Sunday, 20 March 2022

કુમાર જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

કુમાર જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૬૩ શબ્દો)

અપશબ્દ (દીવાન ઠાકોર):

સામાન્ય રીતે કોઈ એક વાત માટે આપણને પૂર્વગ્રહ થઇ ગયો હોય પછી એના માટે આપણો અભિપ્રાય ઝટ બદલાતો નથી.  નાયિકાને નાનપણથી એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે માતાનું પિતા પાસે કશું ઉપજતું નથી અને પિતાને કારણે માતા જીવનમાં કાયમ દુઃખી હતી, દુઃખી છે અને દુઃખી રહેશે. મનુષ્ય એક જીવંત પ્રાણી છે, સમય બદલાતાં માણસ પણ બદલાતો હોય છે. લાંબા સમય બાદ નાયિકાને પિતા વિષે અભિપ્રાય બદલવો પડે એવું કંઇક બને છે. પ્રવાહી રજૂઆત.    

નિયતિ (અલકા ત્રિવેદી):

પરિવારને ભારતમાં મૂકી વ્યવસાય અર્થે વિદેશ ગયેલો સમીર ત્યાં નવો પરિવાર વસાવે છે પણ સ્વદેશમાં રહેલા પોતાના પરિવાર પ્રત્યેની પોતાની ફરજ ભૂલતો નથી. અહીં સમીરનો પુત્ર નિનાદ કહેવા ખાતર પિતાની ટીકા કરે છે પણ ગુપ્ત રીતે પિતા દ્વારા મળતી મદદ પોતે એકલો પચાવી જઈને કંઈ કામધંધો કર્યા વિના એશ કરવાનાં સ્વપ્ના જુએ છે. ભાઈની ચાલબાજી સમજી ગયેલી બહેન પોતાની રીતે પિતા જોડે સંપર્ક કેળવી પોતાની સુરક્ષાનો પ્રબંધ કરી લે છે. દીકરો કે દીકરી બેમાંથી કોઈને માતાની ચિંતા નથી. સમીરની પત્ની કિરણ ત્યકતા બન્યા પછી સ્વબળે આત્મનિર્ભર બની છે. સાધારણ રજૂઆત. પાત્રોના નામો એવાં રખાયાં છે કે બે પેઢી વચ્ચેનો તફાવત રહેતો નથી. સરખામણીએ અહીં યુવાન પેઢીને સ્વાર્થી ચીતરવામાં આવી છે. પણ આ એક ચોક્કસ પરિવારની વાત છે, બહોળા સમાજને આવરી લેતું નિરીક્ષણ નથી, માટે વાર્તાનો તો વિષય અસ્પષ્ટ જ રહે છે. વાર્તાકારે આખરે કહેવું શું છે?

--કિશોર પટેલ, 21-03-22; 09:04

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

    

 

No comments: