Sunday, 26 June 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ જૂન ૨૦૨૨


 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ જૂન ૨૦૨૨

(૫૨૧ શબ્દો)

બાલભારતી વાર્તાવંત આયોજિત છેલ્લું વાર્તાપઠન બાલભારતી ખાતે એપ્રિલ ૨૦૨૨ માં થયું હતું. એ પછીના એટલે કે મે ૨૦૨૨ મહિનાના છેલ્લા શનિ-રવિમાં રાજુ પટેલ સંચાલિત વાર્તાશિબિરનું આયોજન થયું હતું એ પછી એટલે કે બે મહિને ફરી એક વાર વાર્તાપઠનનો રંગારંગ કાર્યક્રમ પરમ દિવસે એટલે કે શનિવાર તા.૨૫ જૂન ૨૦૨૨ ની  સાંજે અહીં  થઈ ગયો.

આ વખતે કાર્યક્રમનું સંચાલન કર્યું યુવા વાર્તાકાર સેજલ શાહે. કાર્યક્રમની ભૂમિકા બાંધતાં એમણે કહ્યું કે ટૂંકી વાર્તામાં ગદ્ય તો છે જ અને છતાં પદ્ય પણ છે. ટૂંકી વાર્તા આત્મકથા પણ છે અને નથી. એમણે કહ્યું કે આપણે ત્યાં ટૂંકી વાર્તાક્ષેત્રે સતત પ્રયોગો થતાં આવ્યાં છે. એમણે જયંત ખત્રી, મધુ રાય અને લાભશંકર ઠાકર જેવા પ્રયોગશીલ લેખકોને યાદ કર્યા.

સહુ પ્રથમ વાર્તા રજૂ કરી જાણીતા ફિલ્મપત્રકાર શ્રીકાંત ગૌતમે. વાર્તાનું શીર્ષક હતું: “અનન્યા અને શેક્સપિયર”

વાર્તાની નાયિકાનું વ્યક્તિત્વ એના નામ પ્રમાણે અનન્ય છે. શેક્સપિયરની જાણીતી ઉક્તિ “નામમાં શું છે?” ને ખોટી સાબિત કરવા એ બધી જ બાબતોમાં પોતાનું અનન્યપણું સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. એક દિવસ એ શેક્સપિયરને આહવાન આપે છે કે નામમાં ઘણું બધું છે, આ વાત હું મારું નામ બદલીને મારા પોતાનામાં પરિવર્તન લાવીને સાબિત કરી આપીશ.

આ વાર્તાની રજૂઆતમાં નાવીન્ય એ કે અજરામર નાટયલેખક શેક્સપિયર એક પાત્ર તરીકે સદેહે હાજર થાય છે! રોમાંચક કલ્પના! સરસ રજૂઆત.

બીજી વાર્તા રજૂ કરી લેખિની સંસ્થાના અગ્રણી વાર્તાકાર મીનાક્ષી વખારિયાએ. વાર્તાનું શીર્ષક હતું: “ઈચ લીબે ડીચ”

જર્મન ભાષાની આ ઉક્તિનો અર્થ થાય છે: આઈ લવ યુ.

ઈચ લીબે ડીચ શીર્ષકની આ વાર્તા એટલે જર્મનીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગલા પડયા ત્યારે ફાટી નીકળેલા યુદ્ધની પાર્શ્વભૂમિમાં પાંગરેલી એક માસૂમ પ્રણયકથા. ધીરગંભીર રજૂઆત.

આ વાર્તામાં નાવીન્ય એ કે આમાં તદ્દન જુદા પરિવેશની વાત થઇ છે. બાલભારતીમાં નવેક મહિનાથી શરુ થયેલા આ ઉપક્રમમાં યુદ્ધની પાર્શ્વભૂમિકા હોય એવી આ પહેલી જ વાર્તા આવી.  

કોફીબ્રેક પછી ત્રીજી વાર્તા રજૂ કરી જાણીતા પત્રકાર દીપક સોલિયાએ. વાર્તાનું શીર્ષક હતું: “મમ્મીઓ અને સ્કુટરો”

વાર્તામાં બે પાત્રો છે: પતિ અને પત્ની. આ દંપતી વચ્ચે મીઠો પ્રણયકલહ જામ્યો છે. પત્ની પતિ પર આરોપ મૂકે છે કે એ સહેજ પણ સંવેદનશીલ નથી. પત્નીની માતાના મૃત્યુ જેવા કરુણ પ્રસંગે પણ એની આંખમાંથી એકાદ આંસુ પણ ટપકતું નથી. પતિ પોતાના બચાવમાં એક પ્રસંગનું વર્ણન કરે છે જે દરમિયાન જાહેર સ્થળમાં એ રડી પડયો હતો. છાપામાં આવેલી એક જાહેરાત “બજાજ સ્કૂટરનું પ્રોડક્શન હવે બંધ થશે” વાંચીને એ રડયો હતો. ભાઈ દીપક સોલિયાએ નાયકના રડવાના કરુણ પ્રસંગને રમતિયાળ શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા.

ચોથી વાર્તા રજૂ કરી સભાના સંચાલક સેજલ શાહે પોતે. વાર્તાનું શીર્ષક હતું: મોબાઈલ.

એક ઓફિસમાં વાર્તાનો નાયક ભેટમાં મળેલા નવા મોબાઈલના માધ્યમથી ઓફિસમાં કોઈને ભાવ ના આપતી સ્ત્રી કર્મચારીને ભાવ આપે છે, એટલે કે એને પટાવવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં એક પરિણીત પુરુષના હવાતિયાં પ્રતિ કટાક્ષ થયો છે. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત.

નવોદિતોની વાર્તાઓનું વિવેચન કરવાની પરંપરાનું આ વખતે ખંડન થયું કારણ કે ચાર વાર્તાકારોમાં એક પણ વાર્તાકાર નવોદિત ન હતા! આમ જોઈએ તો વિવેચન તો જાણીતા અને સિદ્ધ વાર્તાકારોની વાર્તાઓનું પણ થવું જોઈએ. જો કે એ અલગ ચર્ચાનો વિષય છે.

કાર્યક્રમના આરંભમાં બાલભારતીના ટ્રસ્ટી અને વાર્તાવંતના મોભી ભાઈશ્રી હેમાંગ તન્નાએ બાલભારતીના અન્ય ઉપક્રમ બાલભારતી નાટયશાળા વિષે જાણકારી આપતાં કહ્યું કે અઢીત્રણ વર્ષ પહેલાં શરુ થયેલી આ નાટયશાળા બહુ જલ્દી નાટયપ્રયોગોમાં સોનો આંકડો પાર કરશે.  બાલભારતી નાટયશાળાને શુભેચ્છાઓ!

કિશોર પટેલ, 27-06-22; 09:45

###

 

No comments: