શબ્દસૃષ્ટિ જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૩૮૩ શબ્દો)
આ અંકની ત્રણે વાર્તાઓ પઠનીય છે.
અધૂરું ચિત્ર (ચેતન શુક્લ):
ચિત્ર અધૂરું રહે છે કારણ કે વાર્તાનાયક કળાકાર તરીકે સારો પણ
માણસ તરીકે નઠારો હતો. જીવનસાથીને યાંત્રિક મોડેલ સમજતો સ્વાર્થી વૃતિનો નાયક પત્નીનું
જીવંત અસ્તિત્વ નકારે છે. એને એ આર્થિક પ્રગતિ કરવા માટેની સીડી સમજે છે. વાર્તામાં
એક સામાજિક સમસ્યા અંગે વિધાન થયું છે: મુગ્ધ વયમાં પ્રેમીઓથી મોહિત થઈને માવતર
સામે વિદ્રોહ કરીને પ્રેમલગ્ન કરતી કન્યાઓ પછીથી પ્રેમીઓની અસલિયત પ્રગટ થતાં
પસ્તાય છે એવા કિસ્સાઓ બનતાં રહે છે. રજૂઆતની વાત કરીએ તો ચોક્કસ ઓરડાનો દરવાજો બે
દિવસથી ખૂલ્યો ન હતો એવું કહેવાય છે ત્યાંથી વાર્તા જમાવટ કરે છે. પ્રતિકોની યોજના
સારી થઇ છે. ચંપાના છોડ પરથી ડાળખી કાપીને કલમ રોપવાની વાત એટલે લગ્ન માટે એક
કન્યાનું ધર્મપરિવર્તન કરાવવું અને કાળી બિલાડીથી ચિત્રકારને ડર લાગવો એટલે
બંદીવાન પત્ની તરફથી સંભવિત હુમલાની દહેશત અનુભવવી. સારી વાર્તા.
ઠંડી આગ (પન્ના ત્રિવેદી):
જન્મભૂમિમાં જ પારકાં થઇ ગયેલાં કાશ્મીરી પંડિતોની પીડાનું
આલેખન. કાશ્મીરની ધરતી પર ઉછરેલો નાયક જિંદગીભર ભાગતો જ રહ્યો છે, સ્થૂળ રીતે
જન્મભૂમિથી વિખૂટો પડેલો નાયક પછીથી સૂક્ષ્મ રીતે ક્યાંયનો થઇ શક્યો નથી, પ્રેમિકા
ઉમાનો પણ નહીં. કાશ્મીરની ધરતી પરથી વિસ્થાપિત થયેલો નાયક બેન્કની ગુજરાતની
શાખામાં બનેલા એક મિત્ર મોહનની મુલાકાત લે છે. અહીં જેને એણે છેહ દીધો હતો એ ઉમાની
મુલાકાત થાય છે. અહીં સ્થૂળ રીતે કશું બનતું નથી, મુલાકાત દરમિયાન ફલેશબેકમાં સંપૂર્ણ વાર્તા આકાર
લે છે. સારી વાર્તા.
રીત (હરીશ મહુવાકર):
પહાડી પ્રદેશમાં ટ્રેકિંગ માટે ગયેલા ચાર યુવાનો મેટ્રો શહેરમાં ઉછર્યા છે. બાળપણમાં એમની માતાઓ
દ્વારા કહેવાતી પુરાણોની કે પંચતંત્રની વાર્તાઓમાં એમને રસ પડતો ન હતો. એમને તો રસ
પડતો હતો મોબાઈલ પર જોવા મળતી વિવિધ પ્રકારની વિડીયો ગેમોમાં. જીવનમાં પહેલી વાર
પ્રાકૃતિક સૌંદર્ય જોઇને એ નવયુવાનો ભાન ભૂલી અકસ્માતનો ભોગ બન્યાં. આવા કિસ્સાઓ અવારનવાર
બનતાં રહે છે. સારી વાર્તા.
વિશેષ નોંધ: હરીશ મહુવાકરની આ વાર્તા “રીત” આ અગાઉ એતદના
એપ્રિલ-જૂન ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકી છે. એક જ વાર્તા બે જુદા જુદા સામયિકમાં
પ્રસિદ્ધ થાય છે એવો વધુ એક કિસ્સો પણ ધ્યાનમાં આવ્યો છે, આ બંને કિસ્સાઓને સાંકળી
લેતી એક સ્વતંત્ર પોસ્ટ ટૂંક સમયમાં મૂકાશે.
--કિશોર પટેલ, 12-03-22; 09:44
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment