શબ્દસર સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૦૫ શબ્દો)
પારિજાત (પારુલ ખખ્ખર):
રસ્તા વચ્ચે ઘાયલ અવસ્થામાં પડેલા જૂના મિત્ર આરવને મદદ ના
કરી શકી એનો રૂપાંદેને અફસોસ છે. એક સમયે આરવે પોતાને દગો આપ્યો હતો એનો બદલો શું
આમ લઇ શકાય? જ્યારે પાછળથી રૂપાંદેને જાણવા મળે છે કે એના પતિ રાઘવે અકસ્માતના
સ્થળે સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડીને આરવનો જીવ બચાવી લીધો છે ત્યારે એના જીવને
શાંતિ થાય છે.
વાર્તાનું શીર્ષક “પારિજાત” સંબંધોના એક પ્રકાર માટેના રૂપક
તરીકે આવ્યું છે. પારિજાતના ફૂલોનું આયુષ્ય અલ્પ હોય છે. રાતે ઉગેલું ફૂલ છોડ પરથી
સવારે ખરી પડે અને સાંજે તો ધૂળમાં મળી જાય. માણસના જીવનમાં કેટલાંક સંબંધો એવાં
અલ્પજીવી હોય છે. રૂપાંદે-આરવનો સંબંધ પારિજાતના ફૂલો જેવો હતો માટે એવા સંબંધ
વિષે અફસોસ ના કરવો જોઇએ એવું એક અન્ય પાત્ર રુપાંદેને સમજાવે છે.
જમા પાસું: વાર્તાનો ધ્વનિ સરસ છે અને રજૂઆત પણ સારી થઇ છે.
ઉધાર પાસું: તુમુલના પાત્રની અહીં શું આવશ્યકતા છે? જે
તત્વજ્ઞાન એ રુપાંદેને સમજાવે છે એ નાયિકાના પતિ તરફથી એને મળ્યું હોત તો વધુ
ઉપર્યુક્ત થયું હોત. આ વાર્તામાં તુમુલ હોય કે ના હોય વાર્તાના મૂળ વિચારમાં ફરક
પડતો નથી. ઉલટાનું, એ જે વાત કરે છે તે એની ઉંમર જોતાં “છોટા મુંહ બડી બાત” જેવું
લાગે છે. તુમુલના પાત્ર વડે એટલું જ સાબિત થાય છે કે નાયિકાની દીકરીને એક ડાહ્યો
અને સમજદાર જીવનસાથી મળ્યો છે. પરંતુ આ વાતથી વાર્તામાં શું ફરક પડે છે? “પારિજાત”
વાળું તત્વજ્ઞાન રુપાંદેના પતિ રાઘવ તરફથી મળ્યું હોત તો એ વધુ યોગ્ય લાગત. આટલી
વાત કહેવા એક વધારાના પાત્રની જરૂર ન હતી. ઉલટાનું, દીકરી અને પતિની ગેરહાજરીમાં
જમાઇ સાસુની સ્નેહભરી સારવાર કરતો હોય એવી વાતથી ગૂંચવાડો થઇ શકે છે.
તુમુલના પાત્રની યથાર્થતા તો જ સાબિત થઇ શકે જો પેલો ઘાયલ
આરવ રુપાંદેની દીકરી માટે તુમુલના બદલે જમાઇ તરીકે એક પર્યાય હોત. આરવ પહેલેથી જ જોખમી
રીતે મોટરસાઈકલ ચલાવતો હતો. તુમુલના પાત્રની યથાર્થતા તો જ સાબિત થઇ શકે જો
રુપાંદેનો પતિ રાઘવ રૂપાંદેની પૂરતી કાળજી લેતો ના હોત. પણ એવું નથી. રાઘવ પોતાની
પત્નીની પૂરતી કાળજી લે છે એવું વાર્તામાં પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. તુમુલે
પારિજાત વિષે કહેલી વાત રૂપાંદેનો પતિ રાઘવ કહી શક્યો હોત, રુપાંદેની દીકરી કહી
શકી હોત, અરે, રુપાંદેને આપમેળે સમજાઈ હોત! સાસુ-જમાઈ વચ્ચે મા-દીકરા જેવો સંબંધ
બતાવવાનું સારું લાગે પણ અહીં તેની આવશ્યકતા નથી. જમાઇ જોડેના સંબંધ વિષે એક સ્વતંત્ર
વાર્તા બની શકે.
ટૂંકી વાર્તામાં બિનજરૂરી કંઇ જ હોવું ના જોઇએ. આવી
બિનજરૂરી વિગતના કારણે વાર્તા અસ્પષ્ટ થઇ જતી હોય છે, મૂળ મુદ્દો ઢંકાઈ જતો હોય
છે.
વિરાટનો હિંડોળો (આરાધના ભટ્ટ):
મા-દીકરાના અને સાસુ-વહુના સંબંધો વિશેની વાર્તા. માતાનું
અવસાન થાય એ પછી સંપૂર્ણ વાર્તા ફલેશબેકમાં કહેવાઇ છે. આ વાર્તા એટલે એક વિદેશી
પુત્રવધુ દ્વારા પોતાની સાસુ માટે થતો ઉલ્લેખ “યોર મા” થી “અવર મા” સુધીની યાત્રા.
વિદેશ જઇને ડોક્ટર બનેલો ગૌરાંગ વિદેશી કન્યા જોડે લગ્ન કરે
એની સામે ગૌરાંગની માતાનો તીવ્ર વિરોધ હતો. વહુનું મોઢું જોવાની પણ માએ ના પાડી
દીધી હતી. પણ લગ્નના છ મહિના પછી જયારે ગૌરાંગ નેન્સી જોડે સ્વદેશ જાય છે ત્યારે ઉષ્માભર્યું
સ્વાગત કરીને માતા વિદેશી વહુને સ્વીકારી લે છે.
વાર્તામાં મા-દીકરા વચ્ચેની સંગીતસેતુની વાત ઘણી જ સરસ રીતે
કહેવાઇ છે. શીર્ષક “વિરાટનો હિંડોળો” એટલે
ગૌરાંગની માતાનું પ્રિય ગીત જે એ ઘરના હિંડોળા પર બેસીને ગાતી. સરસ વાર્તા.
-કિશોર પટેલ, 19-10-21; 06:05
###
No comments:
Post a Comment