પરબ જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૨૩ શબ્દો)
શ્વેતા પૂજારણ (પ્રવીણસિંહ ચાવડા):
અસ્પષ્ટ વાર્તા. આ નીવડેલા લેખક માનવીય સંબંધોની વાર્તાઓ રજૂ
કરવા માટે જાણીતા છે. અહીં એક વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીનું શબ્દચિત્ર
રજૂ થયું છે.
વાર્તાનું કથાનક કૃત્રિમ જણાય છે. કોઈ કામથી કથક શહેરમાં ગયો
છે. ત્યાં એને એક મિત્રનો પરિચિત બાબુલાલ નામનો એક માણસ મળી જાય છે. એકાદ વાર
મુલાકાત થયેલી એટલો જ પરિચય. બાબુલાલ આગ્રહ કરીને ક્થકને પોતાને ઘેર લઇ જાય છે,
કથકના રાતવાસાની સગવડ બાબુલાલના ઘેર થાય છે. ક્થકને બાબુલાલના પ્રેમભર્યા આગ્રહના કારણે
ઈચ્છાવિરુદ્ધ એની જોડે એના ઘેર જવું પડે છે. અહીં એનો પરિચય બાબુલાલની પત્ની જોડે
થાય છે.
શ્વેતા નામની બાબુલાલની પત્ની વાર્તાનું મુખ્ય પાત્ર છે. આ
શ્વેતાના બે રૂપ છે. સવારે અને સાંજે નિયમિત દેવદર્શન કરનારી શ્વેતા સાંજે રૂપ બદલીને
પશ્ચિમી ઢબના વસ્ત્રોમાં દેખાય છે. કોઈ સ્ત્રી પતિ સાથે બેસીને ડ્રીંક લે એ સમજાય
પણ એક ધાર્મિક સ્વભાવની સ્ત્રી અજાણ્યા અતિથીની સોબતમાં ડ્રીંક લે ખરી? એક ચોક્કસ વ્યવસાયમાં
સંકળાયેલી સ્ત્રી/સ્ત્રીઓ એવું કરતી હોય એ સમજાય પણ સભ્ય સમાજમાં? આ શ્વેતાનું
આચરણ કંઇક એવું છે. શ્વેતાનો એક ઈતિહાસ છે, બાબુલાલનો પોતાનો પણ એક ઈતિહાસ છે.
વાર્તાકારે વિગતોનો ઘણો મોટો ઢગલો કર્યો છે જેનો સાર એટલો જ નીકળે છે કે દુનિયામાં
વિચિત્ર માણસો હોય છે.
વાર્તામાંની ચાવીરૂપ ઘટના જ ગળે ઊતરે એવી નથી. બાબુલાલ
આગ્રહ કરીને ક્થકને પોતાને ઘેર લઇ ગયો,
ક્થકે એનાં આગ્રહ સામે નમીને જવું પડ્યું એ બરાબર, પણ આવું કરવા પાછળ બાબુલાલનો
ઉદ્દેશ શું હતો? જે માણસને એ બરાબર ઓળખતો
નથી એને આગ્રહ કરીને પોતાને ઘેર લઇ શા માટે લઇ ગયો? પોતાની રૂપવતી પત્નીનો પરિચય
કરાવવા? જે સવારસાંજ દેવદર્શન અને પૂજાઅર્ચના કરે છે તે સ્ત્રી અજાણ્યા અતિથી જોડે
શરાબપાન કરે છે? નશામાં ચૂર થઈને અતિથિના ગળામાં હાથ નાખીને નૃત્ય કરે? ચાલો, એવું
કરે, પણ બાબુલાલનો હેતુ શું હતો? આ કથક કોઈ સરકારી અધિકારી નથી, પોલીસ ખાતાનો
સાહેબ નથી કે મોટો શ્રીમંત વેપારી નથી, એને આવી સ્ત્રી જોડે પરિચય કરાવવા પાછળ
બાબુલાલનો હેતુ શું હતો? કોઈ માણસ મોંઘી વસ્તુ ખરીદીને લાવે અને પડોશીઓ આગળ
અભિમાનપૂર્વક બતાવે એ હજી સમજાય, કથક જોડે ના તો બાબુલાલનો એવો પરિચય કે સંબધ છે,
ના એની પત્ની શ્વેતાનો!
હા, બાબુલાલ અથવા શ્વેતા બેમાંથી કોઈ એક પાત્ર કથકનું પૂર્વપરિચિત
હોય અને એનાં શું હાલ છે એ જાણવા કથક બાબુલાલ જોડે ગયો હોત તો હજી વાત કંઇક ગળે
ઊતરી હોત. સખેદ નોંધવું પડે છે કે એક યશસ્વી લેખકની આ વાર્તા અતાર્કિક જણાય
છે.
મોંસૂંઝણું (મીરા જોશી):
નાયિકાના એક સ્તનમાં બીજા સ્ટેજનું કેન્સર થયું હોવાથી
ઉપાયરૂપે એ સ્તનને સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. આ શારીરિક ક્ષતિના કારણે
નાયિકાના મનમાં એક ખાલીપો સર્જાયો છે. માનસિક રીતે એ ભાંગી પડી છે. આવા સમયે પતિ
તરફથી જે આધાર મળવો જોઈએ તે એને મળતો નથી. મા વિના કણસતા એક ગલુડિયાને છાતીએ
વળગાડીને નાયિકા કંઇક રાહત મેળવે છે. નાયિકાની પીડાનું આલેખન અહીં વિગતે થયું છે.
જો કે કંઇક વધારે જ સમજૂતીઓ અપાય છે. બધું જ વાર્તાકાર વિગતે કહી જાય તો વાચકે શું
કરવાનું? ખાસી કાપકૂપ કરીને વાર્તાને રૂપકડી બનાવી શકાય એવી શક્યતાઓ છે. ટૂંકમાં, વિષય
સરસ પણ માવજત સાધારણ.
--કિશોર પટેલ, 15-03-22; 09:59
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment