Wednesday, 23 March 2022

વારેવા જાન્યુઆરી ૨૦૨૨ અનુવાદ વિશેષાંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા જાન્યુઆરી ૨૦૨૨ અનુવાદ વિશેષાંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૯૨ શબ્દો)

સપનું (મૂળ લેખક: માનવ કૌલ, અનુવાદ: નીલેશ મુરાણી): એક અધૂરી પ્રેમકથા. પ્રેમિકા સ્વતંત્ર મિજાજની છે જ્યારે પ્રેમી એને બંધનમાં રાખવા ઈચ્છે છે. અંતમાં પ્રેમિકા પ્રેમીનો ત્યાગ કરી જાય છે.

બાનાં જુઠ્ઠાણા (મૂળ મલયાલી લેખક: અસિયા, અનુવાદ: નીરજ કંસારા): પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં સ્ત્રીના દુય્યમ સ્થાન વિશેની વાત. સ્ત્રીઓના ચીલાચાલુ દુઃખદર્દની વાતો ના કરતાં લેખકે થોડી અલગ રીતે રજૂઆત કરી છે. બાળપણની વિદ્રોહી  સ્વભાવની નાયિકા પુખ્ત વયે અન્ય સ્ત્રીઓની જેમ પુરુષને ખુશ રાખવાના વિષચક્રમાં સપડાઈ જાય છે.   

જિનિયસ (મૂળ લેખક: મોહન રાકેશ, અનુવાદ: પરાગ જ્ઞાની):  જિનિયસ શબ્દનો અર્થ ગુજરાતી લેક્સિકોન પ્રમાણે  અલૌકિક બુદ્ધિ કે પ્રતિભા, અદ્ભુત કલ્પનાશક્તિ, પ્રતિભાસંપન્ન માણસ એવો થાય છે.  વાર્તામાં કથકને આવા એક પ્રતિભાસંપન્ન માણસને મળવાની તક મળે છે જે પોતાને સામાન્ય માણસ ગણાવે છે.  

સખા (મૂળ લેખક: સેથુમાધવન, અનુવાદ: શ્રધ્ધા ભટ્ટ): અગોચર શક્તિની વાત. એક અજાણ્યો છોકરો એક સ્ત્રીને વ્હાલો થઇ પડે છે કારણ કે એ એને અમ્મા કહીને બોલાવે છે. સ્ત્રીનો મોટો દીકરો સંકરનકુટ્ટી આ છોકરાની અસલિયત અંગે સતત શંકા કર્યા કરે છે. સંકરનકુટ્ટી વિવેકબુદ્ધિથી વિચાર કરીને કામ કરનારો માણસ છે. વાર્તા એના દ્રષ્ટિબિંદુથી કહેવાય છે. એક દિવસ સંકરનકુટ્ટી પણ પેલા છોકરાના પ્રભાવમાં આવી જાય છે.         

હેપ્પી બર્થડે (મૂળ લેખક:જેફ્રી આર્ચર, અનુવાદ: કેતન મિસ્ત્રી): ઉચ્ચ શ્રીમંત વર્ગની સ્ત્રીને મોંઘા ઘરેણાંનો શોખ ના હોય તો જ નવાઈ લાગે. અહીં એક રૂપવાન સ્ત્રીને એક નેકલેસ ગમી તો ગયો છે પણ તે જરા વધુ મોંઘો છે. દુકાનદારે માંગેલી સિત્તેર લાખની રકમ સામે એનો પતિ કેવળ પાંત્રીસ લાખ ચૂકવવા તૈયાર છે. એ નેકલેસ એ સ્ત્રી મેળવીને જ જંપે છે. નાયિકાએ કેવી રીતે એ કિંમતી નેકલેસ પ્રાપ્ત કર્યો એ તો વાર્તા વાંચ્યા પછી જ સમજાય એવું છે.

મૂળે ઇંગ્લેન્ડના સમાજની આ વાર્તાનો અહીં અનુવાદ નહીં પણ ભાવાનુવાદ થયો છે. બીજા દેશની વાર્તાને આપણા દેશમાં, આપણા સમાજમાં રૂપાંતરિત કરીને કહેવાઈ છે. રજૂઆતમાં રહસ્ય સાદ્યંત સરસ જળવાયું છે.   

આવો, આ વાર્તા બરાબર ગોઠવીને કહીએ (મૂળ લેખક: જેનિફર મકુમ્બી, અનુવાદ: સંકેત વર્મા) સમગ્ર વિશ્વમાં બનતું હોય છે તેમ જીવનધોરણ ઊંચું લાવવા યુગાન્ડાના કેટલાંક રહેવાસીઓએ પણ ઇંગ્લેન્ડમાં સ્થળાંતર કર્યું હોય છે. એમાંની ‘નામ’ નામની એક યુવતીને યુગાન્ડાથી આવેલા કાયિતા નામના યુવક જોડે મનમેળ થતાં એ બંને પરણે છે. કાયિતા પોતાના ભૂતકાળ વિષે કહે છે કે તેના છૂટાછેડા થયેલાં છે. હકીકતમાં કાયિતા ખોટું બોલ્યો હોય છે, એના છૂટાછેડા થયા ન હતા, એનો પરિવાર તો નામના પૈસે યુગાન્ડામાં બંધાવેલા નામના ઘેર જ રહેતો હતો. કાયિતાના મૃત્યુ પછી નામના સગાંવ્હાલાં બધી તપાસ કરીને આ કાયિતાનું જૂઠાણું પકડી પાડે છે. આફ્રિકાના સમાજની ઝલક આપતી વાર્તા.  

શાંગ્રિલા (મૂળ લેખક:આર્થર સી.ક્લાર્ક; અનુવાદ: વારેવા ટોળી): વિજ્ઞાન આધારિત કપોળકલ્પિત કથા. આ પ્રકારની વાર્તાઓમાં જેમણે માતબર સર્જન કર્યું છે એવાં વિશ્વપ્રસિદ્ધ લેખક આર્થર સી. ક્લાર્કની એક વાર્તા ‘નાઈન બિલિયન નેઈમ્સ ઓફ ગોડ’ નો અનુવાદ.  ત્રણસો વર્ષથી ભગવાનના વિવિધ નામોની યાદી બનાવવાનું કામ ચાલુ છે. આ પ્રક્રિયા ઝડપથી થઇ શકે એ માટે તોતિંગ કોમ્પ્યુટર મંગાવવામાં આવે છે. આ નવા કોમ્પ્યુટરથી છ અઠવાડિયામાં ગણતરી પૂરી થવાની છે. કોઈને ખબર નથી કે યાદીનું કામ પૂરું થતાં શું થવાનું છે. રોમાંચક વાર્તા.   

મિંગ તોય ડોરીન (સંકલન: બિરેન કોઠારી): સામયિકોના ઇતિહાસમાં હાજી મોહમ્મદ સંપાદિત જાણીતા સામયિક “વીસમી સદી”ના ૧૯૩૩ ના એક અંકમાં પ્રગટ થયેલી એક ચીની વાર્તાનો અનુવાદ, જેના મૂળ લેખક અંગે માહિતી નથી એ વાર્તામાં એ સમયના ચીનનું વર્ણન થયું છે. કેવા મેળા ભરાતા, મેળામાં જાદુના, નાચગાનના કેવા કાર્યક્રમો થતાં, એ સમયે ડાકુઓનો કેવો આતંક હતો, રાજા શું બંદોબસ્ત કરે છે વગેરે માહિતી આ વાર્તામાંથી મળે છે.

લઘુકોણ વિભાગ: પગથિયા પર અધૂરી મૂકેલી વાત (નિરંજન યાજ્ઞિક); લઘુકથાનો રસાસ્વાદ: રાજુલ ભાનુશાલી.  એક એકલવાયા પુરુષને મળવા આવેલી સ્ત્રીને જોઇને પુરુષને એક સ્વજનની સ્મૃતિ તાજી થાય છે.

એ મડદું કોનું? (મૂળ કોંકણી વાર્તા: દામોદર માવજો, મરાઠી અનુવાદ: શૈલા માવજો, ગુજરાતી અનુવાદ અને રસાસ્વાદ: કિશોર પટેલ) કોરોના મહામારીમાં દેશભરના હજારો-લાખો શ્રમજીવીઓએ શહેરથી ગામડાં ભણી પોતાને વતન ભેગાં થવાની લ્હાયમાં પગપાળા પ્રવાસ કર્યો. એવા એક ગરીબ ભીવાને રસ્તામાં એક અજાણ્યા મૃતદેહના અંતિમસંસ્કાર કરવાની ફરજ પડે છે. મૃતદેહને જોતાં જ ભીવાને ડર કેમ લાગે છે? વર્ષ ૨૦૨૧ ના જ્ઞાનપીઠ વિજેતા વાર્તાકારની એક સરસ વાર્તા.

વિશેષ નોંધ: અંકમાં સરતચૂકથી કેટલીક સંપાદકીય ભૂલો રહી જવા પામી છે. એ વિષે સુધારપત્રક સામયિકના અંક-૫ માં પ્રગટ થશે એવો સંદેશો સામયિક તરફથી મળ્યો છે.        

--કિશોર પટેલ; 24-03-22; 09:02

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: