કુમાર મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૨૧૦ શબ્દો)
ભુલભુલામણી (અભિમન્યુ આચાર્ય):
ખાનગી કંપનીમાં કર્મચારીઓ વચ્ચે સ્પર્ધા હોય એમાં નવાઈ નથી.
પણ કોઈ જયારે ગંદી રમત રમીને સ્પર્ધા જીતી જાય ત્યારે ગરબડ થતી હોય છે. ઓફિસમાં મહેશનું
પરફોર્મન્સ સોમેશની સરખામણીએ કાયમ નબળું રહેતું. મોબાઈલ પરની એક નવી ગેમમાંથી
પ્રેરણા લઈને મહેશ એવી ચાલાકી કરે છે કે ઓફિસમાંથી સોમેશનું પત્તું કપાઈ જાય છે
અને મહેશની સ્થિતિ સુધરી જાય છે. જો કે એ પછી મહેશને પોતાના કૃત્યનો અપરાધભાવ કોરી
ખાય છે.
મોબાઈલ પર રમાતી ગેઈમના સ્વરૂપમાં આ વાર્તાની રજૂઆત થઈ છે.
એક રીતે આ વાર્તા મોબાઈલ પર રમાતી ગેઈમના દુષ્પરિણામની કહી શકાય. મોબાઈલ પર મહેશ
જે નવી રમત રમે છે એની વિશેષતા એ છે કે એ “વન વે” છે. એક વાર એ ગેઈમ મોબાઈલમાં
ઇન્સ્ટોલ કર્યા પછી એને અનઇન્સ્ટોલ કરી શકાતી નથી. માણસે ફરજિયાત એ ગેઈમ રમવી જ
પડે. મોબાઈલની આ ગેઈમ એક રીતે માણસના જીવનનું રૂપક થયું. જાણીતાં અને જૂનાં એક
ફિલ્મી ગીત “દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા...” જેવી વાત થઈ. એ રીતે આ
વાર્તા ચિંતન-મનન-દર્શનની પણ કહી શકાય.
--કિશોર પટેલ, 11-06-22; 09:49
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment