બુદ્ધિપ્રકાશ ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ
(૨૫૬ શબ્દો)
મમ્મી (પ્રિયંકા જોશી):
મા-દીકરી સંબંધની વાત. દીકરીને માતાના અવસાનના ખબર મળે છે
ત્યાંથી વાર્તાનો પ્રારંભ થાય છે. માતાની અંતિમયાત્રા નીકળે એની સાથે વાર્તાનો અંત
આવે છે. દરમિયાન ફલેશબેકમાં માતા જોડેના થોડાંક પ્રસંગોની સ્મૃતિઓથી બંને વચ્ચેના
સંકુલ સંબંધોનું આલેખન થયું છે.
વાર્તામાં લેખકે એકમેકથી વિરુદ્ધ લક્ષણો ધરાવતાં બે
પાત્રોને ભાવક સમક્ષ મૂકી આપ્યાં છે. બંને પાત્રોની વિલક્ષણતાઓનું આલેખન અહીં થયું
છે. માતા સુંદર છે, દીકરી સહેજ કદરૂપી છે. દીકરીને ખબર પડે કે પોતે માતાની સગી
દીકરી નહીં પણ દત્તક લેવાયેલી છે એ પછી એના વ્યવહારમાં ફરક આવે છે. દીકરીની અસ્થિર
થયેલી માનસિક સ્થિતિની સારવાર કરાવવાને બદલે એને હોસ્ટેલમાં મોકલી આપીને પરિવારથી
દૂર કરવામાં આવે છે. પરિણામે ભાવનાત્મક રીતે નાયિકા પાલક માતા-પિતાથી દૂર થતી જાય
છે.
પાલક માતાપિતાનો દીકરી પ્રત્યેનો અભિગમ ગુલાબના છોડના
પ્રતિક દ્વારા વ્યક્ત થયો છે. પિતા એને નિયમિત ખાતર-પાણી આપતાં પરંતુ તેની ડાળીઓ
લંબાવવા મથે ત્યારે તેને કાપીને ટૂંકી કરી નાખતા. ફૂલોની સુગંધને ચાર આંખોની
ચોકીમાં રહેવાનું! આમ પિતા દીકરીના સ્વાભાવિક વિકાસને નિયંત્રિત કરતા હતા.
જેમ દીકરી માતા સાથે જોડાઈ શકી નથી એમ માતા પણ દીકરી સાથે
જોડાઈ શકી નથી. સાસુ અને પતિના મૃત્યુ પછી એકમાત્ર સ્વજન એવી દીકરી પાસે આવીને
રહેવાને બદલે એ ફરીથી પરણવાનો વિચાર કરે છે. અહીં સ્પષ્ટ થાય છે કે બેઉ વચ્ચે કેવળ
ઔપચારિકતા બચી છે. એ સમયે નાયિકા માતા
જોડેની વોટ્સએપ ચેટ ભૂંસી નાખીને સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યાનો સંકેત આપે છે.
મૃત્યુ જેવી મોટી ઘટના છે. સૂક્ષ્મ સ્તરે સંઘર્ષ પણ છે. વાર્તા
સાદ્યંત વાચનક્ષમ છે. નાયિકા સંબંધને ક્યાં સુધી લઇ જાય છે એ જાણવાની ઉત્સુકતા રહે
છે. આ લક્ષણને વાર્તાનું જમાપાસું કહી શકાય.
-કિશોર પટેલ, 18-11-21 10:55
###
No comments:
Post a Comment