Friday, 25 March 2022

બે વાર્તાઓમાં સામ્ય કે નકલ સીઝન ૩

 




બે વાર્તાઓમાં સામ્ય કે નકલ સીઝન ૩

(૧૦૦૧ શબ્દો)

પેટા શીર્ષક: નકલ કરવાથી શકલ બગડી જાય છે.

આ વખતે કેન્દ્રસ્થાને છે એક હિન્દી વાર્તા અને એક યશસ્વી ગુજરાતી વાર્તા.

“વારેવા” ના જાન્યુઆરી ૨૦૨૨ અનુવાદ વિશેષાંકમાં હિન્દીભાષી લેખક માનવ કૌલની એક વાર્તા “સપના” નો અનુવાદ રજૂ થયો છે. આ વિશેની મારી પોસ્ટ હાલમાં ફેસબુક પર મૂકાયા પછી એક ભાવકમિત્રએ મને અક્ષરનાદ વેબસાઈટ પર મૂકાયેલી એક ગુજરાતી વાર્તાની લિંક મોકલી. એ વાર્તા છે પ્રિયંકા જોશી લિખિત વાર્તા “પાંખો”. મિત્રની વિનંતી હતી કે આ બંને વાર્તાઓ મારે સરખાવી જોવી.

હા, બંને વાર્તાઓમાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળ્યું. વિષય બંનેનો એકસમાન, પાત્રો બંનેમાં એક યુવતી અને એક યુવક, આરંભ, મધ્ય અને અંત ત્રણે પણ સમાન! અરે, ઠેર ઠેર અભિવ્યક્તિ પણ એકસરખી!

બંનેમાં પ્રથમ પુરુષ એકવચન કથનશૈલીમાં વાર્તા કહેવાય છે. બંનેમાં કથક યુવક છે. એક અધૂરી પ્રેમકથા છે, યુવતી પંખી સમાન ચંચળ છે, ઊંડા આકાશમાં સ્વતંત્રપણે ગગનવિહાર કરવાની ઈચ્છા રાખે છે, યુવક એને પોતાની સાથે, પોતાની પાસે રાખવા ઈચ્છે છે, ને એક દિવસ બંને છૂટા પડી જાય છે. 

બંને વાર્તાઓ વચ્ચેનું સામ્ય:

માનવ કૌલની વાર્તા માટે (અ) અને પ્રિયંકા જોશીની વાર્તા માટે (બ) સંજ્ઞા વાપરી છે.

૧. (અ) ચકલીનો માળો (બ) ચકલીનો માળો

૨. (અ) પછી? પછીનો જવાબ મળ્યો નહીં. (બ) પછી? પછીનો જવાબ મળ્યો નહીં.

૩. (અ) એનાં સપનાં અધવચ્ચે જ પૂરાં થઇ જતાં (બ) નાયિકા વાત અધૂરી મૂકી દેતી.

૪. (અ)  મારાં સપનાં પોતાનો અંત લઈને આવતાં. (બ) મારા વિચારોની યાત્રાનો નકશો મારા હાથમાં રહ્યો.  

૫. (અ) એ અડધેથી જ પાછી વળી ગઈ હતી જયારે હું ચાલતો રહ્યો હતો. મને લાગ્યું કે આગળ જતાં ક્યાંક ભેટો થશે. (બ) અચાનક એક દિવસ એ અધવચ્ચે જ ઊભી રહી ગઈ ને હું આગળ ચાલતો રહ્યો. મને લાગ્યું કે આગળના વળાંકે એ જરૂર મને મળી જશે.

૬. (અ) આપણે બંને સાથે શું કરી રહ્યાં છીએ? એ: આપણે બંને સાથે નથી.  (બ) મારું આશ્ચર્ય પૂછતું: આપણે સાથે કેવી રીતે? તેની આંખોનું: આપણે સાથે ક્યાં છીએ?

૭. (અ) મને દુકાને દુકાને ફરવું ગમતું, પરદા, ફર્નિચર...(બ) મારા આગ્રહો એને પરાણે દુકાન પર લઇ જઈને શોકેસમાં સજાવેલું ‘પછી’ બતાવતા.

૮. (અ)  મને એનું હસવું ગમતું.  (બ) મને એનું આમ હસવું ખૂબ ગમતું. 

૯. (અ) મારું સ્વપ્નું કહે છે કે આપણા લગ્ન થઇ ગયા છે ને તું મારી સાથે પહાડો પર ફરવા આવી છે. (બ) મને સ્વપ્નું આવ્યું હતું કે આપણે હાથોમાં હાથ નાખી પહાડોમાં ફરતાં હતાં.

૧૦. (અ) મારા સ્વપ્નામાં મેં એને મારી કરી લીધી હતી, ઘર શણગાર્યું હતું, પડદાઓ, ફર્નિચર..(બ) બીજા દિવસે હું બજારમાંથી પડદા લાવ્યો, ફર્નિચર ગોઠવ્યું...

૧૧. (અ)  મને એમ કે એ ખૂબ રાજી રહેશે, હસશે..પણ એ ક્રમશ: ચૂપ થતી ગઈ. (બ) મને લાગ્યું કે એ ખૂબ હસશે પણ એવું બન્યું કે એ ધીરે ધીરે ચૂપ થતી ગઈ.

૧૨. (અ) એક દિવસ એ મને ધક્કો મારીને જતી રહી.  (બ) એક દિવસ મને ધક્કો મારીને એ જતી રહી.

૧૩. (અ)  બહુ જૂની વાત છે. એનું નામ દઈને બોલાવવા જાઉં છું પણ એ તો ઊડી ગઈ છે. (બ)  હા, હું પહેલેથી જાણતો હતો એને, ઊડી જવાના સપનાને.

###

ઉપલબ્ધ માહિતી પ્રમાણે માનવ કૌલની હિન્દી વાર્તા “સપને” ૨૦૧૬ માં પ્રગટ થયેલાં એમનાં એક હિન્દી વાર્તાસંગ્રહ “ठीक तुम्हारे पीछे” માં સંકલિત થઇ છે.  (આ પોસ્ટ સાથે પુસ્તકના મુખપૃષ્ઠની, અનુક્રમણિકાની અને વાર્તાના પ્રથમ પાનાની છબીઓ મૂકી છે.) આખી વાર્તા સારી રીતે વાંચી શકાય એ માટે ૨૦૨૧ માં એક વેબસાઈટ (જ્યાં આ વાર્તા મૂકાઈ છે)ની લિંક નીચે ટીપ્પણીના ખાનામાં આપી છે. 

પ્રિયંકા જોશીની વાર્તા “પાંખો” અરસપરસ સામયિકની વર્ષ ૨૦૧૮ ની સ્પર્ધામાં તૃતીય સ્થાને વિજેતા નીવડી છે અને ત્યાર બાદ  સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધા ૨૦૨૦ માં પ્રથમ સ્થાને વિજેતા નીવડી છે. આ વાર્તા અક્ષરનાદ વેબસાઈટ પર વાંચવા માટે મૂકાયેલી તેની લિંક નીચે ટીપ્પણીના ખાનામાં આપી છે, એ ઉપરાંત એકતા નીરવ દોશીએ આ વાર્તાનું વિચેચન અક્ષરનાદ માટે જ કર્યું હતું એની લિંક પણ નીચે ટીપ્પણીના ખાનામાં આપી છે.  આ વાર્તા શબ્દસૃષ્ટિના એપ્રિલ ૨૦૨૧ અંકમાં પણ પ્રસિદ્ધ થઇ છે.  

###

બંને વાર્તાઓમાં દેખાયેલાં સામ્ય નોંધ્યા પછી મેં વાર્તા “પાંખો” ના લેખક સુશ્રી પ્રિયંકા જોશીને માનવ કૌલની વાર્તા વાંચવા માટે મોકલી અને પછી ફોન પર વાત કરી.

વાતચીત દરમિયાન પ્રિયંકા જોશીએ કહ્યું કે “હા, બંને વાર્તાઓમાં સામ્ય જરૂર છે પણ હું જાણતી નથી કે આવું કેવી રીતે બન્યું. માનવ કૌલનું નામ એક અભિનેતા તરીકે સાંભળ્યું છે પણ તેઓ લેખક પણ છે એ હું જાણતી ન હતી. એમની આ કે બીજી કોઈ વાર્તા મેં ક્યારેય વાંચી નથી. હા, એ દિવસોમાં નિર્મલ વર્મા, સુરેશ જોશી અને કિશોર જાદવ વગેરે લેખકોની વાર્તાઓનું વાંચન કર્યું છે. એમનાં લખાણની અસર હોઈ શકે. પણ ઈટ ડઝન્ટ મીન કે હું કોઈની કોપી કરું. હું તો હજી લખતાં શીખું છું. કોઈની નકલ કરવાનું હું ક્યારેય વિચારી ના શકું. હવે મને ડર લાગે છે કે મારાં અન્ય લખાણોને પણ શંકાની નજરે જોવામાં આવશે.”

###

શું સમજવું? બે સર્જકોની ચેતના એક જ તરંગલંબાઈ પર સક્રિય થઇ હતી, એવું કંઇક? એમ રાખીએ.

વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન પ્રિયંકા જોશીની પ્રગટ થયેલી કુલ પાંચ વાર્તાઓ (૨૦૨૦ માં એક, ૨૦૨૧ માં ૪) માંથી પસાર થતાં જણાયું છે કે એમની રજૂઆતમાં હિન્દી શબ્દો સહજતાથી પ્રવેશી જાય છે. સરળ ગુજરાતી શબ્દોને બદલે તેઓ હિન્દી શબ્દોનો પ્રયોગ કરતાં આવ્યાં છે. આજની ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેલી વાર્તા  “પાંખો” શબ્દસૃષ્ટિનાં એપ્રિલ ૨૦૨૧ અંકમાં પ્રગટ થઇ પછી ફેસબુક પર મૂકાયેલી મારી નોંધમાં મેં ટીપ્પણી કરી હતી:...પાંખો (પ્રિયંકા જોશી): છૂટાં પડવાની પીડા. વાસ્તવિક વિશ્વથી જોજનો દૂર કાલ્પનિક સૃષ્ટિમાં વિહરતાં હોય એવા નાયક અને નાયિકા. રજૂઆતમાં ‘ઇન્તેજારી’, ‘ખોજવા લાગ્યો’, ‘એક અરસા બાદ’, ‘જૂઠ’ જેવાં હિન્દીભાષી પ્રયોગો ટાળી શકાયાં હોત.” એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યના બદલે હિન્દી સાહિત્ય વાંચવાનો મહાવરો એમને કદાચ વધુ હોવો જોઈએ. 

અન્ય ભાષાની કોઈ વાર્તા આપણને ગમી જાય, હૃદયને સ્પર્શી જાય તો અન્યો જોડે વહેંચવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પણ એટલે શું એનો તરજૂમો કરીને આપણા નામે ફરતી કરી દઈશું? પાડોશીનું બાળક રૂડુંરૂપાળું હોય એટલે શું એને આપણા ખોળે બેસાડીને “બેસ્ટ મધર” નો ખિતાબ જીતી લાવીશું? એનો શો અર્થ? ક્ષણિક આનંદ! પછી ઘેરી વળનારા ખાલીપાનું શું?

આવી વાર્તા વહેંચવા માટે, ગમતાનો ગુલાલ કરવા માટેની સભ્ય અને સ્વીકૃત રીત આ છે: લેખકની મંજૂરી મેળવીને આપણી ભાષામાં અનુવાદ કરવો.   

વાંચન જરૂરી છે. વાંચો, જ્ઞાન અને સમજણને સમૃદ્ધ કરવા માટે વાંચો. વધુ ને વધુ વાંચો, પણ નકલ કરવા માટે નહીં. નકલ ના કરશો. નકલ કરવાથી શકલ બગડી જાય છે.

હું પોતે પણ ઈચ્છું છું કે આવી પોસ્ટ મારે ફરી ફરી મૂકવી ના પડે. અસ્તુ.     

--કિશોર પટેલ, 26-03-22; 09:00

###

પાંખો (પ્રિયંકા જોશી) ની લિંક :   https://www.aksharnaad.com/2021/03/27/story-by-priyanka-joshi/

એકતા દોશીએ કરેલાં વિવેચનની લિંક:  https://www.aksharnaad.com/2021/03/27/priyanka-story-review-by-ekta-doshi/

માનવ કૌલની વાર્તાની લિંક: https://www.addastories.org/can-you-recall-your-dreams-hindi/ 


No comments: