Saturday, 6 November 2021

શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ:

(૪૩૭ શબ્દો)

ઓળખાણ (કેશુભાઈ દેસાઈ):

સંબંધોના આટાપાટા. એક નિ:સંતાન દંપતી અનાથ બાળકીને દત્તક લઇને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે જયારે બીજી તરફ એક વહેમી પુરુષ પોતાની પત્નીના ચારિત્ર્ય વિષે શંકા કરીને એની એવી પ્રતાડના કરે કે પીડિતા સગર્ભા સ્થિતિમાં ગૃહત્યાગ કરવા મજબૂર થઇ જાય. આમ બે સામસામા છેડાના ઉદાહરણો મૂકીને આ વરિષ્ઠ લેખક માનવીય સ્વભાવ અંગે એક વિધાન કરે છે.     

ઓણુંકો અસાઢ (ઉષા ઉપાધ્યાય):

માણસ ધારે છે કંઇ અને થાય છે કંઇ. ગામડાનાં વાતાવરણમાં ઉછરેલી નાયિકાને પતિની નોકરી નિમિત્તે શહેરમાં વસવું પડે છે. પણ એનું મન તો ફરીથી ખેતરોને વાડીમાં જઇને વસવાના મનસૂબા કરે છે. સસરાના મૃત્યુ પછી જમીનની દેખભાળ નાયિકાનો પતિ કરે છે. મોટા ભાગનું કામ સાથીને સોંપ્યા પછી પણ એણે નાનાંમોટાં કામ માટે ચારસો કિલોમીટર દૂર ગામડે વારે વારે દોડવું પડે છે. દોડધામથી કંટાળીને એ ગામડા તરફ બદલી માંગે છે. એના સંપર્કોને કારણે એને બદલી મળી પણ જાય છે. હવે નાયિકા ફરી ગામડે જઇને વસવાની મીઠી કલ્પનામાં રત હોય ત્યારે એનો પતિને આશ્ચર્યનો આઘાત આપે છે.

જમા પાસું: જમીન વેચી નાખવા જેવો અગત્યનો અને મોટો નિર્ણય લેતાં પહેલાં પતિ પોતાની પત્નીને વિશ્વાસમાં લેતો નથી. પિતૃસત્તાક માનસિકતાનું આ એક લક્ષણ આ વાર્તામાં અધોરેખિત થાય છે.  

ઉધાર પાસું: વાર્તાના અંતમાં ચમત્કૃતિ છે પણ એ અસ્વાભાવિક લાગે છે, કેવળ આઘાત આપવા જ એનું સર્જન થયું છે. નાયિકાનો પતિ આવું કરી શકે એવો કોઇ સંકેત વાર્તામાં અપાયો નથી. એ  ગામડાની જમીન વેચી નાખે છે અને બદલી રદ્દ કરાવશે એવું કહે છે. પત્ની પાસે એ એવો ખુલાસો આપે છે કે હવે ખેતરના કાદવ-કીચડમાં પગ મૂકવાનું મન થતું નથી. ભલા માણસ, બદલી કરાવવા દોડાદોડી કોણે કરી? નાયિકાએ તો પતિને ક્યારેય એવું કહ્યું નથી કે તમે બદલી કરાવો. ખેતીના કામથી એ સતત ગામડે આવજા કરે છે પણ ક્યારેય એને કંટાળતો બતાવાયો નથી. નાયક જે કારણ આપે છે તે ગળે ઉતરે તેવું છે પણ વ્હાઈટ કોલર નોકરી કર્યા પછી ખેતીકામ માટે એને અણગમો છે એવું ક્યાંક તો કહેવાવું જોઈતું હતું. આમ અંત અનપેક્ષિત અને અકુદરતી લાગે છે. 

સમાધાન (જગદીપ ઉપાધ્યાય):

નિશાળમાં છાયાટીચર નાનીનાની વાતમાં સ્પોર્ટ્સટીચર અશોક વ્યાસ જોડે પંગો કેમ લેતાં હતાં? સરસ હાસ્યવાર્તા. અણધાર્યો પણ મઝાનો અંત!

આ લેખકનું છએક મહિના પહેલાં કોરોના મહામારીમાં અવસાન થઇ ગયું છે. એમના અવસાન પછી પ્રસિદ્ધ થયેલી “વસવસો” (પરબ, મે ૨૦૨૧) અને “જોગી” (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧) એમ બે વાર્તાઓ પછી આ એમની ત્રીજી વાર્તા છે. ત્રણે વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સારું છે અને રજૂઆત ઊડીને આંખે વળગે એવી નમૂનેદાર છે.

માની ગોદડી (યોગેન્દ્ર વ્યાસ):

હાલમાં જ અવસાન પામેલા સાહિત્યકાર સ્વ. યોગેન્દ્ર વ્યાસની આ કૃતિ “માની ગોદડી” શા માટે “વાર્તાસૃષ્ટિ” વિભાગમાં મૂકાઈ હશે એ એક કોયડો છે. આ કૃતિ એક સ્મૃતિલેખ છે, માની ગોદડી નિમિત્તે અહીં એમના નાનપણની અને એમનાં સ્નેહીજનોની અનેક મધુર સ્મૃતિઓ શબ્દરૂપ પામી છે. આ રચના વાર્તા તો નથી જ નથી.

--કિશોર પટેલ, 07-11-21; 08:49      

###   


No comments: