Sunday, 5 June 2022

પરબ મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

પરબ મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૨૦ શબ્દો)

અલય (ઈંદુ ગૌરાંગ જોશી):

જીવનમાં ક્યારેક થતાં સ્થૂળ અનુભવોથી માણસ આંતરબાહ્ય રીતે સમૃદ્ધ થતો હોય છે. નોકરીની કામગીરી માટે થોડાક દિવસો માટે બીજા શહેરમાં ગયેલી નાયિકા એવો અનુભવ લઈને સ્વગૃહે પાછી ફરે છે કે સ્વજનો તરફ જોવાની એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પોતાનાં જ બાળકોને એ નવી દ્રષ્ટિએ જોતી થાય છે. સરસ વિષય, સરસ રજૂઆત.   

ઝરખ (કિસનસિંહ પરમાર):

ઝરખ એટલે એ નામનું મડદાં ખાવા ફરનારું એક હિંસક પશુ. (સંદર્ભ: ગુજરાતી લેક્સિકોન)

રજૂ નામની એક ગ્રામ્ય સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે. એક મોડી રાતથી વહેલી સવારની ઘટનાઓને આવરી લેતી આ વાર્તા રજૂની જિંદગીમાં ભાવકને એક ડોકિયું કરાવે છે. રાત-મધરાત ઝરખના ત્રાસ અંગે ગામમાંથી ફરિયાદો આવી છે એમ છતાં ઘેર રજૂને એકલી મૂકીને રજૂનો પતિ અને જુવાન દીકરો બંને કોઈ કામસર ખેતરમાં ગયા છે.

ફલેશબેકમાં બતાવ્યું છે કે નાયિકા પર ગામના મુખી માલજીની મેલી નજર છે. આ માલજી એટલે ઝરખ ક્રમાંક ૧. વહેલી સવારે નાયિકા કુદરતી હાજતે જાય ત્યાં મખલો નામનો ગામનો એક આદમી નાયિકાની ઈજ્જત પર હાથ નાખે છે. આ મખલો એટલે ઝરખ ક્રમાંક ૨. આ ઝરખ ક્રમાંક ૧ અને ૨ બંનેનો સામનો નાયિકા સફળતાપૂર્વક કરે છે. વહેલી સવારે કોઈની ગાય ચોરાવાની તપાસના બહાને ફળિયામાં જમાદાર આવે છે. ગાયની ચોરીની તપાસના બહાને આ જમાદાર અન્ય એક મોટા ખેલની તપાસ કરવા ફળિયામાં આવ્યો હોય એવું લાગે છે. નાયિકાનો દીકરો પોતાની માતાને એ મોટા ખેલની ખબર આપે છે. નાયિકાને શંકા છે કે પોતાનો પતિ મંગળ એ મોટા ખેલમાં સંડોવાયેલો છે. પતિને સંડોવતા સંભવિત પુરાવાનો નાશ નાયિકા કરે છે. આમ ઝરખ ક્રમાંક ત્રણ (પોલીસ જમાદાર)નો સામનો કરવાનો બંદોબસ્ત પણ નાયિકા કરી લે છે.

એક રીતે આ વાર્તા નારીચેતનાની પણ કહી શકાય.

ઉઘાડ (અજય સોની): નિબંધ વિભાગમાં મૂકવાની આ કૃતિ સરતચૂકથી વાર્તા વિભાગમાં મૂકાઈ ગઈ છે.

--કિશોર પટેલ; 06-06-22; 09:23

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: