર ફેંકી શકતી નથી અને મિત્રવર્તુળમાં તો એનો કદાચ સંપૂર્ણ પરાભવ થયો હોય એવું જણાય છે. અસરકારક રજૂઆત.    

આગંતુક (કલ્પેશ પટેલ):

સમય અને સંજોગો પ્રમાણે માણસ પોતાની યોજના બદલતો હોય છે. નિવૃત્તિના આરે ઊભેલા નાયકની ઈચ્છા છે કે નિવૃત્તિ પછી વતનના ગામડે રહેવું. નિવૃત્તિના બેએક મહિના પહેલાં ગામની ઔપચારિક મુલાકાતમાં ગામલોકો અને સ્વજનો એને એક આગંતુક એટલે કે મહેમાનની જેમ જુએ છે. પરિણામે નાયક  પોતાની યોજના બદલી નાખે છે. પ્રવાહી રજૂઆત.

હું કંઇક તો ભૂલું છું (બાદલ પંચાલ):

વ્યંજનાપૂર્ણ વાર્તા.

કશુંક ભૂલી ગયાનું વળગણ ધરાવતા માણસની વાત. આપણે ત્યાં માનસિક અસ્વસ્થતા વિષે જોઈએ એટલી જાગૃતિ નથી. માનસિક સારવારની જરૂર હોય એવા અસંખ્ય દર્દીઓ સમાજમાં વિના રોકટોક હરતાંફરતાં હોય છે. આપણી કુટુંબવ્યવસ્થામાં અને સમાજવ્યવસ્થામાં એવા અનેક દરદીઓ સચવાઈ જતાં હોય છે.

વાર્તામાંનો નાયક મરી ગયો હતો અર્થાત, એ જીવવાનું જ ભૂલી ગયો હતો! આ વાર્તાની વ્યંજના સમજવા જેવી છે. આપણામાંના કેટલાં બધાં લોકો જીવન જીવવાનું, માણવાનું જ ભૂલી જાય છે અને યાંત્રિક રીતે જીવ્યે જાય છે! વાર્તામાંના નાયકની જેમ પોતાની કૌટુંબિક અને સામાજિક ફરજો પૂરી કરવા દિવસભર હડિયાપાટી કરીને માણસ રાત્રે બેહોશ થઈને ઊંઘી જાય છે, સવારે ઊઠીને યાંત્રિક રીતે ફરીથી દોડાદોડ કરવા લાગી જાય છે, બધું કરે છે પણ એ જીવતો નથી!

સરસ વાર્તા, સરસ રજૂઆત!   

પ્રેમને ખાતર (સ્વાતિ જસ્મા ઠાકોર):

એક અસામાન્ય પ્રેમકથા. કોલેજમાં અબીલા નામની એક અસામાન્ય જણાતી સહાધ્યાયી તરફ નાયક આકર્ષાય છે પણ અબીલા એને દાદ આપતી નથી. બંનેના રસ્તાઓ જુદા છે. આગળ ચાલીને નાયક રાજકીય દ્રષ્ટિએ ચોક્કસ વિચારસરણી ધરાવતો થાય છે ત્યારે  અબીલા એને ફરીથી મળે છે. હવે બંનેના રસ્તા એક થયાં છે પણ અબીલાનું માનવું છે કે પ્રેમ તો કેવળ સ્વતંત્ર દેશમાં જ થઈ શકે. એના અભિપ્રાય પ્રમાણે ભારત દેશ હજી સ્વતંત્ર થયો નથી. નાયક એની વાત સમજે છે. દેશ સ્વતંત્ર થાય ત્યાં એ અબીલાની સુધી રાહ જોવા તૈયાર છે.

આ વાર્તા એક અસામાન્ય પ્રેમકથા છે કારણ કે અહીં પ્રેમીઓ એકમેકના બાહ્ય દેખાવથી નહીં પણ આંતરિક સૌંદર્યથી એકબીજા પ્રત્યે આકર્ષાયાં છે. એમ છતાં નાયિકાની પોતાની જાત સાથેની સ્પષ્ટતા જુઓ, એ કહે છે કે “આપણે પ્રેમમાં સમય વેડફી નહીં શકીએ, આપણો દેશ હજી આઝાદ થયો નથી.”

સ્વતંત્ર રાજકીય વિચારધારા ધરાવતી એક નાયિકાનું પાત્રાલેખન વાર્તાને રસપૂર્ણ બનાવે છે. વાર્તામાં અગત્યનું સામાજિક-રાજકીય વિધાન થયું છે. ચળવળકર્તાઓ આ વાર્તામાંથી મઝાનું શેરી નાટક (સ્ટ્રીટ પ્લે) બનાવી શકે.

સરસ વાર્તા, સરસ રજૂઆત!

અનુવાદિત વાર્તાઓ

લિપસ્ટિક (હિન્દી વાર્તા: નીલા પ્રસાદ, અનુવાદ: નેહા રાવલ) શહેરમાં કામ કરતી સ્ત્રીઓની માનસિકતાની વાત. બાહ્ય દેખાવ પરથી માણસનું મૂલ્યાંકન કરવાની એક માનસિકતા દરેક શહેરના લોકોમાં કામ કરતી હોય છે. બિહારથી દિલ્હીમાં બદલી થઈને આવેલી નાયિકાનું નિરીક્ષણ છે કે દિલ્હીમાં દરેક સ્ત્રી સૌંદર્યપ્રસાધનમાં ઓછામાં ઓછું લિપસ્ટિક તો લગાવે જ છે. નાયિકાને પોતાને હોઠો પર લિપસ્ટિક લગાવવી પસંદ નથી. સહુ એને જુદી જ નજરે જુએ છે. નાયિકાને પ્રશ્ન મૂંઝવે છે: અન્યો જેવા દેખાઈને ટોળામાં ભળી જવું કે જુદાં પડીને સ્વતંત્ર ઓળખ બનાવવી?   

સરસ વિષય, સરસ રજૂઆત.   

મારું ઘર ક્યાં? (મૂળ તેલુગુ વાર્તા, લેખક: મુકુંદ રામારાવ, અંગ્રેજી અનુવાદ: ડી.એસ. રાઓ, ગુજરાતી અનુવાદ: રાકેશ પટેલ): પોતાને તેમ જ કુટુંબના અન્ય સભ્યોને મુસીબતમાં મૂકી દેતાં નબળી યાદશક્તિની બીમારીથી પીડાતા એક વૃદ્ધની વાત.

ઓટણ (મૂળ પોલીશ વાર્તા, લેખક: ઓલ્ગા તોકરઝૂક, અંગ્રેજી  અનુવાદ: જેનીફર ક્રોફટ, ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી): પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયેલા એક વયસ્ક આદમીની અસ્વસ્થ માનસિક સ્થિતિનું આલેખન. 

દિલગીરી (ખલીલ જિબ્રાન; ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી): સોથી પણ ઓછા શબ્દોની ૩ માઈક્રોફિક્શન વાર્તાઓ.

નિયમિત સ્તંભ:

ટૂંકી વાર્તાના પ્રાથમિક પરિચય લેખશ્રેણીમાં રમેશ ર. દવે આ અંકના લેખમાં ટૂંકી વાર્તામાં સંવાદનું મહત્વ સમજાવે છે.

મુકામ પોસ્ટ વારતા (રાજુ પટેલ): વાર્તામાં ઘટનાના મહત્વ વિષે રસપ્રદ લેખ.

કથાકારિકા (કિશોર પટેલ), કનુ આચાર્યની વાર્તા “ઠુંઠું”; કોરોના મહામારીમાં સર્વત્ર સંચારબંધીનું વાતાવરણ હતું. બીડીના બંધાણીને જ્યારે બીડી મળતી નથી ત્યારે થતી એની કફોડી હાલતનું રમૂજી આલેખન કરતી વાર્તા અને એ વાર્તાનો રસાસ્વાદ.   

લઘુકોણ (રાજુલ ભાનુશાલી): પંચર (કાસમ બલોચ) અને ભાડૂત (કમલ ચોપડા)+બંને લઘુકથાઓનો રસાસ્વાદ: આ બંને લઘુકથાઓમાં જુદાઈ દાખવતાં સંતાનોથી આઘાત પામતાં પિતાની વાત થઈ છે.

--કિશોર પટેલ, 20-06-22; 09:59

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

         

No comments: