મમતા મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૩૦૪ શબ્દો)
સલામતી (નીલેશ રાણા): વાર્તાનો પરિવેશ વિદેશનો છે પણ વાત માનવીય લાગણીઓની છે. વાર્તામાં જબરો સંઘર્ષ
અને જબરું નાટ્યતત્વ છે. એક યુવાનને એક પ્રૌઢ આદમીમાં વર્ષોથી વિખૂટા પડી ગયેલા
પિતાની ઝલક દેખાય છે ને એ પ્રૌઢને પોતાનો પીછો કરતા યુવાનમાં તાલિબાની જાસૂસની ઝલક
દેખાય છે. પોતાની અને પરિવારની સલામતી માટે એ પ્રૌઢ પેલા યુવાનના દેહમાં
સિફતપૂર્વક ચાકુ ઊતારી દે છે. કારુણ્યની ચરમસીમા!
પેચીદો મામલો (વલીભાઈ મુસા): આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે. અહીં
કાઉન્સેલિંગનું એક ઉદાહરણ રજૂ થયું છે. મોટા સમૂહમાં તોફાની અથવા ગુનેગારને એની
ઓળખ જાહેર કર્યા વિના ઓળખી કાઢવાની ગાણિતિક પ્રક્રિયાના ડેમોન્સ્ટ્રેશનનું વર્ણન
થયું છે.
ધારાવાર (કિશનસિંહ પરમાર): ગ્રામસંવેદનની વાર્તા. ગામડામાં જુદી જુદી જ્ઞાતિઓ
વચ્ચે કોઈ પણ સમયે આગળપાછળનો હિસાબ ચૂકવવાનો બાકી રહેતો હોય છે. કોઈક જાહેર
પ્રસંગે અમુક લોકો એવો હિસાબ પૂરો કરવા તત્પર રહેતાં હોય છે. એવી જ એક ઘટનાનું
બયાન.
મોજ (ઈંદુ જોશી): ઘરની અને કુટુંબની ફરજો ઉપરાંત નોકરી કરતી સ્ત્રી
પોતાના માટે જીવવાનું જ ભૂલી જતી હોય છે. રજાના એક દિવસે નાયિકા વહેલી સવારે રખડવા
નીકળી પડે છે ને અઠવાડિયાનો પ્રાણવાયુ એકઠો કરીને લાવે છે. નારીચેતનાની વાર્તા.
મા (અન્નપૂર્ણા મેકવાન): ગર્ભસ્થ શિશુનું લિંગપરીક્ષણ ગેરકાયદેસર હોવા છતાં
પણ આપણા સમાજમાં થતું આવ્યું છે, એટલું જ નહીં, ગર્ભમાં છોકરી જણાય તો ભ્રૂણહત્યા
કરી નાખતાં પણ લોકો અચકાતાં નથી. નાયિકા જોડે એના પતિ દ્વારા એક વાર એવું થયું છે.
બીજી વાર એવું ના થાય એ માટે નાયિકા કટિબદ્ધ છે. પ્રારંભમાં શિશુ અને માતાનો સંબંધ
બતાવવા તેતર અને એનાં બચ્ચાંની એક દીર્ઘ વાર્તા રજૂ થઇ. મુદ્દો સાંપ્રત, રજૂઆત
બોલકી, સરળ અને સામાન્ય.
ફળશ્રુતિ (દીપ્તિ કોરેશ વછરાજાની): આ કૃતિ વાર્તા નથી. મા-દીકરી વચ્ચે જીવનદર્શન
અંગેનો સંવાદ છે.
--કિશોર પટેલ, 09-06-22; 09:16
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment