શબ્દસર ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૬૫૩ શબ્દો)
ગંજુની દ્રૌપદી (વિજય સોની):
શીર્ષક પરથી સૂચિત થાય છે કે વાર્તામાં કોઈ વિશિષ્ઠ
વ્યક્તિત્વની વાત હશે. પણ એમ થતું નથી. વાર્તામાં વેશ્યાવ્યવસાય કરતી એક સામાન્ય સ્ત્રીની
વાત કહેવાઈ છે.
જીવનનિર્વાહના સંઘર્ષમાં અપૂરતી સજ્જતાને લીધે આજીવિકા
રળવાના પર્યાયો સીમિત રહેતાં હોય છે. ગંજુ અભણ છે, ચાનો કારીગર છે, મામૂલી રોજ પર
ચાની દુકાને નોકરી કરે છે. બીડી-દારૂનું વ્યસન એને વળગેલું છે, પત્ની અને બાળક સહિત ત્રણ જણાનું
કુટુંબ એના બસો રૂપિયા રોજમાં નભી શકતું નથી. આવકમાં ટેકો કરવા ગંજુની પત્ની
વેશ્યાવૃત્તિ કરે છે, ગંજુ આ વાત જાણે છે. પુરુષ તરીકે ગંજુનો અહમ પત્નીનું આવું
કામ કરવું સ્વીકારતો નથી. આમ છતાં પડ્યા પછી પણ તંગડી ઊંચી રાખવા સ્ત્રી ઉપર એ હાથ
ઉગામી લે છે, ગાળગલોચ કરવામાં એ સંકોચાતો નથી. નિમ્ન સ્તરનું જીવન જીવતાં લોકોનું
અધિકૃત લાગે એવું આલેખન વાર્તામાં થયું છે, સરસ, પણ આપણી અનેક વાર્તાઓમાં આવું આવી
ગયું છે.
વાર્તામાં ગંજુનું પાત્રાલેખન સરસ થયું છે. ચાની દુકાને
દુકાનના માલિક પપ્પુ દ્વારા પોતાના જ મહત્વના કારીગર ગંજુનું રેગિંગ થતું
રહે છે. એનું જોઇને ઉપસ્થિત અન્ય ગ્રાહકોને પણ ગંજુનું સતામણી કરવાનું સીધું કે
આડકતરું પ્રોત્સાહન મળે છે. દુકાને થતી આવી સતામણી ગંજુ સહન કરી લે છે અને પછી
પોતાની હતાશા ઘેર જઈને એ પોતાની સ્ત્રીની મારઝૂડ કરીને કાઢે છે. જો કે એમાં પણ એની
પત્ની વડે થતાં પ્રતિકારના કારણે એ સફળ થતો નથી. આ પ્રકારના પાત્રો આપણી વાર્તાઓમાં ઘણાં આવી ગયાં, આમાં કોઈ નવીનતા નથી.
વાર્તાના ઉધાર પાસાં:
૧. પહેલા પુરુષમાં કહેવાતી વાર્તા અચાનક ત્રીજા પુરુષમાં
એટલે કે સર્વજ્ઞ મોડમાં જતી રહે છે! આ પ્રતિભાશાળી લેખક તરફથી આવી ચૂક થાય એ વાત
સમજવી મુશ્કેલ છે.
૨. વાર્તાના સ્પષ્ટપણે બે હિસ્સા પડી જાય છે, બંને હિસ્સાને
એકબીજા જોડે લાગતુંવળગતું નથી! સોનીની દુકાનેથી માલિકનો છોકરો પિતાના કહેવાથી ચા
લાવવા ગયો, ચાની દુકાને ઓર્ડર આપ્યા પછી ચા બને અને તે લઈને એ પોતાની દુકાને જાય
ત્યાં સુધી ચાની દુકાને બનતી ઘટનાઓ સ્વયં એક અલગ વાર્તા છે. ગંજુના ઘેર બનતી ઘટના
વળી એક જુદી જ વાર્તા છે. આમ આ વાર્તાના બે ટુકડા કરી નખાય તો પણ બંને હિસ્સાઓ
સ્વતંત્ર વાર્તાઓ તરીકે ચાલી જાય એવું છે!
૩. શીર્ષક અનુચિત છે. ઉત્તર પ્રદેશ તેમ જ દેશના ઉત્તર-પૂર્વ
તરફના ભાગોમાં છોકરીઓના ‘દ્રૌપદી’ અને છોકરાઓના ‘દુર્યોધન’ જેવા નામ આજે પણ
પાડવામાં આવે છે. પુરાણકથા મહાભારતમાં દ્રૌપદીનો ઉલ્લેખ એક પ્રસંગે કર્ણ ‘વેશ્યા’
તરીકે કરે છે. અહીં ગંજુની પત્નીના નામકરણ પાછળ કંઇક આવો જ સીમિત તર્ક હોય એવું
જણાય છે જે મહાભારતની નાયિકા માટે અન્યાયકર્તા છે.
શું આ વાર્તાને તાર્કિક આકાર આપી શકાય એવું છે?
હા, એક કરતાં વધુ રીતે.
૧. સંપૂર્ણ વાર્તા સર્વજ્ઞ મોડમાં લખાય.
૨. સંપૂર્ણ વાર્તા પહેલા પુરુષમાં જ કહેવાય. વાર્તાનો કથક સોળ-સત્તર વર્ષનો એક તરુણ છે.
દુકાન પરની ઘટનાનું વર્ણન એની દ્રષ્ટિએ સરસ થયું છે. આ કથકને સરળતાથી ગંજુના ઘેર મોકલી શકાય. ગંજુ
અથવા એની સ્ત્રીએ નજીકના ભૂતકાળમાં કથકના પિતાની દુકાને કોઈ નાનુંમોટું ઘરેણું
કરાવ્યું હોય જેનાં થોડાંક પૈસા બાકી હોય. એની ઉઘરાણી દુકાને વસૂલ ના થાય એટલે
નાછૂટકે કથકે ગંજુના ઘેર જવું પડે. ત્યાં બનતી ઘટનાઓ એ પોતાની ભોળી નજરે જોઇને
એનું વર્ણન કરી શકે.
૩. શીર્ષક બદલી નાખવું.
૪. શીર્ષક છે એ જ રાખવું હોય તો એને સાર્થક બનાવવું રહ્યું.
દ્રૌપદીના પાત્રાલેખનમાં મહત્વનો ફેરફાર કરવો ઘટે. એને વેશ્યાવૃત્તિ નહીં અન્ય કોઈ
કારણથી પરપુરુષ જોડે સંબંધ રાખતી બતાવી શકાય. પતિની નીરસતા અને પૌરુષહીનતા જેવા
કારણો જૂનાં થઇ ગયાં. ધારો કે ગંજુનો એક ભાઈ માનસિક અક્ષમ છે, ગંજુ સિવાય એનો કોઈ
આશરો નથી. એની જાતીય વૃત્તિઓનું સમાધાન ગંજુની પત્ની સ્વેચ્છાએ કરી આપતી હોય અને
જાણવા છતાં ગંજુ અજાણ્યા હોવાનો ઢોંગ કરતો હોય એવું બતાવી શકાય. અથવા પતિની
સૂચનાથી પત્ની ઉદાર ચિત્તે તેવું કરતી હોય. આવું કંઇક થઇ શકે તો શીર્ષક ‘દ્રૌપદી’ સાર્થક
થાય અને એક સંઘેડાઉતાર નવી વાર્તા આકાર લઇ શકે.
વિજય સોની આપણી ભાષાના પોંખાયેલા પ્રતિભાશાળી વાર્તાકાર છે.
સંગ્રહમાં સંકલિત કરતાં પહેલાં આ વાર્તાના પુનર્લેખન વિષે તેઓ વિચાર કરે એવું આપણે
ઇચ્છીએ.
--કિશોર પટેલ, 04-04-22; 09:14
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment