કુમાર ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૨૯૩ શબ્દો)
નિરસન (અશ્વિની બાપટ):
ભગવદગોમંડળ ‘નિરસન’ શબ્દના કુલ ૧૯ અર્થ આપે છે. એમાંથી
થોડાંક આ વાર્તાના સૂચિતાર્થનો ખ્યાલ આવે છે. સમાધાન, નિરાકરણ, શાંત કરવું, રદ્દ
કરવું, થૂંકી કાઢવું, ખંડન કરવું, આપેલાં સમીકરણમાંથી (ગણિતમાં) નવું સમીકરણ
બનાવવું, તિરસ્કારવું તે, થૂંકી કાઢવું તે વગેરે એક કરતાં વધુ અર્થ અહીં લાગુ પડી
શકે એમ છે.
કામના સ્થળે કર્મચારી જોડે થતાં અન્યાય અને તે નિમિત્તે
ઉઘાડાં પડી જતાં કહેવાતા નિ:સ્વાર્થ યુનિયન લીડરના ચહેરાની વાત. એક
શિક્ષણસંસ્થામાં દેવાંશી સહાયક લાયબ્રેરિયનના હોદ્દે કામ કરતી હતી. ઉપરી લાયબ્રેરિયન
કરતાં દેવાંશી પાસે વધુ મોટી ડીગ્રી હતી, વધુ કાર્યકુશળ હતી પણ ઉંમરમાં નાની હતી,
નવી હતી એટલે નાના હોદ્દે હતી. આમ છતાં એ તો પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતી હતી.
પણ હાથ નીચેની કર્મચારી વધુ શિક્ષિત હોવાથી અસૂયા અને ઈર્ષાથી પીડાતો મુખ્ય
લાયબ્રેરિયન દેવાંશી જોડે વિવિધ પ્રકારે ગેરવર્તન કરે છે, તેની સતામણી કરે છે. એટલેથી
ના અટકતાં એક દિવસ ખોટી ફરિયાદ કરીને તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દે છે. કથકની
સહાનુભૂતિ સિવાય અન્ય કોઈની મદદ દેવાંશીને મળતી નથી. યુનિયન લીડર લડી લેવાનું જોશ
બતાવે છે પણ એક દિવસ થાકી હારીને દેવાંશી આત્મહત્યા કરી લે છે. કથકનું ભ્રમનિરસન તો ત્યારે થાય છે જયારે
કહેવાતા પ્રમાણિક કર્મચારી યુનિયન નેતાનો સાચો ચહેરો ખુલ્લો પડી જાય છે.
આ વાર્તાનું સ્વાગત છે કારણ કે એક નવા જ પરિવેશની વાત અહીં
થઇ છે. કોલેજ કહ્યું એટલે શિક્ષક, પ્રોફેસર, વિદ્યાર્થીઓ વગેરેની વાતો હોય,
કોલેજના લાયબ્રેરિયનની વાત પહેલી વાર આપણી વાર્તામાં આવી. આવા કંઈકેટલાં વ્યવસાય
અને ક્ષેત્ર આપણી વાર્તાઓમાં હજી સુધી વણસ્પર્શ્યા રહ્યાં છે. કેવળ એટલું જ નહીં,
વાર્તાની રજૂઆત પણ પ્રવાહી અને પ્રભાવી છે.
--કિશોર પટેલ, 01-04-22; 10:31
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment