પરબ ઓકટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૯૪ શબ્દો)
ઓછાયો (નટવર હેડાઉ):
જિજીવિષા. જીવ કાઢી નાખવો સહેલો નથી. એક વરિષ્ઠ દંપતી આત્મહત્યા
કરવા નીકળ્યું છે. નબળા પૂલ પરથી પસાર થતાં ડોસાને થાય છે કે પોતાના વજનથી ક્યાંક
પૂલ તૂટી પડ્યો તો? લૂલા-લંગડા થઇને જીવવું પડ્યું તો? ડોસો પાછો વળે છે અને
ડોસીને પણ ઘર તરફ પાછી વાળે છે. ડોસી ગુસ્સે થઇને પૂછે: મરવું ન હતું તો મારો ટેમ
કેમ બગાડ્યો?
વાર્તાનો વિષય સારો છે, માવજત પણ સારી છે, પણ વાર્તામાંથી થોડાંક
મુદ્દાઓ ઊભા થાય છે:
૧. “...ત્યાં ખેતરમાં મારી દીકરી સૂતી છે...” મૃત વ્યક્તિ
માટેની આવી અભિવ્યક્તિ ગુજરાતી સાહિત્યમાં છેક જ અસામાન્ય છે, અનન્ય છે, અદ્ભુત
છે, લાજવાબ છે...પણ આમ છતાં કશુંક ખટકે છે, એવું લાગે છે કે જાણે ગુજરાતી નહીં પણ અન્ય
કોઇ ભાષાની વાર્તા વાંચી રહ્યા છીએ.
૨. ડોસો જમવા બેઠો ત્યારે થાળીની સાથે દીકરીએ ખાલી લોટો
મૂક્યો એટલી વાતમાં ડોસો દસ-બાર વર્ષની દીકરીને લોટો છૂટ્ટો મારી દે! દીકરી મરી
જાય પણ ડોસાને અફસોસ ના થાય! ઉલટાનું એ એવું કહે કે ભલે મરી ગઈ, લગ્નનો ખર્ચ
બચ્યો! આવી માનસિકતા કયા પિતાની હોઈ શકે? પિતા દ્વારા સંતાનને અન્યાય થવો છેક જ
નવી વાત તો નથી પણ કોઇ નક્કર અને વ્યાજબી કારણ હોવું જરૂરી છે. કારમી ગરીબીમાં
ભીંસાતો પિતા પણ છેક આવું ના વિચારે. એવું લાગે છે કે જાણે ઉતર પ્રદેશ કે બિહાર
તરફના કોઇ ગામડાની વાર્તા વાંચી રહ્યા છીએ.
૩. આ વાર્તા અપ્રકાશિત નથી, મમતા વાર્તામાસિકના જૂન ૨૦૨૧ અંકમાં
પ્રકાશિત થઇ ચૂકી છે.
અવગતિયો આત્મા (કનુ આચાર્ય):
ગામડાનાં માણસ પહેલી વાર મોબાઇલ ફોન જેવું સાધન જુએ તો કેવી
પ્રતિક્રિયા આપે? મોબાઈલ તો ઠીક ટેલિફોન જેવા સાધનની પણ જાણકારી ના હોય એવાં અભણ
અને પછાત માણસોની વાત આ વાર્તામાં હળવી શૈલીમાં થઇ છે. શહેરમાં નોકરી કરતો દીકરો,
ઘરમાં જુવાન વહુ, સાસરે કમોતે મૃત્યુ પામેલી દીકરી વગેરે પાત્રો અને સામગ્રીનો
વાર્તાકારે સૂઝબૂઝપૂર્વક ઉપયોગ કર્યો છે. સારી વાર્તા.
--કિશોર પટેલ, 05-11-21; 09:46
###
પોસ્ટ કર્યું ફેસબુક વોલ અને વા રે વા ગ્રુપમાં:05-11-21
10:01
No comments:
Post a Comment