કુમાર ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૪૦ શબ્દો)
જીવનસંગી (રમેશ ર. દવે):
સ્ત્રી-પુરુષ સહજીવનમાં એક નવી વાત. એક પુરુષ જોડે એક સ્ત્રી
એવી પારંપારિક લગ્નવ્યવસ્થાને પડકાર આપતી વાત. એક લગ્નવિષયક જાહેરખબરના
પ્રતિસાદમાં ત્રણ સખીઓ લગ્નોત્સુક પુરુષને મળવા એક સાથે જાય છે. પુરષ નક્કી કરી
શકતો નથી કે પોતાને કઇ ઉમેદવાર પસંદ પડી છે. ત્રણે સખીઓ પ્રસ્તાવ મૂકે છે કે થોડો
સમય સહુ ભેગાં રહીએ એટલે નિર્ણય લેવામાં સરળતા રહે. પરિણામે એક પુરુષ અને ત્રણ
સ્ત્રીઓ પ્રયોગાત્મક રીતે એક જ ઘરમાં જોડે રહે છે.
માતાપિતા અવસાન પામ્યા પછી ભાઈભાંડુ કે અન્ય કોઇ સંબંધી ના
હોવાથી નંદકિશોર લાંબો સમય એકલો જ રહ્યો છે. પચાસની વયે નોકરીમાંથી
સ્વેચ્છાનિવૃત્તિ લઈને ઈચ્છા મુજબ લહેરથી જીવે છે. ત્રણે સખીઓ પણ એક યા બીજા
કારણથી અપરિણીત રહી છે. નંદકિશોરના મુક્ત વિચારોથી ત્રણે સખીઓ એના પ્રત્યે આકર્ષાઈ
છે. નંદકિશોર પણ એમની ભાવનાઓની કદર કરે છે.
આ રીતે આ લોકો કેટલો સમય રહેશે એ કોઇ જાણતું નથી. ત્રણે
સ્ત્રીઓ વચ્ચેની મૈત્રી જોતાં એવું પણ બને કે એ સહુ કાયમી ધોરણે સમૂહમાં રહે. સમાજમાં
એક નવી શરૂઆતની ક્રાંતિકારી વાત.
શોધ (સંજય ચૌધરી): કોલેજમાં ભણતી એક કન્યા ગૂમ થઇ છે. કન્યાના પિતા રાજકારણી નેતા છે. પોલીસ,
કોલેજના સત્તાવાળાઓ કે રાજકારણી નેતાના માણસો શિવાનીને શોધી શકતાં નથી. શિવાનીનું
અપહરણ થયું છે? કે પછી સ્વેચ્છાએ અદ્રશ્ય થઇ ગઈ છે?
વાર્તા કેટલાંક મુદ્દા ઊભાં કરે છે. આજે બે પેઢી વચ્ચે
સુસંવાદ કેમ નથી? શિક્ષણ આપવાં ઉપરાંત
કોલેજની અન્ય કોઇ જવાબદારીઓ છે? સામાન્ય નાગરિકના હક્કોને અવગણવાની મંજૂરી
રાજકારણીઓને કોણ આપે છે? સારી વાર્તા.
--કિશોર પટેલ, 20-11-21; 09:52
###
No comments:
Post a Comment