Monday, 22 November 2021

બે વાર્તાઓમાં આશ્ચર્યજનક સામ્યતા

 


બે વાર્તાઓમાં આશ્ચર્યજનક સામ્યતા

પેટા-શીર્ષક:  મેં તમને ક્યાંક જોયા છે!

 

(૭૨૯ શબ્દો)

વર્ષ ૨૦૧૯ માં પ્રસિદ્ધ થયેલી બે વાર્તાઓમાં ગજબનાક સામ્ય જોવા મળ્યું છે. વાર્તાનો વિષય, કથાનક, પાત્રો અને અંત બધાં જ અંગોમાં સામ્ય! અરે, શીર્ષકમાં પણ સામ્ય!  બંને વાર્તાઓ કરુણાંત છે. બંને વાર્તાઓમાં કથકની દીકરીની સખી વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલી છે. ફરક એટલો છે કે એક વાર્તામાં કથકની દીકરી સુખરૂપ છે, જયારે બીજી વાર્તામાં ઘેરથી ભાગી ગયેલી કથકની દીકરીની કોઈ ખબર નથી.

આ વાર્તાઓ છે ગિરીશ ભટ્ટ લિખિત “અંત વિનાની ગલી” (‘પરબ’, મે ૨૦૧૯) અને ધર્મેશ ગાંધી લિખિત “ઘાટ વિનાની ગલી” (જલારામદીપ, નવેમ્બર ૨૦૧૯, દીપોત્સવી વિશેષાંક-૨).

“અંત વિનાની ગલી” માં કથકની દીકરી પરણીને વિદેશમાં સુખી છે. કથક જયારે બનારસ ફરવા જાય ત્યારે ત્યાંની એક ગલીમાં દીકરીની એક સહેલી મળી જાય છે. એ સહેલી એની દીકરી જોડે સંગીત શીખતી હતી. પોતાના ઘરનાં બારણામાં ઊભી ઊભી એ કથકના ચરણસ્પર્શ તો કરે છે પણ પોતાના ઘરમાં આવવાનું કહેતી નથી! જે ગલીમાં એનું ઘર છે એ ગલી બદનામ હોય એવો સંકેત વાર્તામાં અપાયો છે. શક્ય છે કે એ બદનામ  વ્યવસાયમાં પ્રવૃત્ત હોય અથવા તો અન્ય કોઇ કારણે એને સંકોચ થતો હોય.

“ઘાટ વિનાની ગલી” માં નાયકની દીકરી અને એની એક સખી બંને અમુક વર્ષો પહેલાં જોડે જ ઘેરથી ભાગી ગઈ હતી. થોડાંક સમય પછી સહેલીના પિતા નાયકને ખબર આપે છે કે એની દીકરી તો વિદેશમાં સ્થિર થઇ છે, સારી નોકરી કરે છે અને નિયમિતરૂપે ઘેર સારા પૈસા મોકલે છે. જયારે નાયકની ખોવાયેલી દીકરી બનારસમાં સાધ્વીના રૂપમાં એક ઓળખીતાને દેખાઈ આવે છે. દીકરીની શોધમાં નાયક બનારસ જાય છે. ત્યાં એને એક ગલીમાં દીકરીની સખી મળી જાય છે. એ જુએ છે કે વિદેશ ગયેલી કહેવાતી સખી તો બનારસમાં વેશ્યાવ્યવસાય કરે છે! ત્યાંના એક બાવાને નાયક પોતાની દીકરીની છબી બતાવે છે પણ છબી જોઇને બાવો મૌન ધારણ કરી લે છે. નાયક ડરી જાય છે. ભાવક વિમાસણમાં પડે: શું એની દીકરી પણ આસપાસ કોઇ ગલીમાં આવા બદનામ ધંધામાં પડી હશે?

સામ્યતાઓ અને તફાવત:

૧. વાર્તાનો વિષય અને એના દ્વારા થતું વિધાન:  આપણા સમાજમાં દીકરીઓ જોડે દુર્વ્યવહાર પર પ્રકાશ.  

૨. શીર્ષકમાં સામ્ય: “અંત વિનાની ગલી” અને “ઘાટ વિનાની ગલી”.

૩. પહેલી વાર્તામાં દીકરી અને એની સખી જોડે સંગીત શીખતી હતી. બીજી વાર્તામાં બંને સખીઓ નિશાળમાં જોડે ભણતી હતી.

૪. બંને વાર્તામાં દીકરી/સખી ગાયબ થવા અને પત્તો લાગવામાં પાંચ-સાત વર્ષનો ગાળો છે.

૫. બંને વાર્તાઓમાં નાયક બનારસ જાય છે. એક વાર્તામાં ફરવા, બીજીમાં હેતુપૂર્વક.

૬. બંને વાર્તાઓમાં નાયકને દીકરીની સખી બનારસની બદનામ ગલીમાં અનાયાસ મળી જાય છે.

૭. દીકરીની સખીઓ બદનામ વ્યવસાયમાં અથવા તો શંકાસ્પદ સ્થિતિમાં પ્રવૃત્ત હોય એવા સંકેત મળે છે.

૮. પહેલી વાર્તામાં કથકની દીકરી પરણીને વિદેશમાં સ્થાયી થઇ છે અને તેની સખી બનારસમાં બદનામ વ્યવસાયમાં છે એવા ચોક્કસ સંકેત વાર્તામાં છે. બીજી વાર્તામાં કથકની દીકરીનો પત્તો લાગ્યો નથી અને એની સહેલી બનારસમાં છે પણ ચોક્કસ કયા વ્યવસાયમાં પડી છે કે કેવી સ્થિતિમાં છે એના સ્પષ્ટ કે અસ્પષ્ટ કોઇ સંકેત નથી.

૯. બંને વાર્તાઓ કરુણાંત છે. નાયક વિષાદમય સ્થિતિમાં પાછો ફરે છે.

આવું કેમ થયું હશે? આટલું બધું સામ્ય કેવી રીતે ઉદ્ભવ્યું હશે?

શક્યતાઓ:

૧. બંને વાર્તાકારોને સ્વતંત્રપણે આવો વિષય સૂઝ્યો હોય.

૨. પહેલી વાર્તા મે ૨૦૧૯ માં જાહેરમાં પ્રસિદ્ધ થઇ છે. બીજી વાર્તા નવેમ્બર ૨૦૧૯ માં પ્રસિદ્ધ થઇ છે. એવું બની શકે કે બીજી વાર્તાના લેખકે પહેલી વાર્તા વાંચીને પ્રેરણા મેળવી હોય.

૩. એવું પણ બની શકે કે બીજી વાર્તાના લેખકે પહેલી વાર્તા વાંચી હોય અને એ વિગત મગજમાં સચવાઈ હોય અને પછી લખતી વેળા અસંપ્રજ્ઞાતપણે પ્રેરણા મેળવી હોય. એવી સ્થિતિમાં લખનારને સભાનપણે ખ્યાલ ન હોય કે વાર્તા માટેની સામગ્રી પોતાને કયા સ્ત્રોતથી મળી રહી છે.

 

૪. એવું બની શકે કે બંને વાર્તાકારોને દેશ-વિદેશની કોઇ કૃતિ (વાર્તા/નાટક/ફિલ્મ/ટેલીવિઝન સિરિયલ) માંથી પ્રેરણા મળી હોય.

 

શ્રી ગિરીશ ભટ્ટ આપણી  ભાષાના નીવડેલા વાર્તાકાર છે. વળી એમની વાર્તા પહેલાં પ્રસિદ્ધ થઇ છે. ભાઈ ધર્મેશ ગાંધી એક યુવા અને આશાસ્પદ પ્રતિભાશાળી વાર્તાકાર છે,  પ્રયોગાત્મક વાર્તાઓ લખવા માટે જાણીતા છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં અગ્રણી સામયિકોમાં પ્રગટ થયેલી એમની વાર્તાઓમાંથી પસાર થતાં જોવામાં આવ્યું છે કે વાર્તાઓના વિષય અને રજૂઆતમાં નાવીન્ય લાવવાની તેઓ સતત મથામણ કરતા રહે છે.  તેઓ કોઇ વાર્તાની નકલ/ઊઠાંતરી કરી શકે એવું માનવું મુશ્કેલ છે.      

ઉપસંહાર: દેશ-વિદેશનાં કથા-સાહિત્યમાં આવા ચોંકાવનારા દ્રષ્ટાંત આ પહેલાં પણ એકથી વધુ મળી આવ્યા છે જ્યાં બે લેખકોએ સ્વતંત્રપણે એકસમાન જણાતી કૃતિઓને આકાર આપ્યો હોય.

પેટા-ઉપસંહાર: એક સરખી દેખાતી બે વ્યક્તિ જોડકામાં જ જન્મી હોય એ જરૂરી નથી. એમ પણ બને કે બન્ને વ્યક્તિ સંયોગથી એક સમાન દેખાતી હોય અથવા એવું પણ બને કે ચોક્કસ કારણ હોય તેથી સરખી દેખાતી હોય. વળી એવું પણ બને કે મૂળે એ એક જ વ્યક્તિ હોય જે બે જુદી જુદી જગ્યાએ દેખાય અને એક દ્રષ્ટિભ્રમ થાય કે આ બે વ્યક્તિઓ છે!

 

--કિશોર પટેલ, 23-11-21 06:10

###


No comments: