Tuesday, 8 March 2022

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૨ ની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૨ ની વાર્તાઓ વિષે નોંધ

(૨૪૦ શબ્દો)

અંકની ત્રણે વાર્તાઓ વાચનક્ષમ છે. વર્ષ ૨૦૨૨ ની વાર્તાઓ વિશેની નોંધનો આ સાથે શુભારંભ થાય છે એ સારી નિશાની છે.

મિટ્ટુની નાની (પન્ના ત્રિવેદી):

એક બાળકના ભાવજગતની વાત. નિશાળમાં કડક શિક્ષકની સજામાંથી બચવા નાનકડો મિટ્ટુ ખોટાં બહાનાં આપતાં શીખી ગયો છે. “નાનીમા મરી ગઈ” એવું બહાનું તેણે એકથી વધુ વખત વાપર્યું છે. વાસ્તવમાં એની નાની મૃત્યુ પામે છે ત્યારે નાનકડા મિટ્ટુને દોષભાવના થાય છે કે પોતે એવું બોલતો હતો એટલે જ નાનીમા મૃત્યુ પામી.

બાળકના મનોભાવોનું સરસ આલેખન. વાર્તામાં બાળઉછેર વિષે વાર્તાકારે એક મહત્વનું વિધાન કર્યું છે. એક તોફાનની સજારૂપે મિટ્ટુને હોસ્ટેલમાં મોકલી દેવાયો હતો. નાનીમાના અભિગમને કારણે ઇર્ષાભાવથી પીડાતા મિટ્ટુએ મોટાભાઈને કપાળે પથ્થર માર્યો હતો. મિટ્ટુને સજા કરતાં પહેલાં એના પિતાએ એની જોડે પ્રેમથી વાત કરી હોત તો એ આટલો તોફાની બન્યો ના હોત. ટૂંકમાં,  બાળકો અને વડીલો વચ્ચે સુસંવાદની આવશ્યકતા અહીં અધોરેખિત થઈ છે.   

વાર્તાનો નાયક એક બાળક હોય એવી વાર્તાઓ આપણે ત્યાં ઓછી લખાય છે. બાળવાર્તા અને પુખ્તવાર્તાનું મુખ્ય પાત્ર બાળક હોય એ બે જુદા જુદા પ્રકાર છે. વિષય અને નિરૂપણની દ્રષ્ટિએ સારી વાર્તા.           

વાનપ્રસ્થાનનો છેડો (મનહર ઓઝા):

વરિષ્ઠ નાગરિકની સમસ્યા. પુત્રવધુના અસહકારી વલણથી પતિ-પત્ની બંનેને મનદુઃખ થાય છે. વધુમાં પત્નીના મૃત્યુ પછી નાયકને એકલતા કોરી ખાય છે. પત્નીને નિસર્ગરમ્ય સ્થળે ઘર બનાવીને રહેવાની ઈચ્છા હતી. એની ઈચ્છાપૂર્તિ કરવા માટે નાયક કોઈને કહ્યા વિના ગૃહત્યાગ કરી જાય છે. પ્રવાહી રજૂઆત.  

ક્ષણજીવી (સંજય ગુંદલાવકર):

ભ્રમણાઓમાં રાચતી સ્ત્રીની વાત. માતાના મૃત્યુ પછી નાયિકા એકલતા અનુભવે છે. સુરેખ રજૂઆત. સારી વાર્તા.

--કિશોર પટેલ, 09-03-22; 11:03

### 

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: