Thursday, 30 June 2022

નવનીત સમર્પણ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૧૦ શબ્દો)

હિસાબનું છેલ્લું પાનું (પ્રવીણસિંહ ચાવડા):

સિધ્ધાંતવાદી અને પ્રમાણિક માણસો જયારે કશુંક અઘટિત બને ત્યારે સૌથી પહેલાં પોતાની ભૂલ ક્યાં થઈ છે તેની તપાસ કરતાં હોય છે. પોતાની ભૂલ થઈ છે એવું જણાય ત્યારે સંબંધિત પક્ષની માફી માંગીને પોતાની ભૂલ સુધારી લેતાં હોય છે. વાર્તાનો નાયક એક નિવૃત્ત શિક્ષક છે. સીધે રસ્તે ચાલવું અને કોઈનું કશું બાકી રાખવું નહીં એવા ટેકીલા માણસ છે.

હરિભાઈ નામના એક મિત્રએ બેન્કમાંથી ધંધા માટે લોન લીધી ત્યારે નાયક એના ગેરેન્ટર રહેલા. મિત્રએ લોનના હપ્તા સમયસર ભર્યા નહીં હોય એટલે બેન્કના મેનેજર અને વકીલ નાયક પાસે તકાદો કરવા આવે છે. ગેરેન્ટર તરીકે નાયક પોતાની જવાબદારી સમજે છે. એ બેન્કવાળાને ખાતરી આપે છે કે જરૂર પડયે પોતે ઘરબાર વેચીને પણ બેન્કનું દેવું ચૂકવી આપશે.

બેન્કનું દેવું ચૂકતે કરીને હરિભાઈ બેન્કનું પ્રકરણ તો સમાપ્ત કરે છે પણ છતાં નાયક બેચેન છે. એને થાય છે કે હિસાબ ક્યાંક બાકી રહી ગયો છે. બેન્કવાળા પૂછપરછ માટે ઘેર આવેલા ત્યારે એમની જોડે પોતે કડક વર્તન કરેલું તે યાદ કરીને નાયક અસ્વસ્થ થાય છે. જૂતાં પહેરીને ઘરમાં આવી ગયેલા એક જણને અને ગલોફામાં તંબાકુવાળું પાન ભરીને ઘરમાં આવેલા બીજા માણસને નાયકે ત્યારે જ ખખડાવેલા અને તેમની પાસે ભૂલ સુધારાવેલી. એમની જોડે આવેલી વકીલની કોલેજ-કન્યા બહેને એમને પૂછયા વિના એમના પુસ્તકોના કબાટમાંથી પુસ્તક જોવા લીધેલું એટલે પોતે એને ઠપકો આપેલો તે વાત નાયકને યાદ આવે છે. છેવટે નાયકને ખ્યાલ આવે આવે છે કે હિસાબ અહીંયા જ બાકી રહી ગયો છે. એ યુવતી તો નિર્દોષ હતી, જિજ્ઞાસુ વાચક હતી. તરત જ નાયક પેલું પુસ્તક એ વિદ્યાર્થીનીને પહોંચાડવાની તજવીજ કરે છે. વાર્તાનું શીર્ષક યથાર્થ છે. હિસાબનું છેલ્લું પાનું એટલે, હિસાબ બરાબર કરવો, કોઈનું કશું બાકી રાખવું નહીં.

આ વાર્તાકારની વાર્તાઓમાં કથકની શૈલી હંમેશા એક સમાન હોય છે, ટૂંકા વાક્યો, બહુધા કર્તા વિનાનાં, વચ્ચે વચ્ચે જીવનદર્શન, ચિંતનમનન, માનવસ્વભાવના સૂક્ષ્મ નિરીક્ષણો ઈત્યાદી.       

હશે તો ખરાં જ એ ક્યાંક (હિમાંશી શેલત):

આ કૃતિ વાર્તા ઓછી અને નિબંધ વધુ જણાય છે. સમય સાથે માણસની બદલાયેલી સંવેદનશીલતાની વાત થઈ છે. મૃત પામેલાં પરિચિતનાં સ્વજનો પાસે જઈને ખરખરો કરી શકાય છે, મૃત નદીનો ખરખરો એના કાંઠે ઊભેલાં અસહાય વૃક્ષો પાસે કરી શકાય છે પણ મૃત શહેરનો ખરખરો ક્યાં જઈને કરવો? ક્યાં હશે એ મૃત શહેરના સ્વજનો? ક્થકને એવી લાગણી થાય છે કે હશે તો ખરાં જ એ ક્યાંક. 

બાઈમા’ણા (રાઘવજી માધડ):

આપણા ગામડાંઓમાં પંચાયતની ચૂંટણીઓમાં સરપંચની બેઠક હમણાં હમણાં સ્ત્રીઓ માટે અનામત રાખવાની પ્રથા શરુ થઈ છે. આની પાછળ સ્ત્રીઓ પ્રગતિ કરે, જાહેર જીવનમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધે, સ્ત્રીઓની સમસ્યા પ્રત્યે સમાજ જાગૃત થાય, સ્ત્રીઓ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે એવો ઉદ્દાત હેતુ રહેલો છે. પણ વાસ્તવમાં જોવામાં આવ્યું છે કે સરપંચના હોદ્દા પર સ્ત્રી ભલે હોય, સર્વ કારભાર તો પત્નીના નામથી એનો પતિ જ કરતો હોય છે. ઘણું કરીને ભૂતપૂર્વ પુરુષ સરપંચ પોતાની પત્નીને ઉમેદવાર બનાવીને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી કરે છે અને પત્ની સરપંચ બને પછી પોતે જ કારભાર ચલાવે છે.

પ્રસ્તુત વાર્તામાં અસલ આ જ સિનારિયો છે. પાર્વતી સરપંચ છે પણ એનો પતિ ગોરધન બધો કારભાર કરે છે. એ પત્નીનું માન જાળવતો નથી. પાર્વતી કશુંક પૂછે કે જાણવા માંગે ત્યારે એનો અહમ ઘવાય છે. પત્ની પાસે મારે ખુલાસો કરવાનો?

સરપંચ બન્યા પછી, ગોરધાનના અન્યાયી વર્તનથી પાર્વતીનું આત્મસન્માન ઘવાયું છે, આળસ મરડીને બેઠું થયું છે, જાગૃત થયું છે. વાર્તાનો અંત સૂચક છે. ગોરધનને કશુંક પૂછવાને બદલે પાર્વતી એને જાણ કરે છે: “હું પંચાયત ઓફિસે જાઉં છું.”  અર્થાત, સરપંચ હું છું અને મારા હોદ્દાના હક્કો ભોગવવા, એ હોદ્દાની ફરજો બજાવવા, એ હોદ્દાની ગરિમા જાળવી રાખવા હું કટિબદ્ધ છું.

સરસ વાર્તા.

--કિશોર પટેલ, 01-07-22; 08:45

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

      

No comments: