નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૧૯ શબ્દો)
ગુરુદક્ષિણા (ગિરીશ ભટ્ટ):
પ્રેમને ક્યાં રાય-રંકની દીવાલો નડતી હોય છે? સમાજના નીચલા
તબક્કાની કન્યા એવું સ્વપ્નું જોઇ બેઠી જે ક્યારેય સાકાર થવાનું ન હતું. હવેલીની
નોકરાણીની દીકરી વિરાજ અને હવેલીના રાજકુંવર વચ્ચે એક સમાનતા હતી: ચિત્રકળા
પ્રત્યેનો શોખ. કુંવર સૌજન્યશીલ હતા, વિરાજમાં ચિત્રકળા પ્રત્યેની લગન જોઇને તેને
ચિત્રો દોરવાનું પ્રોત્સાહન આપ્યું હતું, લગીર માર્ગદર્શન પણ આપ્યું હતું. ભોળી
અને મુગ્ધ વિરાજ કુંવરજીને મનોમન ચાહવા લાગી. પણ એનો પ્રેમ એકપક્ષી હતો. કુંવરજી
તો પહેલેથી જ એક વિદેશી કન્યા માર્ગારેટ જોડે પ્રીતના દોરે બંધાયેલા હતા. વિરાજના
જીવનમાં આવેલી કસોટી જુઓ: કુંવર અને માર્ગારેટના લગન નિમિત્તે એમનો ઓરડો
શણગારવાનું કાર્ય એના માથે આવ્યું. પ્રામાણિકતાથી એ કાર્ય પાર પાડીને પ્રેમભગ્ન
વિરાજ કુંવરજીના દાદીમાને કહે છે: મેં ગુરુદક્ષિણા ચૂકવી દીધી.
એક જુદા પરિવેશની વાર્તા. ઈતિહાસજમા થઇ ગયેલા રાજા-રજવાડાંનાં
સમયની ઝાંખી કરાવતી વાર્તા.
સાંજ (અજય સોની):
જીવનના ખાલીપાની વાત. બે સ્ત્રીઓના જીવનની સ્થગિત થઇ ગયેલી
એક સાંજનું શબ્દચિત્ર. આ વાર્તામાં સ્થૂળ અર્થમાં કોઇ ઘટના નથી. બે પાત્રો વચ્ચે
એક શબ્દની પણ આપ-લે થતી નથી. આમ છતાં સૂક્ષ્મરૂપે એક મોટી ઘટના બની જાય છે. બંને
સ્ત્રીઓ વચ્ચે ચાલેલું અશબ્દ યુદ્ધ સમાપ્ત થઇ જાય છે અને સુલેહની ઝંડી ફરકવા માંડે
છે.
આ બે સ્ત્રીઓ એટલે મા-દીકરી. વૃધ્ધાનો પતિ હયાત નથી. યુવાન
સ્ત્રી એટલે કે વૃધ્ધાની દીકરીના જીવનમાં કોઇ કાળે એક પુરુષ આવેલો પણ એ એક વાર ગયો
પછી પાછો આવ્યો નથી. વૃધ્ધા દીકરી ઉપર સતત ચાંપતી નજર રાખે છે. ક્યાંક એ ભાગી ના
જાય! બંને સ્ત્રીઓ શેરીમાં કોણ આવે છે કોઇ આવે છે કે નહીં એની તપાસ કરતી રહે છે.
કોઇ સ્કૂટરનો અવાજ સાંભળતાં જ બંને ચોંકે છે: દીકરીનો પ્રેમી/પતિ પાછો આવ્યો છે?
પાડોશમાં એકલો રહેતો એક વૃદ્ધ એટલે સમાજનો પ્રતિનિધિ. એની
નજર આ મા-દીકરી પર સતત રહે છે.
એક સાંજે યુવાન સ્ત્રી સેટી પર વૃદ્ધ સ્ત્રીની બાજુની
બેઠકમાં બેસે છે ત્યારે હકીકતમાં એ સત્ય સ્વીકારી લે છે કે એનો પ્રેમી/પતિ પાછો
આવવાનો નથી.
વાર્તાકારે અંતમાં સરસ વળાંક આપ્યો છે. જે સાંજે યુવાન સ્ત્રી સત્ય સ્વીકારી લે એ જ
સાંજે ગલીમાં એક છોકરો બંધ પડેલું સ્કુટર ચાલુ કરવાની મથામણ કરે છે. એ ફક્ત સ્કુટર
ચાલુ નથી કરતો, બંને સ્ત્રીઓનાં જીવનમાં એક નવી આશા પણ જગાવે છે.
સલીથો (એકતા નીરવ દોશી):
ફેન્ટેસી વાર્તા. નાયિકાને કબાડીની દુકાનેથી એક જાદુઇ અરીસો
મળી જાય છે. આ અરીસો ભ્રમણાની દુનિયાનું સર્જન કરે છે. એક-બે દિવસ ભ્રામક
દુનિયામાં રાચ્યા પછી નાયિકાનું મન તૃપ્ત થઇ જતાં એ અરીસાનો નિકાલ કરવા ઈચ્છે છે.
પણ એ જુએ છે કે હવે એની માતા એ અરીસાની દીવાની બની ગઈ છે.
નાયિકા યુવાન છે, એની સામે હજી આખી જિંદગી પડી છે, એને
ભ્રમણાઓના સહારે જીવવાની જરૂર નથી. પોતાનાં સ્વપ્નાં સાકાર કરવાની એનામાં હામ છે.
એની વિધવા અને કંઇક કદરૂપી કહેવાય એવી માતાની વાત જુદી છે. સરસ વાર્તા.
સંધ્યા ટાણું (મોના જોશી):
ઇબ્સનના ડોલ’સ હાઉસની નોરા ફરી એક વાર ગૃહત્યાગ કરે છે.
હા, આ વાર્તામાં પણ પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પીડાતી સ્ત્રી
મોડે મોડે પણ અસંવેદનશીલ પતિનો અને પતિગૃહનો ત્યાગ કરવાની હિંમત ભેગી કરે છે.
કોઈને એમ થાય કે લગ્નના છપ્પન વર્ષ પછી આવું પગલું? પણ કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર. આ વાર્તાને વરિષ્ઠ
નાગરિકની નહીં પણ નારીચેતનાની વાર્તા કહેવી યોગ્ય રહેશે.
લગભગ આખી વાર્તા ટેલિફોન પર સંવાદરૂપે છે. નાયિકાનો સંઘર્ષ
અવશ્ય છે પણ નામમાત્ર. એકંદરે આરોહ-અવરોહ વિનાની સરળ રજૂઆત પામેલી વાર્તા છે.
--કિશોર પટેલ, 02-11-21; 09:32
###
No comments:
Post a Comment