Sunday, 27 March 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ માર્ચ ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ માર્ચ ૨૦૨૨

(૭૬૧ શબ્દો)

પેટાશીર્ષક: ફીલ ગુડ વાતાવરણ

બે વર્ષ સુધી કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કર્યા પછી શ્રોતાઓની સંખ્યા બાબતે નિયંત્રણો હળવા થતાં શનિવાર તા.૨૬ માર્ચ ૨૦૨૨ ની સાંજે બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રોતાઓએ બાલભારતીનો સભાખંડ છલકાવી દીધો હતો.

વાતાવરણમાં જે “ફીલ ગુડ” લાગણી પ્રસરેલી હતી એને વધુ ગાઢ બનાવી રજૂ થયેલી ચારે વાર્તાઓએ. બધી વાર્તાઓ સુખાંત હતી એટલું જ નહીં, આલેખનમાં પણ એકાદ અપવાદને બાદ કરતાં સંઘર્ષ નહીંવત હતો.          

બાજુની ખાલી સીટ (શૈલા શાહ):

સ્વજનની ખોટ. સુખી અને દીર્ઘ દાંપત્યજીવન પછી એક દંપતીના જીવનમાં અચાનક કટોકટીના વાદળાં ઘેરાંય છે. નાયિકાની નાદુરસ્ત તબિયતની સારવાર માટે પતિ-પુત્ર એને વિદેશ લઇ જાય છે. પતિ-પુત્ર જાણે છે કે કેન્સરનું નામ પડતાં નાયિકા નાહિંમત થઇ જશે એટલે એને સાચી બીમારીની જાણ ના કરતાં સતત એની જોડે ને જોડે રહે છે.  નાયિકાના મૃત્યુ પછી એની ચિઠ્ઠી વાંચીને પિતા-પુત્રને જાણ થાય છે કે વિદેશની પ્રથા પ્રમાણે ત્યાંના ડોકટરે તો દર્દીને કેન્સર વિષે જાણ કરી દીધી હતી. પણ પોતે કંઈ જાણતી નથી એવો ભ્રમ જાળવી રાખીને છેક સુધી હસતા મોંએ જીવીને નાયિકાએ પતિ-પુત્રને દુઃખી થવા દીધાં ન હતા!

સ્વદેશ પાછાં વળતાં પ્લેનમાં બાજુની ખાલી સીટ જોઇને બેઉને સ્વજનની ખોટ સાલે છે.     

નામ (મમતા પટેલ):

નામ માટે માણસનાં હવાતિયાં. ટ્રાફિક સિગ્નલ પર મેલાંઘેલાં એક ચરસીને જોઇને નાયક વિમાસણમાં પડે છે. એને થાય છે કે એ ચરસી એટલે  વર્ષો પહેલાં ઘરમાંથી કાઢી મૂકેલો પોતાનો દીકરો અભિષેક જ હતો કે શું? દીકરાની ભિન્ન જાતીય ઓળખ સ્પષ્ટ થતાં આઘાત પામીને નાયકે દીકરાને ઘરમાંથી કાઢી મૂકેલો હોય છે. સિગ્નલ પર એક વાર દેખાયા પછી એ ચરસીને શોધવા ખૂબ ફાંફા મારે છે. છેવટે સરકારી હોસ્પિટલના શબઘરમાં એ ચરસીની લાશ મળી આવે છે ત્યારે પણ એ એને બરોબર ઓળખી શકતો નથી. એને થાય છે કે પત્નીને લઇ આવું, એ પોતાના દીકરાને ઓળખવામાં ભૂલ નહીં કરે. જો એ પોતાના જ પુત્રની જ લાશ હોય તો એ લાવારિસ નહીં મરે, એનો વિધિવત અંતિમ સંસ્કાર થશે. આમ એક તરફ પુત્રને બેઘર કરવાની દોષભાવના અને બીજી તરફ એના અપમૃત્યુના આઘાતની મિશ્ર લાગણીઓ સાથે એ ઘેર પહોંચે ત્યારે પત્નીને ફોન પર કોઈકની જોડે હસતાં હસતાં વાતો કરતાં સાંભળે. નાયકને જાણ થાય કે સામે છેડે તો એમનો પુત્ર અભિષેક જ હતો!   એટલે? પેલો ચરસી એમનો પુત્ર ન હતો! પોતાનો પુત્ર તો જીવે છે!

હવે નાયકને એવું વિચારીને રાજી થાય છે કે પોતાનું નામ જીવતું રહેશે!

કોફીબ્રેક પછીની વાર્તાઓ:

જીવનલાલ (અનિલ રાવલ):

એક સ્વાભિમાની વરિષ્ઠ નાગરિકની વાત. મુંબઈની લોકલ ટ્રેન એટલે શહેરની લાઈફલાઈન. આ પરિવેશને કેન્દ્રમાં રાખી ટીવી સિરીયલો બની છે, ફિલ્મો બની છે અને વિવિધ ભાષાઓમાં ટૂંકી વાર્તાઓ પણ લખાઈ છે. એવી જ આ એક વાર્તા છે. લોકલ ટ્રેનમાં નિયમિત પ્રવાસ કરતાં ક્થકને એક સ્વાભિમાની વરિષ્ઠ નાગરિકનો પરિચય થાય છે. એવું બનતું હોય છે કે રોજ મળતાં સહપ્રવાસીનું સરનામું આપણે પૂછ્યું ના હોય કે ઘરનો-ઓફિસનો-મોબાઈલ ફોન નંબર પણ નોંધ્યો ના હોય! એનો ખ્યાલ પણ ત્યારે જ આવે કે જયારે અચાનક પેલો સહપ્રવાસી દેખાતો બંધ થઇ જાય!

કથકના મનોભાવોનું સુંદર આલેખન.   

ચિયર્સ (કેતન મિસ્ત્રી):

પોતાનામાંથી બહાર નીકળીને નાના માણસ માટેની સદભાવના. ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં આદિવાસીઓ વચ્ચે રહીને એક પ્રોજેક્ટ કરીને શહેરમાં પાછી ફરેલી નાયિકા માંદી પડે છે. મેડિકલ રિપોર્ટ કહે છે કે દર્દીને એઈડ્ઝના લક્ષણો છે. ગામડે નાયિકા એક આદિવાસી યુવક બુધિયાના સંબંધમાં આવેલી. પહેલી શંકા તો એવી થાય છે કે એ બુધિયાના કારણે એને ચેપ લાગ્યો હશે. પણ પછી નાયિકાને ખ્યાલ આવે છે કે એઈડ્ઝના લક્ષણો માત્ર પંદર દિવસમાં પ્રગટ થતાં નથી. એ સાથે જ નાયિકાને સમજાય છે કે થોડાંક મહિનાઓ પહેલાં એ શહેરના એક યુવાન અને શ્રીમંત હોટલમાલિકના સંપર્કમાં આવી હતી. નાયિકાને એ પણ ખ્યાલ આવે છે કે પોતાનાં કારણે પેલો નિર્દોષ આદિવાસી યુવક કદાચ રોગગ્રસ્ત થઇ જશે! નાયિકા પિતા પાસે વચન લે છે કે તેઓ પેલા બુધિયાની પણ સારવાર કરાવશે!

નોંધવાનું એ છે કે અહીં પિતા-પુત્રી વચ્ચે કોઈ ઈમોશનલ ફિલ્મી ડ્રામો થતો નથી. કુટુંબની ઈજ્જત/માબાપના સંસ્કાર વગેરેની ચટણી કે સાંભાર બનતો નથી. સમયના બદલાતાં પ્રવાહોથી જાણકાર પિતા સ્વસ્થપણે દીકરીને વચન આપે છે કે તેઓ બુધિયાની સંભાળ અવશ્ય લેશે.

Feel good. You know now what I mean by the term “feel good.”

* * *

કાર્યક્રમનું સુઆયોજિત સંચાલન કર્યું “સૌરાષ્ટ ક્રાંતિ” વર્તમાનપત્રના લોકપ્રિય કટારલેખક અને વાર્તા “નામ” ના લેખક મમતા પટેલે. શૈલા શાહ અને મમતા પટેલની વાર્તાઓની ઝીણવટભરી સમીક્ષા રજૂ કરી “કપોળ સમાજદર્પણ” ના તંત્રી અને જાણીતાં લેખક નીલા સંઘવીએ.

આ કાર્યક્રમમાં “ફીલ ગુડ” ની લાગણી ઘેરી બની ગઈ એક જુદા જ યોગાનુયોગના કારણે. મંચ પર અને શ્રોતાગણમાં પત્રકારોની બહુમતી હતી! કાર્યક્રમના એક આયોજક બાલભારતીના ટ્રસ્ટી હેમાંગ તન્ના પોતે ભૂતપૂર્વ પત્રકાર છે એટલે વિનીત શુક્લ, અનિલ રાવલ અને કેતન મિસ્ત્રી જેવા જૂનાં પત્રકારમિત્રોને લાંબા સમય પછી મળીને તેઓ આનંદવિભોર થઇ ગયા હતા. વળી નીરજ કંસારા જેવા હાલના પત્રકાર અને રાજુ પટેલ જેવા ભૂતપૂર્વ પત્રકાર તેમ જ પાર્ટટાઈમ પત્રકાર રહી ચૂકેલા સતીશ વ્યાસ અને આ લખનાર તો હંમેશની જેમ હાજર હતાં જ!            

--કિશોર પટેલ, 28-03-22; 08:56

 ###  


No comments: