એતદ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૫૪ શબ્દો)
આ અંકની વાર્તાઓમાં ખાસું વિષયવૈવિધ્ય છે. વળી સર્વે
વાર્તાઓની રજૂઆત પણ રોચક બની છે.
ઊગીને જાતે ફેલાયેલી ઘટનાને જાણી મેં (સુમન શાહ):
એબ્સર્ડ વાર્તા.
પતિ-પત્ની અને બાળકોથી સભર એક ઘરમાં એક અતિથી-દંપતી આવી
ચઢ્યું છે. આ દંપતી ઘડીકમાં યુવાન બની જાય છે તો ઘડીકમાં વૃદ્ધ: નૈસર્ગિક
પ્રક્રિયાને આહ્વાન. યજમાન અને અતિથી એકમેક સાથે ઝઘડે છે અને વળી પાછાં હેતથી રહે
છે: વિસંગતિ. યજમાન અને અતિથી વચ્ચે અર્થહીન વાર્તાલાપ થયા કરે છે, એકની એક
વાતોનું પુનરાવર્તન થયા કરે છે: નિરર્થકતા. અંત સમયે વળી પાછી આરંભની સ્થિતિ
ઉતપન્ન થાય છે: સૃષ્ટિનું ચક્ર.
આ એબ્સર્ડ પ્રકાર આપણે ત્યાં ઝાઝો ખેડાયો નથી, હાલમાં તો સાવ
ભૂલી જવાયો છે એ સ્થિતિમાં નીવડેલા વરિષ્ઠ વાર્તાકાર તરફથી મળેલી આ વાર્તાનું સ્વાગત
છે.
વિન્ટેજ વિસ્કી (નીલેશ મુરાણી):
ઉર્વશી અને અર્ચના સાસુ-વહુ છે. ઉર્વશી વિધવા છે અને અર્ચના
વિરહિણી છે. અર્ચનાનો પતિ ઘરથી દૂર ફરજ પર ગયો છે. એકાંતની ક્ષણોમાં સાસુ-પુત્રવધુ
મદિરાપાન કરે છે. કઈ મદિરા? સ્પષ્ટતા કર્યા વિના વાર્તાકારે કુનેહપૂર્વક ઘણું બધું
કહી દીધું છે. સરસ વાર્તા.
“જ” થકી કરેલો આપઘાત (કોશા રાવલ):
એક સેમિનારમાં દીપ્તિને લાંબા સમય પછી એક સમયની એની સિનિયર
ઈશિતા મળી જાય છે. પોતપોતાના ઘેર પાછાં ફરવાનો રસ્તો એક જ હોવાથી બંને એક બસમાં
પ્રવાસ કરે છે. આ ઈશિતા એટલે આભાસી વ્યક્તિત્વ ધારણ કરીને જીવતાં લોકોનું એક
પ્રતિનિધિ પાત્ર. એની વાતોમાં “જ” નો વારંવાર થતો ઉપયોગ એના ચરિત્રની લાક્ષણિકતા
પ્રગટ કરે છે. પોતાના માટે ગંભીર ગેરસમજ ધરાવતી આ સ્ત્રી અસલમાં તદ્દન ખોખલી છે. સામાન્યપણે
આવા લોકોની એક ફરિયાદ હોય છે કે કોઈ એમને યોગ્ય રીતે ઓળખી શક્યું નથી. વાર્તાનું
સ્વરૂપ આકર્ષક છે. એક શહેરથી બીજા શહેર સુધીના પ્રવાસમાં વાર્તા કહેવાઈ જાય છે.
પઠનીય વાર્તા.
સમાધાન (ભરત મારુ):
વાર્તાના નાયક રમેશની આર્થિક સ્થિતિ સારી નથી. સંજોગવશાત એણે
સમાધાન કરવું પડે છે. કોની સાથે એણે સમાધાન કરવું પડે છે એ વળી જુદો પ્રશ્ન છે.
વાચનક્ષમ વાર્તા.
અર્ધ્ય (અમૃત બારોટ):
વ્યંજનાપૂર્ણ વાર્તા. અનંતરાયને દેખાવની બાબતમાં સુઘડ
રહેવાનું વળગણ છે. માથાના વાળ અને દાઢી તો ઠીક પણ શરીરે અન્યત્ર ક્યાંય વાળ ના રહી
જાય એની એ ખંતપૂર્વક કાળજી લે છે. એમની આ ટેવ એમને ગાંડપણની હદ સુધી લઇ જાય છે.
પછી તો એમની સ્થિતિ એવી થઈ જાય છે કે જાગ્રત અને અજાગ્રત અવસ્થા વચ્ચેનો ભેદ પણ
ભૂલાઈ જાય છે. સરસ વાર્તા.
માણસ નામે દરિયો (માવજી મહેશ્વરી):
સાંપ્રત સમસ્યાની વાત. આપણા દેશમાં એવી સરકારી યોજનાઓ ક્રમશઃ
અમલમાં મૂકાતી રહે છે કે વિકાસના નામે આપણી સંસ્કૃતિનો ખો નીકળી જાય છે. જમીન સાથે
જોડાયેલાં મૂળ નિવાસીઓ હાંસિયામાં હડસેલાતાં જાય છે. શાંતાબાઈ અને નારાયણ આવાં જ
બે વિસ્થાપિત પાત્રો અહીં છે. જો કે આ બંનેને વિશ્વાસ છે કે જૂનાં દિવસો ફરી પાછાં
આવશે. એટલે જ નારાયણ ક્યાંય ગયો નથી અને શાંતાબાઈ હરીફરીને જૂની જગ્યાએ પાછી આવી
છે.
પડ (રવીન્દ્ર પારેખ):
ફેન્ટેસી વાર્તા. કલ્પના એવી થઈ છે કે મોહન જે ભૂંગળીમાંથી
પાણીના પરપોટા ફેંકે તે ફૂટે જ નહીં. જગતમાં સર્વત્ર પરપોટા જ પરપોટા થઈ જાય છે.
મોહન અને એનો મિત્ર જે પરપોટા બનાવતી ફેકટરીનો માલિક છે એ બંને એવું સમજે છે કે
રહસ્ય ભૂંગળીમાં છે. પણ હકીકતમાં રહસ્ય મોહનના સ્વભાવમાં છે. અપરિગ્રહી સ્વભાવના મોહનને
કંઈ જોઈતું જ નથી. જે દિવસે એ ઈચ્છાઓ કરતો થઈ જશે તે દિવસે એની ભૂંગળીમાંથી બનતાં
પરપોટા ફૂટવા માંડશે.
અહીં અપરોક્ષ રીતે અપરિગ્રહનો મહિમા થયો છે.
--કિશોર પટેલ, 08-11-22; 09:45
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment