એક વાર્તા બબ્બે સામયિકમાં
(૧૨૪૫ શબ્દો)
લગભગ બધાં સામયિકો આગ્રહ રાખે છે કે અપ્રકાશિત વાર્તાઓ જ
પ્રગટ કરીશું. આમ છતાં એક જ વાર્તા બબ્બે સામયિકમાં પ્રગટ થવાના કિસ્સાઓ બનતાં રહે
છે. થોડાંક મહિનાઓ પહેલાં ચાર-પાંચ ઉદાહરણો સાથેની એક પોસ્ટ મેં ફેસબુક પર મૂકી
હતી. હાલમાં ફરીથી એક નહીં પણ આવા બે કિસ્સાઓ ધ્યાનમાં આવ્યાં છે:
તાજેતરમાં નાની વયે અવસાન પામેલા લેખક હરીશ મહુવાકરની એક
વાર્તા “રીત” સૌપ્રથમ પ્રગટ થઇ એતદના જૂન ૨૦૨૧ અંકમાં અને બીજી વાર પ્રગટ થઇ શબ્દસૃષ્ટિના જાન્યુઆરી
૨૦૨૨ અંકમાં; ફક્ત સાત મહિનાના ગાળામાં. અન્ય એક યુવા વાર્તાકાર મીરા જોશીની
વાર્તા “મોંસૂંઝણું” સૌપ્રથમ પ્રગટ થઇ પરબ, જાન્યુ ૨૦૨૨ અંકમાં અને બીજી વાર પ્રગટ
થઇ મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં; ફક્ત એક જ મહિનાના ગાળામાં.
આવું કેમ થતું હશે? આ વિષય પર આ પહેલાં મૂકાયેલી પોસ્ટ પર
આવેલી ટિપ્પણીઓ પરથી ખ્યાલ આવ્યો હતો કે એક કરતાં વધુ કારણો છે. આજે એ કારણોને વિસ્તૃતપણે
ચર્ચવાનો ઈરાદો છે.
મુખ્ય કારણ એ છે કે સામયિકો લેખકોને એમની વાર્તાઓ અંગે
સ્વીકાર-અસ્વીકારનો ઉત્તર સમયસર આપતાં નથી. રાહ જોઈ જોઇને લેખક બીજે ઠેકાણે વાર્તા
મોકલે પછી થાય એવું કે બંને જગ્યાએ વાર્તા પ્રસિદ્ધ થઇ જાય! બિલ ફાટે લેખકના નામે!
લાખ રૂપિયાનો સવાલ એ છે કે તંત્રી/સંપાદકો લેખકોને વાર્તાના
સ્વીકાર/અસ્વીકારનો જવાબ કેમ આપતાં નથી? ગયા વર્ષની પોસ્ટ પર આવેલી ટિપ્પણીઓમાં
મોટા ભાગના લેખકોએ કહ્યું હતું કે “નવનીત સમર્પણ” અને “એતદ” સામયિક તરફથી ઉત્તર
મળી જાય છે પણ અન્ય સામયિકો તરફથી જવાબ મળતાં નથી. આ લખનારનો
અંગત અનુભવ છે કે “પરબ” અને “શબ્દસૃષ્ટિ”માંથી જવાબ મળતો નથી. વાર્તાની હાર્ડ કોપી
કઢાવીને, બંધ કવરમાં જવાબી પોસ્ટકાર્ડ સાથે વાર્તા મોકલ્યા પછી પણ ક્યારેય જવાબ
મળતો નથી. ફોન કરીએ તો જવાબ મળે છે કે ઘણી વાર્તાઓ પડી છે, તમારા એકલાની થોડી
છે? અલબત્ત, આ અનુભવ બે-અઢી વર્ષ પહેલાંનો
છે, હાલમાં કંઈ ફેર પડ્યો હોય તો જાણ નથી.
જો નવનીત સમર્પણના તંત્રી દીપકભાઈ દોશીસાહેબ અને એતદના
તંત્રી કિરીટભાઈ દૂધાતસાહેબ લેખકોને સમયસર ઉત્તર આપી શકતા હોય તો અન્ય સામયિકોના
તંત્રી/સંપાદકોને કોણ રોકે છે? શું તેઓ પર કામનો પ્રચંડ બોજો છે? શું તેમના
કાર્યાલયના કર્મચારીઓ અસહકારી વલણ રાખે છે? શું આ તંત્રી/સંપાદકોને એમનું અભિમાન
નડે છે? અમે શું કામ જવાબ આપીએ? શું અમારે કંઈ કામધંધો નથી? એવું?
એટલે એનો અર્થ એવો કરવાનો કે દીપકભાઈ અને કિરીટભાઈને કોઈ
કામધંધો છે જ નહીં?
અને સાહેબો, તમને શેનું અભિમાન નડે છે? તંત્રી/સંપાદક એટલે
રાજા ભોજ અને લેખક એટલે ગંગુ તેલી, એવું?
કામનો બોજો કોના માથે નથી હોતો? લેખકોને જવાબ આપવો એ તમારી
ફરજનો ભાગ નથી? માત્ર હા કે ના કહેવાનું છે! ભલા માણસ, કોઈ તમારી જોડે ચર્ચામાં
નથી ઉતરવાનું! લેખકના ભોગ લાગ્યા છે કે તંત્રી જોડે ઝઘડો કરે? લેખકને તંત્રીની ગુડ
બુકમાં રહેવું હોય કે નહીં? અને ધારો કે અપવાદાત્મક કિસ્સામાં ચર્ચામાં ઊતરવું
પડે. એટલી સજ્જતા તો તંત્રીમાં હોવી જોઈએ કે નહીં?
જવાબ આપતાં કોઈ વાર મોડું થાય એ સમજી શકાય. એવે વખતે લેખકને
એક ફોન કરીને પૂછી ના શકાય કે ભાઈ, તમારી ફલાણી વાર્તા ઘણા દિવસથી અમારી પાસે પડી
છે, બીજે ક્યાંક મોકલી તો નથી ને? કે બીજે ક્યાંક છપાઈ તો નથી ગઈને? આટલો એક ફોન
કરવાથી ક્યા તંત્રીની પાઘડી પડી જવાની છે?
ચિત્રલેખા જેવા ફક્ત ગુજરાત રાજ્યના નહીં, દેશના નંબર વન કહેવાય એવાં
સામયિકના તંત્રી વિભાગમાંથી આ લખનારને એક વાર ફોન આવ્યો હતો. ચાર વર્ષ પહેલાંની
વાત છે. બે ધારાવાહિક નવલકથાઓ વચ્ચે પડેલાં અંતરાલનો લાભ લેવા મેં એક વાર્તા
ચિત્રલેખામાં મોકલી હતી. એમનો જવાબ ઝટ આવ્યો નહીં અને હું પણ ભૂલી ગયો. છેક
ચાર-પાંચ મહિને મને ચિત્રલેખામાંથી ફોન આવ્યો હતો કે “કિશોરભાઈ, તમારી વાર્તા અમે
ચિત્રલેખામાં પ્રગટ કરવા માટે પસંદ કરી છે, લાંબો વખત થઈ ગયો, બીજે ક્યાંક મોકલી
તો નથી ને?” જો ચિત્રલેખા જેવા માતબર સામયિકને લેખકને સામેથી ફોન કરવામાં કોઈ ઈગો
નડતો ના હોય તો અન્ય સામયિકોને શા માટે નડવો જોઈએ?
આમાં તમારે કરવાનું શું છે? એક સાદું રજીસ્ટર બનાવવાનું છે.
તારીખવાર રેકોર્ડ રાખવાનો છે કે કઈ વાર્તા કઈ તારીખે મળી. એક નિશ્ચિત સમયમર્યાદા
નક્કી કરો કે એક/બે મહિનામાં જવાબ આપવાનો છે. આટલું કર્યા પછી શું વેદ ભણવાના છે?
હા, ક્યારેક એવી વાર્તા આવી જાય કે સમયસર નિર્ણય લઇ ના
શકાય. એવી સ્થિતિમાં તમે લેખકને રાહ જોવાનું કહી શકો. જો લેખકમાં ધીરજ ના હોય તો
એને વાર્તા પાછી ખેંચી લેવાનો પર્યાય આપી શકાય!
બીજી વાત:
એક દલીલ એવી થાય છે કે દરેક સામયિકનો વાચકવર્ગ સીમિત છે
માટે વાર્તાઓ અન્ય સામયિકમાં પણ પ્રગટ થાય તો કંઈ ખાટુંમોળું થઇ નથી જતું.
હા, આ સાચું છે. એવું કરી શકાય. પણ એવું કરવા માટે ચોક્કસ
નીતિમર્યાદા નક્કી કરવી રહી. જેમ કે અમુક સમય વીત્યા પછી જ (જેમ કે ત્રણ અથવા પાંચ
વર્ષ પછી જ) પુન:પ્રકાશિત કરી શકાય. જોડે
ફરજિયાત નોંધ મૂકવી રહી કે અમુક વાર્તા આ અગાઉ અમુક સામયિકના અમુક અંકમાં પ્રગટ થઇ
હતી. જેથી કરીને કોઈ વાચકને છેતરાયાની લાગણી ના થાય.
ત્રીજી વાત:
એક દલીલ એવી છે કે સામયિકો વાર્તાનો પુરસ્કાર સાવ નજીવો આપે
છે, એટલે જો વાર્તા બે જગ્યાએ પ્રસિદ્ધ થાય તો લેખકને બે પૈસાની આવક વધુ થાય. આમ
જો કોઈને ફાયદો થતો હોય તો ખોટું શું છે?
આ દલીલના બે પાસાં છે. લેખકને ફાયદો થાય એ ખરું પણ વાચકને
તો છપાયેલી વાર્તા ફરી વાંચવી પડે! તાજી વાર્તા વાંચવાના એના હક્કનું શું?
પુરસ્કારની રકમ: વર્ષો પહેલાં સંદેશ પ્રકાશનનું એક સામયિક “સરવાણી”
નીકળતું હતું. તેઓ જાહેરનામામાં સ્પષ્ટ લખતાં હતા કે “લેખક જાણીતો કે અજાણ્યો કોઈ
પણ હોય, દરેકને સમાન પુરસ્કાર મળશે: રૂપિયા ૧૨૫.” નેવુંના દાયકામાં એ રકમ સારી
કહેવાય એવી હતી. જો કે સંદેશ એક સ્થાપિત સંસ્થા હતી.
મેં સાંભળ્યું છે કે આજે ઘણાં સામયિકો લેખકના દરજ્જા
પ્રમાણે પુરસ્કાર ચૂકવે છે. કેટલાંક વળી સ્ત્રી લેખકોને પુરષ લેખક કરતાં ઓછો પુરસ્કાર
આપે છે!
સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ સામયિક તેમની આવક પ્રમાણે જ
પુરસ્કાર આપી શકે. આપણા સામયિકોનો ફેલાવો કેટલો? લવાજમની આવક કેટલી? જાહેરખબરની
આવક કેટલી? આપણા સામયિકો વિશેની આવી આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી એટલે આ વિષે ઝાઝી
ચર્ચા કરી શકાય એવું નથી. એટલું નક્કી છે કે કોઈ પણ પ્રકાશન સંસ્થા આવકના
પ્રમાણમાં જ ખર્ચ કરી શકે. આઈપીએલ રમતાં ક્રિકેટરોને લાખો-કરોડોની આવક થાય છે કારણ
કે એ લોકો ટીમના માલિકોને કરોડો રૂપિયા રળી આપે છે. હિન્દી ફિલ્મસ્ટારોને લખલૂટ
આવક થાય છે કારણ કે એ લોકો એવી આવક નિર્માતાઓને ઉત્પન્ન કરી આપે છે. આપણા
સામયિકોમાં કોઈ સ્ટાર લેખકની વાર્તા પ્રસિદ્ધ થાય એટલે કંઈ જે તે સામયિકની છૂટક
કિંમત વધારી શકાતી નથી.
સાંભળ્યું છે કે ઓ. હેન્રી કારાવાસમાં હતા ત્યારે દીકરીના
ઉછેરનો ખર્ચ કાઢવા ટૂંકી વાર્તાઓ લખતા. પણ
એ વાત અમેરિકાની હતી. આજે આપણા દેશમાં ફક્ત ફિક્શન લખીને કેટલાં લેખકો જીવનનિર્વાહ
કરી શકે છે? મનોરંજન કે વિજ્ઞાપન ક્ષેત્ર સિવાયના લેખકોએ તો સરકારી/બિનસરકારી
નોકરી કે કોઈ વ્યવસાયને આશરે જીવવું પડે.
લગભગ દરેક સામયિક કહે છે કે ઇમેઇલથી વાર્તા મોકલી શકો છો.
“મમતા”, “એતદ” અને “નવનીત સમર્પણ”ના તંત્રી/સંપાદકો સિવાય મને નથી લાગતું કે કોઈ
સામયિકના તંત્રી/સંપાદકો ઈમેઈલ ખોલીને વાંચતા હોય!
લગે હાથ સામયિકોના જાહેરનામાં જોઈ લો:
૧. પરબ: સ્વીકૃત કૃતિની જાણ કરાશે, ટપાલ-ટિકિટ સાથેનું
પરબીડિયું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે. અન્યથા કૃતિ અસ્વીકૃત ગણવી.
પોસ્ટકાર્ડ હશે તો અસ્વીકૃત કૃતિની જાણ કરાશે.
૨. શબ્દસૃષ્ટિ: જવાબના પોસ્ટકાર્ડ મોકલ્યા હશે તો સ્વીકૃતિ
કે અસ્વીકૃતિનો જવાબ એક મહિનામાં આપવા પ્રયત્ન કરાશે.
૩. મમતા: વાર્તા ટાઇપ કરીને મેઈલથી મોકલી હશે તો કૃતિની
પહોંચ અને નિર્ણય ઇમેઇલથી જણાવાશે.
૪. કુમાર: સામાન્ય રીતે સ્વીકૃત કૃતિનો જવાબ એકાદ માસમાં
અપાય છે, અન્યથા કૃતિ અસ્વીકૃત સમજવી.
૫. બુદ્ધિપ્રકાશ: એક માસની અંદર જવાબ ના મળે તો કૃતિ
અસ્વીકૃત છે તેમ સમજવા વિનંતી.
૬. શબ્દસર: સ્વીકૃત કે અસ્વીકૃતનો જવાબ બે મહિના સુધીમાં
આપવામાં આવે છે.
૭. વારેવા: ફક્ત વાર્તા મોકલવા માટેનું ઈમેઈલ એડ્રેસ છે,
સ્વીકૃતિ/અસ્વીકૃતિ વિષે કશો ઉલ્લેખ નથી.
૮. નવનીત સમર્પણ અને ૯. એતદ: આ બંને સામયિકો વિરુદ્ધ કોઈ
ફરિયાદ નથી માટે એમની વિગત અહીં મૂકી નથી.
આ થઇ એમની જાહેરાતો, પણ વાસ્તવિકતા શું છે? મિત્રો પોતાના અનુભવો શેર કરી શકે છે.
લેખક અને તંત્રી/સંપાદકનો સંબંધ એટલે સંસારરથના બે પૈડા. એકના
સિવાય બીજાનું અસ્તિત્વ નહીં સંભવે. કલ્પના કરો કે આ એક પૈડું જે દિવસે આડું ફાટશે
ત્યારે શું થશે?
--કિશોર પટેલ, 30-03-22; 09:04
###
તા.ક. સંલગ્ન તસ્વીર સૌજન્ય: ગૂગલ.
No comments:
Post a Comment