એતદ જુલાઇ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૭૨૭ શબ્દો)
એતદના આ અંકની વાર્તાઓમાં વિષય અને રજૂઆતમાં ખાસું વૈવિધ્ય છે.
પહાડ (વીનેશ અંતાણી):
વિરહવેદનાની વાત. સ્વજન ગુમાવ્યાની પીડાની વાર્તા.
નજીકના ભૂતકાળમાં આ જ સામયિકમાં આ જ લેખકની એક દીર્ધકથા
“રણ” આપણે વાંચી. એ પછી આ બીજી દીર્ઘકથા. આ લેખકને મોટા કેનવાસ પર ચિત્રો દોરવાનું
જેટલું ગમે અને ફાવે છે એટલું જ એ ચિત્રો માણવાનું એમના ચાહકોને પણ ગમે અને ફાવે
છે. “રણ”માં વ્યાપારીકરણ તરફ ઝૂકતી સંસ્કૃતિની વાત હતી, અહીં આ વાર્તામાં લેખક હોમ પીચ પર રમ્યા છે, એમના પ્રિય વિષય એટલે
કે માનવીય સંબંધોનું આલેખનનું થયું છે.
વડોદરાની પૃષ્ઠભૂમિમાં રહેલો કથક કામસર સિમલા-કુલુ-મનાલીનાં
પહાડોમાં આવે અને અહીંની એક સ્થાનિક કન્યા તવલીન જોડે દિલના પેચ લડાવી દે છે. છેતરામણા
પ્રેમસંબંધના પરિણામે જન્મેલી તવલીન પહાડોમાં ઉછરી છે અને પ્રકૃતિપ્રેમી છે.
ડોક્ટર થયેલી તવલીન પોતે કેન્સર જેવા જીવલેણ દર્દની શિકાર બનીને મૃત્યુ પામે છે.
પણ જતાં પહેલાં એ કથકના અને એનાં બે સંતાનોના જીવનમાં ભરપૂર પ્રેમની દોલત મૂકતી
જાય છે.
પૌત્રની જિદ પર તવલીન એને જે વાર્તા સંભળાવે છે એ
હ્રદયસ્પર્શી છે. વાર્તામાં વીનેશ-સ્પર્શ એકથી વધુ જગ્યાએ અનુભવવા મળે છે. વાર્તામાં
આવતાં વળાંકો પણ સરસ છે. આ લેખકની વાર્તા પહેલી જ વાર વાંચતા હોય એમના માટે
મિજબાની છે પણ એમના ચાહકોને નિરાશા સાંપડશે. આ પ્રકારની એક કરતાં વધુ વાર્તાઓ આ નીવડેલા
લેખક પાસેથી મળી ચૂકી છે.
ટાઈમપાસ (સુમન શાહ):
ભાઇ-બહેનના સંબંધની વાર્તા. નોકરી-વ્યવસાય નિમિત્તે વિદેશ (અમેરિકા)માં
સ્થાયી થયેલાં આ ભાઈ-બહેનની જીવનશૈલી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઇ છે. બંનેનો
ભૂતકાળ પીડાદાયી રહ્યો છે. બંનેના જીવનસાથીનું મૃત્યુ કરુણ સંજોગોમાં થયું હતું. એ
પછી એમના સ્વતંત્ર પ્રેમસબંધો બનતાં-તૂટતાં રહ્યાં છે. કરુણતા એ છે કે આ બંનેનું
ઈચ્છિત સુખ ઝાંઝવાના જળની જેમ દૂર દૂર ખસતું રહે છે. આ ભાઈ-બહેનનો આપસી સંબંધ પ્રેમ અને
ધિક્કારનો છે. વાર્તામાં પાશ્ચાત્ય જીવનશૈલીનું બેનમૂન દસ્તાવેજીકરણ થયું છે. આમ વિષય-વસ્તુ
તથા આલેખનની દ્રષ્ટિએ આ વરિષ્ઠ લેખકની આ વાર્તા નોંધનીય બની છે.
એકાવન કટિંગ (નીલેશ મુરાણી):
દાંપત્યજીવનમાં વિખવાદની વાર્તા. આવા પ્રશ્નોનાં ઉકેલ
સમાજના ભિન્ન ભિન્ન સ્તરોએ ભિન્ન ભિન્ન પધ્ધતિએ શોધાતાં હોય છે. આપણે ત્યાં એક
સમયે જ્ઞાતિપંચોની બોલબાલા હતી. આજે સભ્ય સમાજ અદાલતના દરવાજા ખખડાવે છે પણ
ગુજરાતના અને દેશના કેટલાંક અન્ય ભાગોમાં હજી પણ જ્ઞાતિપંચની પરંપરા સક્રિય છે. આ
વાર્તામાં બે જુદાં જુદાં સમાજના પીડિતોનાં પ્રયાસોનો તુલનાત્મક અભ્યાસ થયો છે.
વાર્તાના અંતમાં પ્રશ્ન થાય છે કે સભ્યતાની દિશામાં પ્રગતિ કરતો સમાજ કૌટુંબિક
વિખવાદોના ઉકેલ લાવી શકે છે કે વધુ ગૂંચવી મારે છે? નવી કલમ પાસેથી મળેલી સારી
વાર્તા.
એક મિનીટ (નીલેશ રાણા):
ફેન્ટેસી વાર્તા. લેખક અને પાત્ર વચ્ચે સંવાદ. લેખક એક
પરફેક્ટ મર્ડર સ્ટોરી લખી રહ્યો છે. વાર્તાની નાયિકા પોતાની હત્યા નાનકડી પણ ભૂલ
વિના કેવી રીતે કરી શકાય એનાં સૂચનો આપવાની સાથે સાથે પોતાની હત્યા ના કરવાની
વિનંતીઓ કરીને લેખકને ગૂંચવી રહી છે. અંતનો વળાંક છેક જ અણધાર્યો છે. વિદેશસ્થિત આ
લેખકની પ્રયોગાત્મક સરસ વાર્તા.
ચીસ (પ્રિયંકા જોશી):
સ્વની શોધ કરતી નાયિકા. ઘટના એવી છે કે નાયિકાને જે સ્ત્રી મળવા આવી છે તે જાણીતી પણ છે અને અજાણી પણ છે.
બંને વચ્ચે સંવાદ થાય છે, ચિઠ્ઠીની આપ-લે થાય છે. જીવનમાં એક ક્ષણ એવી આવે છે
જયારે માણસે પોતાની જાતનો જ સામનો કરવો પડતો હોય છે. પોતાનું એ રૂપ પોતાનાથી
કેટલું અજાણ્યું હોય છે! સ્વના સાક્ષાત્કારની વાર્તા. યુવા લેખકની વાર્તામાં આલેખન
સરસ.
અલ-ગો-રિધમ (છાયા ઉપાધ્યાય):
સ્ત્રી-પુરુષના સંબંધની ગણિતિક ભાષામાં અનોખી રજૂઆત. એક નર
અને એક માદા કેવળ વિશુદ્ધ પ્રેમના કારણે એકમેકના સંગીસાથી બને છે પણ પછી સમાજે ઘડી
કાઢેલાં ધારાધોરણમાં અટવાઇ પડે છે. એકાદ સામાન્ય કારણને લીધે મતભેદ થતાં વાત
છૂટાછેડા સુધી પહોંચી જાય છે. વાર્તામાં સામાજિક નીતિનિયમો અંગે કટાક્ષ થયો છે. વાર્તામાં
આવતાં વળાંકો માટે ગણિતની સંજ્ઞાઓનો ખૂબીપૂર્વક ઉપયોગ થયો છે. ઓછા જાણીતા આ લેખકની
વાર્તાઓની શૈલી થોડી હટ કે છે.
તે સાંજ (મનોહર ત્રિવેદી):
માનવીય સંબંધની વાત. કેટલાંક સંબંધ નામ વિનાનાં હોય છે. કથક
અને આકાંક્ષાના સ્નેહસંબંધને ચોક્કસ નામ આપી શકાય એવું નથી. દરેક વખતે નામ આપવાં
જરૂરી પણ નથી. વિશ્વમાં જ્યાં સુધી લાગણીઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી આવાં અનામી
સંબંધો બનતાં-તૂટતાં રહેવાનાં છે.
વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની કરપીણ હત્યા પછી હિંદુ-શીખ
સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસાના પરિણામે આવા અનેક શીખ કુટુંબો વતન છોડીને દેશના
અન્યત્ર ભાગોમાં સ્થાળાંતર કરી ગયાં હતાં. એ રીતે કબીરસિંહ અને એની પત્ની આકાંક્ષા
પણ દિલ્હી-પંજાબથી ગુજરાતના અંતરિયાળ ગામડે આવીને વસ્યાં છે. કથકના પાડોશમાં તેઓ દૂધમાં સાકર ભળે એમ ભળી
ગયાં છે. કથકની દીકરીનું નામ પણ આકાંક્ષા છે. કબીરસિંહની આકાંક્ષા લજામણીના છોડ
જેવી શરમાળ અને સૌમ્ય સ્વભાવની છે. આગળ ઉપર એની ગંભીર માંદગી પછી એક સાંજે બેઉ જણ આકસ્મિક
રીતે અંતરંગ ક્ષણોના સાક્ષી બન્યાં છે. દરેક વખતે ફ્રોઈડની થિયરી સાચી પડે એવું
જરૂરી નથી. ક્યારેક જાતીયતા પર માનવીય લાગણીઓનો વિજય પણ થતો હોય છે. સરસ વાર્તા.
--કિશોર પટેલ; 11-11-21 11:32
###
No comments:
Post a Comment