Sunday, 14 November 2021

મમતા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

મમતા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૪૪૮ શબ્દો)

આ અંકમાં વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની થોડીક સન્માનિત વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે.

વરધી પ્રમાણે (ગિરીશ દાણી): વૈજ્ઞાનિક કપોળકલ્પિત કથા. બગડેલાં માનવઅંગોને સર્જરી વડે દૂર કરીને એની જગ્યાએ અન્ય માનવજીવના સાજાંસમાં અંગો બેસાડી આપવા (ટ્રાન્સપ્લાન્ટ) ની વાત.  આમાં નવું કશું નથી. નવું એ છે કે સાજાં અંગો જેમણે દાનમાં આપ્યાં એ લોકોનું શું થાય છે? અહીં ખેલાય એક ખતરનાક ખેલ. જો કે વાર્તામાં આ વિચારને યોગ્ય રીતે બહેલાવી શકાયો નથી. વાર્તામાં સંઘર્ષ નથી; છે કેવળ ખુલાસાઓ.     

દુર્ગા (નરેન્દ્ર જોશી): સ્ત્રીસશક્તીકરણની વાત.  અગિયારમા ધોરણમાં ભણતી એટલે કે સત્તર-અઢાર વર્ષની નિ:શસ્ત્ર છોકરી એક પોલીસ ઓફિસરની હત્યા કરી શકે? અપવાદાત્મક સ્થિતિમાં એવું થઇ શકે. હત્યાના એ દ્રશ્યનું વર્ણન જો વાર્તાકારે વિગતવાર રજૂ કર્યું હોત તો માનવામાં આવત.  ખેર, આ છોકરીનું નામ એક વાર “દેવિકા” (દેવુ) અને પછી “દુર્ગા” કહેવાય છે.  વાર્તાનું શીર્ષક આ પાત્રના નામ પરથી પાડ્યું છે. આમ છતાં  લેખકે વાર્તા લખ્યા પછી બીજી વાર વાંચીને મઠારવાની તસ્દી લીધી નથી. બહુ ખરાબ કહેવાય.   

જીવતરનો ઉજાસ (સંગીતા તળાવિયા): ગામના પાદરે વૃક્ષની ડાળીએ બાંધેલાં હીંચકામાં બાળક મૂકીને અજાણી સ્ત્રી મૃત્યુ પામી. અનાથ બાળકને ગામના સરપંચે દત્તક લીધું. ખાધુંપીધું ને મોજ કરી. કોઇ શંકા નહીં, સંઘર્ષ નહીં. આવી જમાના જૂની વાર્તા એટલે આજે તો અવાર્તા.

કુળદીપક (રિદ્ધિ અનંતકુમાર મહેતા): લિંગભેદની વાત. રીક્ષાડ્રાઈવર જેવા પુરુષોના આધિપત્યવાળા ધંધામાં પગપેસારો કરીને જીવી એક રીતે વિદ્રોહની મશાલચી બની હતી. દીકરાની આશામાં વારંવાર ગર્ભ ધારણ કરતી એક સ્ત્રી પાસે એ બળવો કરાવી શકતી નથી. તળપદી બોલીનો પ્રયોગ સારો.

લેડી ગોદાઈવા (અરવિંદ રાય): પ્રજા પરના કરવેરા ઓછાં થાય એ માટે નિર્વસ્ત્ર સ્થિતિમાં નગરચર્યા કરવાની શરત સ્વીકારતી એક કાઉન્ટેસની દિલેર કહાણી. જૂની શૈલીની ભાષાનો પ્રયોગ થયો છે. રજૂઆત સામાન્ય.

વસિયત (નિકુંજ રમેશચંદ્ર દેસાઈ): સંતાનો તરફથી ઉપેક્ષિત વડીલ એવું વસિયતનામુ કરી જાય છે કે રહીસહી મિલકત સંતાનોના હાથમાં ના જતાં દાનપુણ્યમાં વપરાય.  રજૂઆત સામાન્ય.

પહેલો પુરુષ એકવચન (જગદીશચંદ્ર ત્રિવેદી): કોઇ માણસ જીવલેણ અકસ્માતમાંથી જાય પણ એના ચહેરાનો આખો નકશો જ બદલાઇ જાય તો? વાર્તાનો વિષય સારો છે પણ એનો વિસ્તાર થયો નથી. 

પ્રતીક્ષા (અમિત પુરોહિત): ભવોભવની પ્રીત જેવો જૂનો વિષય, સામાન્ય રજૂઆત. 

દોઢસો વીઘાનો ખાતેદાર (ભરત ચક્લાસિયા): પુત્રને કેળવણી આપવા પિતાનો સંઘર્ષ. રહસ્ય સારું જળવાયું છે.

માસ્ક (નીલા ભરત સંઘવી): પતિની ઉપેક્ષાના કારણે કંટાળેલી નાયિકા એક ગ્રુપમાં જોડાય છે. અંતની ચમત્કૃતિ અનપેક્ષિત છે. સરસ રચના.

પરેશની પરુ (તરલા રાજેશ જોશી): સામાન્ય અપરાધકથા.

ખાલી ચણો (લતા હર્ષદકુમાર ભટ્ટ): એક લેખક પોતાના જ લખાણોના વખાણ કરે એવી સામાન્ય વાર્તા. સ્પર્ધાના નિયમો જોડે મેળ બેસાડવા શીર્ષક જબરદસ્તી ઠોકી બેસાડ્યું છે, વાર્તાના વિષયવસ્તુ જોડે એનો સંબંધ નથી. 

તેડું (મૌલિક દિલીપકુમાર પરમાર): સામાન્ય ભૂતકથા.

ઉપસંહાર: સ્પર્ધાના નિયમો પ્રમાણે “હા, હવે.” અને “તમે જુઓ તો મોઢાં પરથી માખ ના ઊડે.” જેવા અમુક વાક્યો વાર્તામાં હોવા જરૂરી હતાં. આ અંકની એક પણ વાર્તામાં એવા વાક્યોની ઉપસ્થિતિ સ્વાભાવિક જણાઈ નથી. લગભગ બધી જ વાર્તાઓમાં આ વાક્યો વસ્ત્રો પર થીંગડાં માર્યાં હોય એવાં જણાય છે.

--કિશોર પટેલ, 15-11-21; 10:10

###   


No comments: