Friday, 13 May 2022

વારેવા માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

વારેવા માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૧૪૬૨ શબ્દો)

વારેવા પરિવારના સભ્ય હોવાથી આત્મપ્રસંશાનો દોષ થતો હોય તો ભલે થાય, પણ મને કહેવા દો કે આ અંક collector’s item બન્યો છે એમાં રજૂ થયેલી જબરદસ્ત વાર્તાઓના કારણે.

ગઈ કાલે મેં વાત કરી આ અંકના રંગ રૂપ અને આકારની. આજે હું વાત કરીશ અંકમાં સામેલ સામગ્રીની.

હ્યુગો, નેબ્યુલા અને વર્લ્ડ ફેન્ટેસી એમ વિદેશી સાહિત્યના ત્રણ ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી એકમાત્ર વાર્તા જે એક અમેરિકન લેખકની હ્રદયસ્પર્શી અંગ્રેજી વાર્તા છે, એક બંગાળી વાર્તા જે વ્યંજનાપૂર્ણ છે, આપણી ભાષાના એક વીસરાયેલા વાર્તાકારની હળવી શૈલીની મજેદાર વાર્તા, એક નવા લેખકની હળવીફૂલ પ્રયોગાત્મક વાર્તા, એક યુવા વાર્તાકારની સ્વની શોધ કરતી ચિંતનાત્મક વાર્તા, અન્ય એક યુવા વાર્તાકારની સામાજિક મુદ્દો ચર્ચતી વાર્તા, એક શોષિત ગ્રામ્યસમાજની એક વાર્તા! વિષયવૈવિધ્યથી ભરપૂર સાત સાત વાર્તાઓ ઉપરાંત એક ચોટદાર લઘુકથા! આટલું ઓછું હોય એમ આઈસીંગ ઓન ધ કેક તરીકે હાજર છે: આપણા સાહિત્યના પ્રથમ હરોળના વાર્તાકાર-વિવેચક દ્વારા બે અંગ્રેજી લઘુકથાઓનો રસાસ્વાદ!          

અને હવે રજૂઆતના ક્રમમાં વાર્તાઓ વિષે વાત:  

બાજ (નીલેશ મુરાણી):

બાજ નામનું શિકારી પક્ષી આકાશમાં ઊડતું રહે અને તક મળ્યે ધરતી પરથી શિકારને ઝડપી લે. આ વાર્તામાં બાજ પક્ષીની લાક્ષણિકતાઓ ધરાવતાં એક કરતાં વધુ પાત્રો અને એક શિકારની વાત થઇ છે. નાયિકા રઝિયા એક સંબંધમાંથી છૂટી થઇ છે અને બીજા સંબંધમાં જોડાવાની તૈયારીમાં છે. દરમિયાન કેટલાંક શખ્સો નિયમોની અમુક જોગવાઈનો લાભ લઈને પોતાની રોટલી શેકી લેવા તત્પર છે. આ શખ્સો છે રઝિયાના ગામના તેમ જ એના પહેલા પતિના ગામના મૌલવીઓ.

અબ્દુલ નામનું એક પાત્ર વાર્તામાં આવે છે પણ આપણે એને ક્લીન ચીટ આપવી પડશે. અબ્દુલને રઝિયાની  કોઈ વાત સાથે સંકળાવું નથી કારણ કે એને રઝિયા તરફથી એક વાર કડવો અનુભવ થઇ ગયો છે. હકીકતમાં આ વાર્તા થોડીક અસ્પષ્ટ છે. રઝિયાએ પૂર્વપતિ રિયાઝ સાથે ફરીથી નિકાહ કરવા અમુક શરતો મૂકી છે પણ એને સ્પષ્ટ જવાબ મળ્યો નથી. મૌલવીઓ રઝિયાને ઘેર આંટાફેરા મારે છે પણ કોને ચોક્કસ શું કામ છે તે સ્પષ્ટ થતું નથી. વળી મૌલવીઓ પ્રતિ રઝિયાનો અભિગમ નકારાત્મક છે એટલે વાત ખૂલતી નથી. લગ્ન અને છૂટાછેડા પછી એ જ પતિ સાથે પુનર્લગ્ન કરવાં હોય તો આ કોમમાં કંઇક વિચિત્ર નિયમ છે. આ કોમ વિષે આમ પણ ઘણી વાતો રહસ્યના દાબડામાં બંધ છે. આ વાર્તા નિમિત્તે તક હતી કંઇક સ્પષ્ટતા કરવાની. ખેર, આવી સમસ્યા પર ઝાંખો તો ઝાંખો પ્રકાશ ફેંકવાનો એક પ્રયાસ થયો છે એટલું નોંધવું પડશે.    

ઓગળી ગયેલા કિનારા (ધર્મેશ ગાંધી):

સ્વની શોધ. નાયકને જંગલમાં ચમત્કારિક અનુભવો થાય છે. એક અપંગ જણાતો છોકરો અને એક ડોસી નાયકને ગોળ ગોળ ફેરવે છે. અંતમાં નાયકનો પોતાની જાત સાથે ભેટો થાય છે. રસપ્રદ રજૂઆત.

પાર્ટનર (રમેશચંદ્ર લક્ષ્મીબેન ઠાકર ‘વિદ્રોહી’):

હલ્કીફુલ્કી રમતિયાળ શૈલીમાં લખાયેલી મઝાની નાનકડી વાર્તા! બાર બાર વર્ષથી રખડી ગયેલી એક પ્રેમકહાણી એના લોજિકલ એન્ડ પર પહોંચી શકતી નથી કેવળ પાત્રોના અહમના કારણે. આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિમાં કામના સ્થળે અને સમાજમાં પોતાના જીવનસાથીને પોતાના કરતાં ઊંચી પાયરીએ સ્વીકારવા પુરુષ હજી તૈયાર નથી. સામે પક્ષે આજની આધુનિક સ્ત્રી નમતું જોખવા તૈયાર નથી. એક રીતે આ વાર્તા આજના સમયની તદ્દન યોગ્ય અને સૂચક વાર્તા છે.

રજૂઆતમાં સરસ પ્રયોગ થયો છે, બંને મુખ્ય પાત્રોના મનોભાવ વ્યક્ત કરવા અલગથી બે પાત્રોનું આયોજન થયું છે. નાયક અને નાયિકા બંનેના મન (પાર્ટનર) પાત્રોની જોડાજોડ ચાલે છે, પોતાના સ્વામીને સલાહસૂચન આપે છે, ક્યારેક સધિયારો આપે છે, ક્યારેક ઠેકડી ઉડાવે છે! સરસ મજેદાર પ્રયોગ! 

વર્ષો પહેલાં આંતરકોલેજ એકાંકી સ્પર્ધામાં ભવન્સ કોલેજ (ચોપાટી) તરફથી રજૂ થયેલા એક એકાંકી “મન, માનવી અને મનામણાં” માં આવો પ્રયોગ થયો હતો. એક લગ્નોત્સુક છોકરો છોકરીને જોવા એને ઘેર આવે છે એટલી જ ઘટના હતી. ઉમેદવાર છોકરો, કન્યા અને એમના માતાપિતા એમ દરેક જણ માટે એમના મનોભાવો વ્યક્ત કરતાં અલગથી પાત્રો પણ હતાં! અર્થાત, જે તે પાત્ર સિવાય કોઈ તેમને જોઈ કે સાંભળી ના શકે. વધુ વિગતમાં એટલું યાદ છે એકાંકીનું દિગ્દર્શન લક્ષ્મીકાંત કર્પે (અન્ના)એ કર્યું હતું અને એને જે તે વર્ષનાં શ્રેષ્ઠ એકાંકીનું ઇનામ મળ્યું હતું. 

એ એકાંકી ક્યાંય છપાઈને ઉપલબ્ધ હોય એવું જોયું-જાણ્યું નથી. ત્યારે એવો ચાલ ન હતો. એકાંકીઓ જે છપાતાં તે કદી ભજવાતાં નહીં અને જે ભજવાતાં તે કદી છપાતાં નહીં!

પ્રસ્તુત વાર્તાના લેખકનો તો એ સમયે જન્મ પણ કદાચ નહીં થયો હોય. એક સર્જનાત્મક વિચાર કેટકેટલી તરંગલંબાઈ પર ક્યાં ક્યાં વિહરતો હોય છે એનો ઉત્તમ નમૂનો!    

અનુવાદિત વાર્તાઓ:

કુસુમપુરનો વૃદ્ધ (લેખક અમર મિત્રાની  મૂળ બંગાળી વાર્તા ‘ગાઓંબુરો’; અનિષ ગુપ્તા દ્વારા  અંગ્રેજીમાં  અનુવાદ ‘ધ ઓલ્ડ મેન ઓફ કુસુમપુર’; ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી):

સમસ્યાઓમાં ઘેરાઈ જતાં એક વૃદ્ધ માણસને મોટાભા (ઈશ્વર)ની યાદ આવી છે. એ એને શોધવા નીકળી પડ્યો છે. રસ્તે એને જુદા જુદા કારણોસર દુઃખી થતાં અનેક માણસો  મળે છે. સહુનો સંદેશો જોડે લઈને એ ઈશ્વરની શોધ ચાલુ રાખે છે. એને ઈશ્વર મળ્યો કે નહીં એ પેલાં લોકોમાંથી કોઈ જાણવા પામતું નથી કારણ કે એ પાછો આવતો નથી. ટેક હોમ મેસેજ છે: સામાન્ય માણસને દુઃખમાં જ ઈશ્વરની યાદ ભલે આવે, બાકી એના વિના કોઈનું કંઈ અટકતું નથી. સારી વાર્તા.   

કાગનો વાઘ (લેખક કેન લુની મૂળ અંગ્રેજી વાર્તા ‘ધ પેપર મેનાજરી’; ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી):

હ્રદયસ્પર્શી વાર્તા. એક માતાની કરુણાંત કહાણી અને એટલી જ કે એનાથી પણ વધુ દુઃખદ એના પુત્રની કહાણી જે પોતાની માતાને જીવતેજીવત ધિક્કારતો રહ્યો અને તેના મૃત્યુ પછી જ તેની દુઃખભરી જીવનકથા જાણવા પામ્યો. આ કેવી વિડંબના કે પહેલેથી જ દુઃખી એની માતાને વધુ દુઃખ આપવામાં અજાણપણે એ પોતે જ નિમિત્ત બન્યો હતો! 

મૂળિયાંસમેત ઊખડી ગયેલી એક અનાથ ચીની કન્યા સદનસીબે હોંગકોંગમાં એક અમેરિકન પુરુષની પસંદગીમાં પાર ઊતરે છે અને એની જોડે લગ્ન કરીને અમેરિકામાં સંસાર વસાવી શકે છે, એક પુત્રને જન્મ આપી પોતાની જાતને ધન્ય માને છે. પણ એની કમનસીબી એ છે કે ચીની મૂળની એ કન્યાને અંગ્રેજી ભાષા આવડતી નથી. હોંગકોંગમાં એ ગેરકાયદે પ્રવેશી હતી, ત્યાં એને હેતુપૂર્વક અંગ્રેજી ભાષા શીખવા દેવાઈ નથી. અમેરિકાના ઘરમાં કે આસપાસમાં ચીની ભાષા એના સિવાય કોઈ જાણતું નથી એટલે એ ચીની ભાષામાં કોની સાથે બોલે અને દીકરો કેવી રીતે ચીની ભાષા શીખે? માતાને ચીની સિવાય કોઈ ભાષા આવડે નહીં અને દીકરો પિતાની અને આડોશપાડોશ અને સ્કુલની અંગ્રેજી સિવાય કોઈ ભાષા જાણે નહીં! વળી ચીની માતાના કારણે એનો ચહેરો સ્કુલમાં સહુથી જુદો હોવાના કારણે એ મશ્કરીનું પાત્ર બન્યો હોવાથી પોતાની જ માતાને એણે કાયમ ધિક્કારી હતી! અને એ જ કારણથી એણે માતા જોડે વાત કરવાનું બંધ કર્યું હતું! માતા માટે એ ક્ષણો ભારે દુઃખની હતી.       

રીગામી એટલે કે કાગળમાંથી કળાકૃતિ બનાવવાની મૂળે તો જાપાનની પારંપારિક સંસ્કૃતિ. કથકની માતા ચીની મૂળની હતી અને જ્યાં એ જન્મી હતી એ ગામમાં આ વ્યવસાય ખૂબ પ્રચલિત હતો એટલે એ પણ આ કળાની જાણકાર હતી. વાર્તામાં મેજિક રિયાલીઝમ છે, કથકની માતાએ કાગળમાંથી બનાવેલા રમકડાં જીવતાં થઈને હરેફરે છે એવું બતાવ્યું છે. એણે બનાવેલા કાગળના એક વાઘનું નામ “લાઓહુ” પાડવામાં આવેલું. આ લાઓહુ ક્થકનો મિત્ર બની ગયો છે, વાર્તામાં એ લગભગ એક સંપૂર્ણ પાત્રની હેસિયત ધરાવે છે. આ લાઓહુ જે કાગળમાંથી બનેલો એની પાછળના ભાગે કથકની માતાએ પુત્રને ઉદ્દેશીને એક પત્ર ચીની ભાષામાં લખેલો જે પોતાની માતાના મૃત્યુના ઘણાં વર્ષો પછી ક્થકે કોઈની મદદથી વાંચ્યો અને પોતાની માતાની સત્ય કહાણી એને જાણવા મળી. માતાને ગુમાવી દીધા પછી કથક કાગળની ઘડી વાળીને લાઓહુને ફરી એક વાર જીવતો કરે છે અને માતાની સ્મૃતિ રૂપે એને પોતાની જોડે ઘેર પાછો લાવે છે.        

છેલ્લા અંકમાં એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં પ્રકાશિત થયેલી બે વિદેશી લઘુકથાઓ ‘મકારીઓ’ અને જિંદગીના રસને પીવામાં...’ નો રસાસ્વાદ આ અંકમાં કરાવ્યો છે એ વાર્તાઓના અનુવાદક અને જાણીતા વાર્તાકાર અને વિવેચક કિરીટ દૂધાતે.

નિયમિત વિભાગો

ટૂંકી વાર્તા પ્રાથિમક પરિચય શ્રેણીના છઠ્ઠા ભાગમાં રમેશ ર. દવે વાર્તામાં કથન, વર્ણન અને સંવાદની નિરૂપણ શૈલી વિષે વિગતે વાત કરે છે. આ મુદ્દો સમજાવવા લેખકે ગોવાલણી (મલયાનિલ), કમાઉ દીકરો (ચુનીલાલ મડિયા) અને ખરા બપોર (જયંત ખત્રી) જેવી ક્લાસિક વાર્તાઓના ઉદાહરણ આપ્યાં છે.

કથાકારિકા સ્તંભમાં કિશોર પટેલ રજૂ કરે છે ગોરધન ભેસાણિયાની વાર્તા દાપું અને તેનો રસાસ્વાદ. ગામડામાં પહોંચતાપામતાં માણસો નિર્ધન અકિંચન માણસોનું કેવી કેવી રીતે શોષણ કરતાં હોય છે એનું એક ઉદાહરણ આ વાર્તામાંથી મળે છે. 

લઘુકોણ સ્તંભમાં રાજુલ ભાનુશાલી રજૂ કરે છે હીરલ અભિનય વ્યાસ ‘વાસંતીફૂલ’ લિખીત લઘુકથા ધ્રુવ અને તેનો રસાસ્વાદ. “ધ્રુવ” નામ સાથે સંકળાયેલી નાયિકાની મધુર સ્મૃતિની વાત આ લઘુકથામાં થઇ છે. 

જશ્ને વાર્તા વિભાગમાં સમીરા પત્રાવાલા રજૂ કરે છે ઇતિહાસના પાનામાંથી જડેલા વાર્તાકાર હીરાલાલ ફોફલીઆનો પરિચય અને તેમની એક વાર્તા, ”છેલ્લી પાટલી”:       

લાંબા અંતરની મુસાફરીમાં કથક જુએ છે કે એક નાનકડી બાળકીની માતા બાજુમાં બેઠેલા યુવાનને અડકી ના જવાય એની કંઇક વધારે પડતી સાવચેતી રાખીને બેઠી છે. પેલો યુવાન પણ એવી સાવધાની રાખે છે. એકંદરે એમ જણાય કે બે અજાણ્યા જણ અકસ્માતે બાજુબાજુમાં બેઠાં હશે. રાત્રે બાળકી જોડે ઉપરના પાટિયે ઊંઘી ગયેલી યુવતીના જ પાટિયા પર યુવાન જગ્યા શોધીને ટૂંટિયું વળીને ઊંઘી જાય છે, અહીંયા પણ બંને વચ્ચે સારું એવું અંતર છે. કથક જુએ છે કે નિદ્રાવસ્થામાં સ્ત્રીનો પગ પુરુષના પગને અડી ગયો છે છતાં એ ચેનથી ઊંઘી રહી છે. ક્થકને પ્રશ્ન થાય છે કે બાળકની નાનીનાની હિલચાલથી સભાન રહેતી સ્ત્રી પુરુષના પગને પોતાનો પગ અડી જાય છે તે શું એને નહીં સમજાતું હોય?

એવું બને કે એ બંને પતિ-પત્ની હોય. બંને યુવાન છે, જાહેરમાં દેખાડો ના કરવો એવો કંઇક સંકોચ હોઈ શકે, યાદ રહે કે આ વાર્તા પચાસેક વર્ષ પહેલાંની છે. એવા સંકોચ, એવી મર્યાદાઓ પર જ વાર્તાકારે વ્યંગ કર્યો છે.

હળવી શૈલીમાં મજેદાર વાર્તા! 

મુકામ પોસ્ટ વારતા સ્તંભમાં રાજુ પટેલ રાજુ પટેલ રજૂ કરે છે ફેસબુક ગ્રુપમાં દ્વારા ચાલી ગયેલા નવોદિત લેખકો માટેના આંગણવાડી અભ્યાસક્રમના અંશ.  

એકંદરે વૈવિધ્યપૂર્ણ વાર્તાઓનો રસથાળ રજૂ કરવા બદલ વારેવાને અભિનંદન!

--કિશોર પટેલ, 14-05-22; 09:38

 ###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

  


No comments: